છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આખરે આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. અભિતેના આમિર ખાન અને અભિનેત્રી કરિના કપૂર આમાં મુખ્ય ભૂમિકામાં છે. લાંબા સમયથી આ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર #BoycottLalSinghChaddha સતત ટ્રેન્ડ થઇ રહ્યું હતું. તો શું આ માત્ર કોઈ ફિલ્મનો વિરોધ છે કે પછી વાત કૈક બીજી છે, એ જાણવા આપણે પ્રયત્ન કરીશું.
ધારણા મુજબ જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને નબળી શરૂઆત મળી. અહેવાલો અનુસાર આ ફિલ્મને તેમની ધારણા કરતા માત્ર 15-20% જેટલી જ શરૂઆત મળી હતી. પ્રિબુકીંગ પણ ખુબ ઓછું હતું અને દરેક શૉમાં સીટો ખાલી જોવા મળી હતી.
જાણીતા ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે પોતાની લાંબી કારકિર્દીના અનુભવો અને શરૂઆતી શૉના બુકીંગ અને વૉક ઈન જોઈને જ જણાવી દીધું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરવાની નથી. એટલું જ નહિ તેમણે એટલે સુધી જણાવ્યું કે કોરોના કાળ બાદ હમણાં સુધીની બોલીવુડની પહેલી કે છેલ્લી સફળ શરૂઆત મેળવનાર ફિલ્મ માત્ર સૂર્યવંશી જ હતી. અને ભવિષ્યવાણી કરી કે લાલ સિંહ ચઢ્ઢા હોય કે રક્ષાબંધન બંનેમાંથી એકેય સૂર્યવંશીનો રેકોર્ડ તોડી શકશે નહિ.
એથી પણ મહત્વપૂર્ણ વાત જે આ ફિલ્મ ક્રિટીકે કહી એ એ હતી કે, ‘બૉલીવુડે ખોટા બહાનાં શોધવાની જગ્યાએ ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે.”
બોલીવુડે કેમ કરવું જોઈએ આત્મમંથન?
છેલ્લા ઘણાં સમયથી બોલીવુડે કોઈ મોટી સફળ ફિલ્મ આપી નથી. સાઉથ સિનેમાની ફિલ્મો જેવી કે પુષ્પા, RRR, KGJ વગેરે સામે બોલિવુડની ફિલ્મો એકદમ તુચ્છ ભાસતી થઇ ગઈ છે. સાઉથની આવી મોટા બજેટ સિવાયની નાના બજેટની ફિલ્મો પણ બોલીવુડની મોટા બજેટની ફિલ્મો કરતા વધુ કમાઈ જતી હોય છે અને એથીય અગત્યનું એ કે દર્શકોના દિલોમાં વાસી જતી હોય છે.
બોલીવુડની ફિલ્મોમાં હવે અભિનય અને મનોરંજન ઓછો અને પ્રોપગેન્ડા વધારે ભરેલો હોય છે. ભારતના નાગરિકો હવે આ પ્રોપેગેંડાથી એટલા ઉબકાઈ ચૂકેલા નજરે પડી રહ્યા છે કે તેમણે બોલિવુડની ફિલ્મો ના જોવાની જાણે કે કસમ જ ખાઈ લીધી હોય તેમ અમુક ફિલ્મનો વિરોધ કરતા હોય છે.
મોટા ભાગના બોલીવુડ ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, સંગીત નિર્માતાઓ અને લેખકો પોતાની ફિલ્મોમાં કઈ રીતે હિન્દૂ ધર્મનું અપમાન કરવું, હિંદુઓને કઈ રીતે નીચા દેખાડવા, પોતાના જ દેશને કઈ રીતે શરમમાં મુકવો, દેશની આર્મીનું કઈ રીતે ખોટું નિરૂપણ કરવું અને અલ્પસંખ્યકોનું તૃષ્ટિકરણ કઈ રીતે કરવું એ બધા માટે જુદા જુદા પ્રોપગેન્ડા યોજવામાં એટલા આગળ ચાલી નીકળ્યા છે કે કળા અને મનોરંજનથી બિલકુલ અળગા થઇ ગયા છે.
વર્ષોથી ચાલી રહેલ આ પ્રોપગેન્ડાની દુકાનોથી મોટાભાગના દર્શકો નાખુશ હતા. તેઓ વારંવાર પોતાના વિચારો સોશિયલ મીડિયા પર જે તે ફિલ્મ નિર્માતા, લેખક કે કલાકારોને ટાંકીને મુકતા પણ હતા. પરંતુ સુધરે એ બીજા! બોલીવુડ સુધર્યું નહિ અને અંતે દર્શકોની સહનશક્તિનો ઘડો ભરાઈ ગયો અને તેમણે ચાલુ કર્યું પ્રોપગેન્ડાયુક્ત ફિલ્મનો વિરોધ કરવાનું, પ્રોપગેન્ડા ફેલાવતા નિર્માતા-કલાકારોનો બહિષ્કાર કરવાનું.
શરૂઆતમાં બોલીવુડે આ ટ્રેન્ડને હલકામાં લીધી અને હસવામાં કાઢી દીધો હતો. પરંતુ જેમ જેમ આની અસર તેમની ફિલ્મોની કમાણી પર પડવા માંડી તેમ તેમ તેમને હોશ આવવા માંડ્યો કે જેમ ધંધામાં ગ્રાહક જ ભગવાન હોય છે એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર્શક જ ભગવાન હોય છે.
‘દર્શકો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભગવાન’ એ બોલીવુડ સમજી ના શક્યું
હવે જ્યારે દાયકાઓથી ફિલ્મી પડદાઓ પર એકહથ્થું રાજ કરનારા નિર્માતા/કલાકારોની ફિલ્મો, જે પહેલા આંખ બંધ કરીને 200 કરોડ ઉપર પહોંચી જતી હતી, ફ્લોપ થવા માંડી ત્યારે તે કલાકરો/નિર્માતાઓ ઉપરાંત અન્ય બોલીવુડ સાથે સંલગ્ન લોકો ઉલટા દર્શકો પર જ ભડકવા માંડ્યા કે ‘તેમને સારી ફિલ્મ શું કહેવાય એ ખબર નથી પડતી’, ‘તેમનો ટેસ્ટ ખરાબ છે’, ‘તેઓ ફિલ્મને સમજી નથી શકતા’ વગેરે વગેરે.
પરંતુ સત્ય તો એ જ છે કે આ નિર્માતાઓ અને કલાકારોને પોતાના પ્રોપગેન્ડાથી એટલો પ્રેમ હતો કે જેણે તેમના દર્શકોને જ તેમનાથી દૂર કરી દીધા. નહિ તો પહેલા એ લોકો જે પણ 100, 200 કે 500 કરોડ કમાતા હતા એ પણ આ દર્શકો જ આપતા હતા ને!
જે લોકો પોતાની ભૂલ સમજી ગયા અને જેમને પોતાના દર્શકોની કિંમત હતી તેઓએ સમયસર પોતાની ભૂલો માટે માફી પણ માંગી લીધી હતી. પરંતુ જે લોકો હજુય અભિમાનમાં રાચતા હતા તેમણે ‘જેને અમારી ફિલ્મ ના ગમે તેમણે ફિલ્મ જોવા ના જવું’ જેવા અયોગ્ય નિવેદનો આપ્યા. પરંતુ અંતે તો તેમણે પણ આર્થિક નુકશાન અને નામોશીઓથી બચવા માટે ઇન્ડસ્ટ્રીના ભગવાન એવા દર્શકોની માફી માંગવાનું પસંદ કર્યું હતું.
દર્શકોનો વિરોધ કોઈ એક ફિલ્મ સામે નહિ, ખોટા પ્રોપગેન્ડા સામે છે
રખેને કોઈ એમ સમજતું હોય કે દર્શકોને જે તે ફિલ્મ સાથે અણગમો છે માટે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ હકીકતે એવું નથી. પોતાના વિરોધને જે તે ફિલ્મો સાથે કે કલાકારો સાથે જોડવો એ એક પ્રતીકાત્મક પગલાં હોય છે.
મોટા ભાગે જયારે કોઈ ફિલ્મનો વિરોધ શરુ થાય ત્યારે તેનું મુખ્ય કારણ તે ફિલ્મ મુખ્ય અભિનેતા કે અભિનેત્રી દ્વારા ઓનસ્ક્રીન કે ઓફસ્ક્રીન દેશવિરોધી કે ધર્મવિરોધી પ્રોપાગેન્ડા ચલાવવું જ હોય છે. જયારે કોઈ કલાકાર દ્વારા કોઈ પણ સ્તરે ધર્મ કે દેશનું અપમાન થતું દેખાય એટલે દર્શકોના મનમાંથી તેઓ ઉતરી જતા હોય છે અને તેઓ નક્કી કરી દે છે કે તેમની આગામી ફિલ્મો ન જોવી અને તેનો બહિષ્કાર કરવો.
બોલીવુડ ફિલ્મો નિષ્ફ્ળ જવાનું બીજું એક મહત્વનું કારણ છે સર્જનાત્મકતાનો અભાવ. જો ફિલ્મો જ સારી ન બની રહી હોય તો તેમનું નિષ્ફ્ળ જવું તો નક્કી જ હોય ને! પછી તેના માટે કોઈ દર્શકોનો વાંક કઈ રીતે કાઢી શકે? ફિલ્મમાં ના યોગ્ય અદાકારી હોય, ના કથાવસ્તુમાં દમ હોય, ગીતો કાનમાંથી લોહી કાઢે એવા હોય અને જોનરનું કાંઈ નક્કી જ ના હોય, આ સ્થિતિમાં દર્શકો માટે બે અઢી કલાક સિનેમાઘરોમાં કાઢવા મુશ્કેલ થઇ પડતા હોય છે અને ઘણા તો ફિલ્મ અધૂરી મૂકીને ભાગતા પણ નજરે પડતા હોય છે.
તાજા ઉદાહરણ તરીકે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાના રીવીવ જે બોલીવુડના સારા રીવીવર્સે કર્યા છે તે એકદમ નિમ્ન કક્ષાના છે. કોઈએ તેને 1 સ્ટાર તો કોઈએ 2 સ્ટાર આપ્યા છે. તરણ આદર્શે 2 સ્ટાર સાથે આ ફિલ્મને ડિસપોઈંટ્મેન્ટ ગણાવી છે. KRKએ કહ્યું છે કે આમિર ખાનની કારકિર્દીના છેલ્લા 10 વર્ષની આ સૌથી ગંદી શરૂઆત કરનાર ફિલ્મ છે.
KRKએ કોઈ એક મેસેજનો સ્ક્રીનશોટ જોડીને એમ પણ લખ્યું છે કે, “LaalSinghChaddha ના ઘણા શો દર્શકો ન હોવાને કારણે રદ કરવામાં આવ્યા છે.” પરંતુ આ વાતની પુષ્ટિ ઑપઇન્ડિયા નથી કરતું.
મૂળ વાત એ છે કે, હવે જયારે તેમની ફિલ્મોમાં જ દમ ના હોય તો પછી તેની નિષ્ફળતાનો દોષ કોઈ દર્શકો પર ઠાલવે એ તો યોગ્ય નથી જ ને!
દર્શકોની ઉઘડી છે આંખો
ન માત્ર બોલીવુડ પરંતુ ઘણા વેબ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સએ એવું માની લીધું હતું કે દર્શકોને માત્ર સેક્સ, ન્યૂડિટી, ગાળા ગાળી, હિન્દૂદ્વેષ, લિબરલ વિચારો જ ગમતા હોય છે; અને તેમને એકધારી એ જ પ્રકારની ફિલ્મો અને સિરીઝો બનાવવાનું શરૂ કરી દીધું.
દર્શકોથી થાય એટલું સહન કર્યું અને પછી શું થયું એ બોલીવુડ અને નેટફ્લિક્સના ભારતમાં વર્તમાનના હાલ જોઈને સમજી જ શકાય છે. એટલે એ પણ નક્કી થાય છે કે દર્શકોને બોલીવુડની કોઈ ફિલ્મથી નહિ પરંતુ કોઈ પણ પ્લેટફોર્મ પર મનોરંજનના નામે પીરસાતા નકામા કચરાથી છે.
આ જ સમયગાળા દરમિયાન આ જ દર્શકોએ બીજી ઘણી ફિલ્મો અને સિરીઝો કે જેમાં કથાવસ્તુ સારી અને માણવા લાયક હોય તેમને માથે પણ ચડાવ્યા છે. જેના તાજા ઉદાહરણ પુષ્પા, RRR, KGJ 1 અને 2, ધ કાશ્મીર ફાઇલ્સ, પંચાયત સિરીઝ વગેરે છે જ.
તો હવે જોવાનું એ રહેશે કે શું બોલીવુડ હજુય પોતાના પ્રોપગેન્ડા ફેલાવવાના એ જ રસ્તે આગળ વધશે કે પછી પોતાની ભૂલ સમજીને રસ્તો બદલીને ખરા અર્થમાં મનોરંજન પીરસવાનું કામ કરશે.