Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલા જ દિવસે ઊંધે માથે પટકાઈ તાપસી પન્નુની ફિલ્મ ‘શાબાશ મિથુ’: માત્ર...

    પહેલા જ દિવસે ઊંધે માથે પટકાઈ તાપસી પન્નુની ફિલ્મ ‘શાબાશ મિથુ’: માત્ર 50 લાખની કમાણી કરી શકી, ખૂબ કર્યું હતું પ્રમોશન

    આ ફિલ્મ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મમાં તાપસી પન્નુ સાથે વિજય રાજ અને સમીર ધર્માધિકારીએ કામ કર્યું છે.

    - Advertisement -

    તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘શાબાશ મિથુ’ આજે દેશભરનાં થીએટરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ભારતની પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત છે. તાપસી પન્નુએ ફિલ્મમાં મિતાલીનું પાત્ર ભજવ્યું છે. જોકે, ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી અને પહેલા દિવસે માત્ર 50 લાખની જ કમાણી કરી શકી હતી. 

    ‘શાબાશ મિથુ’ એક દક્ષિણ ભારતીય પારંપરિક પરિવારમાં ઉછરેલી એક યુવતીની વાત છે જે કારકિર્દી બનાવવા માટે બળવો કરે છે. ફિલ્મમાં મિતાલી રાજ કઈ રીતે ક્રિકેટર બને છે એ સંપૂર્ણ સફરને આવરી લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. જોકે, ભારતીય દર્શકોને તાપસી પન્નુની આ ફિલ્મ ખાસ પસંદ પડી નથી અને ફિલ્મ પહેલા દિવસે એક કરોડ પણ કમાઈ શકી નથી. અમુક અહેવાલોમાં ફિલ્મની પહેલા દિવસની કમાણી 50 લાખ તો ક્યાંક 40 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    આ ફિલ્મ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મમાં તાપસી પન્નુ સાથે વિજય રાજ અને સમીર ધર્માધિકારીએ કામ કર્યું છે. આ ફિલ્મ સૃજિત મુખર્જીએ બનાવી છે. જોકે, તેમાં તેમને ખાસ સફળતા મળતી દેખાઈ રહી નથી. 

    - Advertisement -

    આજે તાપસી પન્નુની ફિલ્મ સાથે રાજકુમાર રાવ સ્ટારર ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ પણ રિલીઝ થઇ છે. જોકે, આ ફિલ્મે પ્રમાણમાં સારી કમાણી કરી છે. રાજકુમારની ફિલ્મે પહેલા દિવસે 1.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

    તાપસી પન્નુએ આ ફિલ્મ માટે પ્રમોશન પણ ખૂબ કર્યું હતું, પરંતુ તે કંઈ કામ આવ્યું હોય તેમ લાગી રહ્યું નથી. તાપસી પન્નુની છેલ્લી પાંચ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ છે. છેલ્લે તેમની ‘થપ્પડ’ ફિલ્મ રિલીઝ થઇ હતી, જે પહેલા દિવસે 2.89 કરોડ રૂપિયા કમાઈ હતી. તે પહેલાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ‘બદલા’ સિવાય એકેય ફિલ્મ બહુ કમાલ કરી શકી ન હતી. ત્યારે વધુ એક ફિલ્મમાં તાપસીને નિષ્ફ્ળતા મળી છે. 

    ‘શાબાશ મિથુ’ પહેલાં ક્રિકેટ પર બનેલી ફિલ્મો ‘83’ અને ‘જર્સી’ પણ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ‘83’ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવના જીવન પર આધારિત હતી. જેમાં રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું. જોકે, આ ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જોકે, અપવાદરૂપે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર રિલીઝ થયેલી ફિલ્મ ખાસ્સી લોકપ્રિય બની હતી. જેમાં દિવગંત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ધોનીનું પાત્ર ભજવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં