Friday, November 15, 2024
More
    Home Blog Page 1029

    પયગંબરના અપમાનની આડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવાયું ભારતવિરોધી અભિયાન: હિંદુઓ અને દેશની છબી ખરડવાનો પ્રયાસ, મોદીને પણ ટાર્ગેટ કરાયા: રિપોર્ટ

    ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક પયગંબર મોહમ્મદ ઉપર કરવામાં આવેલ ટિપ્પણી મામલે વિવાદ થયા બાદ તેમાં દુનિયાના અન્ય ઇસ્લામિક રાષ્ટ્રો પણ કૂદ્યા હતા. જે બાદ આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો હતો અને આ દેશોએ ભારતના રાજદૂતોને પણ સમન્સ પાઠવ્યા હતા અને નિવેદનો જારી કર્યા હતા. હવે આ મામલે ખુલાસો થયો છે કે મોહમ્મદ પયગંબરના અપમાનની આડમાં એક પ્રાયોજિત ભારત વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. 

    આ અંગે ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટર (DFRAC) દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને જેમાં વિસ્તૃત રીતે ખુલાસો કરવામાં આવ્યો છે કે કઈ રીતે એક અભિયાન ચલાવીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નિશાન બનાવવામાં આવ્યું હતું. ઉપરાંત, સોશિયલ મીડિયા પર મુસ્લિમ અને આરબ દેશોમાં ભારતની છબી ખરડવા માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. 

    ઇસ્લામના પયગંબર મોહમ્મદના સમર્થન માટે બનાવવામાં આવેલ એક સંગઠનનો આમાં મોટો ફાળો રહ્યો છે. આ સંગઠન તૂર્કીથી ચાલે છે અને જે 50થી વધુ ઉલેમાઓનું બનેલું હોવાનું કહેવાય છે. આ સંગઠનના ટ્રસ્ટી મંડળના એક સભ્યમાં ભારતના શેખ સલમાન હુસૈન અલ હુસૈની અલ નદવીનો પણ સમાવેશ થાય છે, જેની ઉપર ઇસ્લામિક સ્ટેટના પ્રમુખ અબુ બકર અલ-બગદાદીને પત્ર લખીને સમર્થન કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. 

    નૂપુર શર્માની ટિપ્પણી બાદ આ સંગઠન તરફથી ગલ્ફ અને આરબ દેશોમાં ભારત વિરોધી પ્રોપેગેન્ડા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. DFRACનો રિપોર્ટ કહે છે કે શરૂઆતમાં આ અભિયાન પરથી લાગ્યું હતું કે તે પયગંબર મોહમ્મદના સન્માનમાં શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પછીથી સ્પષ્ટ થઇ ગયું કે આ અભિયાન પયગંબરના સન્માનમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નિશાન બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. 

    સંગઠનના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી મુસ્લિમ અને આરબ દેશોમાં ભારતની છબી ખરડવા માટે અનેક હૅશટેગ ચલાવવામાં આવ્યા હતા. તેમજ ભારતની બદનામી માટે આ હેશટેગ સાથે ખોટા સમાચારો પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    નૂપુર શર્માની ટિપ્પણી મામલે થયેલા વિવાદ વખતે જ નાસિકમાં એક મુસ્લિમ સૂફી બાબાની હત્યા થઇ ગઈ  હતી. જેને લઈને સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી ‘હિંદુઓએ મસ્જિદના ઇમામને ટાર્ગેટ કર્યા હોવાના દાવા સાથે ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા. જે પછીથી સામે આવ્યું હતું કે સૂફી બાબાની હત્યા સંપત્તિ વિવાદના કારણે થઇ હતી અને તેમાં કોઈ મજહબી વિવાદ કારણભૂત ન હતો. 

    આ ઉપરાંત સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી અન્ય એક વિડીયો પણ શૅર કરવામાં આવ્યો હતો. જેમાં એક બુરખાધારી મહિલા પર કાર ચડી ગઈ હતી, જે અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ વિડીયો શૅર કરીને હિંદુ વ્યક્તિએ મુસ્લિમ મહિલા પર કાર ચડાવી ફરાર થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તે જ કૉલોનીનો એક વ્યક્તિ કાર શીખી રહ્યો હતો અને કાર નિયંત્રણમાંથી બહાર જતી રહેતા મહિલા પર ચડી ગઈ હતી. 

    આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવા માટે સંગઠને એક ખોટી તસ્વીર શૅર કરી હતી, જેમાં રેલવે સ્ટેશન પરના એક બોર્ડ પરનું લખાણ એડિટ કરીને ‘ગો બેક મોદી’ લખવામાં આવ્યું હતું. આ તસ્વીર તમિલનાડુની હોવાનું કહીને સંગઠનના ટ્વિટર અકાઉન્ટ પરથી દાવા કરવામાં આવ્યા હતા. 

    નૂપુર શર્માની ટિપ્પણી મામલે થયેલા વિવાદ બાદ આ અકાઉન્ટ દ્વારા આરબ દેશોમાં ભારત વિરોધી અપપ્રચાર કરવા માટે અનેક હેશટેગ ચલાવવામાં આવ્યા હતા. જેમાં ‘બોયકોટ ઇન્ડિયન એમ્બેસેડર’, ‘બોયકોટ ઇન્ડિયન પ્રોડક્ટ’, ‘એક્ઝિટ હિન્દુઝ’ વગેરે જેવા હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા. 

    આ ઉપરાંત, હિંદુઓને આરબ અને ગલ્ફ દેશોમાંથી કાઢી મૂકવાની માંગ સાથે પણ હેશટેગ ચલાવવામાં આવ્યા હતા. માત્ર ટ્વિટર પર જ નહીં, પરંતુ ફેસબુક પર પણ સંગઠનના અકાઉન્ટ થકી આ પ્રોપેગેન્ડા આગળ ધપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમુક કિસ્સાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સીધી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 

    સમગ્ર વિશ્લેષણને અંતે અહેવાલ જણાવે છે કે, ઇસ્લામિક સંગઠને પયગંબર મોહમ્મદ સબંધિત ભાવનાત્મક મુદ્દાનો ઉપયોગ ભારત વિરોધી એજન્ડા ચલાવવા માટે એક હથિયાર તરીકે કર્યો હતો. જેનો આરબ અને ગલ્ફ દેશોમાં રહેતા-કામ કરતા લાખો ભારતીયોને કાઢી મૂકી ભારતની અર્થવ્યવસ્થાને અસર કરવાનો હતો. 

    ગર્ભવતી પ્રેમિકા સાથે નિકાહ કરવા માંગતો ન હતો થાણેનો અલ્તમશ, ગળું કાપીને હત્યા કરી નાંખી: ધરપકડ

    મહારાષ્ટ્રના થાણેમાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી નાંખવા બદલ એક 27 વર્ષીય ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અલ્તમશ દલવી તરીકે થઇ છે. તે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો ન હોવાથી તેની હત્યા કરી નાંખી હતી અને લાશ અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    શનિવારે સાંજે મુંબ્રા પોલીસને વિસ્તારમાં એક ક્વોરી નજીક એક મહિલાની લાશ મળી હોવાની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચતા તેમને ગળું કપાયેલી અને લોહીલુહાણ હાલતમાં એક લાશ મળી આવી હતી. બે કલાક બાદ પોલીસ મહિલાની ઓળખ કરી શકી હતી. મહિલાની ઓળખ મુસ્કાન ઉર્ફ નાદિયા મુલ્લા તરીકે થઇ છે.

    પોલીસે મહિલાના પરિવારને જાણ કરતાં તેમણે તેના પ્રેમી પર શક વ્યક્ત કર્યો હતો. તે બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસબંધ હતો. રિપોર્ટ અનુસાર, તે મૃતક મહિલા સાથે લગ્ન કરવા માંગતો ન હતો. અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા રહેતા હતા. જેથી અવાવરું ક્વોરી પર લઇ જઈને હત્યા કરી નાંખી હતી અને લાશ ફેંકી દીધી હતી. 

    આરોપીની ઓળખ અલ્તમશ દલવી (27) તરીકે થઇ છે. તે મુંબ્રામાં જ રહે છે અને એક નાની કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તેણે પ્રેમિકાની હત્યા કરવા માટે અગાઉથી જ પ્લાન ઘડી રાખ્યો હતું. જે માટે 13 ઇંચનું ચપ્પુ પણ ખરીદી લાવ્યો હતો. એ જ ચપ્પુ વડે પ્રેમિકાનું ગળું કાપીને તેની હત્યા કરી નાંખી અને જે બાદ લાશ ફેંકીને ફરાર થઇ ગયો હતો. 

    મૃતક મહિલાના પરિવારે જણાવ્યું કે તે ગર્ભવતી હતી. તેની બહેને કહ્યું, “મારી બહેન ગર્ભવતી હતી અને દલવી તેને અબોર્શન માટે દબાણ કરતો હતો. પરંતુ તે ખુશ હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી.” તેણે જણાવ્યું કે, “ત્રણ દિવસ પહેલાં અમને જાણવા મળ્યું કે તેણે અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી દીધા છે. અમે તે યુવતીનું સરનામું મેળવ્યું અને હકીકતથી વાકેફ કરવા માટે તેના ઘરે ગયા હતા. જેનાથી દલવી ગુસ્સે થઇ ગયો હતો અને કદાચ એટલે જ તેણે મારી બહેનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હશે. તે સમયે તે ગર્ભવતી પણ હતી.”

    ઈન્ટરનેશનલ ક્રિકેટરને તેની આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકે શૂન્ય પર આઉટ થવાં બદલ લાફો ઝીક્યો હતો; આત્મકથામાં કર્યો ખુલાસો

    ઈન્ટરનેશનલ ક્રિકેટરને આઈપીએલના માલિકે લાફા માર્યા હતા, કારણ ખાલી એટલુજ કે તે ક્રિકેટર શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે આરોપ લગાવ્યો છે કે એકવાર તેને રાજસ્થાન રોયલ્સ ટીમના માલિકે તેમને થપ્પડ મારી દીધી હતી. ટેલરે કહ્યું કે આ ઘટના તેની સાથે 2011ની સીઝનમાં બની હતી. તે પછી ટેલર આ ફ્રેન્ચાઈઝી માટે ફરી ક્યારેય રમ્યો નથી.

    ટેલરે આ આરોપ એક પુસ્તક દ્વારા લગાવ્યો છે. પોતાની આત્મકથા ‘રોસ ટેલરઃ બ્લેક એન્ડ વ્હાઇટ’માં ટેલરે લખ્યું છે કે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો. આ પછી ફ્રેન્ચાઇઝીનો માલિક તેના પર નારાજ થઈ ગયો.

    ટેલરે પોતાના પુસ્તકમાં લખ્યું, “અમને 195 રનનો ટાર્ગેટ મળ્યો અને હું શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. આ મેચમાં અમારી ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટીમના માલિકે મને કહ્યું કે અમે તને ઝીરો રન પર આઉટ થવા માટે કરોડો રૂપિયા નથી આપી રહ્યા.

    ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેને પોતાની આત્મકથામાં આગળ લખ્યું છે કે, “આ પછી તેણે મને ત્રણ-ચાર થપ્પડ મારી દીધી હતી. જો કે, આ દરમિયાન તે (ફ્રેન્ચાઇઝીનો માલિક) હસી રહ્યો હતો અને થપ્પડ બહુ તીક્ષ્ણ ન હતી. હું તેમાંથી કોઈ મુદ્દો બનાવવા માંગતો ન હતો, પરંતુ તે મારા માટે ખૂબ જ અણધારી હતી.”

    રાજસ્થાન રોયલ્સે ટેલરના આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. નોંધનીય છે કે રોસ ટેલરે વર્ષ 2011માં રાજસ્થાન રોયલ્સ માટે એક મેચ રમી હતી. આ સિઝનમાં 12 મેચ રમીને તેણે 119ના સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા હતા.

    રોસ ટેલરે IPLમાં 55 મેચ રમી છે. તેણે આ દરમિયાન કુલ 1017 રન બનાવ્યા હતા. તેના નામે 3 અર્ધસદીઓ પણ નોંધાયેલી છે. તે દિલ્હી ડેરડેવિલ્સ, પૂણે વોરિયર્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.

    ન્યુઝીલેન્ડમાં પોતાના વિરુદ્ધ જાતિવાદનો આરોપ

    રોસ ટેલરે પોતાના પુસ્તકમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓના જાતિવાદને પણ ઉજાગર કર્યો છે. ટેલરે લખ્યું કે, “ત્યાં મને ભારતીય માનવામાં આવતો હતો અને સાથી ખેલાડીઓ મને ડ્રેસિંગ રૂમમાં વાનર કહીને બોલાવતા હતા.”

    તેણે વધુમાં ઉમેર્યું, “ક્યારેક જ્યારે હું ખરાબ શોટ્સ રમતો હતો , ત્યારે મારા પર ખૂબ જ ગંદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારનાજ શોટ પર ટીમના બાકીના બેટ્સમેનોને આવું કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું.”

    લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ‘પંચપ્રણ’નું આહવાન, કહ્યું- વિશ્વ આજે આપણી તરફ ગર્વથી જોઈ રહ્યું છે: ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો પણ કર્યો ઉલ્લેખ

    દેશ આજે 76મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. પરંપરા જાળવી રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. જે બાદ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના 83 મિનિટના સંબોધનમાં અમૃત મહોત્સવ, ભ્રષ્ટાચાર, નારી સન્માન, ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ વગેરે જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા હતા. 

    વડાપ્રધાને ભારતવાસીઓ તેમજ વિશ્વભરમાં ફેલાયેલા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, દેશવાસીઓએ ઉપ્લબ્ધિઓ મેળવી છે, પુરુષાર્થ કર્યો છે, હાર નથી માની અને સંકલ્પોને ઝાંખા પડવા દીધા નથી. તેમણે કહ્યું કે, અમૃતકાળની પહેલી સવાર સમાજની આકાંક્ષાઓને પૂરી કરવા માટેનો એક સુવર્ણ અવસર છે. આપણા દેશમાં કેટલું સામર્થ્ય છે તે એક તિરંગા ઝંડાએ દેખાડી દીધું છે.

    મહાપુરુષોને યાદ કર્યા

    વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા આંદોલનમાં સિંહફાળો આપનારા વીરોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે આપણે રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, ચેન્નમ્મા બેગમ હજરત મહલ જેવી વીર મહિલાઓને યાદ કરીએ છીએ ત્યારે ગર્વ થાય છે. તેણે મંગળ પાંડે, તાત્યા ટોપે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાકઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ વગેરે વીરોને પણ યાદ કર્યા હતા. તેમણે કર્તવ્ય પથ પર પ્રાણોની આહૂતિ આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, મોહનદાસ ગાંધી, બાબાસાહેબ આંબેડકર વગેરેને પણ નમન કર્યા હતા. તેમણે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય વગેરે મહાપુરુષોને પણ યાદ કર્યા ઉપરાંત જેમને ઇતિહાસમાં સ્થાન ન મળ્યું તેવા મહાપુરુષોને પણ નમન કર્યા હતા.

    ‘વિશ્વ આજે ભારત તરફ જોઈ રહ્યું છે’ 

    રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ આજે ભારત તરફ ગર્વ અને અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. દુનિયા સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર શોધવા માંડી છે. આ આપણી 75 વર્ષની અનુભવ યાત્રાનું પરિણામ છે. જેમ-જેમ સંકલ્પ લઈને આપણે આગળ વધતા રહ્યા છે તેમ દુનિયા આપણી તરફ જોઈ રહી છે. હું આને શક્તિ તરીકે જોઉં છું.

    વિકસિત ભારત માટે પાંચ પ્રણ 

    વડાપ્રધાને લાલ કિલ્લા પરથી પાંચ સંકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, દેશ હવે મોટા સંકલ્પો સાથે આગળ વધશે અને જેમાં પહેલો સંકલ્પ છે, વિકસિત ભારત. બીજો- ગુલામીના દરેક અંશમાંથી મુક્તિ. તેમણે કહ્યું કે, આપણી અંદર ગુલામીનો એક પણ અંશ બચવા દેવો જોઈએ નહીં. ત્રીજો સંકલ્પ- વારસા પર ગર્વ. તેમણે કહ્યું કે, આ જ વારસાએ ભારતને સુવર્ણકાળ આપ્યો હતો, દરેક દેશવાસીને તેની ઉપર ગર્વ હોવો જોઈએ. ચોથો સંકલ્પ- એકતા. અને પાંચમા સંકલ્પ તરીકે તેમણે નાગરિકોના કર્તવ્યપાલનનો ઉલ્લેખ કર્યો હતો.

    વડાપ્રધાને કહ્યું કે, તેના પાલનમાંથી વડાપ્રધાન કે મુખ્યમંત્રી પણ બાકાત રહેતા નથી. 2આવનારા 5 વર્ષ આ સંકલ્પો પૂરા કરવા એ આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ. 

    ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો ઉલ્લેખ 

    વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જો સમય રહેતા ચેતી નહીં ગયા તો આ સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. જેમાં એક છે ભ્રષ્ટાચાર અને બીજી છે- પરિવારવાદ. વડાપ્રધાને કહ્યું કે, ભારત જેવા લોકતંત્રમાં જ્યાં લોકો ગરીબી સામે લડી રહ્યા છે, એક તરફ લોકો પાસે રહેવા માટે જગ્યા નથી. ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે જેમની પાસે લૂંટેલી રકમ રાખવા માટેની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું છે. જે લોકો પાછલી સરકારોમાં બેન્ક લૂંટીને ભાગી ગયા તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. અનેક જેલમાં છે. અમારા પ્રયત્નો રહ્યા છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે, તેમના માટે એવી સ્થિતિ બનાવવામાં આવે કે લૂંટેલો રૂપિયો ફરી પરત કરવો પડે. 

    વડાપ્રધાને કહ્યું કે, આપણે ભાઈ-ભત્રીજાવાદ ખતમ કરવો પડશે. તેમણે કહ્યું કે, જ્યારે હું પરિવારવાદની વાત કરું છું તો લોકોને લાગે છે કે હું માત્ર રાજકારણની વાત કરું છું, પરંતુ એવું નથી. હું પરિવારવાદની વાત કરું છું તો આ તમામ ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે યુવાનોને અપીલ કરતાં કહ્યું કે, તેઓ ભાઈ-ભત્રીજાવાદ વિરુદ્ધની લડાઈમાં તેમનો સહકાર ઈચ્છે છે. 

    આપણે જીવમાં પણ શિવ જોનારા લોકો: પીએમ 

    પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું કે, “આપણે એ લોકો છે જેઓ જીવમાં પણ શિવને જુએ છે. જેઓ નરમાં પણ નારાયણ જુએ છે. આપણે એ લોકો છીએ જે નારીને નારાયણી કહે છે. આપણે એ લોકો છીએ જે વૃક્ષોમાં પરમાત્મા જોઈએ છીએ અને આપણે એ લોકો છીએ જે નદીને મા માનીએ છીએ અને દરેક કણ-કણમાં શંકર જોઈએ છીએ.”

    આ ઉપરાંત, વડાપ્રધાને લાલ કિલ્લા પરથી નારી સન્માનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમની એક પીડા છે અને જે તેઓ દેશવાસીઓ સામે કહેવા માંગે છે. તેમણે કહ્યું કે, આપણી અંદર એક વિકૃતિ આવી છે અને નારીનું અપમાન કરવા માંડ્યા છીએ. નારીનું ગૌરવ રાષ્ટ્રનાં સપનાં પૂર્ણ કરવા માટે મોટી પૂંજી બને છે અને તેમાં સામર્થ્ય હોય છે. 

    ત્રણ દિવસથી રેકી કરતો હતો સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતાર, ફોનમાંથી મળી ઈરાની કમાન્ડરની તસ્વીર: ફેક આઈડી સાથે કાર્યક્રમમાં ઘૂસ્યો હતો

    ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે તેમજ તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. તેમને વેન્ટીલેટર પરથી પણ ઉતારી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    રશ્દીની તબિયતમાં સુધારા ઉપરાંત મીડિયામાં આ હુમલાની અન્ય વિગતો પણ સામે આવી છે. જેમાં સ્થળ પર હાજર એક નજરે જોનાર તરફથી જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમમાં રશ્દીની સુરક્ષા માટે બે સુરક્ષાકર્મીઓ તહેનાત હતા. જોકે, તેમ છતાં હુમલો કરનાર હાદી મતારે મંચ પર ચડીને હુમલો કરી દીધો હતો. 

    હાદી મતાર નામનો 24 વર્ષીય હુમલાખોર એકલો જ રશ્દીની હત્યા કરવા માટે આવ્યો હતો. તેણે ત્રણ દિવસ પહેલાં જ કાર્યક્રમના સ્થળે રેકી કરવાની શરૂ કરી દીધી હતી. જે બાદ તે હુમલાના દિવસે કાર્યક્રમમાં ફેક આઈડી સાથે ઘૂસ્યો હતો. 

    કાર્યક્રમમાં સલમાન રશ્દીનો પરિચય આપવામાં આવ્યો અને જેવા તેઓ આગળ વધ્યા કે હાદી મતાર કૂદીને સ્ટેજ પર ચડી ગયો અને રશ્દીના પેટ અને ગાળાના ભાગે હુમલો કરી દીધો હતો. જે બાદ રશ્દી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જોકે, તરત હુમલો કરનારને પણ પકડી લેવામાં આવ્યો હતો. 

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ન્યૂ જર્સીનો રહેવાસી હાદી સોશિયલ મીડિયા પર ઈરાનની ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતો હતો. ઉપરાંત, તેના ફોનમાંથી કમાન્ડર કાસિમ સુલેમાનીની તસ્વીર પણ મળી આવી હતી. સુલેમાનીને 2020માં અમેરિકાએ મારી નાંખ્યો હતો. 

    પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો શા માટે થયો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એ જાણવા મળ્યું છે કે હાદી મતાર એકલો જ કામ કરી રહ્યો હતો અને જાતે જ કાર્યક્રમની જગ્યાની રેકી કરી હતી અને જાતે જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 

    ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જિલ્લા એટર્નીએ નોંધ્યું હતું કે મતારે જાણીજોઈને રશ્દીને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને ફર્જી આઈડી સાથે કાર્યક્રમમાં ઘૂસ્યો હતો. તેમણે એ પણ નોંધ્યું કે હુમલો પૂર્વનિયોજિત હતો અને રશ્દીને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોર્ટની સુનાવણી બાદ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ‘ધ સૈટેનિક વર્સીઝ’ નામનું પુસ્તક લખ્યા બાદથી જ સલમાન રશ્દીને ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી. આ પુસ્તક ભારતમાં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઈરાન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી પણ તેમની વિરુદ્ધ ફતવા જારી કરવામાં આવ્યા હતા. જોકે, અમેરિકા ગયા બાદ તેઓ આટલાં વર્ષો સુરક્ષિત રહ્યા, પરંતુ શુક્રવારે તેમની ઉપર હુમલો થઇ ગયો.

    ‘નીતીશ કુમારના હાથમાં ચાંદીનું ચિલમ અને આંખમાં ધુમાડો હોય છે; ગાંજો પીને વિધાનસભામાં આવે છે…’: ભાજપના ધારાસભ્યનો મોટો આરોપ

    એનડીએ છોડીને આરજેડી સાથે હાથ મિલાવનારા અને બિહારમાં મહાગઠબંધનની સરકારમાં મુખ્યમંત્રી બનેલા નીતિશ કુમાર પર ભાજપ અને તેના નેતાઓ સતત પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન રામનગરના બીજેપી ધારાસભ્ય ભાગીરથી દેવીએ નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાગીરથી દેવીએ કહ્યું છે કે નીતિશ કુમાર ગાંજો પીને વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થાય છે.

    પશ્ચિમ ચંપારણના રામનગર બ્લોક હેડક્વાર્ટરમાં આયોજિત ધરણા પ્રદર્શન દરમિયાન બીજેપી ધારાસભ્ય ભાગીરથી દેવીએ સીએમ નીતિશ કુમાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ભાગીરથી દેવીએ કહ્યું કે નીતીશ કુમારના હાથમાં ચિલમ હોય છે અને આંખમાં ધુમાડો હોય છે. તેની પાસે ચાંદીનું ચિલમ છે. તેઓ આ ચિલમમાંથી ગાંજા પીએ છીએ. બીજેપી ધારાસભ્યે વધુમાં કહ્યું કે નીતિશ કુમાર અહીંની વાત ત્યાં કરવામાં નિષ્ણાત છે. તેના પર હવે કોઈ વિશ્વાસ કરતું નથી.

    બીજેપી ધારાસભ્ય ભાગીરથી દેવીએ આરોપ લગાવ્યો, “જ્યાં સુધી નીતીશ કુમાર ચિલમને લેતા નથી, ત્યાં સુધી તેઓ વિધાનસભામાં આવતા નથી, તેઓ બિહાર વિધાનસભામાં બેસતા નથી. વચ્ચે, જ્યારે તે વિધાનસભામાંથી બહાર આવે છે, ત્યારે તે લોબીમાં જાય છે અને ગાંજો પીવે છે, પછી વિધાનસભામાં પાછા ફરે છે. નીતિશ પાસે ચાંદીની ચિલમ છે. હું તેમના વિશે બધું જ જાણું છું. નીતિશ કુમાર પર કોઈ વિશ્વાસ કરતુ નથી કે તેમને કોઈ મૂલ્ય નથી આપતું.”

    જેડીયૂનો જવાબ

    બીજી તરફ જનતા દળ યુનાઈટેડ (JDU) એ બિહારના મુખ્યમંત્રી પર ગંભીર આરોપો લગાવવા બદલ બીજેપી ધારાસભ્ય પર વળતો પ્રહાર કર્યો છે. જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે ભાગીરથી દેવી ભાજપના ટોચના નેતાઓના દબાણમાં આ પ્રકારના આરોપો લગાવી રહી છે.

    તેમણે કહ્યું, “આ બીજેપી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા મનઘડત આરોપો સિવાય બીજું કંઈ નથી. આપણે જાણીએ છીએ કે ભાગીરથી દેવી એક સજ્જન છે, પરંતુ તેઓ બિહારમાં તેમની પાર્ટીના ટોચના નેતૃત્વના દબાણ હેઠળ આવા આક્ષેપો કરી રહ્યા છે. આવી ટિપ્પણીઓ અમારા નેતાના ચારિત્ર્યને બદનામ કરવાનો પ્રયાસ છે, જે નિંદનીય છે.”

    કોંગ્રેસે ટીપુ સુલતાનને ‘સ્વતંત્રતા સેનાની’ દર્શાવતા પોસ્ટર લગાવ્યા, લોકોએ ફાડી નાખ્યા: આ જ ટીપુએ કાલિકટ મંદિર તોડી પાડ્યું હતું, છોકરીઓને સૈનિકોમાં વહેંચતો હતો

    શનિવારે (13 ઓગસ્ટ, 2022) કર્ણાટકના હડસન સર્કલમાં, કોંગ્રેસે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રસ્તા પર ઇસ્લામિક આક્રમણખોર ટીપુ સુલતાનના પોસ્ટરો લગાવ્યા હતા. તેઓ અહીં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પદયાત્રા કરવાના હતા. જો કે આ પદયાત્રા પહેલા કેટલાક લોકોએ ટીપુ સુલતાનના પોસ્ટર ફાડી નાખ્યા હતા. કોંગ્રેસે ટીપુ સુલતાનને સ્વતંત્રતા સેનાની દર્શાવવો હતો પરંતુ જ્યારે કોંગ્રેસના કાર્યકરો હડસન સર્કલ પર પહોંચ્યા ત્યારે તેમને પોસ્ટર ફાટેલા જોવા મળ્યા, જેનાથી તેઓ ખૂબ નારાજ થયા.

    આ ઘટના બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ટીપુ સુલતાનના ફાટેલા પોસ્ટરો જોઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, “કોઈ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ કોંગ્રેસની ફ્રીડમ માર્ચને પચાવી શકતા નથી. આ રીતે પોસ્ટરો ફાડવા એ મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું અપમાન છે.”

    નોંધનીય છે કે કોંગ્રેસે ટીપુ સુલતાનને સ્વતંત્રતા સેનાની ગણાવવાની કોશિશ કરી રહી છે જેની ક્રૂરતા ઈતિહાસના પાનાઓમાં સ્પષ્ટ રીતે નોંધાયેલી છે. કોંગ્રેસ હંમેશા ટીપુનું નામ લઈને ચૂંટણીની રાજનીતિ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સામે પક્ષે તેનો વિરોધ કેમ થાય છે?

    ટીપુ સુલતાન હિંદુઓ પર અત્યાચાર માટે કુખ્યાત છે

    વાસ્તવમાં, ટીપુ સુલતાન વિશે પુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે બ્રાહ્મણો અને રાજાઓની પુત્રીઓનું અપહરણ કર્યું અને ઇસ્લામ શીખવવા માટે તેમને કેદ કરી દીધા. એ સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે બહારના જીવનમાં શું ચાલી રહ્યું છે અને જીવન કેવી રીતે જીવવું. તેના હરમમાં 601 મહિલાઓ હતી. તેમાંથી 333 તેના અને 268 તેના પિતાની હતી.

    ટીપુ સુલતાન દરરોજ ખ્રિસ્તીઓને ત્રાસ આપતો હતો. તેણે હજારો ખ્રિસ્તીઓને ઘણા વર્ષો સુધી બંધક બનાવીને ત્રાસ આપ્યો. ‘મૂન-ઓ-આસ્તિકવાદ, વોલ્યુમ II’ માં જોએલ નટન લખે છે કે એકવાર તેણે હજારો ખ્રિસ્તીઓને 338 કિમી ચલાવ્યા હતા, જેમાં 6 અઠવાડિયા લાગ્યા હતા. વચ્ચે ઘણા મૃત્યુ પામ્યા હતા. અંતે તેમાંથી ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ તેની સેનામાં વહેંચાઈ ગઈ હતી.

    19મી સદીમાં બ્રિટિશ સરકારના અધિકારી અને લેખક વિલિયમ લોગને તેમના પુસ્તક માલાબાર મેન્યુઅલમાં એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે ટીપુ સુલતાને 30,000 સૈનિકો સાથે કાલિકટમાં મંદિરો અને ચર્ચોને તોડી પાડ્યા હતા. હિન્દુઓ અને ખ્રિસ્તીઓના લગ્ન મુસ્લિમો સાથે કરાવ્યા હતા.

    એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે ટીપુ સુલતાનના રાજ્યમાં ત્રણ હજાર બ્રાહ્મણોએ આત્મહત્યા કરી હતી કારણ કે તે તેમને બળજબરીથી મુસ્લિમ બનાવવા માંગતો હતો. ટીપુ પર એવા આરોપો છે કે તેણે અફઘાનિસ્તાનના સુલતાન જમાન શાહને ભારતમાં તબાહી કરવા માટે બોલાવ્યો હતો. તે દરેક હિંદુ ગામ, મહિલાઓ અને બાળકોની હત્યા કરતો હતો. લાખો હિંદુઓ તેના અત્યાચારનો ભોગ બન્યા હતા.

    ગુજરાતના 6 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે: 7 ધારાસભ્યોએ NDAના રાષ્ટ્રપતિ ઉમેદવારને આપ્યો હતો મત

    18 જૂન 2022ના રોજ યોજાયેલ રાષ્ટ્ર્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ભાજપ સમર્થિત NDAના રાષ્ટ્રપતિ ઉમેદવાર દૌપદી મુર્મૂને પોતાનો માટે આપ્યો હતો. જે બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.

    અહેવાલો અનુસાર કોંગ્રેસના આ 6 ધારાસભ્યોએ ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી હતી. આગામી 16 તારીખે (16 ઓગસ્ટ) રાજસ્થાનના સીએમ તથા કોંગ્રેસનેતા અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવવાના છે. સંભાવના છે કે આ ધારાસભ્યો આ જ સમયગાળામાં ભાજપમાં જોડાઈ શકે છે.

    અહેવાલોનું માનીએ તો કોંગ્રેસના આ 6 ધારાસભ્યો નીચે મુજબ છે;

    1. લલિત વસોયા – ધોરાજી
    2. ચિરાગ કલરિયા – જામજોધપુર
    3. સંજય સોલંકી – જંબુસર
    4. મહેશ પટેલ – પાલનપુર
    5. હર્ષદ રીબડીયા – વિસાવદર અને
    6. ભાવેશ કટારા – ઝાલોદ

    રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કર્યું હતું ક્રોસ વોટિંગ

    તાજેતરમાં યોજાયેલ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સમર્થિત NDAએ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. સામે મહાગઠબંધને યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા હતા. 18 જૂનના રોજ યોજાયેલ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના કુલ 64 ધારાસભ્યોમાંથી તેમના રાષ્ટ્રપતિ ઉમેદવારને માત્ર 57 માટે મળ્યા હતા.

    ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસી ધારાસભ્યો કે જેમને ભાજપમાં સમર્થનમાં વોટ કાર્ય હતા તેમની ઓળખ ગુપ્ત વોટિંગના પ્રાવધાનના કારણે તે સમયે તો નહોતી થઇ શકી પરંતુ હવે જયારે ભાજપમાં જોડાવાવાળા ધારાસભ્યોના નામ સામે આવ્યા છે તો શક્યતા છે કે તે 7માંથી 6 ધારાસભ્યો આ જ હશે.

    આ પહેલા આ મહિને જ કોંગ્રેસના બે પૂર્વ દિગ્ગજ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુભાઈ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરવા જઈ રહ્યા છે.

    આ સિવાય ગુજરાત કોંગ્રેસના અનેક નાના મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આ લિસ્ટમાં યુવા નેતાઓની સંખ્યા પણ ખુબ મોટી છે. હાલ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસ તદ્દન યુવાવિહીન બની ચુકી છે.

    રાજસ્થાન: શિક્ષકના માટલામાંથી પાણી પીવા બદલ દલિત બાળક સાથે મારપીટ, સારવાર દરમિયાન મોત: વિસ્તારમાં તણાવ, ઇન્ટરનેટ સસ્પેન્ડ

    રાજસ્થાનમાં એક શાળામાં શિક્ષકે 9 વર્ષીય દલિત બાળક સાથે મારપીટ કર્યા બાદ તેનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના જાલોરના સુરાણા ગામની એક ખાનગી શાળાની છે. અહીં એક શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માર મારવાનું કારણ એ હતું કે વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પી લીધું હતું. 

    દલિત બાળક સાથે માત્ર શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણે શિક્ષક દ્વારા મારપીટ કરવામાં આવી હતી અને એટલો માર્યો કે બાળકની કાનની નસ ફાટી ગઈ હતી. જે બાદ તેને સારવાર માટે રાજસ્થાનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ પણ લાવવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. 

    આ મામલે મૃતક બાળકના પિતાએ જણાવ્યું કે, “મારા પુત્રને તેણે (શિક્ષકે) માટલાથી પાણી પીવા માટે માર માર્યો અને જાતિવાચક ગાળો દીધી હતી. મારપીટના કારણે તેને બ્રેન હેમરેજ થઇ ગયું. હું તેને સારવાર માટે ઉદયપુર અને પછી અમદાવાદ લઇ ગયો, જ્યાં તેનું મોત થઇ ગયું.”

    રિપોર્ટ અનુસાર, બાળક ત્રીજા ધોરણમાં ભણતો હતો. ગત 20 જુલાઈના રોજ નિત્યક્રમ મુજબ તે શાળાએ ગયો હતો. દરમિયાન, સવારે 10:30 વાગ્યે તરસ લાગતાં શાળાના એક માટલામાંથી પાણી પી લીધું હતું. જે શિક્ષક છૈલસિંહનું હતું. તેણે વિદ્યાર્થીની મારપીટ કરી હતી. જેનાથી બાળકને અંદરના ભાગે ઇજા પહોંચી હતી. દુખાવો થતાં તે નજીકમાં જ આવેલી તેના પિતાની દુકાને પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ પિતા તેને સારવાર માટે અનેક હોસ્પિટલોમાં લઇ ગયા, પછીથી અમદાવાદમાં પણ સારવાર કરાવી, પરંતુ આખરે 13 ઓગસ્ટના રોજ તેનું મોત થઇ ગયું હતું.

    દલિત વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, આ ઘટનાને લઈને વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિસ્તારમાં સર્જાયેલા તણાવને જોતાં સ્થાનિક તંત્રએ 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. સ્થાનિકો આરોપી શિક્ષક સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે. આરોપી શિક્ષક સામે હત્યા અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

    રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીએ આ ઘટના મુદ્દે રાજ્યની અશોક ગેહલોત સરકારને આડે હાથ લેતાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, જાલોરના 9 વર્ષીય વિદ્યાર્થીની એવી શું ભૂલ હતી કે તેને મારવામાં આવ્યો અને તેનું મોત થઇ ગયું? આનો જવાબદાર કોણ છે? મુખ્યમંત્રીના શાસનમાં એક વંચિત વર્ગનો વિદ્યાર્થી પણ સુરક્ષિત નથી. 

    તિરંગાથી ગાડી સાફ કરી રહ્યો હતો મેકેનિક ઉમૈર અહમદ, વિડીયો વાયરલ થયા બાદ ધરપકડ: યુપીમાં રાષ્ટ્રધ્વજને સ્થાને લીલો ઝંડો લગાવનાર અસલમ-શાહવાન પકડાયા

    જમ્મુ-કાશ્મીરના ડોડા પોલીસે તિરંગાનું અપમાન કરવા બદલ એક 25 વર્ષીય શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ ઉમૈર અહમદ તરીકે થઇ છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયા બાદ ડોડા પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. આરોપી તિરંગાથી ગાડીની સફાઈ કરી રહ્યો હતો. 

    ઉમૈર અહમદ એક વર્કશોપમાં મેકેનિક તરીકે કામ કરતો હતો. જ્યાં તે તિરંગા વડે સાફસફાઈ કરી રહ્યો હતો. તેની આ હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. જે બાદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    ડોડા પોલીસે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજને અપમાનિત કરવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી હતી અને રાષ્ટ્ર્રધ્વજનું અપમાન કરનાર શખ્સની ધરપકડ કરી લીધી હતી. તેનું નામ ઉમૈર અહમદ છે. પોલીસે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ રાષ્ટ્રીય સન્માનના અપમાન સબંધિત અધિનિયમની ધારા 2 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુપી પોલીસે બહરાઈચ જિલ્લામાંથી અસલમ અને શાહવાન નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પર રાષ્ટ્રધ્વજ ફાડીને તેની જગ્યાએ લીલો ઝંડો લગાવવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે, એક સરકારી પાણીની ટાંકી પરથી રાષ્ટ્રધ્વજ ઉતારીને લીલો ઝંડો લગાવવાની ઘટના સામે આવી હતી. જે મામલે બે ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને વિરુદ્ધ સબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ઘરે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મામલો સામે આવ્યો હતો. સલમાન નામના એક ઇસમે પોતાના ઘર પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. જેનો વિડીયો સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    તદુપરાંત, થોડા દિવસો અગાઉ નવસારીમાં એક મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપી ઉપર પાકિસ્તાનનો ઝંડો મૂકી દીધો હતો. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ સગીરના પિતાએ માફીનામું લખી આપ્યું હતું.