Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટત્રણ દિવસથી રેકી કરતો હતો સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતાર,...

    ત્રણ દિવસથી રેકી કરતો હતો સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતાર, ફોનમાંથી મળી ઈરાની કમાન્ડરની તસ્વીર: ફેક આઈડી સાથે કાર્યક્રમમાં ઘૂસ્યો હતો

    ‘ધ સૈટેનિક વર્સીઝ’ નામનું પુસ્તક લખ્યા બાદથી જ સલમાન રશ્દીને ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી.

    - Advertisement -

    ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે તેમજ તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. તેમને વેન્ટીલેટર પરથી પણ ઉતારી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    રશ્દીની તબિયતમાં સુધારા ઉપરાંત મીડિયામાં આ હુમલાની અન્ય વિગતો પણ સામે આવી છે. જેમાં સ્થળ પર હાજર એક નજરે જોનાર તરફથી જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમમાં રશ્દીની સુરક્ષા માટે બે સુરક્ષાકર્મીઓ તહેનાત હતા. જોકે, તેમ છતાં હુમલો કરનાર હાદી મતારે મંચ પર ચડીને હુમલો કરી દીધો હતો. 

    હાદી મતાર નામનો 24 વર્ષીય હુમલાખોર એકલો જ રશ્દીની હત્યા કરવા માટે આવ્યો હતો. તેણે ત્રણ દિવસ પહેલાં જ કાર્યક્રમના સ્થળે રેકી કરવાની શરૂ કરી દીધી હતી. જે બાદ તે હુમલાના દિવસે કાર્યક્રમમાં ફેક આઈડી સાથે ઘૂસ્યો હતો. 

    - Advertisement -

    કાર્યક્રમમાં સલમાન રશ્દીનો પરિચય આપવામાં આવ્યો અને જેવા તેઓ આગળ વધ્યા કે હાદી મતાર કૂદીને સ્ટેજ પર ચડી ગયો અને રશ્દીના પેટ અને ગાળાના ભાગે હુમલો કરી દીધો હતો. જે બાદ રશ્દી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જોકે, તરત હુમલો કરનારને પણ પકડી લેવામાં આવ્યો હતો. 

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ન્યૂ જર્સીનો રહેવાસી હાદી સોશિયલ મીડિયા પર ઈરાનની ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતો હતો. ઉપરાંત, તેના ફોનમાંથી કમાન્ડર કાસિમ સુલેમાનીની તસ્વીર પણ મળી આવી હતી. સુલેમાનીને 2020માં અમેરિકાએ મારી નાંખ્યો હતો. 

    પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો શા માટે થયો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એ જાણવા મળ્યું છે કે હાદી મતાર એકલો જ કામ કરી રહ્યો હતો અને જાતે જ કાર્યક્રમની જગ્યાની રેકી કરી હતી અને જાતે જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 

    ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં જિલ્લા એટર્નીએ નોંધ્યું હતું કે મતારે જાણીજોઈને રશ્દીને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને ફર્જી આઈડી સાથે કાર્યક્રમમાં ઘૂસ્યો હતો. તેમણે એ પણ નોંધ્યું કે હુમલો પૂર્વનિયોજિત હતો અને રશ્દીને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોર્ટની સુનાવણી બાદ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ‘ધ સૈટેનિક વર્સીઝ’ નામનું પુસ્તક લખ્યા બાદથી જ સલમાન રશ્દીને ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી. આ પુસ્તક ભારતમાં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઈરાન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી પણ તેમની વિરુદ્ધ ફતવા જારી કરવામાં આવ્યા હતા. જોકે, અમેરિકા ગયા બાદ તેઓ આટલાં વર્ષો સુરક્ષિત રહ્યા, પરંતુ શુક્રવારે તેમની ઉપર હુમલો થઇ ગયો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં