Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટલાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ‘પંચપ્રણ’નું આહવાન, કહ્યું- વિશ્વ આજે આપણી તરફ...

  લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ‘પંચપ્રણ’નું આહવાન, કહ્યું- વિશ્વ આજે આપણી તરફ ગર્વથી જોઈ રહ્યું છે: ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો પણ કર્યો ઉલ્લેખ

  લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાને કરેલા 83 મિનિટ લાંબા સંબોધનમાં અમૃત મહોત્સવ, ભ્રષ્ટાચાર, નારી સન્માન, ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ વગેરે જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા હતા. 

  - Advertisement -

  દેશ આજે 76મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. પરંપરા જાળવી રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. જે બાદ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના 83 મિનિટના સંબોધનમાં અમૃત મહોત્સવ, ભ્રષ્ટાચાર, નારી સન્માન, ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ વગેરે જેવા અનેક મુદ્દાઓને આવરી લેવાયા હતા. 

  વડાપ્રધાને ભારતવાસીઓ તેમજ વિશ્વભરમાં ફેલાયેલા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની, સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, દેશવાસીઓએ ઉપ્લબ્ધિઓ મેળવી છે, પુરુષાર્થ કર્યો છે, હાર નથી માની અને સંકલ્પોને ઝાંખા પડવા દીધા નથી. તેમણે કહ્યું કે, અમૃતકાળની પહેલી સવાર સમાજની આકાંક્ષાઓને પૂરી કરવા માટેનો એક સુવર્ણ અવસર છે. આપણા દેશમાં કેટલું સામર્થ્ય છે તે એક તિરંગા ઝંડાએ દેખાડી દીધું છે.

  મહાપુરુષોને યાદ કર્યા

  - Advertisement -

  વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા આંદોલનમાં સિંહફાળો આપનારા વીરોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે આપણે રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, ચેન્નમ્મા બેગમ હજરત મહલ જેવી વીર મહિલાઓને યાદ કરીએ છીએ ત્યારે ગર્વ થાય છે. તેણે મંગળ પાંડે, તાત્યા ટોપે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાકઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ વગેરે વીરોને પણ યાદ કર્યા હતા. તેમણે કર્તવ્ય પથ પર પ્રાણોની આહૂતિ આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, મોહનદાસ ગાંધી, બાબાસાહેબ આંબેડકર વગેરેને પણ નમન કર્યા હતા. તેમણે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય વગેરે મહાપુરુષોને પણ યાદ કર્યા ઉપરાંત જેમને ઇતિહાસમાં સ્થાન ન મળ્યું તેવા મહાપુરુષોને પણ નમન કર્યા હતા.

  ‘વિશ્વ આજે ભારત તરફ જોઈ રહ્યું છે’ 

  રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ આજે ભારત તરફ ગર્વ અને અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. દુનિયા સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર શોધવા માંડી છે. આ આપણી 75 વર્ષની અનુભવ યાત્રાનું પરિણામ છે. જેમ-જેમ સંકલ્પ લઈને આપણે આગળ વધતા રહ્યા છે તેમ દુનિયા આપણી તરફ જોઈ રહી છે. હું આને શક્તિ તરીકે જોઉં છું.

  વિકસિત ભારત માટે પાંચ પ્રણ 

  વડાપ્રધાને લાલ કિલ્લા પરથી પાંચ સંકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, દેશ હવે મોટા સંકલ્પો સાથે આગળ વધશે અને જેમાં પહેલો સંકલ્પ છે, વિકસિત ભારત. બીજો- ગુલામીના દરેક અંશમાંથી મુક્તિ. તેમણે કહ્યું કે, આપણી અંદર ગુલામીનો એક પણ અંશ બચવા દેવો જોઈએ નહીં. ત્રીજો સંકલ્પ- વારસા પર ગર્વ. તેમણે કહ્યું કે, આ જ વારસાએ ભારતને સુવર્ણકાળ આપ્યો હતો, દરેક દેશવાસીને તેની ઉપર ગર્વ હોવો જોઈએ. ચોથો સંકલ્પ- એકતા. અને પાંચમા સંકલ્પ તરીકે તેમણે નાગરિકોના કર્તવ્યપાલનનો ઉલ્લેખ કર્યો હતો.

  વડાપ્રધાને કહ્યું કે, તેના પાલનમાંથી વડાપ્રધાન કે મુખ્યમંત્રી પણ બાકાત રહેતા નથી. 2આવનારા 5 વર્ષ આ સંકલ્પો પૂરા કરવા એ આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ. 

  ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો ઉલ્લેખ 

  વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જો સમય રહેતા ચેતી નહીં ગયા તો આ સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. જેમાં એક છે ભ્રષ્ટાચાર અને બીજી છે- પરિવારવાદ. વડાપ્રધાને કહ્યું કે, ભારત જેવા લોકતંત્રમાં જ્યાં લોકો ગરીબી સામે લડી રહ્યા છે, એક તરફ લોકો પાસે રહેવા માટે જગ્યા નથી. ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે જેમની પાસે લૂંટેલી રકમ રાખવા માટેની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું છે. જે લોકો પાછલી સરકારોમાં બેન્ક લૂંટીને ભાગી ગયા તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. અનેક જેલમાં છે. અમારા પ્રયત્નો રહ્યા છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે, તેમના માટે એવી સ્થિતિ બનાવવામાં આવે કે લૂંટેલો રૂપિયો ફરી પરત કરવો પડે. 

  વડાપ્રધાને કહ્યું કે, આપણે ભાઈ-ભત્રીજાવાદ ખતમ કરવો પડશે. તેમણે કહ્યું કે, જ્યારે હું પરિવારવાદની વાત કરું છું તો લોકોને લાગે છે કે હું માત્ર રાજકારણની વાત કરું છું, પરંતુ એવું નથી. હું પરિવારવાદની વાત કરું છું તો આ તમામ ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે યુવાનોને અપીલ કરતાં કહ્યું કે, તેઓ ભાઈ-ભત્રીજાવાદ વિરુદ્ધની લડાઈમાં તેમનો સહકાર ઈચ્છે છે. 

  આપણે જીવમાં પણ શિવ જોનારા લોકો: પીએમ 

  પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું કે, “આપણે એ લોકો છે જેઓ જીવમાં પણ શિવને જુએ છે. જેઓ નરમાં પણ નારાયણ જુએ છે. આપણે એ લોકો છીએ જે નારીને નારાયણી કહે છે. આપણે એ લોકો છીએ જે વૃક્ષોમાં પરમાત્મા જોઈએ છીએ અને આપણે એ લોકો છીએ જે નદીને મા માનીએ છીએ અને દરેક કણ-કણમાં શંકર જોઈએ છીએ.”

  આ ઉપરાંત, વડાપ્રધાને લાલ કિલ્લા પરથી નારી સન્માનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમની એક પીડા છે અને જે તેઓ દેશવાસીઓ સામે કહેવા માંગે છે. તેમણે કહ્યું કે, આપણી અંદર એક વિકૃતિ આવી છે અને નારીનું અપમાન કરવા માંડ્યા છીએ. નારીનું ગૌરવ રાષ્ટ્રનાં સપનાં પૂર્ણ કરવા માટે મોટી પૂંજી બને છે અને તેમાં સામર્થ્ય હોય છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં