Thursday, December 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક પછી એક મોટા નામો કોંગ્રેસથી થયાં દૂર, પાર્ટી બની યુવાવિહીન: ભાજપમાં...

    એક પછી એક મોટા નામો કોંગ્રેસથી થયાં દૂર, પાર્ટી બની યુવાવિહીન: ભાજપમાં લાગે છે યુવાઓને ભવિષ્ય ઉજ્જવળ

    અસંખ્ય કોંગ્રેસી નેતાઓ અને એ પણ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ વર્ષોની સેવા બાદ પક્ષ દ્વારા અવગણના પામવાને લીધે પક્ષ છોડી દીધો છે જેમને ભાજપે સન્માન પણ આપ્યું છે.

    - Advertisement -

    જુદા જુદા રાજયોની વિધાનસભા ચૂંટણીઓ હોય કે દેશની લોકસભા ચૂંટણી હમેશા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનાં નેતાઓ તથા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને જતાં હોય છે એ હવે કોઈ માટે નવાઈની વાત નથી. છેલ્લા અમુક વર્ષોનું સરવૈયું કાઢીએ તો મોટા ગજાના અઢળક યુવા નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપીને અન્ય પાર્ટીઓમાં જોડાયા છે. પાર્ટી છોડનાર દરેક યુવા નેતાઓ આરોપ મુક્તા હોય છે કે કોંગ્રેસ પાર્ટી એમને કામ કરવા નથી દેતી.

    પાછલા દિવસોમાં જ જુદા જુદા રાજ્યોમાંથી દિગ્ગજ કોંગ્રેસ નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનાં દરેક પદ અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસનાં નેતૃત્વ પર અનેક આરોપો લગાવ્યા હતા. એ પહેલા પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જાખડે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ જાતિવાદનું રાજકારણ કરે છે જ્યારે ભાજપ સમાનતામાં માને છે. એ સિવાય રાજસ્થાન કોંગ્રેસનાં ધારાસભ્ય ગણેશ ઘોગરાએ પણ રાજીનામું આપી દીધું હતું. ઘોગરાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં તેમણે અને તેમના જેવા યુવાનોને પ્રાધાન્ય નથી મળતું.

    કોંગ્રેસમાં ફ્લોપ અને ભાજપમાં સુપરહિટ

    કોંગ્રેસમાંથી જે પણ નેતાઓ રાજીનામું આપતા હોય છે તેઓ વહેલા મોડા મોટાભાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડતા હોય છે. એમનામાં સામાન્ય ધારણા હોય છે કે કોંગ્રેસ કરતાં ભાજપમાં તેમને કામ કરવાનો વધુ મોકો મળે છે તથા ભવિષ્ય પણ ઉજ્જવળ બને છે. અને આવા અનેક ઉદાહરણો પણ છે.

    - Advertisement -

    સૌથી તાજા ઉદાહરણ તરીકે ત્રિપુરાના માનિક સહાને લઈ શકાય છે. આ જ મહિનાની 15 તારીખે ત્રિપુરાના ભાજપ સરકારના ચાલુ મુખ્યમંત્રી બિપ્લવ દેબએ રાજીનામું આપ્યું છે અને પાર્ટીએ ત્રિપુરાના નવા સીએમ તારીખે માનિક સહાને આગળ કર્યા છે. અત્રે નોંધનીય છે કે સહા 2016માં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અને હવે ભાજપે તેમણે પોતાની પાર્ટી તરફથી રાજ્યના સીએમ ચહેરા તરીકે તેમને રજૂ કર્યા છે.

    આ ઉપરાંત સૌથી મોટુ ઉદાહરણ હાલમાં દેશભરમાં પ્રખર હિન્દુવાદી સીએમ તરીકે ઓળખાતા અને વખણાતા હિમંતા બિસ્વા સરમા છે. હાલમાં આસામની ભાજપા સરકારના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં 2016ની વિધાનસભા અને 2021ની લોકસભા ચૂંટણીઓ વખતે બિસ્વાએ ખૂબ મહેનત કરી હતી અને ભારતીય જાણતા પાર્ટીના મજબૂત દેખાવમાં મોટો ભાગ ભજવ્યો હતો. અને ભાજપે 2021માં બિસ્વાને આસામના મુખ્યમંત્રી બનાવ્યા હતા. હિમંતા બિસ્વા હાલ મુખ્યમંત્રી તરીકે જે ખૂલીને કામ કરી શકે છે એ એમને કોંગ્રેસ પાર્ટીમાં શક્ય નહોતું લાગતું એટલે જ એમને કોંગ્રેસ છોડી હતી. હાલ બિસ્વા દેશના સૌથી લોકપ્રિય અને સફળ મુખ્યમંત્રીઓમાંથી એક ગણાય છે.

    મણિપુરના હાલની ભાજપ સરકારના મુખ્યમંત્રી એન બીરેન સિંગ પણ 2016માં જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. તેમની આગેવાનીમાં જ 2017માં 15 વર્ષો બાદ મણિપુરમાં બીનકોંગ્રેસી સરકાર બની હતી અને ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે બીરેન સિંગે સપથ લીધી હતી. જે બાદ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ બીરેન સિંગે વિજય મેળવીને સતત બીજી વાર મણિપુરના સીએમ બન્યા હતા.

    આ સિવાયનું એક ઉદાહરણ નાગાલેંડના સીએમ નેઇફિયુ રિયો પણ છે. તેઓ પણ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા બાદમાં કોંગ્રેસ છોડીએ એમને ભાજપ સાથે ગઠબંધન ધરાવતી પાર્ટીમાં જોડાયા હતા અને હાલમાં ત્રીજીવાર નાગાલેંડના સીએમ બન્યા છે.

    આ પહેલા મધ્યપ્રદેશનો કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. સિંધિયાએ ત્યારે કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના વચનો પર ક્યારેય ખરી ઉતરી નથી શકી અને ભારત દેશનું ભવિષ્ય નરેન્દ્ર મોદીના હાથમાં જ સુરક્ષિત છે. જે બાદ ભાજપની કેન્દ્ર સરકારમાં સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવાયા છે.

    ગુજરાતનાં નેતાઓ કે જે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં થયા સફળ

    આવા ઘણા ઉદાહરણો ગુજરાતમાં પણ જોવા મળ્યા છે કે કેટલાય કોંગ્રેસ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોય. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને યોગ્ય મહેનત કરે તો એમને ફળ પણ મળતું હોય છે.

    ભાજપમાં જોડાઈને વિકાસ પામેલ ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ (ફોટો : ઑપઇન્ડિયા)

    ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં ગુજરાતનાં ઉપમુખ્યમંત્રી રહેલ દિગ્ગજ નેતા નરહરિ અમિન 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેમને 2020માં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા.

    ગુજરાતની જસદણ બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય તથા કોળી સમાજના મોટા નેતા એવા કુંવરજી બાવળિયાએ 2018માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ પાર્ટીએ એમને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા હતા.

    માણાવદરના ચાલુ કોંગ્રેસ ધારાસભ્ય જવાહર ચાવડાએ 2019માં કોંગ્રેસમાંથી પોતાના દરેક પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જેમને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પ્રવાસન અને મત્સ્ય ઉધ્યોગ મંત્રાલય સોંપાયા હતા.

    2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ઊંઝાના ધારાસભ્ય સ્વ. આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો હાથ પકડ્યો હતો. ભાજપમાં આવ્યા બાદ પણ એમને ઊંઝાથી ધારાસભ્ય બનાવાયા હતા. કમનસીબે 2021માં ડેંગ્યુના કારણે આશા પટેલનું મૃત્યુ થયું હતું.

    2012માં ભાજપના આર સી ફળદુને જામનગર ગ્રામ્ય બેઠક પરથી હરાવનાર રાઘવજી પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપ સરકારે હાલમાં નવા મંત્રીમંડળમાં કૃષિ તેમજ પશુપાલન મંત્રી બનાવવામાં આવ્યા છે.

    આમ આવા અનેક ઉદાહરણો છે કે ગમે તેટલી મહેનત કરવા છતાય ઘણા નેતાઓ કોંગ્રેસમાં રહીને કાઇ કરી નથી શકતા અથવા એમને કાઇ કરવા દેવામાં નથી આવતું. અને જ્યારે તેઓ ભાજપમાં જોડાઇને મહેનત કરે છે તો એમને યોગ્ય ફળ જરૂર મળે છે. જેથી વધુમાં વધુ નેતાઓ એમાય ખાસ તો યુવાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં