ઉત્તરાખંડમાં અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ઉત્તરપ્રદેશનો એક તાહિર નામનો ઈસમ ફર્જી જાતિ, નિવાસ પ્રમાણપત્ર અને આધારકાર્ડ બનાવીને અમિત નામ ધારણ કરીને અગ્નિવીરની ભરતીમાં ઘૂસી ગયો હતો. જોકે, સેનાને આ બાબતની શંકા જતાં પોલ ખુલી ગઈ હતી ને જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ મામલો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં રાનીખેતમાં ચાલતી અગ્નિવીરની ભરતીમાં એક યુવક દસ્તાવેજો લઈને આવ્યો તો મિલિટરી ઇન્ટેલિજન્સ, મિલિટરી પોલીસ અને ભરતી કાર્યાલયને શંકા જતાં તેના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા, જે ફર્જી હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવક ઉત્તર પ્રદેશના બુલંદશહરના સિકંદરાબાદનો રહેવાસી હતો અને તેણે અમિતના ખોટા નામે ફર્જી સ્થાયી નિવાસ, જાતિ નિવાસ પ્રમાણપત્ર, આધારકાર્ડ વગેરે બનાવ્યાં હતાં. આ બોગસ દસ્તાવેજો તેણે નૈનિતાલના હલ્દ્વાનીથી બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
સેનાના અધિકારીઓને તાહિર ખાનના એડમિટ કાર્ડમાં દાખલ કરવામાં આવેલ રજિસ્ટ્રેશન નંબર અન્ય કોઈ વ્યક્તિના નામે દાખલ કરવામાં આવ્યો હતો. જેનાથી અધિકારીઓને શંકા થઇ અને તેમણે તપાસ કરીને ફર્જી દસ્તાવેજો હોવાનું જાણવા મળતાં પોલીસને સોંપી દીધો હતો. તાહિરે જે એડમિટ કાર્ડ બતાવ્યો હતો, તેમાં અમિત નામ લખેલું જોવા મળ્યું હતું.
આ મામલે એઆરઓ ભરતી બોર્ડની ફરિયાદના આધારે તાહિર ખાનની ધરપકડ કરી લીધી હતી અને રાનીખેત પોલીસ મથકે આઇપીસી કલમ 420 હેઠળ કેસ દાખલ કરીને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આની પાછળ એક સિન્ડિકેટ પણ હોય શકે છે. તાહિરે નક્કી સમયસીમામાં 1600 મીટરની દોડ પણ પૂરી કરી લીધી હતી. જે બાદ તેના દસ્તાવેજોની ખરાઈ કરતા અધિકારીઓની શંકા થતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરતા તાહિરે કબૂલાત કરી લીધી હતી. તાહિર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
રાણીખેત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, રાણીખેતમાં અગ્નિવીર યોજના હેઠળ ભરતી ચાલી રહી છે, અમને સૂચના મળી હતી કે એક યુવકનું રજિસ્ટ્રેશન અન્ય નામે કરવામાં આવ્યું છે અને અમે સ્થળ પર પોલીસ મોકલી ત્યારે જાણવા મળ્યું કે તાહિર નામના યુવકનું રજિસ્ટ્રેશન કોઈ અમિતના નામે કરવામાં આવ્યું છે.
સીઓએ એ પણ આશંકા વ્યક્ત કરી છે કે આ પહેલાં થયેલી ભરતી પ્રક્રિયાઓમાં તાહિર ભાગ લઇ ચૂક્યો છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે નૈનિતાલ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ તપાસમાં મોટા ખુલાસા થઇ શકે છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, યુવક ઉત્તર પ્રદેશના બુલંદશહરનો છે પરંતુ તેણે જે દસ્તાવેજો બનાવ્યા છે તે રેલવે બજાર હલદ્વાની છે, જે એસડીએમ હલદ્વાની દ્વારા જારી કરવામાં આવ્યા છે અને તેનું હાઇસ્કુલનું પ્રમાણપત્ર ગદરપુરનું બન્યું છે, જે આધારે તેના તમામ દસ્તાવેજો ફર્જી હોવાનું જાણવા મળ્યું છે.