Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણકર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રીની મહોલ્લા ક્લિનિક મુલાકાતને લઈને દિવસભર કેજરીવાલ અને AAP...

    કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રીની મહોલ્લા ક્લિનિક મુલાકાતને લઈને દિવસભર કેજરીવાલ અને AAP નેતાઓએ માહોલ બનાવ્યો, સાંજે કોંગ્રેસ નેતાએ પાણી ફેરવી મૂક્યું: જાણો શું બન્યું

    કર્ણાટકના મંત્રીની આ મહોલ્લા ક્લિનિક મુલાકાતને લઈને દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાઓનો હરખ સમાતો ન હતો ત્યાં કોંગ્રેસ નેતાએ એક ટ્વિટ કરીને તેની ઉપર પાણી ફેરવી મૂક્યું હતું.

    - Advertisement -

    કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવ તાજેતરમાં દિલ્હીના પ્રવાસે હતા. અહીં તેમણે મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને આવકાર આપતું એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે આપણે બધાએ એકબીજા પાસેથી સારી બાબતો શીખવી જોઈએ. પરંતુ થોડા જ કલાકોમાં કોંગ્રેસના મંત્રીએ એવું ટ્વિટ કરી દીધું કે કેજરીવાલ અને તેમની સરકારની ફજેતી થઇ હતી. 

    દિનેશ ગુંડુ રાવ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી છે. શુક્રવારે (4 ઓગસ્ટ, 2023) તેઓ દિલ્હીની યાત્રાએ હતા. અહીં તેમણે મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી. મહોલ્લા ક્લિનિક કેજરીવાલ સરકારનો પ્રોજેક્ટ છે, જેને લઈને કાયમ પ્રશ્નો ઉઠતા રહ્યા છે. કર્ણાટક મંત્રીની મુલાકાત દરમિયાન દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ તેમની સાથે રહ્યા હતા. 

    ભારદ્વાજે બંનેની તસ્વીરો પોસ્ટ કરીને એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું, કર્ણાટક અને દિલ્હી સરકારની સકારાત્મક પહેલ! કર્ણાટકના ‘નમ્મા ક્લિનિક’ને વધુ સારાં બનાવવાની દિશામાં આજે દિલ્હીના પંચશીલ પાર્કમાં કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવજજીએ કેજરીવાલ સરકારના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી અને મને પણ કર્ણાટક આવવાનું આમંત્રણ આપ્યું.

    - Advertisement -

    સૌરભ ભારદ્વાજના આ ટ્વિટને ક્વોટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું, કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હી મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી. અમે તેમને અને તેમની ટીમને આવકારીએ છીએ. આપણે બધાએ એકબીજા પાસેથી શીખવાનું છે. દિલ્હી પણ કર્ણાટક સરકારનાં સારાં કામો પરથી શીખશે. 

    કર્ણાટકના મંત્રીની આ મહોલ્લા ક્લિનિક મુલાકાતને લઈને દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાઓનો હરખ સમાતો ન હતો ત્યાં કોંગ્રેસ નેતાએ એક ટ્વિટ કરીને તેની ઉપર પાણી ફેરવી મૂક્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ આ મુલાકાતથી નિરાશ થયા છે અને મહોલ્લા ક્લિનિકને વધુ પડતું બતાવવામાં આવે છે. ટ્વિટમાં તેમણે લખ્યું, ‘દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી અને ત્યાં ભાગ્યે જ કોઈ જોવા મળ્યું. કર્ણાટકમાં અમારાં ક્લિનિક્સમાં દર્દીઓના ત્વરિત ટેસ્ટ કરવા માટે લેબોરેટરી સહિતની આના કરતાં સારી સુવિધાઓ છે. મને લાગે છે કે તે (મહોલ્લા ક્લિનિક) ઓવરહાઈપ્ડ (જેનો પ્રચાર બહુ કર્યો હોય પણ કામ સારું ન હોય એવું) છે, નિરાશ થઈને પાછું ફરવું પડ્યું. 

    ઉલ્લેખનીય છે કે આમ તો અરવિંદ કેજરીવાલ ભાજપ સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ ભાંડતા રહેતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમના સૂર બદલાયા છે અને હવે તો તેમની પાર્ટી વિપક્ષોના I.N.D.I.A ગઠબંધનમાં પણ સામેલ થઇ છે. પરંતુ બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરીને કોંગ્રેસ તેમને બહુ ગણકારતી હોય તેમ જણાઈ રહ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં