Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના હેન્ડલરો દ્વારા સંચાલિત ‘ગઝવા-એ-હિન્દ’ મોડ્યુલ મામલે NIAની કાર્યવાહી: ગુજરાત સહિત ત્રણ...

    પાકિસ્તાનના હેન્ડલરો દ્વારા સંચાલિત ‘ગઝવા-એ-હિન્દ’ મોડ્યુલ મામલે NIAની કાર્યવાહી: ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં દરોડા, સુરતમાં એકની પૂછપરછ કરી

    NIAએ બિહારના દરભંગામાં 1 અને પટનામાં બે જગ્યાઓએ, યુપીના બરેલીમાં એક અને સુરતમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન, તપાસ હાથ ધર્યાં હતાં

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી- NIAએ આજે સુરત સહિત કુલ પાંચ ઠેકાણે એકસાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પાકિસ્તાનીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘ગઝવા-એ-હિન્દ’ મોડ્યુલ વિરુદ્ધ કરવામાં આવી હતી. સુરતમાં પણ એજન્સીની એક ટીમ પહોંચી હતી અને એક મુસ્લિમ સગીરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. 

    NIAની ટીમે  બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાંથી બિહારના દરભંગામાં 1 અને પટનામાં બે જગ્યાઓએ, યુપીના બરેલીમાં એક અને સુરતમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન, તપાસ હાથ ધર્યાં હતાં. એજન્સી અનુસાર, આ રેડમાં મોબાઈલ, મેમરી કાર્ડ જેવાં ડિજિટલ ડિવાઇસ, સિમ કાર્ડ્સ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સુરતનો એક 17 વર્ષીય સગીર ઉસ્માન ગની પાકિસ્તાનના એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હોવાની માહિતી મળતાં તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. NIAની ટીમે સુરત પોલીસની SOGની ટીમને સાથે રાખીને લગભગ 6 કલાક સુધી પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન, તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ તપાસવામાં આવ્યાં હતાં. જોકે, પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. 

    - Advertisement -

    નોંધનીય છે કે ગયા વર્ષે બિહારના ફુલવારી શરીફ ખાતે ગઝવા-એ-હિન્દ ટેરર મોડ્યુલ ઝડપાયું હતું. બિહારના ફુલવારી શરીફ વિસ્તારમાં આતંકી સંગઠનના એક શંકાસ્પદ ટેરર મોડ્યુલ સામે તપાસના ભાગરૂપે એજન્સીએ બિહાર, કેરળ અને કર્ણાટકમાં પીએફઆઈ સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI સંબંધિત ફુલવારી શરીફ કેસમાં દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે એક મગરૂબ અહમદ દાનિશ નામનો શખ્સ પણ પકડાયો હતો. દાનિશની ધરપકડ બાદ આ મોડ્યુલ વિશે માહિતી સામે આવી હતી. આ મામલે ગત વર્ષે 14 જુલાઈના રોજ કેસ દાખલ થયો હતો અને 22 જુલાઈએ NIAએ તપાસ હાથ પર લીધી હતી. મગરૂબ સામે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

    એજન્સીને જાણવા મળ્યું હતું કે, મગરૂબ ‘ગઝવા-એ-હિન્દ’ મોડ્યુલનો સભ્ય હતો, જે પાકિસ્તાનીઓ દ્વારા ચલાવવામાં આવતું હતું અને જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપવા માટે મુસ્લિમ યુવાનોનાં બ્રેનવૉશ કરવાનો હતો. મગરૂબ પાકિસ્તાની વ્યક્તિ ઝૈન દ્વારા બનાવવામાં આવેલા એક ‘ગઝવા-એ-હિન્દ’ વોટ્સએપ ગ્રુપનો એડમીન હતો અને જેમાં તેણે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ યમનના નાગરિકોને જોડ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, ઘણા સંદિગ્ધ લોકો પાકિસ્તાન સ્થિત હેન્ડલરોના સંપર્કમાં રહીને ગઝવા-એ-હિન્દના આ મોડ્યુલ સાથે જોડાયેલા છે. જે મામલે હાલ તપાસ ચાલી રહી છે અને જેને લઈને જ આજે દરોડા પાડવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં