વડોદરાના સાવલીમાં ફૈઝલ નામના મુસ્લિમ યુવકે સગીરા પર અત્યાચાર કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ કોલેજમાં ભણતી વિદ્યાર્થી સાથે અનેક વખત દુષ્કર્મ આચરી ફૈઝલે તેના ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. આટલું જ નહીં આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને સગીરાને જાતિ વિરુદ્ધ અપશબ્દ કહીને પ્રતાડિત પણ કરી હતી. પીડિતાએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, સગીરાએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે સાવલીની કોલેજમાં ડિપ્લોમાના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલાં સાવલીમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા 25 વર્ષીય ફૈઝલ ઉર્ફ ફેન્ટો ઝાકીર દીવાને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, જે તેણે એક્પીસેપ્ટ કરી હતી. પીડિતાએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ સ્વીકાર્યા બાદ ફૈઝલ ઉર્ફ ફેન્ટો તેને અવારનવાર મેસેજ મોકલતો રહેતો હતો.
થોડા સમય બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વાતચીત થવા લાગી હતી અને બાદમાં બંનેએ એકબીજાને મળવાનું પણ શરૂ કર્યું હતું. મિત્રતાની જાળમાં ફસાવીને ફૈઝલે સાવલી તેમજ વડોદરામાં અલગ-અલગ જગ્યાએ લઇ જઇ પીડિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે પીડિતાના વાંધાજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપીને તે શારીરિક સબંધો બાંધવા માટે દબાણ કરતો હતો.
પીડિતાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ફૈઝલને દુષ્કર્મ કરવા માટે ના પાડતી ત્યારે આરોપી તેના માથાના વાળ પકડી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. આટલું જ નહીં આરોપી પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. વિરોધ કરવા પર તે સોશિયલ મીડિયામાં ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો.
‘તું નીચલી જાતિની છે, તને મારી રાખેલ બનાવીશ’
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફરિયાદમાં પીડિત સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચરનાર ફૈઝલ દિવાન ફેબ્રુઆરી-2023માં રાત્રે તેની કોલેજ આવ્યો હતો અને પીડિતાને જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલી કહ્યું હતું કે, “તું નીચલી જાતિની છે, તેં મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે, હું તને કોઇ જગ્યાએ જવા નહીં દઉં અને તને મારી રખેલ તરીકે રાખીશ.”
વડોદરા પોલીસે ફરિયાદના આધારે ફૈઝલ ઉર્ફ ફેન્ટો દિવાન સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.