યુપીમાં લવ જેહાદનો વધુ એક મામલો સામે આવ્યો છે. અહીં એક હિંદુ યુવતીએ ચાંદ મોહમ્મદ નામના ઈસમ પર નામ અને ધર્મ બદલીને લગ્ન કરવાનો અને અપ્રાકૃતિક સેક્સ અને બળજબરીથી માંસ ખવડાવવાનો અને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મામલો લખનૌનો છે. અહીં એક હિંદુ મહિલાએ આરોપ લગાવતાં કહ્યું કે, ચાંદ મોહમ્મદે તેને નામ અને ધર્મ બદલીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેની ઉપર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી. તેમજ મહિલા જ્યારે વિરોધ કરતી તો તેને રૂમમાં પૂરી દઈને મારપીટ કરવામાં આવતી. આખરે મહિલાએ વન સ્ટોપ સેન્ટર પર મદદ માંગતા તેને ઉગારવામાં આવી હતી.
આરોપીનું સાચું નામ ચાંદ મોહમ્મદ છે પરંતુ તેણે પીડિતાને પોતાનું નામ સુશીલ ઉર્ફ સની મૌર્ય જણાવ્યું હતું. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તે મહિલાને લઈને લખનૌ જતો રહ્યો હતો. જ્યાં બંનેનાં લગ્ન પણ થયાં હતાં.
લગ્ન બાદ બંનેને બે સંતાનો પણ થયાં હતાં. જેમાંથી એકની ઉંમર 5 વર્ષ અને બીજાની ઉંમર 3 વર્ષ જેટલી છે. જ્યારે ત્રીજા સંતાન વખતે મહિલા ગર્ભવતી હતી ત્યારે ચાંદ મોહમ્મદે પેટ પર લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો.
પીડિતાએ જણાવ્યું કે, ચાંદ મોહમ્મદ રોજ તેને કોઈને કોઈ વાતને લઈને માર મારતો હતો અને જ્યારે મહિલાએ ફરિયાદ કરવાના પ્રયાસ કર્યા તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. અત્યાચાર બાદ મહિલાએ ભાગવાના પણ પ્રયાસો કર્યા હતા પરંતુ તે પકડાઈ જતી અને ફરી મારઝૂડ થતી હતી.
મહિલાએ એમ પણ જણાવ્યું કે ચાંદ મોહમ્મદ તેની ઉપર ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરતો હતો અને બળજબરીથી ગૌમાંસ પણ ખવડાવતો હતો. જ્યારે તે વિરોધ કરતી ત્યારે તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી.
આખરે મહિલાએ વન સ્ટોપ સેન્ટર પર મદદ માંગતાં તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ તે સેન્ટર પર રહે છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુપીમાં લવ જેહાદનો મામલો સામે આવ્યા બાદ પોલીસે જણાવ્યું છે કે, તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં.