આવતીકાલે (5 ડિસેમ્બર 2022) ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. પીએમ મોદી આજે સાંજે ગુજરાત આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે મતદાન કરશે. વડાપ્રધાનના આગમનને લઈને તેમના મતદાન મથકે સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકો પર બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. પીએમ મોદીનું મતદાન મથક અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તાર સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.
આવતીકાલે પીએમ મોદી સવારે સાડા આઠ વાગ્યે રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરશે. આ દરમિયાન તેમની સાથે સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલ પણ સાથે રહેશે. અહેવાલો જણાવી રહ્યા છે કે, પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે.
અમુક મીડિયા અહેવાલો એવું પણ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન તેમનાં માતા હીરાબા સાથે પણ મુલાકાત કરી શકે છે. જોકે, આ વિશે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી કે પુષ્ટિ કરવામાં આવી નથી.
કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, એસપીજીએ નિરીક્ષણ કર્યું
વડાપ્રધાન આવતીકાલે મતદાન કરે તે પહેલાં આજે અમદાવાદ પોલીસ અને એસપીજીએ મતદાન મથકની મુલાકાત લઈને સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્તની સમીક્ષા કરી હતી. ઉપરાંત, અત્યારથી જ પેરામિલિટરી ફોર્સ સહિતના જવાનો ખડેપગે સુરક્ષામાં હાજર રહેશે.
પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને AMCના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ટ્રાફિક માટે બીજો રુટ નક્કી કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ સ્ટેન્ડ બાય રહેશે. અન્ય પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
#Ahmedabad | Alternate route is planned for traffic. Fire Dept officers will be on standby. Emergency evacuation plan also prepared: Aniruddh Gadhvi, Chief Fire Officer, AMC on preparations at Ranip polling booth where PM Modi will cast his vote for #GujaratAssemblyPolls tomorrow pic.twitter.com/ZvxFjsxoUF
— The Times Of India (@timesofindia) December 4, 2022
મતદાન પહેલાં આજે ઈવીએમ સહિતની સામગ્રી ડિસ્પેચ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તમામ વિધાનસભા બેઠકોના તમામ મતદાન મથકો પર આજે તમામ સામગ્રી અને સ્ટાફ પહોંચાડી દેવામાં આવશે. આવતીકાલે સવારે સાડા છ વાગ્યે મૉકપૉલ બાદ આઠ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.
સાબરમતી વિધાનસભા બેઠક
સાબરમતી વિધાનસભા ભાજપનો ગઢ રહ્યો છે. 2002થી પાર્ટી અહીં હારી નથી. હાલ અહીંથી અરવિંદ પટેલ ભાજપના ધારાસભ્ય છે. જોકે, ભાજપે આ વખતે ડૉ. હર્ષદ પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા હેઠળ આવે છે, જ્યાંના સાંસદ ગૃહમંત્રી અમિત શાહ છે.