હિમાલયની ગોદમાં વસેલો નેપાળ દેશ દરિયાથી હજારો કિલોમીટર દૂર છે. તેની પોતાની પાસે એક પણ સમુદ્રી બંદર નથી. દુનિયાના કોઈ ખૂણે માલ મોકલવો હોય કે ત્યાંથી માલ મંગાવવો હોય તો નેપાળે અનિવાર્યપણે કોઈ બીજા દેશના બંદરનો સહારો લેવો પડે છે. ભૂગોળે તેને આ રીતે ભારત અને ચીન વચ્ચે, બે વિશાળ શક્તિઓની વચ્ચે, એક લેન્ડલૉક્ડ દેશ બનાવી દીધો છે. પરંતુ આજના સમયમાં આ ભૂગોળ માત્ર નકશાનો વિષય નથી. એ વેપાર, કનેક્ટિવિટી અને ભૂરાજકારણનો પણ વિષય છે.
23 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ વચ્ચે બેઠક થઈ ત્યારે અનેક મહત્વના નિર્ણયો જાહેર થયા. તેમાં એક નિર્ણય બીજા મોટા આંકડાઓની વચ્ચે નાનો દેખાય, પરંતુ તેની પાછળનું ગણિત ઘણું મોટું છે. ભારતે નેપાળના થર્ડ-કન્ટ્રી ટ્રાન્ઝિટ ટ્રેડ માટે ગુજરાતના દીનદયાળ પોર્ટ એટલે કે કંડલા સુધી પહોંચ આપવાની જાહેરાત કરી. ઓડિશાના પરાદીપ પોર્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જોકે તેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા બાદ તેનો ઉપયોગ થઈ શકશે.
આનો સીધો અર્થ શું છે? નેપાળે કોઈ ત્રીજા દેશ પાસેથી માલ ખરીદ્યો હોય અને એ માલ સમુદ્રમાર્ગે ભારત પહોંચે તો હવે તે માત્ર પૂર્વ કિનારે આવેલા ભારતીય બંદરો સુધી સીમિત નહીં રહે. ગુજરાતના કંડલા પોર્ટનો રસ્તો પણ ખુલ્યો છે. એટલે પહેલીવાર નેપાળના થર્ડ-કન્ટ્રી ટ્રાન્ઝિટ ટ્રેડ માટે ભારતના પશ્ચિમ કિનારે આવેલું એક મોટું સરકારી બંદર ઉપલબ્ધ બન્યું છે. અહીંથી વાત માત્ર કંડલા પોર્ટની રહેતી નથી. કારણ કે નેપાળના દરિયાઈ વેપાર માટે એક નવો રસ્તો ખૂલવો એટલે ભારત માટે પણ એક નવો વેપારી દરવાજો ખૂલવો અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે હિમાલયના આ નાના પરંતુ વ્યૂહાત્મક દેશ પર ચીન પોતાની અસર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
નેપાળનો દરિયાઈ વેપાર અત્યાર સુધી મુખ્યત્વે ભારતના પૂર્વ કિનારે આવેલા કોલકાતા, હલ્દિયા અને વિશાખાપટ્ટનમ જેવા બંદરો મારફતે ચાલતો રહ્યો છે. નેપાળ અને ભારત વચ્ચેની ટ્રાન્ઝિટ વ્યવસ્થા હેઠળ ભારતે લાંબા સમયથી નેપાળને પોતાના બંદરો અને જમીની માર્ગો મારફતે વૈશ્વિક વેપાર સાથે જોડાણ આપ્યું છે. હવે કંડલાનો ઉમેરો આ નેટવર્કને પૂર્વમાંથી પશ્ચિમ તરફ પણ વિસ્તારે છે. નેપાળના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે વધારાના બંદરો મળવાથી તેના આંતરરાષ્ટ્રીય વેપારને વધુ સરળતા અને વેપારીઓને નવા વિકલ્પો મળશે.
પરંતુ અહીં એક રસપ્રદ બાબત છે. નેપાળે જે માંગણી કરી હતી તે કંડલાની નહોતી. 2019માં નેપાળે ગુજરાતના મુંદ્રા અને ઓડિશાના ધામરા બંદરો સુધી પહોંચની માંગ કરી હતી. આ બંને બંદરો ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત છે. વર્ષો સુધી આ અંગે ચર્ચા ચાલતી રહી. હવે જ્યારે નવી દિલ્હી અને કાઠમંડુ વચ્ચે સમજૂતી થઈ છે ત્યારે નેપાળને મુંદ્રા અને ધામરાના બદલે ગુજરાતનું કંડલા અને ઓડિશાનું પરાદીપ મળ્યું છે. એટલે ગુજરાતમાં નેપાળ જે પોર્ટ ઇચ્છતું હતું તે મુંદ્રા નહીં, પરંતુ હવે જે પોર્ટ મળ્યું છે તે કંડલા છે.
આ ફેરફાર શા માટે થયો તેનું સત્તાવાર રીતે કોઈ એક કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પરિણામ સ્પષ્ટ છે. નેપાળના થર્ડ-કન્ટ્રી ટ્રાન્ઝિટ ટ્રેડ માટે ભારતનાં સરકાર સંચાલિત બે મોટાં બંદરોનો નવો વિકલ્પ તૈયાર થયો છે અને અહીં ગુજરાતનું મહત્વ શરૂ થાય છે. કંડલા એટલે માત્ર કચ્છના દરિયાકિનારે આવેલું બંદર નહીં. તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા મહત્વના વ્યાપારી દરવાજાઓમાંથી એક છે. જો નેપાળના વેપારીઓ માટે કંડલા મારફતે માલ મોકલવો વ્યવહારિક અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય તો ગુજરાતનો આ પોર્ટ નેપાળની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.
અત્યારે જોકે એક વાત સ્પષ્ટ રાખવી જરૂરી છે. કંડલા માટે કોઈ ચોક્કસ શરૂઆતની તારીખ, અપેક્ષિત કાર્ગો વોલ્યુમ કે કંડલાથી નેપાળ સુધી માલ કયા ચોક્કસ રેલ-રોડ રૂટથી જશે તેની વિગત જાહેર કરવામાં આવી નથી. પરંતુ નીતિગત રીતે દરવાજો ખોલી દેવામાં આવ્યો છે અને હવે આગળનું ગણિત ખર્ચ, સમય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપારીઓની પસંદગી નક્કી કરશે.
તો પછી ભારતે આ દરવાજો શા માટે ખોલ્યો?
આ સવાલનો જવાબ માત્ર વેપારમાં નથી. નેપાળ ભારત માટે સામાન્ય પડોશી દેશ નથી. બંને દેશો વચ્ચે ખુલ્લી સરહદ છે. લોકોની અવરજવર, રોજગાર, સંસ્કૃતિ, ધાર્મિક સંબંધો અને વેપારની સદીઓ જૂની કડીઓ છે. નેપાળ ભારતના સૌથી નજીકના વ્યૂહાત્મક પડોશીઓમાંનું એક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંબંધમાં ચીનનો પ્રભાવ પણ ઝડપથી વધ્યો છે. ચીન માટે નેપાળનું મહત્વ માત્ર એક પાડોશી દેશ તરીકે નથી. નેપાળ તિબેટની દક્ષિણ બાજુએ આવેલો દેશ છે અને ચીનના દક્ષિણ એશિયા સુધીના વ્યૂહાત્મક વિસ્તરણમાં તેનું ભૌગોલિક સ્થાન મહત્વનું છે. ચીને નેપાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં પોતાની હાજરી વધારી છે. તાજેતરના વર્ષોમાં ચીન-નેપાળ વેપાર પણ વધ્યો છે. એટલે કાઠમંડુ માટે હવે વિકલ્પો માત્ર દિલ્હી સુધી સીમિત નથી રહ્યા. બેઇજિંગ પણ પોતાનો દરવાજો ખોલીને બેઠું છે.
અહીં ભારતની ચિંતા સમજવી જરૂરી છે. ભારત પાસે ચીનને નેપાળમાંથી બહાર કાઢવાનો કોઈ વ્યવહારિક રસ્તો નથી અને આજની દુનિયામાં એવો પ્રયાસ કરવાની જરૂર પણ નથી. પરંતુ ભારત માટે મહત્વનું એ છે કે નેપાળની આર્થિક અને વ્યૂહાત્મક કનેક્ટિવિટી એવી રીતે વિકસે કે તેમાં ભારતની ભૂમિકા નબળી ન પડે. આ જ જગ્યાએ કંડલા મહત્વનું બની જાય છે.
ચીન નેપાળ સાથે હિમાલય પારની કનેક્ટિવિટી બનાવવાની વાત કરે છે. ભારતનો જવાબ માત્ર સરહદ પર વધુ રસ્તા બનાવવાનો નથી. ભારત પાસે પહેલેથી જ એવી એક વિશાળ શક્તિ છે જે ચીન પાસે નેપાળ માટે સમાન સ્વરૂપે નથી, ભારતીય ઉપખંડનું વિશાળ બજાર, રોડ-રેલ નેટવર્ક અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી સુધીના બંદરોનું નેટવર્ક. નેપાળને કંડલા આપવાનો અર્થ એ છે કે ભારત હવે નેપાળને માત્ર પોતાની પૂર્વીય સરહદ નજીકના માર્ગો સાથે નહીં, પરંતુ પશ્ચિમ કિનારે આવેલા એક મોટા બંદર સાથે પણ જોડે છે.
અર્થાત્, નકશા પર જોવામાં આવે તો કંડલા કચ્છમાં છે અને નેપાળ હિમાલયમાં. બંને વચ્ચે સીધી સમુદ્રી કડી શક્ય જ નથી કારણ કે નેપાળને સમુદ્ર નથી. પરંતુ ભારતનું રોડ અને રેલ નેટવર્ક આ બંનેને જમીન દ્વારા જોડે છે. કંડલા પર જહાજમાંથી ઉતરેલો માલ ભારતની અંદરથી પસાર થઈને ઉત્તર તરફ નેપાળ જઈ શકે છે. બીજી તરફ નેપાળનો માલ પણ ભારતીય માર્ગો મારફતે કંડલા સુધી આવી શકે છે અને ત્યાંથી વિશ્વના અન્ય બજારો સુધી સમુદ્રમાર્ગે જઈ શકે છે.
આ જ છે આ નિર્ણયનું સાચું ‘ગણિત’. નેપાળ માટે એક વધારાનો વિકલ્પ. ભારત માટે એક વધારાનો ટ્રાન્ઝિટ કોરિડોર. કંડલા માટે એક નવા દેશ સાથે જોડાયેલો કાર્ગો રૂટ અને વ્યૂહાત્મક સ્તરે ભારત માટે નેપાળની કનેક્ટિવિટી પર પોતાની પકડ વધુ મજબૂત કરવાની તક. આ આખી પ્રક્રિયાને જો માત્ર બંદરના ન્યુઝ તરીકે જોવામાં આવે તો આ સમીકરણનો મોટો ભાગ ચૂકી જવાય. કારણ કે 23 નવેમ્બરની ભારત-નેપાળ બેઠકમાં કંડલા એકલું આવ્યું નથી. ભારતે નેપાળ માટે ₹15,000 કરોડના વિકાસ સહાય પેકેજની જાહેરાત કરી છે. તેમાં ₹3,500 કરોડની ગ્રાન્ટ અને ઊર્જા ક્ષેત્ર માટે ₹11,500 કરોડની રૂપિયામાં આધારિત લાઇન ઑફ ક્રેડિટનો સમાવેશ થાય છે. સાથે નવી રેલવે લાઇન, ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ, પેટ્રોલિયમ પાઇપલાઇન, વીજળી અને હાઇડ્રોપાવર ક્ષેત્રમાં પણ સહકાર આગળ વધારવાનો નિર્ણય થયો છે.
રક્સૌલ-કાઠમંડુ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ રેલવે માટે ફીલ્ડ લોકેશન સરવે પૂર્ણ થયો છે. નેપાળના ઈસ્ટ-વેસ્ટ રેલવેના વિકાસમાં પણ બંને દેશો સહયોગ કરશે. ભારત અને નેપાળે ધનુષા-અયોધ્યા વચ્ચેની કનેક્ટિવિટી વધારતી સરયુ-કમલા એક્સપ્રેસ રેલ સેવા પણ શરૂ કરી છે. પશ્ચિમ નેપાળ અને ભારતને જોડતા ધારચુલા-દારચુલા મોટરેબલ બ્રિજનું પણ ઉદ્ઘાટન થયું છે. એટલે એક ચિત્ર તૈયાર થાય છે. એક તરફ બંદર. બીજી તરફ રેલવે. ત્રીજી તરફ રોડ અને સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ચોથી તરફ પેટ્રોલિયમ પાઇપલાઇન. પાંચમી તરફ વીજળી અને હાઇડ્રોપાવર અને તેની સાથે સાંસ્કૃતિક તથા ધાર્મિક કનેક્ટિવિટી. આ બધું એક જ નીતિના અલગ-અલગ ટુકડા જેવા લાગે, પરંતુ તેમને સાથે મૂકો તો ભારતની નેપાળ નીતિનું મોટું ચિત્ર દેખાય છે. નેપાળને માત્ર સરહદ પારનો પાડોશી નહીં, પરંતુ ભારતના આર્થિક, ઊર્જા, પરિવહન અને સાંસ્કૃતિક નેટવર્કનો અભિન્ન ભાગ બનાવવાનો પ્રયાસ.
ચીનના સંદર્ભમાં આ વધુ મહત્વનું બની જાય છે. રોયટર્સના વિશ્લેષણ અનુસાર, ચીન છેલ્લા દાયકામાં નેપાળમાં પોતાની આર્થિક હાજરી વધારવામાં સફળ રહ્યું છે અને ભારત-ચીન બંને માટે નેપાળ પ્રભાવની સ્પર્ધાનું ક્ષેત્ર બન્યું છે. આ સ્થિતિમાં નવી દિલ્હી માટે પડકાર માત્ર ચીનને રોકવાનો નથી. પડકાર એ છે કે નેપાળને એવા વિકલ્પો આપવાનું ચાલુ રાખવું કે જેમાં ભારત તેના વિકાસનો વિશ્વસનીય ભાગીદાર બની રહે અને અહીં ભારતની સૌથી મોટી શક્તિ પૈકી એક ભૂગોળ બની જાય છે. નેપાળને સમુદ્ર જોઈએ તો તેને કોઈને કોઈ દરિયાઈ દેશ પાસે જવું જ પડશે. ભારત પાસે લાંબો દરિયાકિનારો છે. ભારત પાસે પશ્ચિમમાં કંડલા છે. પૂર્વમાં કોલકાતા, હલ્દિયા અને પરાદીપ છે. દક્ષિણ-પૂર્વ તરફ વિશાખાપટ્ટનમ છે. આ બંદરોને જોડતું વિશાળ રોડ-રેલ નેટવર્ક છે. એટલે ભારત નેપાળને માત્ર એક બંદર નથી આપી રહ્યું. તે પોતાના વિશાળ લોજિસ્ટિક્સ નેટવર્કમાં વધુ એક દરવાજો ખોલી રહ્યું છે.
ગુજરાત માટે તો આ બાબત વધુ રસપ્રદ છે. કંડલા પહેલેથી જ ગુજરાતના વેપાર અને લોજિસ્ટિક્સ નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. હવે જો નેપાળ સાથેનો આ નવો ટ્રાન્ઝિટ રૂટ વ્યવહારિક રીતે સફળ બને તો કચ્છનું આ બંદર માત્ર ગુજરાત અથવા ઉત્તર-પશ્ચિમ ભારત માટેનું દરિયાઈ પ્રવેશદ્વાર નહીં રહે. તે હિમાલયમાં આવેલા દેશના આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ એક વિકલ્પ બની શકે છે. એટલે ગુજરાતની ભૂમિકા અહીં માત્ર ‘પોર્ટ ધરાવતા રાજ્ય’ની નથી. ગુજરાત ભારતના પશ્ચિમ દરિયાકિનારે ઊભું રહીને ઉત્તર તરફ હિમાલય સુધી પહોંચતા એક નવા વેપારી નેટવર્કનો ભાગ બની રહ્યું છે અને આ જ કારણ છે કે ‘કંડલા’ શબ્દ કરતાં આ નિર્ણયની પાછળનું મોટું ચિત્ર વધુ મહત્વનું છે.
નેપાળ માટે આ નિર્ણયનો અર્થ છે કે હવે તેને પોતાના થર્ડ-કન્ટ્રી ટ્રેડ માટે વધુ એક ભારતીય બંદર મળ્યું છે. ભારત માટે તેનો અર્થ છે કે નેપાળ સાથેની આર્થિક કનેક્ટિવિટી વધુ વિસ્તરે છે. ગુજરાત માટે તેનો અર્થ છે કે કંડલાને એક નવા આંતરરાષ્ટ્રીય ટ્રેડ રૂટ સાથે જોડાવાની તક મળી છે અને ભૂરાજકીય રીતે તેનો અર્થ એ છે કે ચીન નેપાળમાં પોતાની કનેક્ટિવિટી વધારી રહ્યું હોય ત્યારે ભારત પણ પોતાની બાજુથી એક પછી એક કડી મજબૂત કરી રહ્યું છે.
આ સ્પર્ધા કદાચ કોઈ સીમા પર લડાતી દેખાશે નહીં. અહીં સૈનિકો ઊભા નહીં હોય. કોઈ તોપ નહીં હોય. પરંતુ રસ્તા, રેલવે, બંદરો, પાઇપલાઇન, વીજળી, વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રભાવની જે સ્પર્ધા ચાલે છે તેમાં આ બધું જ વ્યૂહાત્મક સાધન બની જાય છે. કંડલા સુધી નેપાળને પહોંચ આપવાનો નિર્ણય પણ આ જ મોટા ચિત્રનો એક ટુકડો છે. હિમાલયમાં બેઠેલા નેપાળને અરબી સમુદ્ર સુધી પહોંચવા માટે પોતાનો કોઈ દરિયો બનાવવાની જરૂર નથી. ભારતનો દરિયો પૂરતો છે અને ભારત માટે પડકાર હવે એટલો જ છે કે આ દરિયાઈ દરવાજાને નેપાળ સુધી પહોંચાડતી જમીની કડી કેટલી ઝડપી, સસ્તી અને અસરકારક બને છે. કારણ કે અંતે કનેક્ટિવિટીનો અર્થ માત્ર રસ્તો બનાવવો નથી.
કનેક્ટિવિટી એટલે કોઈ દેશને એવો વિકલ્પ આપવો કે જેને તે પોતાની અર્થવ્યવસ્થા માટે ઉપયોગી માને અને લાંબાગાળે તે વિકલ્પ પર વિશ્વાસ પણ રાખી શકે. નેપાળ માટે કંડલા એ જ એક નવો વિકલ્પ છે અને ભારત માટે એ છે હિમાલયમાં પોતાની પડોશી નીતિને અરબી સમુદ્ર સુધી ખેંચવાની એક નવી કડી.


