ચીનના દરિયાકાંઠેથી નીકળીને એક જહાજ બાંગ્લાદેશના બંદર તરફ જઈ રહ્યું હતું. તેના કન્ટેનરોમાં 405 ટન એવું સોડિયમ પર્ક્લોરેટ ભર્યું હતું જેનો ઉપયોગ મિસાઇલોના પ્રોપેલન્ટ બનાવવા માટે થાય છે. સાથે લાખોની સંખ્યામાં અનરજિસ્ટર્ડ સિમ કાર્ડ પણ હતાં, પરંતુ જહાજ બાંગ્લાદેશ પહોંચે એ પહેલાં ઇન્ડોનેશિયાની નૌસેનાના હાથે ચડી ગયું અને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યું અને એટલે જ આ માહિતી પણ બહાર આવી.
જહાજ નીકળ્યું ત્યારથી તેની હિલચાલ સામાન્ય ન હતી. ઉપરાંત તેના દસ્તાવેજો વિશે પણ પ્રશ્નો ઘણા હતા. જહાજ તેના નિર્ધારિત માર્ગથી અલગ પણ ચાલતું હતું. દરમ્યાન ઇન્ડોનેશિયાના બેલાવન નજીક ઇંધણ લેવા માટે રોકાયું ત્યારે ઇન્ડોનેશિયાના નૌકાદળને શંકા જતાં અટકાવવામાં આવ્યું અને ત્યારબાદ તપાસ કરવામાં આવી. તપાસમાં ખબર પડી કે આ સામાન્ય કાર્ગો જહાજ ન હતું.
કોમોરોસના ધ્વજ હેઠળ નોંધાયેલું આ જહાજ ચીનના લિયાનયુંગાંગ પોર્ટ પરથી બાંગ્લાદેશના મોંગલા બંદરે જઈ રહ્યું હતું. 9 નવેમ્બરના રોજ તે બાંગ્લાદેશ પહોંચી જવાનું હતું પરંતુ 7મીએ ઈન્ડોનેશિયાની દરિયાઈ સીમામાં તેને અટકાવી દેવામાં આવ્યું.
જહાજમાં કુલ 36 કન્ટેનરો હતાં, જેમાંથી 15 કન્ટેનરોમાં 405 ટન સોડિયમ પર્ક્લોરેટ મળી આવ્યું. સાથે આ જ જહાજમાંથી લાખોની સંખ્યામાં અનરજિસ્ટર્ડ 4G LTE સિમકાર્ડ પણ મળી આવ્યાં.
A Chinese ship carrying 405 tonnes of chemicals used in missiles and rockets, along with millions of 4G SIM cards, was seized by the Indonesian Navy while reportedly heading to Bangladesh. What was this massive consignment meant for, and why was it being sent to Bangladesh? How is China using Bangladesh as a pawn against India? @pujaranaa explains.
— OpIndia.com (@OpIndia_com) November 23, 2026
આખરે 20મી નવેમ્બરે ઇન્ડોનેશિયાએ આ જહાજ પકડ્યું હોવાનું દુનિયાને જણાવ્યું. સાથે કહ્યું કે જહાજની શંકાસ્પદ હિલચાલ, રેડિયો મેસેજનો જવાબ ન આપવો, દસ્તાવેજોમાં ગેરરીતિ અને રજિસ્ટ્રેશન સ્ટેટસ વગેરે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.
શું હોય છે સોડિયમ પર્ક્લોરેટ
સોડિયમ પર્ક્લોરેટ શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ કેમિકલ હોય છે. ઉદ્યોગોમાં પણ ઉપયોગ થાય પણ રોકેટ અને મિસાઈલ પ્રોપેલન્ટના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. ઈન્ડોનેશિયાના નૌકાદળના અધિકારીઓ કહે છે કે જેટલો જથ્થો પકડાયો છે તેનો ઉપયોગ કરીને લગભગ 100 જેટલી મિસાઇલો માટે ઇંધણ બનાવી શકાય એમ છે.
સોડિયમ પર્ક્લોરેટ પોતે વિસ્ફોટક હોતું નથી પણ તેનો અંતિમ ઉપયોગ પ્રક્રિયાઓ અને અન્ય સામગ્રી શું હોય તેની ઉપર આધારિત રહે છે. તેમ છતાં 405 ટન જથ્થો, ખાસ કરીને તેની સાથે મળી આવેલાં સિમકાર્ડ અને જહાજની શંકાસ્પદ સ્થિતિ– આ બધી બાબતો પહેલી નજરે સામાન્ય લાગતી નથી.
હાલ એ પણ તપાસ ચાલી રહી છે કે કાર્ગોનો ખરીદદાર કોણ હતો, બાંગ્લાદેશમાં તેનો અંતિમ ઉપયોગ શું થવાનો હતો, સિમકાર્ડનો આટલો મોટો જથ્થો કેમ મોકલવામાં આવી રહ્યો હતો અને જહાજના દસ્તાવેજોમાં જોવા મળતી વિસંગતતાઓ પાછળ શું કારણ છે. તમામ બાબતો હાલ તપાસ હેઠળ છે.
મોંગલા પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું?
નોંધવા જેવી બાબત એ છે કે જહાજનું ગંતવ્યસ્થાન બાંગ્લાદેશનું મોંગલા પોર્ટ હતું. બાંગ્લાદેશની દક્ષિણ-પશ્ચિમમાં આવેલું આ બંદર તેનું બીજું સૌથી મોટું બંદર છે. વેપાર અને દરિયાઈ પરિવહનમાં તેની ભૂમિકા અવગણી ન શકાય.
આ પોર્ટનું મહત્ત્વ બાંગ્લાદેશના વ્યાપાર સુધી માત્ર સીમિત નથી. ભારત પણ તેનો ઉપયોગ કરે છે. જેના માટે બંને દેશો વચ્ચે પરિવહન કરાર થયા છે. ભારત ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોનો ઉપયોગ ભારતનાં ઉત્તર-પૂર્વીય રાજ્યો તરફ અને ત્યાંથી માલ પરિવહન કરવા માટે કરે છે.
ઉત્તર-પૂર્વને બાકીના દેશ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ જેને સિલિગુડી કોરિડોર કે ‘ચિકન્સ નેક’ પણ કહેવાય છે, એ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. બાંગ્લાદેશનાં બંદરો ભારત માટે ઉત્તર-પૂર્વના પરિવહન નેટવર્કમાં વૈકલ્પિક માર્ગો પૂરા પાડે છે. મોંગલા પોર્ટ પશ્ચિમ બાંગ્લાદેશના ઔદ્યોગિક વિસ્તારને દરિયાઈ માર્ગે પણ જોડે છે. એટલે જ આ બંદર પર ચીનની પણ નજર રહી છે.
બાંગ્લાદેશમાં વધતી ચીનની હાજરી
ચીન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો માત્ર વ્યાપાર પૂરતા સીમિત રહ્યા નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશમાં રસ્તા, પુલો, વીજળી, બંદરો સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોમાં ચીનની હાજરી વિસ્તરતી રહી છે. બાંગ્લાદેશમાં અનેક જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ચીન પૈસા રોકે છે. ટેકનોલોજી આપે છે.
ઇન ફેક્ટ, મોંગલા પોર્ટની આસપાસ પણ ચીને હાજરી વધારી છે. બંદરના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ચીન તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને ચીની કંપનીઓની ભાગીદારી પણ વધી રહી છે. બંદર નજીક 110 એકરના ઈકોનોમિક ઝોનના વિકાસ માટે ચીની કંપની સાથે કરાર પણ થયો હતો.
બંદરો અને દરિયાઈ પરિવહન નેટવર્ક લાંબાગાળે દેશોની પ્રાદેશિક હાજરી બનાવવાનાં માધ્યમ બની રહે છે. એટલે જ ચીનના મેરિટાઈમ સિલ્ક રોડ ઇનિશિએટિવ હેઠળ એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે બંદરો, વ્યાપારી માર્ગો અને લોજિસ્ટિક્સ નેટવર્ક વિસ્તૃત કરવામાં આવી રહ્યાં છે અને બાંગ્લાદેશ આ વ્યાપક અને વિશાળ નેટવર્કનો એક અગત્યનો ભાગ છે.
ઉપરાંત ચીનની બાંગ્લાદેશમાં આ વધતી હાજરી માત્ર આર્થિક રોકાણ પૂરતી સીમિત નથી. બાંગ્લાદેશ સરકારના નાણાં મંત્રાલયના એક વાર્ષિક અહેવાલ પ્રમાણે જૂન 2025 સુધીમાં ચીન તરફથી બાંગ્લાદેશને કુલ 5.37 અબજ ડોલરની નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા, રેલ, વીજળી, ટેલિકોમ્યુનિકેશન અને બંદરો જેવાં ક્ષેત્રોમાં ચીન સતત પગપેસારો કરતું હોવાનું જાણવા મળે છે.
મોંગલા પોર્ટ પણ આ બદલાતા સમીકરણનું એક ઉદાહરણ છે. પોર્ટ નજીક 110 એકર વિસ્તાર અગાઉ ભારતના ઇકોનોમિક ઝોન માટે નિર્ધારિત કરવામાં આવ્યો હતો પણ 2025માં નવી સરકાર આવ્યા પછી આ પ્રસ્તાવિત વિસ્તારને યાદીમાંથી દૂર કરવામાં આવ્યો અને જૂન 2026માં ત્યાં ચીની સરકારી કંપની સાથે ચાઈના-બાંગ્લાદેશ મોંગલા પોર્ટ ઇકોનોમિક ઝોન વિકસાવવા માટે સમજૂતી થઈ હતી.
આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો ચીનથી બાંગ્લાદેશ જતો આ સોડિયમ પર્ક્લોરેટનો જથ્થો ઘણા પ્રશ્નો ઊભા કરે છે. બાંગ્લાદેશમાં આટલા મોટા જથ્થાની શું જરૂર હતી, તેનો અંતિમ ઉપયોગ શું થવાનો હતો અને આટલી મોટી સંખ્યામાં સિમ કાર્ડ કેમ મોકલવામાં આવ્યાં? આ પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી છે.
2004નો ચિટ્ટાગોંગ આર્મ્સ સ્મગલિંગ કેસ
એ પણ એક હકીકત છે કે બાંગ્લાદેશના દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોનો ઉપયોગ ભૂતકાળમાં ભારતના ઉત્તર-પૂર્વને અસ્થિર કરવા માટે થઈ ચૂક્યો છે. ઉત્તર-પૂર્વમાં ભૂતકાળમાં સક્રિય અલગાવવાદી સંગઠનોને હથિયારો અને લોજિસ્ટિક્સ પૂરાં પાડવા માટે આ રૂટનો ઉપયોગ થતો રહ્યો છે. 1990ના દાયકામાં કોક્સ બજાર અને બાંગ્લાદેશના અન્ય દરિયાઈ વિસ્તારો મારફતે ભારતનાં ઉત્તર-પૂર્વનાં સંગઠનોને હથિયાર પહોંચાડવામાં આવતાં હતાં.
2004નો ચિટ્ટાગોંગ આર્મ્સ સ્મગલિંગ કેસ બહુ જાણીતો છે. એપ્રિલ 2004માં સુરક્ષા એજન્સીઓએ બંદર પરથી લગભગ 10 ટ્રક ભરાય એટલાં હથિયારો, એમ્યુનિશન, વિસ્ફોટકો વગેરેનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં રાઇફલ, રોકેટ, ગ્રેનેડ વગેરે પણ હતું.
પછીથી થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો અને વિસ્ફોટકો ઉત્તર પૂર્વ ભારતમાં સક્રિય યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ને પહોંચાડવામાં આવનાર હતો. પછીથી બાંગ્લાદેશના તત્કાલીન રાજકીય અને સુરક્ષા તંત્રના અમુક માણસોની ભૂમિકા તપાસ હેઠળ આવી અને અનેક સામે કાર્યવાહી પણ થઈ હતી.
આ ઘટના સામાન્ય હથિયારોના સ્મગલિંગની ઘટના ન હતી પણ એ વાતનું પ્રમાણ હતું કે બાંગ્લાદેશનાં બંદરો અને સરહદી માર્ગોનો ઉપયોગ ભારતવિરોધી ઉગ્રવાદી નેટવર્કને સહાય પહોંચાડવા માટે પણ થઈ શકે છે.
હવે ભારતનું ઉત્તર-પૂર્વ ધીમે-ધીમે શાંત થઈ રહ્યું છે, સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે, રાજ્ય સરકારો મજબૂત થઈ રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર-પૂર્વ અસ્થિર કરવાના પ્રયાસો પણ ચાલતા રહે છે. મણિપુરમાં તાજેતરમાં જ મહિનાઓ સુધી અશાંતિ રહી. આ સંજોગોમાં આવાં શંકાસ્પદ જહાજો એ જ જૂના માર્ગેથી પકડાય તો એ પ્રશ્નો સર્જે એ સ્વાભાવિક છે. ખાસ કરીને ચીનથી મોકલવામાં આવ્યાં હોય ત્યારે, કારણ કે ચીન ઑપરેશન સિંદૂર વખતે પણ ભારતવિરોધી વલણ દાખવી ચૂક્યું છે. આ બધા પ્રશ્નો છે, જેના જવાબો મેળવવા જરૂરી છે.


