ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલ જહાજમાં 405 ટન ‘મિસાઈલ કેમિકલ’ અને લાખો બિનરજિસ્ટર્ડ SIM કાર્ડ, ઈન્ડોનેશિયાએ પકડ્યું

તાજેતરમાં ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલા ‘MV Star Line’ નામના જહાજને ઈન્ડોનેશિયાની નૌસેનાએ અટકાવ્યું હતું. આ જહાજ પર કોમોરોસ દેશનો ધ્વજ લગાવેલો હતો. તે ચીનના લિયાન્યુનગાંગ બંદરથી નીકળ્યું હતું અને બાંગ્લાદેશના મોંગલા બંદર જઈ રહ્યું હતું. જહાજ 8 નવેમ્બર, 2026 સુધીમાં બાંગ્લાદેશ પહોંચવાનું હતું. પરંતુ 7 નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પાસે બેલવાનના દરિયાકાંઠે નૌસેનાએ તેને પકડી લીધું હતું. હવે નૌસેનાએ 20 નવેમ્બરના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ મોટી કાર્યવાહીની માહિતી આપી.

નોંધનીય છે કે જહાજની શંકાસ્પદ હિલચાલને કારણે નૌસેનાને શંકા ગઈ હતી. જહાજ અચાનક બેલવાનના દરિયાઈ વિસ્તારમાં રોકાઈ ગયું હતું. જહાજવાળાએ કહ્યું કે તેઓ ઈંધણ ભરાવવા માટે રોકાયા છે. પરંતુ તેનો રસ્તો સામાન્ય માર્ગથી અલગ હતો. તેથી ઈન્ડોનેશિયાની પેટ્રોલિંગ બોટ ‘KRI Sigalu-857’ના જવાનોને શંકા ગઈ. તેમણે રેડિયો દ્વારા જહાજનો સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ જહાજ તરફથી કોઈ જવાબ ન મળ્યો. તેથી નૌસેનાના જવાનોએ જહાજની અંદર જઈને તપાસ કરી.

36 કન્ટેનર, લાખો બિનરજિસ્ટર્ડ સીમ કાર્ડ

તપાસ દરમિયાન જહાજમાંથી ચોંકાવનારો સામાન મળી આવ્યો. જહાજમાં કુલ 36 કન્ટેનર હતા. તેમાંથી 15 કન્ટેનરમાં 405 ટન સોડિયમ પરક્લોરેટ નામનું કેમિકલ હતું. આ ઉપરાંત 54 પેલેટમાં લાખો બિનરજિસ્ટર્ડ ખાલી 4G LTE SIM કાર્ડ પણ મળ્યાં. ઉલ્લેખનીય છે કે સોડિયમ પરક્લોરેટ એક શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ કેમિકલ છે. તેનો ઉપયોગ રોકેટ અને મિસાઈલના પ્રોપેલન્ટ બનાવવામાં થાય છે. નૌસેનાના અધિકારીના કહેવા મુજબ, આ કેમિકલથી લગભગ 100 મિસાઈલ બની શકે છે. જોકે, આ કેમિકલ વિસ્ફોટક નથી, પણ બળતણને વધુ તાકાતથી સળગાવવામાં મદદ કરે છે.

જહાજના કાગળિયાંમાં પણ અનેક ગરબડો જોવા મળી. અધિકારીઓએ જણાવ્યું કે જહાજનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થયેલું હતું. જેના કારણે કાગળોમાં લખેલી માહિતી પર પણ શંકા ઊભી થઈ છે. આ સિવાય કેટલાક શિપિંગ દસ્તાવેજો ખોટા હોવાની પણ આશંકા છે. વધુમાં જહાજ પાસે જોખમી કેમિકલ લઈ જવાની યોગ્ય મંજૂરી હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. હાલ આ જહાજને વધુ તપાસ માટે બેલવાનમાં જ રોકી રાખવામાં આવ્યું છે.

વધુ તપાસ ચાલુ

આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સામાન કોના માટે મોકલાઈ રહ્યો હતો. બાંગ્લાદેશમાં આ કેમિકલ અને SIM કાર્ડ કોને મળવાના હતા તે હજુ સ્પષ્ટ નથી. જહાજના માલિક કે આયાતકારનું નામ પણ જાહેર થયું નથી. સામાન્ય રીતે માલ કોનો છે તેની વિગત IGM નામના દસ્તાવેજમાં હોય છે. પરંતુ જહાજ બાંગ્લાદેશ પહોંચે તે પહેલાં જ પકડાઈ ગયું. તેથી ઈન્ડોનેશિયાની ટીમ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરી રહી છે અને કાગળો તપાસી રહી છે.

આ મામલો માત્ર સામાન્ય દાણચોરી જેવો લાગતો નથી. મિસાઈલ બનાવવામાં ઉપયોગી કેમિકલ અને આટલા બધા SIM કાર્ડ મળવા એ ગંભીર બાબત છે. આ સામાન પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવું જરૂરી છે. જોકે, હજુ તપાસ પૂરી થઈ નથી. આ કેમિકલ મિસાઈલ માટે જ હતું કે કેમ તે પણ હજુ સાબિત થયું નથી. ઈન્ડોનેશિયાની તપાસ પૂરી થયા પછી જ સાચી હકીકત બહાર આવશે.

આટલી મોટી માત્રામાં રોકેટ અને મિસાઇલ પ્રોપેલન્ટમાં ઉપયોગી રસાયણ બાંગ્લાદેશ જઈ રહ્યું હતું ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે તેનો અંતિમ ઉપયોગ ખરેખર કોના માટે થવાનો હતો અને શું આ માત્ર એક સામાન્ય ઔદ્યોગિક શિપમેન્ટ હતું? ખાસ કરીને બાંગ્લાદેશમાં ઇસ્લામી તાકાતોના વધતા પ્રભાવ અને ચીન સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોના સંદર્ભમાં, શું આ રસાયણનો ઉપયોગ ભારતના ઉત્તર-પૂર્વમાં આતંકવાદી નેટવર્કને મજબૂત કરવા અથવા ભારતની સુરક્ષા સામે કોઈ જોખમ ઊભું કરવા માટે થઈ શકે તેમ હતો? ઈન્ડોનેશિયાએ જહાજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે, તેથી આ શિપમેન્ટ પાછળનો વાસ્તવિક હેતુ શું હતો તે અંગે ગંભીર સવાલો ઊભા થાય છે.