જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સક્રિય લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર મોહમ્મદ લતીફ ભટ એક એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. સુરક્ષાદળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. લતીફ અગાઉ અનેક વખત સુરક્ષાદળોના ઘેરામાંથી છટકી ગયો હતો. જોકે, આ વખતે સતત મળતી ગુપ્ત માહિતી, CCTV ફૂટેજ, સ્થાનિક વિસ્તારમાં તેની હિલચાલ પર નજર અને સુરક્ષાદળોની સંયુક્ત કામગીરીના કારણે આ ઑપરેશન પાર પડ્યું છે. આ સમગ્ર ઑપરેશનને સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે લતીફ ભટ કોણ હતો, તે કેવી રીતે આતંકવાદી સંગઠન સુધી પહોંચ્યો અને સુરક્ષા એજન્સીઓ માટે તે આટલો મોટો પડકાર કેમ બન્યો હતો.
નોંધવા જેવું છે કે આતંકીને ઠાર કર્યા બાદ તેના ગામથી 160 કિમી દૂર સુરક્ષાદળોએ તેને દફનાવી દીધો છે. લતીફ ભટને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેના ગામ ખ્રેવનથી લગભગ 160 કિલોમીટર દૂર કુપવાડાના બાંગુસ વેલી વિસ્તારમાં દફનાવી દેવામાં આવ્યો. સરકારની નીતિ મુજબ આતંકવાદીઓના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા નથી, જેથી આતંકવાદીઓનો જાહેર મહિમામંડન ન થાય. ભટના અબ્બા સહિત પરિવારના આઠ સભ્યોને સુરક્ષાદળોની દેખરેખ હેઠળ સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને મજહબી વિધિ મુજબ દફનવિધિ કરવામાં આવી, પરંતુ તેમને મોબાઇલ ફોન કે ફોટોગ્રાફી કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
કોણ હતો લતીફ ભટ?
લતીફ ભટ જમ્મુ-કાશ્મીરના કુલગામ વિસ્તારનો સ્થાનિક રહેવાસી હતો. તે વ્યવસાયે સુથારકામ કરતો હતો. તેણે શરૂઆતનો અભ્યાસ સ્થાનિક શાળામાં કર્યો હતો. ધોરણ 8 સુધી પબ્લિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, ભાનમાં અભ્યાસ કર્યા બાદ તેણે સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ, અશમુજીમાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેણે કુલગામની સરકારી ડિગ્રી કૉલેજમાં પ્રવેશ લીધો, પરંતુ અભ્યાસ અધૂરો છોડીને કામ કરવાનું શરૂ કર્યું હતું.
તે કુલગામના ખ્રેવન વિસ્તારમાં એક બીડિંગ મશીન યુનિટમાં સુથાર કામ કરતો હતો. અહેવાલ પ્રમાણે, નવેમ્બર 2025માં તે પોતાના ઘરેથી ગુમ થયો હતો. ત્યારબાદ 18 નવેમ્બર 2025ના રોજ તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયો હોવાનું સામે આવ્યું. એટલે કે, સંગઠનમાં જોડાયાને બરાબર એક જ વર્ષ થયું હતું ને સુરક્ષાદળોએ તેનો અંત લાવી દીધો.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સજ્જાદ ગુલે તેને આતંકી સંગઠનમાં જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સજ્જાદ ગુલની બીવી કુલગામમાં રહેતી હતી અને તેના માધ્યમથી લતીફનો સંપર્ક સજ્જાદ ગુલ સાથે થયો હતો. ત્યારબાદ તેને કુલગામ અને શોપિયાંના ઊંચા પહાડી વિસ્તારોમાં તાલીમ આપવામાં આવી હતી.
લતીફ ભટ સુરક્ષાદળો માટે કેવી રીતે બન્યો પડકાર?
લતીફ ભટ સુરક્ષા એજન્સીઓ માટે એટલા માટે મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તે માત્ર આતંકવાદી નહોતો, પરંતુ તે ‘રિક્રૂટર’ તરીકે કામ કરતો હતો. તે દક્ષિણ કાશ્મીરના સ્થાનિક યુવાનોનો સંપર્ક કરતો, તેમને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત કરતો અને તેમની મદદથી સુરક્ષાદળો પર હુમલા કરાવવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો.
સ્થાનિક હોવાના કારણે તેને ત્યાંના રસ્તાઓ, પહાડો અને લોકોની અવરજવરની પૂરી જાણકારી હતી. તે સામાન્ય લોકોમાં સરળતાથી ભળી જતો અને દરેક મોટા હુમલામાં સીધા સામે આવ્યા વગર પાછળ રહીને ષડયંત્ર રચતો હતો. અગાઉ પણ તે અનેક વખત સુરક્ષાદળોના હાથમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં લતીફે દક્ષિણ કાશ્મીરના યુવાનો અને સ્થાનિક લોકોનું નેટવર્ક ઊભું કર્યું હતું. આ યુવાનો દ્વારા પોલીસ અને સુરક્ષાદળોની ટુકડીઓ પર ગોળીબાર કરાવવો અથવા ગ્રેનેડ હુમલા કરાવતો હતો. આ રીતે પોતે દરેક હુમલામાં પ્રત્યક્ષ રીતે સામેલ થયા વિના આતંકી કાવતરાઓ કરાવતો હતો.
સુરક્ષા એજન્સીઓ માટે આ નેટવર્ક તોડવું એટલા માટે જરૂરી હતું કે એક વ્યક્તિને ઠાર મારવાથી સંગઠનની પ્રવૃત્તિઓ અટકતી નથી. તેની સાથે જોડાયેલા અન્ય લોકોને ઓળખવા અને તેમની ભરતીની પ્રક્રિયા રોકવી પણ એટલું જ જરૂરી હોય છે.
11 નવેમ્બરના CRPF હુમલામાં સામે આવ્યું લતીફનું નામ
લતીફ ભટની શોધ વધુ તેજ બનવાનું એક મોટું કારણ 11 નવેમ્બર 2026ના રોજ કુલગામના નવાપોરા વિસ્તારમાં થયેલો હુમલો હતો. આ વિસ્તારમાં CRPFના જવાનોને નિશાન બનાવીને આતંકવાદીઓએ AK-46 રાઇફલથી ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
આ હુમલાની તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને લતીફ ભટ અને ઉમર નિસાર ડાર નામના એક અન્ય યુવાનની સંડોવણી અંગે માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ઉમર છેલ્લા છ મહિનાથી લતીફના સંપર્કમાં હતો. હુમલા પહેલાં તેણે અલગ-અલગ સ્થળોની રેકી પણ કરી હતી.
હુમલા પહેલાં 10 અને 11 નવેમ્બરના CCTV ફૂટેજમાં બંને અલગ-અલગ સ્થળોએ ફરતા અને હુમલા બાદ ત્યાંથી નીકળતા જોવા મળ્યા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે હુમલા બાદ ઉમર નિસાર ડાર આતંકવાદી સંગઠન TRFમાં જોડાયો હતો.
ઉમર નિસાર ડારના એન્કાઉન્ટર બાદ લતીફની શોધ તેજ બની
લતીફને શોધવા માટે સુરક્ષાદળોએ અગાઉ પણ અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ તે દર વખતે છટકી જતો હતો. 17 નવેમ્બર 2026ના રોજ સુરક્ષાદળોને લતીફ અને ઉમર નિસાર ડારની હાજરી અંગે બાતમી મળી હતી. ત્યારબાદ કુલગામના લારૂ બાયપાસ વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું.
આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં 19 વર્ષીય ઉમર નિસાર ડાર માર્યો ગયો, પરંતુ લતીફ ભટ ફરી એક વખત સુરક્ષાદળોના હાથમાંથી છટકી ગયો. તપાસમાં સામે આવ્યું હતું કે ડાર લતીફના સંપર્કમાં આવ્યા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં જોડાયો હતો.
ઉમરના ખાત્મા બાદ સુરક્ષાદળોએ લતીફને શોધવા પર ફોકસ કર્યું. કારણ કે તે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની પાસેથી અન્ય સ્થાનિક યુવાનો તથા આતંકવાદી સંપર્કો વિશે માહિતી મળી શકે તેમ હતી.
35 ગામોમાં સર્ચ ઑપરેશન અને સતત નજર
લતીફને શોધવા માટે સુરક્ષાદળોએ લગભગ એક અઠવાડિયા સુધી સતત ઑપરેશન ચલાવ્યું. આ દરમિયાન કુલગામ અને આસપાસનાં લગભગ 35 ગામોમાં તપાસ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓ તેની હિલચાલ પર નજર રાખી રહી હતી અને અલગ-અલગ સ્થળોએથી મળતી ગુપ્ત માહિતીને આધારે તેની હાજરીની તપાસ પણ કરી રહી હતી.
લતીફને શોધવાનું કામ સરળ નહોતું. કારણ કે તે આ વિસ્તારનો સ્થાનિક રહેવાસી હતો. તેને ગામડાંના રસ્તાઓ, પહાડી વિસ્તારો અને આસપાસના ભૌગોલિક વિસ્તારની સારી જાણકારી હતી. આવા સંજોગોમાં માત્ર એક સ્થળે સર્ચ ઑપરેશન ચલાવવાથી સફળતા મળવી મુશ્કેલ હતી.
તેથી સુરક્ષાદળોએ ગુપ્ત માહિતી, અગાઉના CCTV ફૂટેજ, સ્થાનિક સ્તરે મળેલી જાણકારી અને તેની હિલચાલને આધારે તપાસ આગળ વધારી હતી. સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મહત્વની બાબત એ હતી કે લતીફ કયા વિસ્તારમાં જઈ શકે છે અને કોના સંપર્કમાં છે તેની કડીઓ જોડવી.
મસ્જિદમાં છુપાયો લતીફ
18 નવેમ્બર 2026ની વહેલી સવારે સુરક્ષાદળોને ચોક્કસ બાતમી મળી કે લતીફ કુલગામના ઝાંગલપોરા વિસ્તારમાં છુપાયેલો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે તરત જ તે વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધો.
પોતાને ચારે તરફથી ઘેરાયેલો જોઈને લતીફ જીવ બચાવવા માટે નજીક આવેલી એક મસ્જિદની અંદર ઘૂસી ગયો. આ સ્થિતિ સુરક્ષાદળો માટે સંવેદનશીલ બની ગઈ હતી. એક તરફ ખતરનાક આતંકવાદી અને બીજી તરફ મજહબી સ્થળ. સુરક્ષાદળોએ સંયમ દાખવ્યો અને કોઈ પણ ઉતાવળ કરવાના બદલે તેને જીવતો પકડવાના પ્રયાસો શરૂ કર્યા.
વિડીયો કૉલ કરીને આત્મસમર્પણ કરવા સમજાવ્યો
લતીફને ઘેરી લીધા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કુલગામના SSP અનાયત અલી સહિતના અધિકારીઓએ તેને વિડીયો કૉલ પણ કર્યો. અધિકારીઓએ તેને સમજાવ્યું હતું કે તે હજુ યુવાન છે અને તેની પાસે જીવન જીવવાની તક છે. જો તે હથિયાર મૂકી આત્મસમર્પણ કરે તો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
અધિકારીઓએ તેને એવું પણ કહ્યું હતું કે સેના તેની સાથે છે અને તેણે ડરવાની જરૂર નથી. પોલીસ તરફથી તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આતંકવાદનો રસ્તો છોડીને સામાન્ય જીવનમાં પાછા ફરવું તેના માટે વધુ સારું રહેશે.
પરંતુ લતીફે આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી. વિડીયો કૉલ દરમિયાન તેણે અલ્લાહને મળવાની ઇચ્છા વ્યક્ત કરી અને આત્મસમર્પણ કરવાની ના પાડી હતી, ઉપરથી કુરાનની આયાતો પઢવા લાગ્યો. સુરક્ષાદળોએ વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તે ન માન્યો.
જ્યારે વારંવાર સમજાવવા છતાં લતીફ આત્મસમર્પણ કરવા ન તૈયાર થયો, ત્યારે સુરક્ષાદળોએ તેને મસ્જિદમાંથી બહાર કાઢવા માટે મસ્જિદની અંદર ટીયર ગેસના શેલ છોડ્યા. આ કાર્યવાહી બાદ લતીફ મસ્જિદમાંથી બહાર આવ્યો અને ત્યારબાદ થયેલા ગોળીબારમાં સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો.
અગાઉના હુમલાઓમાં પણ લતીફની સંડોવણી
લતીફ ભટનું નામ માત્ર નવેમ્બર મહિનાના CRPF હુમલા સિવાય પણ અન્ય હુમલાઓમાં સામે આવી ચૂક્યું છે. 22 જુલાઈ 2026ના રોજ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત જમ્મુ-કાશ્મીર પોલીસના એક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ આ હુમલામાં પણ લતીફની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ 31 જુલાઈના રોજ કુલગામમાં છત્તીસગઢના બે સ્થળાંતરિત શ્રમિકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ લતીફની ભૂમિકા હતી.
લતીફના મોતથી કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક પર શું અસર પડશે?
લતીફ ભટ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય સ્થાનિક આતંકવાદી કમાન્ડરો પૈકીનો એક હતો. તે કાશ્મીર ખીણમાં છેલ્લો લશ્કર-એ-તૈયબાનો સક્રિય કમાન્ડર હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે સુરક્ષા એજન્સીઓ હવે માત્ર હથિયારધારી આતંકવાદીઓને શોધવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની ભરતી, સંપર્કો, સ્થાનિક મદદગારો અને હુમલાની તૈયારીમાં સામેલ લોકો સુધી પણ પહોંચી રહી છે.
આ ઘટનામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે લતીફ અને તેના જેવા આતંકીઓના નેટવર્ક કેવી રીતે કામ કરે છે સ્થાનિક યુવાનોને સંગઠનમાં જોડવા, તેમને હુમલાઓ માટે તૈયાર કરવા અને સુરક્ષાદળોની ગતિવિધિઓ વિશે માહિતી મેળવવી. હવે લતીફ ઠાર થઈ ચૂક્યો છે પણ તેના જેવા કેટલા ભેદીઓ હજુ પણ સક્રિય છે.
આ સફળ ઑપરેશન પછી સુરક્ષાદળોના ઉચ્ચ અધિકારીઓએ તમામ જવાનોની પ્રશંસા કરી છે. આ ઘટના સાબિત કરે છે કે ભારત સરકાર અને સુરક્ષાદળો જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે માત્ર હથિયાર જ નહીં, પરંતુ મજબૂત ગુપ્ત માહિતી, ટેક્નોલોજી અને સંયમનો સચોટ ઉપયોગ કરી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરની ધરતી પરથી આતંકવાદના એક કાળા અધ્યાયનો અંત આવ્યો છે અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. લતીફને ઠાર કર્યા બાદ સુરક્ષાદળોએ તેના ગામથી 160 કિલોમીટર દૂર તેને દફનાવ્યો છે. આ દરમિયાન પણ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


