ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કથિત કાવતરાના કેસમાં નિખિલ ગુપ્તા માટે 24 વર્ષની સજાની માગ, વકીલોએ 12 વર્ષ માટે વિનંતી કરી: 20 નવેમ્બરે સજા સંભળાવશે કોર્ટ

અમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના કથિત કાવતરાના કેસમાં પકડાયેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા માટે અમેરિકાના પ્રશાસને 24 વર્ષની સજાની માંગણી કરી છે. તાજેતરમાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમ્યાન અમેરિકાના સરકારી વકીલે ગુપ્તાને 293 મહિના એટલે કે અંદાજે 24 વર્ષ અને 5 મહિનાની જેલની સજા સંભળાવવાની માંગણી કરી હતી.

બીજી તરફ નિખિલના બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ 12 વર્ષની સજા આપવા માટે વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે નિખિલ ગુપ્તાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની સામે લાગેલા ત્રણેય આરોપો કબૂલી લીધા હતા. હવે આગામી 20 નવેમ્બર 2026ના રોજ કોર્ટ આ કેસમાં પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે.

શું છે આખો મામલો

આ સમગ્ર કેસ અમેરિકામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના કથિત કાવતરા સાથે જોડાયેલો છે. પન્નુ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’નો (SFJ) વડો છે, જે ભારતમાંથી પંજાબને અલગ કરીને ખાલિસ્તાન બનાવવાની માગણી કરે છે.

અમેરિકાના આરોપો પ્રમાણે, મે 2023માં એક ભારતીય નાગરિક વિકાશ યાદવે અન્ય એક ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનો સંપર્ક કરીને ન્યૂયોર્કમાં પન્નુની હત્યાનું આયોજન કરાવ્યું હતું. આ કાવતરું ઘડવામાં નિખિલ ગુપ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી એવો આરોપ છે. વિકાશ યાદવને અમેરિકા ભારતીય એજન્સીનો માણસ ગણાવે છે.

આરોપ છે કે ત્યારબાદ નિખિલે જે વ્યક્તિને હત્યા માટે સોપારી આપી તે અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનો (DEA) અંડરકવર અધિકારી નીકળ્યો હતો. આ કથિત સોદામાં પન્નુની હત્યા માટે 1 લાખ અમેરિકન ડોલર આપવાનું નક્કી થયું હતું અને 15 હજાર ડોલર એડવાન્સ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો કે તેમની સતર્કતાના કારણે આ કાવતરું નિષ્ફળ થયું હતું.

30 જૂન 2023ના રોજ નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને જૂન 2024માં તેને અમેરિકાને સોંપવામાં આવ્યો હતો. હવે બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં નિખિલ ગુપ્તા એકલો જવાબદાર નથી, પરંતુ તે દબાણ હેઠળ કામ કરી રહ્યો હતો. વકીલોએ જણાવ્યું કે ગુજરાત પોલીસના નામે કેટલાક લોકો નિખિલના ઘરે આવ્યા હતા અને તેના પુત્રને મળ્યા હતા. ત્યારબાદ વિકાશ યાદવે નિખિલને ખાતરી આપી હતી કે તે તેની સામેનો કેસ પતાવી દેશે. નિખિલને એમ લાગ્યું કે વિકાસ એક સરકારી અધિકારી છે અને તે તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. વકીલોએ એ વાત પણ મૂકી કે નિખિલનો કોઈ જૂનો ગુનાહિત રેકોર્ડ નથી અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

નિખિલ ગુપ્તાએ સજા ઘટાડવા લખ્યો પત્ર

નિખિલ ગુપ્તાએ સજા ઘટાડવાની વિનંતી સાથે કોર્ટમાં એક ભાવનાત્મક પત્ર રજૂ કર્યો છે. તેમાં તેણે વર્ષ 2023માં કરેલી ભૂલો બદલ ઊંડો પસ્તાવો વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે જેલમાં આવ્યા બાદ તેણે દારૂની લત છોડી દીધી છે. હવે તે યોગ, ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જાતને સુધારી રહ્યો છે.

પત્રમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ધરપકડ બાદ તેને આત્મહત્યાના વિચારો આવતા હતા, કારણ કે તેના આ પગલાથી તેની પત્ની, બાળકો અને માતાને ઘણું દુઃખ પહોંચ્યું છે. અંતે તેણે જજ પાસે પોતાના પરિવાર ખાતર જીવન ફરીથી સુધારવાની એક તક આપવા માટે અપીલ કરી છે.

અમેરિકાના સરકારી વકીલોએ નિખિલ ગુપ્તાની દલીલોનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ કોઈ ક્ષણિક ભૂલ કે નશામાં લેવાયેલો નિર્ણય નહોતો, પરંતુ કેટલાક અઠવાડિયા સુધી ચાલેલું સુનિયોજિત કાવતરું હતું. સરકારી વકીલોના મતે આ કામ બદલ નિખિલને હથિયારો અને ડ્રગ્સના વેપારમાં મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી.

આ કેસમાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુએ પણ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે. તેણે નિખિલ ગુપ્તા માટે સખત સજાની માંગણી કરી અને કહ્યું કે આ કથિત હત્યાના કાવતરાને કારણે તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર ખૂબ જ માઠી અસર પડી છે અને તેને લાંબા સમય સુધી સુરક્ષા હેઠળ રહેવું પડ્યું છે. જોકે હકીકત એ છે કે એ પોતે આતંકવાદી છે અને અમેરિકામાં બેસીને ભારતવિરોધી ગતિવિધિઓ કરતો રહે છે.

ભારત સરકારે રચી હતી તપાસ સમિતિ

આ મામલે ભારત સરકાર પણ સામેલ હોવાના આરોપો લાગ્યા હતા, જોકે ભારત સરકારે આ સમગ્ર કાવતરામાં પોતાની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વધુમાં અમેરિકા તરફથી મળેલી માહિતીને ગંભીરતાથી લઈને ભારતે નવેમ્બર 2023માં એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.

જાન્યુઆરી 2025માં ગૃહ મંત્રાલયે જાહેર કર્યું હતું કે સમિતિએ પોતાની તપાસ પૂર્ણ કરી લીધી છે. આ તપાસના આધારે સમિતિએ એક વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ભલામણ પણ કરી છે, જે દર્શાવે છે કે ભારત સરકાર આ મામલે કાયદાકીય પ્રક્રિયાને સંપૂર્ણ સહકાર આપી રહી છે.

અમેરિકાની કોર્ટમાં નિખિલ ગુપ્તાએ હત્યાની સોપારી આપવાના કાવતરા અને મની લોન્ડરિંગ સહિતના ત્રણેય આરોપો સ્વીકારી લીધા છે. અમેરિકન કાયદા મુજબ આ ગુનાઓ માટે મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

હવે સરકારી વકીલોની 24 વર્ષથી વધુની સજાની માગ અને બચાવ પક્ષની 12 વર્ષની સજાની અપીલ વચ્ચે જજ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. આગામી 20 નવેમ્બરે આવનારો ચુકાદો આ હાઈ-પ્રોફાઈલ કેસનું અંતિમ પરિણામ નક્કી કરશે.