ઓનલાઇન ઓળખ છુપાવીને 70થી વધુ સગીરાઓને ફસાવી, શોષણ કર્યું: બિલાલ કાઝીને UKમાં 30 વર્ષની જેલ

બ્રિટનમાં રહીને અભ્યાસ કરતા મૂળ ભારતના 27 વર્ષીય બિલાલ કાઝીને 70 સગીર છોકરીઓનું ઓનલાઈન શોષણ કરવા અને તેમને બ્લેકમેલ કરવા બદલ 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મુંબઈનો વતની બિલાલ ચેસ્ટર યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. તેણે સ્નેપચેટ, રોબ્લોક્સ અને વિંક જેવાં સોશિયલ મીડિયા તથા ગેમિંગ પ્લેટફોર્મ પર કિશોરની નકલી ઓળખ બનાવીને 10થી 17 વર્ષની વયની છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી.

બિલાલ 14 વર્ષના બ્રિટિશ કિશોર તરીકે ઓળખ આપતો હતો. પોતાની ઓળખ સાચી લાગે તે માટે તેણે એક અજાણ્યા કિશોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેનો ફોટો પણ મેળવ્યો હતો. ત્યારબાદ છોકરીઓ સાથે વાતચીત શરૂ કરીને તેમની સાથે પ્રેમસંબંધ હોવાનો વિશ્વાસ અપાવતો હતો. ધીમે-ધીમે તે તેમની પાસેથી વધુ અંગત તસવીરો અને વીડિયો માગવા લાગતો હતો. કોર્ટમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે, જો કોઈ છોકરી તસવીરો મોકલવામાં આનાકાની કરે તો તે તેને સમજાવતો કે પ્રેમસંબંધમાં આવું સામાન્ય છે. તેમ છતાં છોકરીઓ ના પાડે તો અગાઉ મોકલેલી તસવીરો મિત્રો અને પરિવારજનોને મોકલી દેવાની ધમકી આપતો હતો.

કેટલાક કિસ્સામાં તેણે પીડિતાઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને તેમની તસવીરો મિત્રો સાથે શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર પણ જાહેર કરી હતી. સ્નેપચેટ પર છોકરીઓ સાથે વાતચીત દરમિયાન તે કેટલીક તસવીરો ગુપ્ત રીતે રેકોર્ડ પણ કરતો હતો. એક કિસ્સામાં તેણે પીડિતાને કહ્યું હતું કે તેણે અગાઉ મોકલેલી તસવીરોનું બેકઅપ પોતાની પાસે રાખ્યું છે. બીજી એક પીડિતાને તેણે પોતાની લાઈવ લોકેશન શેર કરવા કહ્યું હતું. તપાસ મુજબ તે માત્ર તસવીરો મેળવવા જ નહીં, પરંતુ પીડિતાઓની અંગત જિંદગી પર પણ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરતો હતો.

2021માં શરૂ થઈ તપાસ, 180 પીડિતાઓ હોવાની આશંકા

આ સમગ્ર મામલાની તપાસ ડિસેમ્બર 2021માં શરૂ થઈ હતી. ત્યારે 13 વર્ષની એક છોકરીએ ડર્બીશાયર પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે સ્નેપચેટ પર બિલાલ સાથે વાત કરતી હતી અને તેને પોતાની ઉંમરનો કિશોર સમજી રહી હતી. મે 2022માં તપાસ ચેશાયર પોલીસને સોંપવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં જ પોલીસને 180 સંભવિત પીડિતાઓ હોવાની માહિતી મળી હતી. જોકે, અત્યાર સુધીમાં 71 પીડિતાઓની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે વાસ્તવિક આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.

21 જુલાઈ, 2023ના રોજ કુવૈતથી બ્રિટન પરત ફરતી વખતે હીથ્રો એરપોર્ટ પરથી બિલાલની ધરપકડ કરવામાં આવી હતી. તેનો મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. પોલીસને તેના ફોનમાંથી 400થી વધુ અશ્લીલ તસવીરો અને વીડિયો મળ્યાં હતાં. બર્મિંગહામમાં તેના ઘરનાં અન્ય ઉપકરણોમાંથી પણ આશરે 500 તસવીરો અને વીડિયો મળી આવ્યાં હતાં. આ દરમિયાન તે ચેસ્ટર યુનિવર્સિટી છોડી ચૂક્યો હતો અને બર્મિંગહામમાં રહેવા ગયો હતો.

જામીન પર છૂટ્યા બાદ પણ ગુનાઓ ચાલુ રાખ્યા

ધરપકડ બાદ જામીન પર છૂટ્યા હોવા છતાં બિલાલે પોતાની હરકતો બંધ કરી નહોતી. માર્ચ 2025માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે કોઈ સરખો જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ ફરી જામીન મળ્યા હતા, પરંતુ પોલીસે શોધી કાઢ્યું કે તેણે ગુપ્ત રીતે નવો મોબાઇલ ખરીદ્યો હતો અને ફરી છોકરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. ઓગસ્ટ 2025માં તેની ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી હતી.

ચેશાયર પોલીસની તપાસમાં તેની સામે 39 ગુનાઓ નોંધાયા હતા, જેમાંથી તેણે જુલાઈ 2026માં 37 ગુનાઓ કબૂલ્યા હતા. અન્ય બે ગુનાઓનો મામલો અલગ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ જામીન પર હતો તે દરમિયાન કરેલા બીજા આઠ ગુનાઓમાં પણ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. આ ગુનાઓને પણ તેની એકંદર સજામાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

પીડિતાઓ પર લાંબા સમય સુધી માનસિક અસર

ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતાઓનાં નિવેદનો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. એક પીડિતાએ જણાવ્યું હતું કે બિલાલે તેની અંગતતા અને સુરક્ષાની ભાવના છીનવી લીધી છે. તે આજે પણ ચિંતામાં રહે છે કે તેની તસવીરો કોણે જોઈ હશે અને ક્યાંક ફરીથી જાહેર તો નહીં થાય. બીજી એક પીડિતાએ જણાવ્યું હતું કે 13 વર્ષની ઉંમરે બિલાલે તેનો સંપર્ક કર્યો હતો અને આ ઘટનાની અસર આજે પણ તેના જીવન પર છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે કેટલીક પીડિતાઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય માનસિક તણાવ અને અન્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. એક 13 વર્ષની પીડિતાનો વીડિયો બિલાલે જાહેર કર્યો હતો, જે તેના લગભગ 100 મિત્રો સુધી પહોંચ્યો હતો.

જજ સ્ટીફન એવરેટે બિલાલને અત્યંત જોખમી વ્યક્તિ ગણાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે બિલાલે સોશિયલ મીડિયાના દુરુપયોગથી પોતાનાં ઘરમાં સુરક્ષિત હોવાનું માનતી બાળકીઓની સુરક્ષાની ભાવના છીનવી લીધી હતી. જજે તેની હરકતો માટે કોઈ રાહત આપતું કારણ ન હોવાનું પણ જણાવ્યું હતું.

બિલાલને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે ઓછામાં ઓછાં 20 વર્ષ જેલમાં વિતાવવાનાં રહેશે, ત્યારબાદ તેને પેરોલ માટે પાત્રતા મળી શકશે. પેરોલ મળે તોપણ ત્યાંબાદ તેણે આઠ વર્ષ સુધી લાઇસન્સની શરતો હેઠળ રહેવું પડશે.