
વર્ષ 2017માં એક હાઇકોર્ટના ન્યાયાધીશે પોતાના ઘરને કોર્ટરૂમ બનાવીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત પાંચ જજોને સમન્સ મોકલ્યું હતું અને હાજર ન રહ્યા તો તમામને પાંચ-પાંચ વર્ષની સજા સંભળાવી દીધી હતી. પછીથી તેમની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ, અદાલતની અવમાનનાનો કેસ ચાલ્યો અને સુપ્રીમ કોર્ટે છ મહિના માટે જેલ મોકલ્યા હતા. કોઈ પણ સિટિંગ હાઇકોર્ટ જજને આ રીતે અદાલતની અવમાનના માટે જેલભેગા કરવામાં આવ્યા હોય તેવો એ પ્રથમ કિસ્સો હતો. આ જજ એટલે જસ્ટિસ સી. એસ કર્ણન. શુક્રવારે (13 નવેમ્બર) તેમનું અવસાન થયું.
ચિન્નાસ્વામી સ્વામીનાથન કર્ણન ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ હતા. છેલ્લા થોડા સમયથી સ્વાસ્થ્ય નબળું રહેતું હતું. શુક્રવારે હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા.
જજ કર્ણન પહેલાં મદ્રાસ હાઇકોર્ટમાં હતા. માર્ચ 2009માં એડિશનલ જજ બન્યાના બે વર્ષ બાદ કાયમી નિમણૂક મળી. 2016માં કલકત્તા હાઇકોર્ટમાં બદલી થઈ હતી.
જાન્યુઆરી 2017માં શરૂ થયો હતો વિવાદ
જેની ઉપર ચર્ચા કરી એ વિવાદ જાન્યુઆરી 2017માં શરૂ થયો હતો ત્યારે જજ કર્ણને કલકત્તા હાઇકોર્ટના જજ રહેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખીને 20 સિટિંગ અને રિટાયર્ડ જજો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમની વિરુદ્ધ તપાસની માંગ કરી હતી.
જોકે એ પહેલાં પણ તેમણે અનેક વખત આરોપો લગાવ્યા હતા. નવેમ્બર 2011માં તેમણે અનુસૂચિત જાતિ કમિશનને પત્ર લખીને અન્ય જજો તરફથી જ્ઞાતિગત ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમ્યાન તત્કાલીન મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે ચીફ જસ્ટિસને પત્ર લખીને જજ કર્ણનની બદલી કરવા માટે વિનંતી કરી હતી પણ કર્ણને પોતે મદ્રાસ હાઇકોર્ટમાં જ રહેવા માગે છે જેથી જજો વિરુદ્ધ આરોપો સાબિત કરી શકે એમ કહીને મુખ્ય ન્યાયાધીશને એક પત્ર લખ્યો હતો. આખરે ફેબ્રુઆરી 2016માં તેમની બદલી કલકત્તા હાઇકોર્ટ ખાતે થઈ ગઈ હતી.
જાન્યુઆરી 2017ના ઓપન લેટર પર બહુ હોબાળો થયા બાદ 8 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે જજ કર્ણન સામે અદાલતની અવમાનનાનો કેસ શરૂ કર્યો અને તેમની પાસેથી તમામ કામગીરી લઈ લેવામાં આવી હતી. દરમ્યાન 31 માર્ચના રોજ કર્ણન સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર રહ્યા અને પોતાની સત્તા પરત સોંપવાની માંગ કરી પણ સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી અને અવમાનનાની કાર્યવાહી આગળ ચલાવી.
ઘરેથી જજો વિરુદ્ધ સમન્સ કાઢ્યું, હાજર ન થયા તો વિદેશ પ્રવાસ પર રોક લગાવી, આખરે ‘દોષી’ ઠેરવ્યા
દરમ્યાન જસ્ટિસ કર્ણને તેમના કલકત્તા સ્થિત નિવાસસ્થાનેથી તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ખેહર અને અન્ય છ સુપ્રીમ કોર્ટના સિનિયર જજો વિરુદ્ધ સમન્સ કાઢ્યું અને 28મી એપ્રિલે તેમને હાજર થવા માટે જણાવ્યું હતું. પત્રકારોએ પૂછ્યું તો કહ્યું કે તેમણે નિવાસસ્થાનને જ કામચલાઉ કોર્ટરૂમ બનાવી દીધો હતો.
કર્ણને તમામ સાત સુપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધ એસસી/એસટી એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને તેમને હાજર થવા માટે જણાવ્યું હતું અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તેનો જવાબ માગ્યો હતો.
28મી એપ્રિલે જ કર્ણને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ હજાર રહેવાનું હતું પણ તેઓ હાજર ન થયા. એ જ દિવસે તેમણે અન્ય એક આદેશ કરીને તમામ સાત જજોના વિદેશ પ્રવાસ પર રોક લગાવવાનું જાહેર કરી દીધું હતું. 2 મેના રોજ તેમણે જજો સામે નોન બેલેબલ વૉરન્ટ કાઢ્યું અને કલકત્તા હાઇકોર્ટના રજિસ્ટ્રારને મોકલીને દિલ્હી પોલીસ મારફતે વૉરન્ટની બજવણી કરવાનો પણ આદેશ આપ્યો.
આખરે કોઈ જજ હાજર ન થતાં જજ કર્ણને પોતાના કલકત્તા નિવાસસ્થાનેથી જ એક આદેશ બહાર પાડીને તમામ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાંચ વર્ષની જેલની સજા ફટકારી દીધી અને દરેકને 1-1 લાખ રૂપિયાનો દંડ પણ કરવાનો આદેશ કર્યો.
તેના બીજા જ દિવસે 9 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચે સી. એસ કર્ણનને અદાલતની અવમાનના માટે ઠેરવીને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ચુકાદામાં કોર્ટે કર્ણનના તમામ આરોપો ફગાવી દઈને તેમના આચરણને ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી લગભગ એક મહિના સુધી કર્ણન પકડમાં આવ્યા ન હતા. આખરે જૂન મહિનામાં પોલીસે તેમની ધરપકડ કરી અને ત્યારબાદ કલકત્તા જેલમાં મોકલવામાં આવ્યા. છ મહિનાની જેલની સજા પૂર્ણ કર્યા બાદ ડિસેમ્બર 2017માં તેઓ છૂટ્યા હતા.
ત્યારબાદ સી. એસ કર્ણને એક એન્ટી કરપ્શન ડાયનેમિક પાર્ટી બનાવી અને તમિલનાડુમાં ચૂંટણીઓ પણ લડી.
દરમ્યાન 2020માં તેમની સામે તેમના અમુક વિડીયો મામલે ફરીથી કેસ નોંધાયો હતો અને ધરપકડ થઈ હતી. વિડિયોમાં પણ તેમણે જજો વિશે ટિપ્પણીઓ કરી હતી. માર્ચ 2021માં તેમને બિનશરતી માફી બાદ જામીન આપવામાં આવ્યા હતા.
ભારતના ઇતિહાસમાં કોઈ ન્યાયાધીશને અદાલતની અવમાનના માટે સજા થઈ હોય તેવો આ એકમાત્ર કિસ્સો છે.

