ભારતવિરુદ્ધ એજન્ડા ચલાવનારી નૉર્વેની ‘પત્રકાર’ હેલે લેંગના ભારત પ્રવાસના વિઝા રદ, કોંગ્રેસની સમિટમાં આવવાની હતી

નૉર્વેની પત્રકાર હેલે લેંગ (Helle Lyng) ફરી એકવાર ભારતને લઈને ચર્ચામાં આવી છે. હેલે લિંગે દાવો કર્યો છે કે હૈદરાબાદમાં યોજાનારી કોંગ્રેસની ‘ભારત સમિટ’માં સામેલ થવા માટે તે ભારત આવવાની હતી, પરંતુ તેના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. આ સમિટમાં સામેલ થવા માટે તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે હેલે લેંગ એ જ ‘પત્રકાર’ છે જેણે મે 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નૉર્વેની મુલાકાત દરમિયાન વિવાદ ઊભો કર્યો હતો. તેણે પીએમ મોદી અને નૉર્વેના વડા પ્રધાન જોનાસ ગાર સ્ટોરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ એજન્ડા આગળ ધપાવતો પ્રશ્ન કરીને વિવાદ ઊભો કર્યો હતો. ત્યારબાદ ભારતમાં પણ લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમ અને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ તેને સમર્થન આપ્યું હતું.

આ ઘટના બાદ હેલે લેંગ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ સિવાય ભારત સરકાર વિરુદ્ધ લખવા માટે પણ તે કુખ્યાત છે અને સરકારવિરોધી પ્રોપગેન્ડા ફેલાવે છે.

કોંગ્રેસની સમિટમાં લેવાની હતી ભાગ

ઉલ્લેખનીય છે કે હેલેને હૈદરાબાદમાં 13 અને 14 નવેમ્બરના રોજ યોજાનારી કોંગ્રેસ દ્વારા આયોજિત ‘ભારત સમિટ’માં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમિટમાં તે મીડિયા, પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી જેવા વિષયો પર વક્તા તરીકે સામેલ થવાની હતી.

આ કાર્યક્રમનું આયોજન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કોંગ્રેસના વિદેશ વિભાગના વડા સલમાન ખુર્શીદના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. સમિટમાં 70થી વધુ દેશોના 1,000થી વધુ પ્રતિનિધિઓ સામેલ થવાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એરપોર્ટ જવાના 10 મિનિટ પહેલાં ફોન આવ્યો હોવાનો દાવો

હેલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે તેની પાસે ભારતના વિઝા હતા અને પ્રવાસ માટે જરૂરી રાજકીય મંજૂરી પણ મળી ગઈ હતી. તે હૈદરાબાદ જવા માટેની તૈયારીઓ કરી ચૂકી હતી. પણ એરપોર્ટ જવા માટે નીકળવાનાં લગભગ 10 મિનિટ પહેલાં નૉર્વેમાં આવેલા ભારતીય દૂતાવાસમાંથી ફોન આવ્યો હતો.

તેના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના ઉપરથી આવેલા આદેશને કારણે તેના વિઝા રદ કરવામાં આવ્યા છે.

પીએમ મોદીની ટીકા કરવાનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે તેણે પોતાના વિડીયોમાં વિઝા રદ થવાને લઈને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને મે 2026માં બનેલી ઘટનાને જવાબદાર ગણાવી છે. જોકે અહીં એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે તે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં માત્ર બ્રિફિંગ જ કરવાનું હતું. છતાં હાજર અધિકારીઓએ હેલેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જોકે હેલેની જિદ્દ હતી કે પીએમ મોદી પોતે આવીને તેના પ્રશ્નોના જવાબ આપે.

જોકે મોટાભાગે આવી પ્રેસકોન્ફરન્સ દરમિયાન કોઈપણ દેશના વડા પ્રશ્નોના જવાબો નથી આપતા હોતા. છતાં હેલેએ નિયમોને નેવે મૂકીને પ્રશ્નો તો પૂછ્યા, પણ જ્યારે તેની જીદ ન પૂરી થઈ ત્યારે તેણે હોબાળો મચાવીને મોટો વિવાદ ઊભો કર્યો હતો.

વિઝા એ માત્ર વિશેષાધિકાર

અહીં એ જાણવું જરૂરી છે કે કોઈ વિદેશી નાગરિકને ભારત આવવા માટે વિઝા મળવા એ તેનો મૂળભૂત અધિકાર નથી. દરેક દેશને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ, વિદેશ નીતિ અને અન્ય કાયદાકીય કારણોને ધ્યાનમાં રાખીને વિદેશી નાગરિકોના પ્રવેશ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.

દિલ્હી હાઇકોર્ટે પણ ઑક્ટોબર 2026માં સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી નાગરિક પાસે માન્ય વિઝા હોય તો પણ તેને ભારતમાં પ્રવેશવાનો નિરપેક્ષ કાયદાકીય અધિકાર મળતો નથી. વિઝા હોવા અને દેશમાં પ્રવેશવાની અંતિમ મંજૂરી મળવી એ બંને અલગ બાબતો છે.

ભારતના વિદેશી નાગરિકો સંબંધિત કાયદા હેઠળ કેન્દ્ર સરકારને દેશમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને બહાર જવા અંગે નિયમન કરવાની સત્તા છે. એટલે કોઈ વિદેશી પત્રકાર હોય, એક્ટિવિસ્ટ હોય કે અન્ય કોઈ વ્યક્તિ, તેને માત્ર આમંત્રણ મળ્યું છે અથવા વિઝા આપવામાં આવ્યા છે એટલા માટે ભારતમાં પ્રવેશવાનો બિનશરતી અધિકાર મળી જતો નથી.

હેલે લિંગના કિસ્સામાં પણ તેનો વિઝા કેમ રદ કરવામાં આવ્યો તે અંગે સત્તાવાર સ્પષ્ટતા આવવાની બાકી છે. પરંતુ વિઝા એ કોઈ દેશ દ્વારા આપવામાં આવતી પરવાનગી અને વિશેષાધિકાર છે, વિદેશી નાગરિકનો હક નહીં.