
ઉત્તર પ્રદેશના રામપુરમાં 10 નવેમ્બર 2026ના રોજ વર્ષ 2008ના CRPF કેમ્પ હુમલાના કેસ સાથે જોડાયેલા મોહમ્મદ શરીફની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. શરીફ પોતાના 21 વર્ષના પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે મોઢા ઢાંકીને આવેલા બે શખ્સોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે હોસ્પિટલ લઈ જતા તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ પોલીસ હુમલાખોરોની શોધખોળ કરી રહી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શરીફ અગાઉ 2008ના આતંકી હુમલાના કેસમાં લાંબી જેલવાસ ભોગવ્યા બાદ તાજેતરમાં જ હાઇકોર્ટના આદેશથી મુક્ત થઈને બહાર આવ્યો હતો.
શું હતો 2008નો રામપુર CRPF કેમ્પ પરનો આતંકી હુમલો?
આ સમગ્ર મામલાની શરૂઆત 31 ડિસેમ્બર 2007ની રાત્રે થઈ હતી. ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલા CRPF ગ્રુપ સેન્ટર પર આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. 1 જાન્યુઆરી 2008ના રોજ વહેલી સવારે આશરે 2:30 વાગ્યે ઓટોમેટિક રાઈફલો અને હેન્ડ ગ્રેનેડ સજ્જ હુમલાખોરો કેમ્પમાં ઘૂસી આવ્યા હતા.
આ હુમલામાં CRPFના 7 જવાનો અને એક રિક્ષાચાલક સહિત કુલ 8 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત 5 લોકો ઘાયલ થયા હતા. ભારત સરકાર દ્વારા 2008માં રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતીમાં પણ 8 લોકોનાં મોત અને 5 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી અને અલગ-અલગ રાજ્યોમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ તપાસ દરમિયાન મોહમ્મદ શરીફનું નામ પણ સામે આવ્યું હતું.
મોહમ્મદ શરીફની ધરપકડ અને 2019માં ફાંસીની સજા
નોંધનીય છે કે આ હુમલાના આરોપી તરીકે રામપુરના બદનપુરી-ખજુરીયા ગામના રહેવાસી મોહમ્મદ શરીફની ધરપકડ થઈ હતી. આ કેસમાં તેની સાથે જંગ બહાદુર, સબાઉદ્દીન, કૌસર અને બે પાકિસ્તાની નાગરિકો ઇમરાન શહજાદ અને મોહમ્મદ ફારૂક સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
નવેમ્બર 2019માં રામપુરની સ્થાનિક અદાલતે લાંબી સુનાવણી પછી મોહમ્મદ શરીફ, સબાઉદ્દીન અને બે પાકિસ્તાની નાગરિકો સહિત ચાર જણને ફાંસીની સજા ફટકારી હતી, જ્યારે જંગ બહાદુરને આજીવન કેદ આપી હતી. જોકે, આ ચુકાદા સામે આરોપીઓએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
2025માં અલ્હાબાદ હાઇકોર્ટે ફાંસીની સજા રદ કરી
29 ઑક્ટોબર 2025ના રોજ આ કેસમાં મોટો વળાંક આવ્યો. અલ્હાબાદ હાઇકોર્ટે નીચલી અદાલત દ્વારા મોહમ્મદ શરીફ સહિત ચાર આરોપીઓને આપેલી ફાંસીની સજા રદ કરી દીધી. કોર્ટે હત્યા, આતંકવાદ અને ગુનાહિત કાવતરાના મુખ્ય આરોપોમાંથી પણ તેમને દોષિત ઠેરવતો આદેશ રદ કર્યો હતો.
હાઇકોર્ટે તપાસમાં ખામીઓ હોવાનું કારણ આપતા જણાવ્યું કે તપાસ દરમિયાન સાક્ષીઓની ઓળખ માટે જરૂરી ‘ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ’ કરવામાં નહોતી આવી. સાથે જ ઘટનાસ્થળેથી મળેલાં હથિયારો, કારતૂસ અને ગ્રેનેડ જેવા પુરાવાઓને સુરક્ષિત રાખવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી.
કોર્ટે નોંધ્યું કે પુરાવાઓની જાળવણી અને તેને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં પણ ખામીઓ હતી અને મહત્વના સાક્ષીઓની યોગ્ય તપાસ થઈ નહોતી. આ તમામ કારણોસર મુખ્ય આરોપો સાબિત કરવા માટેના પુરાવા અપૂરતા હોવાનું કોર્ટે સ્વીકાર્યું.
જોકે, હાઇકોર્ટે આરોપીઓને સંપૂર્ણપણે મુક્ત ન કરતા પ્રતિબંધિત હથિયારો રાખવા બદલ ‘આર્મ્સ એક્ટ’ની કલમ હેઠળની સજા ચાલુ રાખી હતી. કોર્ટે પાંચ આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારી હતી. જોકે અગાઉ જેલમાં વિતાવેલો સમય પણ આ સજામાં ગણવાનો આદેશ આપ્યો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ ગામમાં રહેતો હતો શરીફ
હાઇકોર્ટના આદેશથી મોહમ્મદ શરીફ અંદાજે 17 વર્ષ અને 8 મહિના જેલમાં વિતાવ્યા બાદ નવેમ્બર 2025માં બરેલી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો હતો અને પોતાના પરિવાર સાથે બદનપુરી ગામમાં રહેવા લાગ્યો હતો.
આ મુક્તિના લગભગ એક વર્ષ પછી બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને તેની હત્યા કરી દીધી છે. જોકે, CRPF કેમ્પ હુમલાના કેસ અને તેની આ હત્યા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે હાલ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
પોલીસ આ હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તેની તપાસ કરી રહી છે. ઘટના સમયે હાજર રહેલા શરીફના પુત્રના નિવેદનને આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ અને તેમની શોધખોળ શરૂ કરી દીધી છે.

