
ઝારખંડનાં જનજાતિય નેતા નિશા ભગતે શુક્રવારે (6 નવેમ્બર) આપઘાત કરી લીધો. તે પહેલાં તેમણે ફેસબુક લાઇવ કરીને અમુક લોકો, પ્રશાસન અને રાજ્યની હેમંત સોરેન સરકાર પ્રત્યેની પોતાની ફરિયાદો જણાવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહ્યાં હોવાની જાણ કરી હતી.
પોલીસ ત્યારબાદ નિશા ભગતના ઘરે પણ પહોંચી પરંતુ ત્યાં સુધીમાં નિશાએ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં ફરજ પર હાજર તબીબોએ નિશાને મૃત ઘોષિત કર્યાં હતાં.
38 વર્ષીય નિશા ભગત જનજાતીય સમુદાય અને તેના અધિકારો મુદ્દે લડત ચલાવતાં હતાં. લાઇવ સ્ટ્રીમમાં દસ મિનિટ દરમ્યાન તેમણે અનેક ફરિયાદો કરી અને કહ્યું કે પોતે સમુદાય માટે એકલાં લડી રહ્યાં છે પરંતુ કોઈનો તેમને સાથ મળ્યો નથી. સાથે કહ્યું કે લેન્ડ માફિયાઓ વિરુદ્ધની લડાઈમાં સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેમને કોઈ સહકાર મળ્યો નથી.
નિશા ભગત ધર્માંતરણ મુદ્દે પણ લડત ચલાવતાં હતાં અને ખ્રિસ્તી અને મુસ્લિમ બની ગયેલા જનજાતીય સમુદાયના માણસોના ડીલિસ્ટિંગ માટે અભિયાન ઉપાડ્યું હતું.
લાઈવમાં ભગતે કહ્યું કે તેઓ પોતાના સમાજનાં હિતો માટે સતત અવાજ ઉઠાવતાં રહ્યાં. હેમંત સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે રાજ્ય સરકારની ખામીઓ બહાર લાવીને ભાંડાફોડ કરવા બદલ તેમણે કિંમત ચૂકવવી પડી રહી છે. સાથે લેન્ડ માફિયાઓનાં નામ લઈને પણ પ્રશાસન અને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.
લાઇવ દરમ્યાન નિશાએ સ્થાનિક પોલીસ અધિકારીને ફોન કર્યો અને તેમની કાર્યવાહી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ તેમના ઘરમાં થયેલી ચોરી મામલે પણ વ્યવસ્થિત તપાસ કરી શકી નથી. ઉપરાંત જે લોકો પોતાને હેરાન કરી રહ્યા છે તેમની વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ઇન્સ્પેક્ટરને કહ્યું કે પોતે જીવન ટૂંકાવવા માટે જઈ રહ્યાં છે.
પછીથી પોલીસ નિશાના ઘરે ગઈ હતી અને ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં પરંતુ બચાવી શકાયાં ન હતાં.
આ મામલે વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુએ પોલીસના કામ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
વિપક્ષ નેતા બાબુલાલ મરાંડીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મુખ્યમંત્રી હેમંત સોરેનને ઘટના માટે જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે ગુનેગારો અને લેન્ડ માફિયાઓ પર રાજ્ય સરકાર કોઈ અંકુશ રાખી શકી નથી અને નિશા ભગતને પ્રશાસન અને સરકાર તરફથી હોઈ સહકાર ન મળતાં તેમણે આ પગલું ભરવું પડ્યું છે. તેમણે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરીને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.
કોણ હતાં નિશા ભગત?
નિશા ભગત મૂળ ઝારખંડના ગુમલા જિલ્લાનાં વતની હતાં અને ઓરાંવ સમુદાયમાંથી આવતાં હતાં. તેઓ જનજાતીય સમુદાયના હકો, ઓળખ અને સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરતાં હતાં. ધર્માંતરણ અને લેન્ડ જેહાદ મુદ્દે પણ તેમણે બહુ લડત ચલાવી હતી.
નિશાના પિતા હાંડુ ભગત પણ ઝારખંડ ચળવળના એક નેતા હતા. નિશાએ દુર્ગાપુરથી હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ થોડો સમય બેંગલુરુમાં કામ કર્યું હતું, ત્યારબાદ નોકરી છોડીને ઝારખંડમાં સમુદાય માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત તેઓ રાજકારણમાં પણ સક્રિય હતાં. 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચામાંથી ચૂંટણી લડ્યાં હતાં.

