સોમનાથમાં નોન વેજ બૅન દૂર કરવાનો આદેશ આપવાની સુપ્રીમ કોર્ટની ના, હાઇકોર્ટનો આદેશ યથાવત રહેશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં નોન-વેજ પર પ્રતિબંધ મૂકતો રાજ્ય સરકારનો આદેશ તાત્કાલિક રદ કરવાનો સુપ્રીમ કોર્ટે પણ ઇનકાર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે આદેશ હટાવી લીધા બાદ સરકારે તાત્કાલિક ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી, જ્યાં આદેશ પુનઃસ્થાપિત થયો હતો. પછીથી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પરંતુ કોર્ટે અત્યારે હસ્તક્ષેપ કરવાની ના પાડી છે.

શુક્રવારે (6 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમએમ સુંદ્રેશ અને પીબી વરાલેની બેન્ચે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશમાં કોઈ હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી. ડિવિઝન બેન્ચે સોમનાથ મંદિરની આસપાસ નોન-વેજના વેચાણ, સંગ્રહ અને બનાવટ પર રોક લગાવતો રાજ્ય સરકાનો આદેશ ફરી પુનઃસ્થાપિત કર્યો હતો અને સિંગલ જજનો આદેશ રોકી દીધો હતો.

રેસ્ટોરન્ટ માલિકોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ નિર્ણયથી તેમના વ્યવસાયને માઠી અસર થશે. સાથે દેશમાં મોટાપાયે માંસ ખવાતું હોવાની દલીલો પણ કરી. પરંતુ કોર્ટે માત્ર એટલું કહ્યું કે દરેક બાબતમાં નિયંત્રણ જાળવવું જરૂરી છે અને હાલના તબક્કે કોર્ટ કશું કહી શકે તેમ નથી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરી છે કે મામલામાં સુનાવણી ઝડપી પૂર્ણ કરે, કારણ કે હાલ મામલો વિચારાધીન છે. ત્યારબાદ જજે હળવા શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, “દિવાળીનો સમય છે, તહેવાર મીઠાઈ ખાઈને ઉજવો. હાલ પૂરતું વેજ-નોનવેજ બાજુ પર મૂકી દો.”

મામલો જુલાઈ 2026ના એક નોટિફિકેશન સંબંધિત છે, જેમાં સોમનાથ મંદિરની 500 મીટર ત્રિજ્યામાં અને અમુક ચોક્કસ વિસ્તારોમાં નોન વેજની બનાવટ, વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

આ નિર્ણયને અમુક મુસ્લિમ રેસ્ટોરન્ટ ચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બીજી તરફ રાજ્ય સરકારે સોમનાથના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને જોતાં નોનવેજ બૅનનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો અને સાથે અન્ય ધાર્મિક સ્થળોએ કરવામાં આવેલી આ પ્રકારની વ્યવસ્થાનો પણ હવાલો આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે સોમનાથમાં વર્ષે કરોડો હિંદુ શ્રદ્ધાળુઓ આવે છે અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે અમુક વ્યવસ્થાઓ કરવી જરૂરી છે.

આ મામલે 30 ઑક્ટોબરના રોજ ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે એક ચુકાદો આપીને સ્થાનિક તંત્રનો આદેશ દૂર કરી દીધો હતો. ત્યારબાદ સરકારે તાત્કાલિક બે જ કલાકમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી દીધી હતી.

ડિવિઝન બેન્ચે મામલા પર સુનાવણી કરીને સિંગલ જજ બેન્ચના આદેશ પર રોક લગાવી દીધી હતી અને પ્રતિબંધ ફરી લાગુ કરી દીધો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો પણ કોર્ટે હાલ હસ્તક્ષેપ કરવાની ના પાડી છે. હવે હાઇકોર્ટ 25 નવેમ્બરે સુનાવણી કરશે.