સમન્સ છતાં હાજર ન રહ્યો અનુરાગ કશ્યપ, હવે સુરત કોર્ટે ઇસ્યુ કર્યું વૉરન્ટ: બ્રાહ્મણ સમુદાય વિશે ટિપ્પણીઓનો મામલો

‘ફિલ્મ ડિરેક્ટર’ અનુરાગ કશ્યપ સામે બ્રાહ્મણ સમાજ અંગે સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે સુરતની કોર્ટે જામીનપાત્ર વૉરન્ટ ઇસ્યુ કર્યું છે. અનુરાગ કશ્યપને અગાઉ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તે કોર્ટમાં હજાર રહ્યો નહોતો. આથી 2 નવેમ્બર, 2026ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.વી. ચૌહાણે કશ્યપ સામે જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે.

કોર્ટે હવે આ કેસની આગામી સુનાવણી 24 ડિસેમ્બરે રાખી છે. ત્યારે અનુરાગ કશ્યપે કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલો વર્ષ 2025માં અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટથી શરૂ થયો હતો. 16 એપ્રિલ, 2025ના રોજ હિન્દી ફિલ્મ ‘ફૂલે’ના ટ્રેલર સામે અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ અને વિપ્ર સેના સહિતનાં સંગઠનોએ કેટલાંક દૃશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વિવાદ દરમિયાન અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી હતી.

આ મામલે સુરતના વકીલ કમલેશ રાવલે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જ્યારે આદિત્ય નામના એક વ્યક્તિએ અનુરાગ્નિ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે કશ્યપે બ્રાહ્મણ સમાજ અંગે જાહેરમાં એલફેલ પોસ્ટ કરી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે આવી પોસ્ટથી સમાજમાં જાતિ આધારિત વૈમનસ્ય અને તણાવ ઊભો થઈ શકે છે.

કમલેશ રાવલની ફરિયાદ પર મે 2026માં સુરતની કોર્ટે આ મામલે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં BNSની કલમ 196, 352 અને 353(2) હેઠળ કાર્યવાહી થઈ રહી છે. કાર્યવાહીના ભાગરૂપે અનુરાગ કશ્યપને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

ફરિયાદી કમલેશ રાવલના જણાવ્યા અનુસાર કોર્ટના સમન્સ છતાં અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર ન રહ્યો. ત્યારબાદ અખબારમાં જાહેર સમન્સ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે કોર્ટમાં હજાર ન રહેતા હવે કોર્ટે જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે.

નોંધનીય છે કે, આ વિવાદ વધતાં એપ્રિલ 2025માં અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમાજની માફી માંગી હતી અને કહ્યું હતું કે તેણે ગુસ્સામાં આવીને આવી ટિપ્પણી કરી હતી, જે યોગ્ય નહોતું. હવે આ કેસમાં આગામી સુનાવણી 24 ડિસેમ્બરે થશે.