
બૉમ્બે હાઇકોર્ટે બોલિવૂડ એક્ટર અને વિદેશી નાગરિક ઈમરાન ખાનને ફટકાર લગાવી છે. SIRનો વિરોધ કરવા કોકરોચોના પ્રદર્શનમાં હાજર રહેવા બદલ કોર્ટે ઈમરાનને યાદ અપાવ્યું છે કે તે ભારતીય નાગરિક નથી, તેથી તેણે આ મામલે લોકોને ઉશ્કેરવાને બદલે પોતાની મર્યાદાઓ સમજવી જોઈએ અને માફી માંગવી જોઈએ.
બૉમ્બે હાઇકોર્ટની બે બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવતી વ્યક્તિને ભારતીય નાગરિક જેટલા કાયદાકીય કે રાજકીય અધિકારો નથી મળતા. ઇમરાન ખાન અમેરિકાનો નાગરિક છે અને તેની પાસે OCI કાર્ડ છે, તેથી તે ભારતીય નાગરિકોની જેમ કોઈ પણ રાજકીય વિરોધ પ્રદર્શનમાં સીધી રીતે કોઈ પણ પ્રદર્શનમાં ભાગ લઈ શકે નહીં.
શું હતો વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત 10 ઑક્ટોબર, 2026ના રોજ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન પાસે થઈ હતી. અહીં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPના કોકોરચોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં ઈમરાન ખાન પણ હાજર હતો, જ્યાં મુંબઈ પોલીસે તેની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમેરિકાના નાગરિક હોવા છતાં ઈમરાને ભારતમાં રાજકીય વિરોધમાં ભાગ લઈને વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ફરિયાદના આધારે FRROએ 14 ઑક્ટોબરે ઈમરાનને નોટિસ ફટકારીને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલાની સુનાવણી
આ આદેશ સામે ઈમરાન ખાને હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેણે દલીલ કરી હતી તેને તેનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવામાં નહોતી આવી. તેના વકીલે જણાવ્યું કે તેનો પ્રદર્શનના આયોજકો સાથે કોઈ સંબંધ નહોતો. વધુમાં વકીલે દલીલ કરી હતી કે તે ભલે અમેરિકામાં જન્મ્યો હોય પણ જીવનનો મોટો ભાગ ભારતમાં વિતાવ્યો છે અને તેની પાસે 2006થી OCI કાર્ડ છે. આ સુનાવણી બાદ કોર્ટે આ નોટિસ પર 2 નવેમ્બર સુધી રોક લગાવી હતી.
2 નવેમ્બરની સુનાવણી
હવે નવેમ્બરની સુનાવણીમાં કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે ઈમરાન ખાન સોશિયલ મીડિયા પર ‘ફેમસ’ છે અને તેને વિરોધ પ્રદર્શનના હેતુઓ ખબર હોવા છતાં તે પ્રદર્શનમાં હાજર રહ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે ઈમરાન ખાનને પૂછ્યું હતું કે તે આ વિરોધ પ્રદર્શનમાં શા માટે ગયો હતો?
સરકારે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેણે સોશિયલ મીડિયા પર લોકોને પ્રદર્શન માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે OCI કાર્ડધારકોને ભારતીય નાગરિકો જેવા તમામ અધિકારો નથી મળતા. તેથી તેઓ ભારતમાં રહીને દરેક બાબતમાં એક સામાન્ય ભારતીય નાગરિકની જેમ હસ્તક્ષેપ ન કરી શકે.
કોર્ટે એવું પણ કહ્યું હતું કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં જઈને ત્યાંના રાજકીય મુદ્દાઓ મામલે આવા વિરોધ પ્રદર્શનમાં ભાગ લે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
કોર્ટે ઈમરાન ખાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણે આ મામલે બિનશરતી માફી માંગવી પડશે અને ભવિષ્યમાં આવા કોઈ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે. ત્યારબાદ ઈમરાન ખાન તરફથી બિનશરતી માફી અને બાંહેધરી રજૂ કરવામાં આવી હતી.
જોકે, કોર્ટે ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ સામે રાહત આપતા FRROના આદેશ પરની રોક લંબાવી છે. કોર્ટે કહ્યું છે કે પહેલા ઈમરાન ખાનને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક મળવી જોઈએ અને ત્યારબાદ જ FRROએ તેની રજૂઆત પર અંતિમ વિચાર કરવો જોઈએ. આ મામલાની આગામી સુનાવણી હવે 7 ડિસેમ્બરના રોજ થશે.

