હોમપેજગુજરાતગુજરાતની કોર્ટે ધર્મગ્રંથો ટાંકીને ત્રણ મુસ્લિમોને ગૌહત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી...

ગુજરાતની કોર્ટે ધર્મગ્રંથો ટાંકીને ત્રણ મુસ્લિમોને ગૌહત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી તો ‘બાર એન્ડ બેન્ચ’ને શું તકલીફ થઈ?

પહેલેથી લઈને છેલ્લે સુધી લેખમાં તથ્યો છેટાં મૂકીને હાસ્યાસ્પદ તર્કો આપીને લખનારે પોતાનો કક્કો ખરો કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે. વાક્યે-વાક્યે અને દર ફકરાએ લેખકનો હિંદુ ધર્મ પ્રત્યે, ધર્મની પરંપરાઓ પ્રત્યેનો દ્વેષ બહાર આવ્યા વગર રહેતો નથી.

- Advertisement -

ગાંધીનગરના કલોલની એડિશનલ સેશન્સ કોર્ટે મનુસ્મૃતિ, ઋગ્વેદ વગેરે ગ્રંથોને ટાંકીને ત્રણ મુસ્લિમોને ગૌહત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી એ સમાચાર વહેતા થયા પછી દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ છે. એક મોટા વર્ગે કોર્ટના ચુકાદાને વધાવી લીધો છે, પણ ડાબેરી-સેક્યુલર, કહેવાતા ઉદારવાદીઓનો એક વર્ગ એવો છે જેને ભયંકર તકલીફ થઈ છે. એક અદાલત આ રીતે ધર્મગ્રંથોને ટાંકીને ચુકાદો કઈ રીતે આપી શકે, આ તો સેક્યુલરિઝમની વિરુદ્ધ છે– આવી બધી દલીલોનો મારો શરૂ થઈ ગયો છે.

આ જ ક્રમમાં ન્યાયતંત્ર અને તેને લગતી બાબતો કવર કરતા પોર્ટલ ‘બાર એન્ડ બેન્ચ’ પર ઋત્વિક ચૌધરી નામના આવા જ એકાદ સ્વઘોષિત પત્રકારે લાંબો લેખ લખ્યો છે, જેનું શીર્ષક છે– ‘હોલી કાઉ, અનહોલી સેન્ટેન્સ.’

પહેલેથી લઈને છેલ્લે સુધી લેખમાં તથ્યો છેટાં મૂકીને હાસ્યાસ્પદ તર્કો આપીને લખનારે પોતાનો કક્કો ખરો કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા છે. વાક્યે-વાક્યે અને દર ફકરાએ લેખકનો હિંદુ ધર્મ પ્રત્યે, ધર્મની પરંપરાઓ પ્રત્યેનો દ્વેષ બહાર આવ્યા વગર રહેતો નથી. જે દલીલો કરવામાં આવી છે એ પણ ક્યાંય મેળ ખાતી નથી અને લખવા ખાતર, પૂર્વગ્રહો ઠાંસીને માત્ર લેખ ઘસી નાખ્યો હોવાનું પ્રતીત થાય છે.

- Advertisement -

કોર્ટે માત્ર શ્લોક ટાંકીને ચુકાદો આપ્યો?

લેખની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, ‘સેક્યુલર બંધારણીય ગણતંત્રમાં અદાલતોની જવાબદારી હોય છે કે તેઓ દંડ સંહિતાની જોગવાઈઓના આધારે ગુનાની ગંભીરતા નક્કી કરે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ પુરાવાઓનું મૂલ્યાંકન કરે અને કાયદા દ્વારા પ્રાપ્ત સત્તાનો વિવેકપૂર્ણ અને તર્કસંગત ઉપયોગ કરીને સજા સંભળાવે. પરંતુ 26 ઑક્ટોબરે ગાંધીનગરની કલોલ એડિશનલ સેશન્સ કોર્ટે અલગ જ માર્ગ પકડ્યો.’

અહીંથી લઈને છેક સુધી એક જ રડારોળ ચાલે છે કે અદાલતો સેક્યુલર ફ્રેમવર્કમાં ચાલવી જોઈએ, જેમાં ધાર્મિક બાબતોને કે ધાર્મિક ગ્રંથોને કોઈ સ્થાન આપવામાં ન આવવું જોઈએ. પરંતુ કલોલ કોર્ટે ચુકાદો આપતી વખતે ગ્રંથો ધ્યાનમાં લીધા હતા. ત્યારપછી લેખક ગાયને બચાવવા માટે આજીવન કેદની સજા શા માટે એવો પ્રશ્ન પણ કરે છે અને મૂળ કાયદા પર જ પ્રશ્ન ઉઠાવે છે. દલીલો પોકળ લાગતાં વધુ મજબૂતી આપવા માટે આ કાયદાને બીજા અમુક કાયદાઓ સાથે સરખાવે છે.

મૂળ વાત એ છે કે કલોલની કોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર ધર્મગ્રંથનો આધાર લીધો નથી કે માત્ર ઋગ્વેદ અને મનુસ્મૃતિને ટાંકીને ત્રણ મુસ્લિમ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી દીધી હોય એમ નથી. અદાલતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે ચાલે છે એટલી સામાન્ય સમજણ ન્યાય તોળવા બેઠલાઓને પણ હોય છે. અહીં કોર્ટે માત્ર ગાયનું મહત્ત્વ સમજાવવા માટે ચુકાદાની શરૂઆતમાં અમુક શ્લોક ટાંક્યા છે.

આ શ્લોક અને તેનો અર્થ સમજાવ્યા બાદ કોર્ટ ચુકાદામાં સ્પષ્ટ કહે છે કે ગાયના મહત્ત્વને નજર સમક્ષ રાખીને કેસના ગુણદોષ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો છે.

અહીં ગુણદોષ એટલે મેરિટ. અર્થાત્ કોર્ટ આટલી વાત કહીને કહે છે કે આગળનો જે કંઈ ચુકાદો છે એ કેસનાં મેરિટ પર આધારિત છે. ત્યારબાદ ક્યાંય ધર્મગ્રંથોની વાત આવતી નથી. ત્યારબાદ પાનાં ભરીભરીને કોર્ટે કેસનાં મેરિટ પર જ ચર્ચા કરી છે. જેમાં કેસ ક્યારે બન્યો, શું પુરાવાઓ મળ્યા, પોલીસ તપાસમાં શું સામે આવ્યું, બંને પક્ષોએ શું દલીલો થઈ અને અદાલતનો નિષ્કર્ષ શું છે એ જણાવવામાં આવ્યું છે.

‘બાર એન્ડ બેન્ચ’નો લેખ વાંચો તો અંત સુધી એવું લાગ્યા કરે કે કોર્ટે ગ્રંથોને ટાંકીને જ સજા સંભળાવી દીધી છે. વાસ્તવમાં કોર્ટ ગાયનું ધાર્મિક મહત્ત્વ સમજાવી રહી હતી, જે છે જ. બાર એન્ડ બેન્ચનો કોઈ લેખક એ ન માનતો હોય તો તેની માન્યતા એ ઘરે રાખે. સમાજ માને છે. કોર્ટ આ મહત્ત્વ સમજાવીને આગળ વધી જાય છે અને ત્યારબાદ મેરિટના આધારે નિર્ણય કરે છે.

‘બાર એન્ડ બેન્ચ’માં લેખ લખનારને એ વાતે પણ વાંધો પડ્યો છે જ્યાં કોર્ટે કહ્યું હતું કે જો કડક સજા સંભળાવવામાં નહીં આવે તો પૃથ્વી પરથી ગાયનું અસ્તિત્વ જોખમાઈ જશે.

અહીં પણ કોર્ટે આ એકમાત્ર કારણોસર સજા સંભળાવી દીધી હોય એ રીતે વાતને રજૂ કરી છે. લેખક લખે છે, ‘આ અસાધારણ દલીલો છે. વાંચીને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ન્યાયાધીશ એક ફોજદારી સત્ર ન્યાયાલયમાં બિરાજમાન હતા કે કોઈ ધાર્મિક કાયદાનું અમલીકરણ કરાવતી ધર્મસભાના ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા હતા.’

હકીકત એ છે કે 2017માં ગુજરાત સરકારે પશુ સંરક્ષણ અધિનિયમમાં કરેલા સુધારા બાદ કોર્ટ ગૌહત્યા બદલ 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારી શકે છે. અર્થાત્, કોર્ટે તેના કાર્યક્ષેત્ર અને તેની મર્યાદામાં રહીને જ સજા ફટકારી છે.

લખનારે એ હકીકત પણ ધ્યાને લીધી નથી કે આ જ કોર્ટે મેરિટ પર ચર્ચા કર્યા બાદ બે આરોપીઓને દોષમુક્ત પણ ઠેરવ્યા છે. જેમાં એક ગુલામ મોઈન અને બીજો છે વિઠ્ઠલ સેનમા. એક ગુનેગાર ઠેરવાયો પણ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. કોર્ટ મેરિટમાં ગઈ હોય ત્યારે જ આ નિર્ણય શક્ય બને છે.

ગૌહત્યા બદલ આજીવન કેદની સજાની જોગવાઈ સામે વાંધો પડ્યો

આગળ લેખમાં 2017ના ગુજરાત સરકારના સુધારા પર જ પ્રશ્ન કરવામાં આવ્યા છે, જેમાં ગૌહત્યા બદલ આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.

લેખક હાસ્યાસ્પદ તર્ક આપતાં કહે છે કે ભારતમાં તો લાખો ગાય છે અને દુનિયામાં ગૌવંશનો મોટો હિસ્સો ભારતમાં છે. સાથે કહ્યું કે ઘણી ગાયો ભૂખમરો, પ્લાસ્ટિક ઇન્જેશન, માર્ગ અકસ્માતો વગેરેનો ભોગ બને છે. આ બધી જ ચિંતા વ્યાજબી છે અને તેની ઉપર ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે. પણ તેનો અર્થ એ નથી કે સંખ્યામાં બહુ વધારે હોવાના કારણે જે-તે પશુ લુપ્ત થઈ જશે એવી ચિંતા અસ્થાને છે કે તેનો કોઈ તર્ક બનતો નથી.

આ દલીલોમાં માની લેવામાં આવ્યું છે કે ગૌરક્ષાનો એકમાત્ર હેતુ ગાયની પ્રજાતિને લુપ્ત થતી અટકાવવાનો છે. પણ સંરક્ષણનો વ્યાપ એટલો મર્યાદિત નથી. ભલે પશુઓ વધુ સંખ્યામાં હોય, તેની વિવિધ પ્રજાતિનું જતન કરવું, ખેતીમાં ઉપયોગી પશુઓનું રક્ષણ કરવું, કતલ અટકાવવી વગેરે અનેક બાબતો એમાં આવી જતી હોય છે. માત્ર દેશમાં સંખ્યા વધારે છે એટલે આ બધી ચિંતાઓ મટી જતી નથી.

પશુઓની યોગ્ય સંભાળ રાખવાની વ્યવસ્થા ન હોય તો એ વ્યવસ્થા સુધારવા માટે કામ કરી શકાય, તેના બદલે પશુ સંરક્ષણના મૂળ સિદ્ધાંત પર જ પ્રશ્ન કરવા અને તેના માટે વધુ સંખ્યાનું કારણ આપવું એ વાત ક્યાંય ગળે ઉતરતી નથી.

આગળ લેખમાં કહેવામાં આવ્યું કે, ‘તેમ છતાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, 2017 હેઠળ આ ‘માયથોલોજીકલ પેનિક’ને વશ થઈને ધારાસભાએ ગૌહત્યા બદલ દસ વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરી દીધી.

અહીં ‘માયથોલોજીકલ પેનિક’ શબ્દ આપત્તિજનક છે. લેખક કહેવા માગે છે કે ગાય લુપ્ત થઈ જશે, તેને જોખમ છે એવી વાતો કરીને ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું અને વિધાનસભા તેમાં ફસાઈ ગઈ અને કાયદો બનાવી દેવામાં આવ્યો. હકીકતે આ ‘માયથોલોજીકલ પેનિક’ નથી, છાશવારે આવા ગૌહત્યાના કિસ્સાઓ બનતા રહે છે એ જ દર્શાવે છે કે આ ચિંતા વ્યાજબી છે અને ધારાસભાએ પોતાની જવાબદારીઓ નિભાવતાં સજા કડક બનાવવાનું કામ કર્યું હતું.

લેખક દલીલ કરે છે કે, ‘જ્યારે કોઈ કાયદો ન્યાયાધીશને દસ વર્ષની કેદથી લઈને જીવનભર વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લેવા સુધીની સજા પસંદ કરવાની છૂટ આપે ત્યારે નિર્ણય લેતાં પહેલાં તમામ પાસાંની ઝીણવટભરી તપાસ કરવી જરૂરી બને છે. ગુનાની ગંભીરતા વધારતા અને સજા હળવી કરવાના સંજોગો, આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ, ઉંમર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ અને ગુનામાં તેમની વ્યક્તિગત ભૂમિકા– આ તમામ બાબતોનું મૂલ્યાંકન કરવું અદાલત માટે જરૂરી છે.’

ગૌહત્યા બદલ ગુનેગાર ઠેરવાયેલા ત્રણ મુસ્લિમો પ્રત્યેની કૂણી લાગણી અહીં લખનાર છુપાવી શકતો નથી અને આગળ કહે છે કે કલોલના કેસમાં અદાલતે આ વિવેકાધિકારનો અત્યંત સંકુચિત રીતે ઉપયોગ કર્યો. ‘બચાવપક્ષે દલીલ કરી હતી કે આરોપીઓ યુવાન છે, અત્યંત ગરીબ પરિવારના એકમાત્ર કમાનારા સભ્યો છે અને અગાઉ તેમનો કોઈ ગુનામાં દોષ નથી. અદાલતે આ તમામ દલીલો એક ઝાટકે ફગાવી દીધી.’

મૂળ કાયદાની બાબતો સાથે કામ કરવાનો દાવો કરનારા આ લેખકને શું એ ખ્યાલ નહીં હોય કે દરેક કેસમાં ગુનેગારને સજા થાય ત્યારબાદ તેના વકીલો સજા ઓછી કરાવવા માટે આવી જ દલીલો કરે છે, શું કોર્ટે દર વખતે એ દલીલોને વશ થઈને ઓછામાં ઓછી સજા કરીને ગુનેગારોને છોડી મૂકવા જોઈએ? અહીં એ જ દલીલોને ફરીથી મૂકીને પરાણે સહાનુભૂતિ ઉઘરાવવાની ચેષ્ટા શા માટે કરી એ સમજાતું નથી.

અન્ય કાયદાઓ સાથે સરખામણી

આગળ હાસ્યાસ્પદ તર્કોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીને લખનાર અન્ય કાયદાઓ સાથે ગુજરાત સરકારના કાયદાને સરખાવે છે અને કહે છે કે ગુજરાતમાં કોઈ નાગરિક કોઈ મહિલાનો પીછો કરે, યૌન ઉત્પીડન કરે તો ભારતીય ન્યાય સંહિતા અનુસાર ત્રણથી પાંચ વર્ષની સજા થાય છે. જો કોઈ પરિવાર નવવધૂને દહેજ માટે પ્રતાડિત કરે અને તે આત્મદાહનો પણ પ્રયાસ કરે તો કાયદા પ્રમાણે ત્રણ વર્ષની સજા થાય છે, જો ગેરઇરાદાતન હત્યાનો કેસ હોય તોપણ સાતથી દસ વર્ષની સજા થાય છે. પણ ગુજરાતમાં ગાયની હત્યા કરી તો આખું જીવન જેલમાં જઈ શકે છે.

આ દલીલોમાં તર્ક ઓછો અને અસંગત સરખામણી વધારે છે. દરેક ગુનાની કાનૂની વ્યાખ્યા, આરોપીની ભૂમિકા, ગુનાનો ઇરાદો, સંજોગો અને ગંભીરતા અલગ-અલગ હોય છે. તેટલા માત્રથી અલગ-અલગ ગુનાની મહત્તમ સજાઓને બાજુમાં રાખીને કોઈ કાયદાને યોગ્ય કે અયોગ્ય ન ઠેરવી શકાય.

લેખકે પોતાની પોકળ દલીલોને મજબૂતી આપવા માટે અમુક ગુનાઓ અને સજાઓ પસંદ કરી લીધાં છે, જેથી વાંચનારના મનમાં છાપ ઊભી થાય કે ભારતીય કાયદો માણસ કરતાં ગાયને વધારે મહત્ત્વ આપે છે. પણ આ નિષ્કર્ષ આ સરખામણીઓના આધારે ન નીકળી શકે. બેદરકારીથી કોઈનું મૃત્યુ થાય એ અને ઈરાદાપૂર્વક કોઈની હત્યા થાય એ– બંને કાયદાની દૃષ્ટિએ અલગ ગુના છે અને સજા અલગ છે. એ જ રીતે દહેજની વાત ઉપર આવી પણ દહેજ માટે ક્રૂરતા અને દહેજના કારણે મૃત્યુ– એ પણ કાયદાની દૃષ્ટિએ અલગ બાબતો છે. અહીં અમુક જ બાબતો પસંદ કરવામાં આવી છે.

અન્ય એક સરખામણી ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 સાથે કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું કે અહીં દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે પરંતુ ગૌહત્યા બદલ આજીવન કેદ થાય છે. પણ અહીં પણ બંને ગુનાઓની કાનૂની વ્યાખ્યા અને બંને પાછળના કાયદાકીય હેતુઓ અલગ છે. તમામ કાયદાને આ રીતે બાજુ-બાજુમાં મૂકીને સરખામણી કરવા જાઓ તો દેશના ફોજદારી કાયદાઓ નવેસરથી બનાવવા પડે.

આવી જ વાહિયાત સરખામણી અન્ય દેશોમાં પશુ સંરક્ષણ માટે બનાવવામાં આવેલા કાયદાઓ સાથે કરવામાં આવી છે અને એવું સાબિત કરવામાં આવ્યું છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગૌરક્ષાને વધુ પડતું મહત્ત્વ આપીને કડક સજાઓ કરવામાં આવી છે. સાથે લેખક પ્રશ્ન કરે છે, ‘કયા બિંદુએ સેક્યુલર રિપબ્લિક એ નક્કી કરશે કે પ્રાણીનું જીવન મનુષ્ય કરતાં વધુ કિંમતી છે.’  

સેક્યુલરિઝમનો સાચો અર્થ જાણતો નથી બાર એન્ડ બેન્ચનો લેખક

જેમ ડાબેરી-સેક્યુલરિયાઓ પંથનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતા રહે છે પણ તેમને સેક્યુલરિઝમનું સાચું જ્ઞાન હોતું નથી એવું આ ‘બાર એન્ડ બેન્ચ’ના લેખક સાથે પણ થયું છે. તેણે આખા લેખમાં સેક્યુલરિઝમનું ગાણું ગાયું છે, પરંતુ તેનો સાચો અર્થ સમજ્યો નથી.

તે 2005નો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ટાંકીને કહે છે કે તેમાં કોર્ટે ગુજરાતના ગૌહત્યા પર રોક લગાવતા કાયદાને લીલી ઝંડી આપી હતી પણ તેમાં પણ કોર્ટે સેક્યુલર વલણ અપનાવીને ગાયનું આર્થિક, કૃષિ સંબંધિત મહત્ત્વ દર્શાવ્યું હતું. કહેવાનો અર્થ એ કે કોર્ટે એટલા માટે ગૌરક્ષા જરૂરી ગણાવી હતી કારણ કે તેનું આર્થિક મહત્ત્વ છે, એટલા માટે નહીં કે તે એક બહુમતી સમુદાય માટે પવિત્ર છે.

હકીકત એ છે કે પંથનિરપેક્ષતાનો અર્થ એ નથી કે ધર્મને જાહેરજીવનમાંથી સંપૂર્ણ દૂર કરી દેવામાં આવે કે વર્ષોથી ચાલતી આવતી સાંસ્કૃતિક પરંપરાઓને નકારી દેવામાં આવે. કોઈ અદાલત, કોઈ સરકાર એવું કરી શકતી નથી. સેક્યુલરિઝમ એટલે ધર્મને સંપૂર્ણ નકારી દેવો એવું નથી હોતું. પંથનિરપેક્ષતા એટલે સંસ્કૃતિ અને પરંપરાનો અસ્વીકાર એમ નહીં.

બંધારણમાં પણ ગૌરક્ષાને સ્થાન મળ્યું છે એ પણ એક સત્ય છે. સુપ્રીમ કોર્ટે ગૌહત્યા પરના પ્રતિબંધો માન્ય રાખ્યા છે. આ બંધારણીય અને કાયદાકીય હકીકતો છે, માત્ર ધાર્મિક માન્યતાઓ નહીં.

આખા લેખમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરીને દુનિયાભરનું જ્ઞાન આપવામાં આવ્યું છે પણ લખનારે ચુકાદા સંબંધિત મૂળ પ્રશ્નો હોવા જોઈએ તેની ક્યાંય ચર્ચા કરી જ નથી. તેણે માત્ર 277 કિલોગ્રામ ગોમાંસ મળ્યું, ત્રણ આરોપીઓ દોષી ઠેરવાયા અને તેમને આજીવન કેદ થઈ અને તેમના વકીલોએ પારિવારિક સ્થિતિ જણાવીને બચાવ કર્યો તે સિવાય સમગ્ર ચુકાદામાં કોર્ટે કઈ રીતે અને શું તારણો કાઢ્યાં તેની ચર્ચા જ કરવામાં આવી નથી. કારણ કે તેમ કરવાથી એજન્ડા ચલાવી શકાયો ન હોત.

આરોપીઓ સામે ગુના કયા સાબિત થયા, કઈ રીતે સાબિત થયા, દરેક આરોપીની ભૂમિકા કયા પુરાવાના આધારે નક્કી કરવામાં આવી, અદાલતે પુરાવાનું મૂલ્યાંકન કઈ રીતે કર્યું– આ બધી બાબતો ધ્યાનમાં લઈને ચુકાદાનું વિશ્લેષણ કરવું જોઈએ. પણ આ બધું કર્યા વગર લેખનારે માત્ર ધાર્મિક લાગણીઓ પર કટાક્ષ કરીને લેખ ઘસી નાખ્યો છે, જેનાથી કોઈ મુદ્દો સાબિત થતો નથી.

કહેવાની વાત એટલી છે કે ગૌરક્ષાને ધાર્મિક કટ્ટરતામાં ખપાવી દઈને તેને ફગાવી શકાય નહીં. તેને બંધારણ અને કાયદા બંનેનું સમર્થન છે. બંધારણની કલમ 48 સ્પષ્ટ નિર્દેશો આપે છે. સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે. પંથનિરપેક્ષ બંધારણીય પ્રજાસત્તાકનો અર્થ એ નથી કે સરકાર અને અદાલત દરેક સાંસ્કૃતિક પરંપરાથી અંતર જાળવે.

અદાલતો પુરાવાના આધારે કેસનાં ગુણદોષના આધારે નિર્ણય કરે છે. કલોલ કોર્ટે પણ એમ જ કર્યું છે. પરંતુ કોર્ટે કયા આધારે નિર્ણય લીધો તે જોવા કરતાં માત્ર શરૂઆતમાં ટાંકેલા અમુક શ્લોકોથી ઉશ્કેરાઈ જઈને એક ટોળકી હોહા મચાવી રહી છે, જો વિગતોમાં જાય તો પ્રોપગેન્ડા ટકી શકે તેમ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં