હોમપેજદુનિયાપેલેસ્ટેનિયન મૂળના નાગરિકો, ઇસ્લામિસ્ટ રાજકારણ અને નેસેટમાં ભૂમિકા: ઇઝરાયેલના આરબ પક્ષો કોણ...

પેલેસ્ટેનિયન મૂળના નાગરિકો, ઇસ્લામિસ્ટ રાજકારણ અને નેસેટમાં ભૂમિકા: ઇઝરાયેલના આરબ પક્ષો કોણ છે અને શું છે તેમની વિચારધારા

આરબ નાગરિકો ભલે ઇઝરાયેલમાં રહેતા હોય, પરંતુ ગાઝામાં ચાલતા યુદ્ધ, વેસ્ટ બેન્કની સ્થિતિ અને અલગ પેલેસ્ટેનિયન રાજ્યની સ્થાપના જેવા મુદ્દાઓ તેમની વિચારધારાનો ભાગ છે. આરબ પક્ષોના આધારે તેઓ ઇઝરાયેલની સંસદમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

- Advertisement -

હાલમાં સમગ્ર વિશ્વમાં ઇઝરાયેલની ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના વિપક્ષી પક્ષોની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ ઇઝરાયેલના રાજકારણમાં એક એવો વર્ગ પણ છે, જેની વસ્તી દેશના આશરે પાંચમા ભાગ જેટલી છે, જેનાં પોતાનાં રાજકીય પક્ષો છે અને જેની પ્રાથમિકતાઓ ઇઝરાયેલના યહૂદી પક્ષોની પ્રાથમિકતાઓ સાથે મેળ નથી ખાતી. આ વર્ગ છે ઇઝરાયેલના આરબ નાગરિકો, જેમાંથી મોટાભાગના પેલેસ્ટેનિયન મૂળના છે.

27 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ આ આરબ મતદારો અને તેમનું પ્રતિનિધિત્વ કરતા પક્ષો ફરી ચર્ચામાં આવ્યા છે. ઇઝરાયેલની ચેનલના એક્ઝિટ પોલ્સ મુજબ, આરબ સમર્થન ધરાવતા બે મુખ્ય રાજકીય પક્ષોને સંસદની 120માંથી લગભગ 19 સીટ મળવાની સંભાવના છે.

ઇઝરાયેલ અને આરબ મતદારો

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલમાં આશરે 20થી 21 ટકા વસ્તી આરબ મુસ્લિમો અને ખ્રિસ્તીઓની છે. મોટાભાગના મૂળ પેલેસ્ટાઇનના છે, પણ તેમની પાસે ઇઝરાયેલની નાગરિકતા તથા મતદાનનો અધિકાર છે. અહીં એપ્રશ્ન થાય કે ઇઝરાયેલમાં આટલી મોટી સંખ્યામાં આરબો આવ્યા ક્યાંથી?

- Advertisement -

તો અહીં 1948માં ઇઝરાયેલની સ્થાપનાનો સમયગાળો મહત્વનો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પેલેસ્ટેનિયન આરબો વિસ્થાપિત થયા હતા. જોકે, કેટલાક આરબો ઇઝરાયેલમાં જ રહી ગયા તેથી તેમને તથા તેમના વંશજોને ઇઝરાયેલની નાગરિકતા મળી ગઈ. હાલના આ 12 લાખ મતદારો તેમના જ બાળકો અને પૌત્રો છે.

આ 12 લાખ આરબ મતદારો પાસે મતદાન કરવાની સાથે ચૂંટણી લડવાની પણ સ્વતંત્રતા છે. તેઓ પોતાની અરબી ઓળખ અને પેલેસ્ટેનિયન સંસ્કૃતિ સાથે ઇઝરાયેલી નેસેટ સુધી પહોંચી શકે છે. જોકે, ઇઝરાયેલ એકમાત્ર એવો દેશ છે જે પોતાના અસ્તિત્વ માટે સતત કટ્ટરપંથી પડોશીઓ સામે લડી રહ્યો છે, છતાં તેણે પોતાના દેશના આ આરબ નાગરિકોને તમામ લોકતાંત્રિક અધિકારો આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે 12 લાખ એ ઇઝરાયેલમાં વસતા કુલ આરબોની સંખ્યા નથી, પરંતુ માત્ર એવા પુખ્ત નાગરિકોની સંખ્યા છે જે મતદાન કરવા યોગ્ય છે. અહીં એ પણ યાદ રાખવા જેવુ છે કે આ બધા લોકો એકસરખી વિચારસરણી નથી ધરાવતા. કેટલાક લોકો આરબ પક્ષોને મત આપે છે, તો કેટલાક ઇઝરાયેલના યહૂદી પક્ષોને પણ મત આપે છે.

ઇઝરાયેલની સંસદ અને ચૂંટણી વ્યવસ્થા

જેમ ભારતમાં સસંદ છે તેમ ઇઝરાયેલમાં ‘નેસેટ’ (Knesset) છે, જેમાં કુલ 120 સભ્યો હોય છે. ભારતની જેમ અહીં અલગ-અલગ મતવિસ્તારો નથી હોતા, પણ આખો દેશ એક જ ચૂંટણીક્ષેત્ર ગણાય છે. અહીં લોકો કોઈ વ્યક્તિગત ઉમેદવારને બદલે સીધા રાજકીય પક્ષની યાદીને (પાર્ટી લિસ્ટ) મત આપે છે.

કોઈપણ પક્ષને સંસદમાં એન્ટ્રી મેળવવા માટે દેશભરમાંથી ઓછામાં ઓછા 3.25 ટકા મત મળવા જરૂરી છે. જો કોઈ નાનો પક્ષ આ લઘુત્તમ મતો ન મેળવી શકે તો તેને એક પણ બેઠક નથી મળતી. આ જ કારણ છે કે નાના પક્ષો ઘણીવાર ચૂંટણી જીતવા માટે ભેગા મળીને લડે છે.

ઇઝરાયેલમાં સરકાર બનાવવા માટે 120માંથી ઓછામાં ઓછી 61 બેઠકો મળવી અનિવાર્ય છે. જો કોઈ પાર્ટી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બને તો પણ તેને એકલા હાથે બહુમતી મળવી ખૂબ મુશ્કેલ હોય છે, તેથી હંમેશાં ગઠબંધનની સરકાર જ બનાવવી પડે છે. હાલમાં નેતનયાહુની પાર્ટીની પણ એ જ સ્થિતિ છે. પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી તો બની ગઈ છે પણ સરકાર બનાવવા માટેની જરૂરી સીટ મેળવી શકી નથી.

આરબ પક્ષો એટલે કયા પક્ષો?

ઇઝરાયેલમાં આરબ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા બધા પક્ષો એકસરખા નથી. તેમની વિચારધારા અને કામ કરવાની રીત અલગ છે. 2026ની ચૂંટણીમાં મુખ્યત્વે બે મોટાં આરબ જૂથો ચર્ચામાં રહ્યાં છે. એક હદાશ, તઆલ અને બલદ જેવા પક્ષો જે ‘જોઇન્ટ લિસ્ટ’માં આવે છે અને બીજો મન્સૂર અબ્બાસનો પક્ષ ‘રા’અમ’.

જોઇન્ટ લિસ્ટમાં સામેલ પક્ષો પોતાની કટ્ટર પેલેસ્ટેનિયન રાષ્ટ્રીય ઓળખ, આરબ અધિકારો અને પેલેસ્ટેનિયન મુદ્દાઓને સૌથી વધુ મહત્વ આપે છે. આ જૂથ યહૂદી રાષ્ટ્ર તરીકે ઇઝરાયેલની મૂળ નીતિઓનો પણ વિરોધ કરે છે અને ઇઝરાયેલી સરકારોમાં સીધા જોડાવવા કરતાં પોતાની અલગ વિચારધારા પર કાયમ રહેવાનું પસંદ કરે છે.

બીજી તરફ, મન્સૂર અબ્બાસનો ‘રા’અમ’ પક્ષ થોડો વ્યવહારુ છે. તે માત્ર વિરોધ કરવાને બદલે ઇઝરાયેલની સરકારોમાં ભાગીદાર બનીને પોતાના આરબ સમાજ માટે સરકારી બજેટ, વિકાસ યોજનાઓ અને સ્થાનિક સુવિધાઓ મેળવવા પર ભાર મૂકે છે. 2021માં આ પક્ષ ઇઝરાયેલની ગઠબંધન સરકારમાં પણ સામેલ થયો હતો.

રા’અમ પક્ષ વિકાસના નામે સત્તામાં ભાગીદારી ઈચ્છે છે અને જોઇન્ટ લિસ્ટ પેલેસ્ટેનિયન રાષ્ટ્રવાદની વાત કરે છે, પરંતુ અંતે તો બંને પક્ષોનો ઝુકાવ પેલેસ્ટેઇન તરફ જ રહે છે. તેથી, આમાંથી કોઈપણ પક્ષ ઇઝરાયેલી સંસદમાં મજબૂત થાય કે સરકાર બનાવવામાં કિંગમેકરની ભૂમિકામાં આવે તો તે યહૂદી રાષ્ટ્રની આંતરિક સુરક્ષા અને દેશના હિતો માટે એક મોટો રાજકીય પડકાર અને સંભવિત ખતરો બની શકે છે.

જોઇન્ટ લિસ્ટની અંદરના પક્ષો

જોઇન્ટ લિસ્ટને એક જ પક્ષ સમજવાને બદલે તેની અંદર સામેલ ત્રણ પક્ષોની વિચારધારા સમજવી જરૂરી છે.

હદાશ (Hadash)

હદાશ એ લેફ્ટ વિચારસરણી ધરાવતો પક્ષ છે, જેમાં આરબ અને યહૂદી બંને સમુદાયના સભ્યો સામેલ છે. આ પક્ષ ડાબેરી અસંતોષ અને શાંતિના નામે પેલેસ્ટેનિયન મુદ્દાઓને આગળ ધરીને ઇઝરાયેલની રાષ્ટ્રીય નીતિઓનો સતત વિરોધ કરતો રહ્યો છે.

તઆલ (Ta’al)

આ પક્ષનું નેતૃત્વ અહમદ તીબી કરે છે. આ પક્ષ મુખ્યત્વે ઇઝરાયેલી સંસદમાં રહીને આરબ નાગરિકોના રાજકીય અધિકારો અને પેલેસ્ટેનિયન રાષ્ટ્રીય મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે. તેની વ્યૂહરચના લોકશાહી માળખાનો ઉપયોગ કરીને ઇઝરાયેલી સત્તા પર દબાણ બનાવવાની છે.

બલદ (Balad)

બલદ આ ત્રણેયમાં સૌથી વધુ કટ્ટર અને આરબ ઓળખ પર ભાર મૂકતો પક્ષ છે. આ પક્ષ ઇઝરાયેલને ‘યહૂદી રાષ્ટ્ર’ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. વધુમાં આ પક્ષ ઇઝરાયેલને સામાન્ય રાજ્ય બનાવવાની માંગ કરે છે. સાથે જ તે સ્વતંત્ર પેલેસ્ટેનિયન રાજ્યનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.

આ ત્રણેય પક્ષો વચ્ચે વિચારધારાના મોટા મતભેદો છે અને ભૂતકાળમાં તેઓ અલગ પણ થઈ ચૂક્યા છે. પરંતુ 2026ની ચૂંટણીમાં 3.25 ટકા મત મેળવીને સંસદમાં ટકી રહેવાના સ્વાર્થ માટે તેઓ ફરી ભેગા થયા છે.

રા’અમ બીજા આરબ પક્ષોથી કઈ રીતે અલગ છે?

રા’અમ પક્ષને સમજવા માટે 2021નો સમયગાળો સમજવો ખૂબ જરૂરી છે. એ સમયે મન્સૂર અબ્બાસના નેતૃત્વ હેઠળના રા’અમ પક્ષે ઇઝરાયેલની બેનેટ-લાપિડ સરકારને ટેકો આપ્યો હતો. ઇઝરાયેલના ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યું હતું કે કોઈ સ્વતંત્ર આરબ પક્ષ વિરોધ કરવાને બદલે સીધો સરકારમાં સામેલ થયો હોય.

રા’અમ પક્ષનો દાવો છે કે ઇઝરાયેલના આરબ નાગરિકોની ગુનાખોરી, શિક્ષણ, રહેઠાણ, રોજગાર અને સ્થાનિક ભંડોળ જેવી રોજિંદી સમસ્યાઓ ઉકેલવા માટે સરકારની અંદર રહેવું જરૂરી છે. તેથી તે વિરોધ પક્ષમાં બેસી રહેવા કરતાં સત્તામાં ભાગીદાર બનીને પોતાના વિસ્તારો માટે બજેટ મેળવવાનો પ્રયાસ કરે છે.

રા’અમ પક્ષ એક કટ્ટર ઇસ્લામિક વિચારધારા ધરાવતો પક્ષ છે. ભલે તે વિકાસની વાત કરતો હોય, પણ પેલેસ્ટેનિયન રાજ્યની સ્થાપના અને પેલેસ્ટેનિયન મુદ્દાઓ પર તેનું વલણ અન્ય આરબ પક્ષો જેવું જ છે.

નોંધનીય છે કે આરબ નાગરિકો ભલે ઇઝરાયેલમાં રહેતા હોય, પરંતુ ગાઝામાં ચાલતા યુદ્ધ, વેસ્ટ બેન્કની સ્થિતિ અને અલગ પેલેસ્ટેનિયન રાજ્યની સ્થાપના જેવા મુદ્દાઓ તેમની વિચારધારાનો ભાગ છે. આરબ પક્ષોના આધારે તેઓ ઇઝરાયેલની સંસદમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

નોંધનીય છે કે ઇઝરાયેલના આરબ નાગરિકોમાં બે વિચારસરણી જોવા મળે છે. એક વર્ગ એવો છે જે પેલેસ્ટેનિયન રાષ્ટ્રીયતાને પ્રાથમિકતા આપે છે, જ્યારે બીજો વર્ગ ઇઝરાયેલની સિસ્ટમમાં રહીને સ્થાનિક સુવિધાઓ અને આર્થિક લાભ મેળવવા માંગે છે. આ જ કારણે તેમના મતો અલગ-અલગ પક્ષોમાં વહેંચાયેલા રહે છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલમાં સરકાર બનાવવા માટે 61 બેઠકો આવશ્યક છે. 2026ની ચૂંટણીના પ્રાથમિક આંકડા મુજબ નેતન્યાહુના ગઠબંધનને 56-60 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે આરબ પક્ષોને લગભગ 19 બેઠકો મળે એવી છે. આ કારણે એવું ચર્ચાઈ રહ્યું છે કે આરબ પક્ષો સરકાર બનાવવામાં ‘કિંગમેકર’ બની શકે છે. જોકે, ઇઝરાયેલના બંને મુખ્ય પક્ષોએ આરબ પક્ષોનો સહકાર લેવાનો ઇનકાર કરી દીધો છે, એટલે ‘કિંગમેકર’ તો ના કહી શકાય.

આરબ પક્ષોની ચર્ચા માત્ર એટલા પૂરતી સીમિત નથી કે કોની સરકાર બનશે. અસલી ચિંતા એ વાતની છે કે ઇઝરાયેલ જેવા યહૂદી રાષ્ટ્રમાં પેલેસ્ટેનિયન સમર્થક અને અલગ ઓળખ ધરાવતા પક્ષોનું સંસદમાં મજબૂત થવું એ દેશની આંતરિક સુરક્ષા અને રાષ્ટ્રીય નીતિઓ માટે એક મોટો પડકાર છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં