હોમપેજગુજરાત'ગાય માત્ર પશુ નહીં…': ગૌહત્યાના કેસમાં ચુકાદો આપતી વખતે કલોલની કોર્ટે હિંદુ...

‘ગાય માત્ર પશુ નહીં…’: ગૌહત્યાના કેસમાં ચુકાદો આપતી વખતે કલોલની કોર્ટે હિંદુ ધર્મગ્રંથો ટાંક્યા, વસીમ સહિત ત્રણને આજીવન કેદ

કોર્ટે ધર્મગ્રંથો અને વેદોને ટાંકીને કહ્યું કે ગાય માત્ર એક પશુ નથી પરંતુ હિંદુ ધર્મમાં તેને વિશ્વની માતા ગણવામાં આવી છે. સજા ફટકારતી વખતે કહ્યું કે ગુનેગારોને કડક સજા નહીં કરવામાં આવે અને સમાજમાં દાખલો બેસાડવામાં નહીં આવે તો એક સમયે ગાય લુપ્ત થઈ જવાનું જોખમ રહેશે.

- Advertisement -

ગાંધીનગરની કલોલ એડિશનલ સેશન્સ કોર્ટે 2024ના એક ગૌહત્યા અને ગૌમાંસ વેચાણના એક કેસમાં ત્રણ શખ્સોને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. સજા ફટકારતો ચુકાદો પસાર કરતી વખતે કોર્ટે ગાયનું મહત્ત્વ સમજાવવા માટે હિંદુ ધર્મગ્રંથો અને વેદોને ટાંક્યા હતા.

કોર્ટે ચુકાદાની શરૂઆતમાં એક શ્લોક ટાંકીને કહ્યું કે ગાય વિશ્વની માતા સમાન માનવામાં આવે છે, જે માનવજીવન અને સમાજ માટે ઉપયોગી છે. ગાયનું રક્ષણ કરવું એ ધર્મ અને કરુણાની ભાવના સાથે જોડાયેલું કાર્ય છે, જ્યારે ન્યાય સત્યનું રક્ષણ કરવાનું કામ કરે છે. જ્યાં ગાયની હત્યા થાય ત્યાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો આરોપી સામે ગુનો પુરાવાથી સાબિત થાય તો તેને કાયદા અનુસાર યોગ્ય સજા થવી જોઈએ.

કોર્ટ કહે છે, ‘ન્યાયના માર્ગે ચાલીને જ ધર્મ અને ન્યાયની સ્થાપના થઈ શકે. જીવનું રક્ષણ કરવું અને કાયદાનું પાલન કરાવવું એ ન્યાયી સમાજનાં મહત્ત્વનાં કર્તવ્યો છે.’

- Advertisement -
કોર્ટે ચુકાદાની શરૂઆતમાં ગાયનું મહત્ત્વ સમજાવ્યું હતું

કોર્ટે મનુસ્મૃતિને ટાંકીને લખ્યું, ‘હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગાયને માત્ર એક પશુ નહીં પરંતુ ધર્મની ધરી સમાન સ્વીકારવામાં આવી છે. વેદો અને ધર્મગ્રંથો અનુસાર જ્યારે બ્રહ્માજીના મુખમાંથી અમૃત બિંદુનાં ટીપાં તપસ્યા દ્વારા પૃથ્વી પર પડ્યાં ત્યારે દિવ્ય અમૃત બિંદુઓમાંથી કામધેનુ પ્રગટ થઈ હતી, જે પૃથ્વી પર તમામ ગૌવંશની માતા માનવામાં આવે છે.’

કોર્ટે ઋગ્વેદ પણ ટાંક્યો અને કહ્યું કે તેમાં ગાયને ‘અધન્યા’ કહેવામાં આવી છે, એટલે કે તેને ક્યારેય હણવા કે મારવા યોગ્ય નથી.’

આ સાથે કોર્ટે અન્ય એક શ્લોક ટાંકીને તેનું અર્થઘટન કરતાં કહ્યું કે ગાયના મહત્ત્વને નજર સમક્ષ રાખીને આ કેસના ગુણદોષ (મેરિટ) પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું– ગાયના મહત્ત્વને નજર સમક્ષ રાખી નિર્ણય કરવામાં આવ્યો છે.

કલોલ એડિશનલ સેશન્સ કોર્ટે આ મામલે ત્રણ આરોપીઓ વસીમ કુરેશી, મહંમદ રફીક કુરેશી અને અસફાક બહેલીમને ગૌહત્યા બદલ દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે બે આરોપીઓ ગુલામ મોઈન કુરેશી અને વિઠ્ઠલ સેનમાને નિર્દોષ છોડ્યા હતા. અન્ય એક આરોપી લાલભાઈ સેનમાનું ટ્રાયલ દરમ્યાન મૃત્યુ થતાં કેસ એબેટ કરવામાં આવ્યો હતો.

દોષી ઠેરવાયેલા ત્રણેયને ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 (પશુઓ પ્રત્યે ક્રૂરતા), 54 (ગુના સમયે હાજરી), ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ, 2017ની કલમ 5, 6(ક), 6(ખ), 8(2), 8(4) અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(1)(L) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

કોર્ટે ત્રણેયને પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને ₹2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સજા ફટકારતી વખતે કોર્ટે કહ્યું કે, ‘આરોપીઓને જાણ હોવા છતાં તેમણે નિર્મમ રીતે માતા સમાન ગાયની હત્યા કરી તેમાંથી 277 કિલોગ્રામ જેટલું ગૌમાંસ વેચવાનો પ્રયાસ કર્યો હતો. ગાયોની અતિક્રૂરતાપુર્વક હત્યા કરનારાઓને કાયદામાં પ્રસ્થાપિત સજા કરવામાં ન આવે તો સમય જતાં ધરતી પર ગૌમાતા લુપ્ત થઈ જશે. માટે આરોપીઓને કાયદા પ્રમાણે મહત્તમ સજા કરવી જરૂરી છે.

જજ બી. આર. રાજપૂતની કોર્ટે 26 ઑક્ટોબરના રોજ આ ચુકાદો સંભળાવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

22 ઑગસ્ટ 2024ના રોજ ગાંધીનગરની કલોલ પોલીસે જામળા ગામના ઢાંકણીવાસના એક મકાનમાં રેડ પાડીને ગૌહત્યા કરનારા શખ્સોને પકડી પાડ્યા હતા. સાથે સ્થળ પરથી 277 કિલો માંસ મળી આવ્યું હતું. માંસને પછીથી લેબ તપાસ માટે મોકલવામાં આવતાં તે ગોમાંસ હોવાનું સાબિત થયું હતું. સાથે ગૌવંશની કતલમાં વપરાતાં હથિયારો, વાહનો અને અન્ય વસ્તુઓ મળીને 3 લાખ 61 હજારનો મુદ્દામાલ પકડાયો હતો.

આ મામલે પછીથી પાંચ આરોપીઓ સામે કલોલ તાલુકા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, 54 અને ગુજરાત પોલીસ એક્ટ તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને કેન્દ્ર સરકારના પ્રાણી ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી છઠ્ઠા આરોપી વિરુદ્ધ અન્ય એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમ્યાન વારાફરતી આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા.

ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું હતું કે જામળાના લાલભાઈ સેનમા અને તેનો પુત્ર વિઠ્ઠલ સેનમા આસપાસના વિસ્તારોમાંથી નબળી અને દૂધ ન આપતી હોય તેવી ગાય-ભેંસ સસ્તી કિંમતે લાવતા અને બાકીના આરોપીઓને બોલાવીને હત્યા કરાવડાવીને તેના માંસનું વેચાણ કરતા હતા. લાલભાઈ અને વસીમ, મહંમદ, અસફાક સ્થળ પરથી પકડાયા હતા, જ્યારે બાકીના બે આરોપીઓ ગુલામ મોઈન અને વિઠ્ઠલને પછીથી પકડવામાં આવ્યા હતા.

કોર્ટે ઠેરવ્યું કે પહેલા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત થાય છે, જ્યારે મોઇન અને વિઠ્ઠલને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. એક આરોપી લાલભાઈ સેનમાનું મૃત્યુ થઈ ગયું છે. બાકીના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં