શરદ ઋતુનું નિર્મળ આકાશ, પૂર્ણ ચંદ્રનો દૂધિયો પ્રકાશ અને એ ચાંદનીમાં ઝળહળતું એક સમૃદ્ધ નગર. મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનોની પવિત્રતા, વિદ્યાકેન્દ્રોમાં જ્ઞાનચર્ચા, બજારોમાં વેપારની ધમધમાટ અને રાજધાનીમાં વૈભવના દર્શન. સૌરાષ્ટ્રની ધરતી પર વસેલી વલભી માત્ર એક રાજધાની નહોતી. તે પ્રાચીન ભારતની એવી જ્ઞાનનગરી હતી, જ્યાં રાજસત્તાની શક્તિ અને વિદ્વત્તાની પ્રતિષ્ઠા એકસાથે વિકસ્યાં હતાં. જ્યાં દૂરના પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા આવતા, જ્યાં હિંદુ અને બૌદ્ધ આચાર્યોની વિદ્વત્તા અને જૈન આચાર્યોની શાસ્ત્રીય પરંપરા પાંગરતી હતી અને જ્યાં મૈત્રક રાજાઓના આશ્રયમાં એક સમૃદ્ધ સાંસ્કૃતિક વિશ્વનું નિર્માણ થયું હતું.
વલભીનું નામ ભારતની પ્રાચીન વિદ્યાપરંપરાના ઇતિહાસમાં નાલંદા સાથે લેવાતું હતું. પરંતુ આ ગૌરવશાળી નગરના ઇતિહાસમાં એક એવી રાત્રિનો ઉલ્લેખ મળે છે જ્યારે શરદ પૂર્ણિમાની ચાંદની વચ્ચે તેના વિનાશની ગાથા લખાઈ. આચાર્ય જિનપ્રભસૂરિએ ચૌદમી સદીમાં રચેલા ‘વિવિધ તીર્થકલ્પ’ના ‘વલભીપુર કલ્પ’માં વલભીના પતનને એક પ્રાકૃત શ્લોકમાં નોંધ્યું છે. શ્લોકના શબ્દો ટૂંકા છે, પરંતુ તેની પાછળ એક આખા નગરના વિનાશની સ્મૃતિ સચવાયેલી છે.
पंचासिए वरिससए विक्कमकालाओ आससुह पुण्णिमाए।
रत्तिए वलहीभंगो म्लेच्छेण सलीमणिवइणा कओ॥
અર્થાત્, વિક્રમ સંવત 845માં આસો સુદ પૂર્ણિમાની રાત્રે, એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે મ્લેચ્છ (મુસ્લિમ) શાસકના આક્રમણથી વલભીનો વિનાશ થયો. શ્લોકમાં આવતો ‘વલહીભંગો’ શબ્દ વલભીના પતનને સીધો સ્પર્શે છે, જ્યારે ‘રત્તીએ’ શબ્દ આ ઘટનાને રાત્રિના સમય સાથે જોડે છે. આચાર્ય જિનપ્રભસૂરિએ પોતાની તીર્થપરંપરામાં આ ઘટનાની સ્મૃતિને સ્થાન આપ્યું હતું. સદીઓ પછી પણ આ પંક્તિઓ વલભીના ઇતિહાસનું એક કરુણ પ્રકરણ આપણી સામે ખોલે છે.
શરદ પૂર્ણિમા આવે ત્યારે ચંદ્રપ્રકાશ, ભક્તિ અને ઉત્સવનું સ્મરણ થાય છે. પરંતુ વલભી સાથે જોડાયેલી આ ગાથા એ જ રાત્રિને ઇતિહાસના એક જુદા દૃશ્ય સાથે સાંકળે છે. એક તરફ ઉત્સવની પરંપરા અને બીજી તરફ ઇસ્લામી આક્રમણનો વિનાશક પ્રહાર. જે નગરની ઓળખ જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિ હતી, ત્યાં આરબ આક્રમણકારીઓના હુમલાની સ્મૃતિ માત્ર બચી રહી. વલભીની આ ગાથા માત્ર એક રાજધાનીના પતનની વાત નથી. તે ભારતના એવા યુગની યાદ અપાવે છે જ્યારે રાજકીય સત્તા સાથે જ્ઞાન અને સંસ્કૃતિનાં કેન્દ્રો પણ આક્રમણોની અડફેટે આવતાં હતાં.
વલભી: સૌરાષ્ટ્રની ધરતી પર પાંગરેલું જ્ઞાનનું સામ્રાજ્ય
વલભીનો ઉદય મૈત્રક વંશના ઇતિહાસ સાથે જોડાયેલો છે. પાંચમી સદીના અંતિમ ભાગમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તા નબળી પડતી હતી ત્યારે ભટાર્કે સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય શક્તિ સ્થાપિત કરી. શરૂઆતમાં મૈત્રકો ગુપ્તોના સામંત તરીકે રહ્યા, પરંતુ સમય જતાં તેમણે સ્વતંત્ર સત્તા સ્થાપી અને વલભીને પોતાની રાજધાની બનાવી. આગામી સદીઓમાં આ નગર પશ્ચિમ ભારતના રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. મૈત્રક શાસકોના તામ્રપત્રો, દાનલેખો અને અન્ય અભિલેખો તેમના શાસન, જમીનદાન અને વહીવટી વ્યવસ્થાની માહિતી આપે છે. આ દસ્તાવેજો કહે છે કે વલભી એક લાંબા સમય સુધી વિકસેલું રાજકીય કેન્દ્ર હતું, જ્યાં શાસનવ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત સ્વરૂપે ચાલતી હતી.
વલભીના વૈભવ પાછળ તેનું ભૌગોલિક સ્થાન પણ મહત્વપૂર્ણ હતું. હાલના ભાવનગરનો દરિયાકાંઠો અને ખંભાતના અખાત સાથે જોડાયેલા જળમાર્ગો પ્રાચીન વેપાર માટે મહત્વપૂર્ણ હતા. પશ્ચિમ ભારતના વેપારી માર્ગો દ્વારા વલભીનો સંપર્ક અન્ય પ્રદેશો સાથે થતો હતો. વેપારથી સંપત્તિ આવતી, સંપત્તિથી રાજાશ્રય મળતો અને રાજાશ્રયથી ધાર્મિક સંસ્થાઓ તથા વિદ્યાકેન્દ્રોને પોષણ મળતું. આર્થિક સમૃદ્ધિ અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ વચ્ચેનો આ સંબંધ વલભીના વિકાસને સમજવા માટે મહત્વપૂર્ણ છે. તે માત્ર રાજાઓના નિવાસનું સ્થળ નહોતું, પરંતુ વેપારીઓ, વિદ્વાનો, સાધુઓ અને સામાન્ય નાગરિકોથી ધબકતું નગર હતું.
વલભીની સૌથી વિશિષ્ટ ઓળખ તેની જ્ઞાનપરંપરા હતી. પ્રાચીન ભારતના ઇતિહાસમાં નાલંદા મહાવિહારનું નામ આવે ત્યારે હિંદુ-બૌદ્ધ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય વિદ્વત્તા અને વિશાળ અધ્યયનપરંપરાનું સ્મરણ થાય છે. પરંતુ ભારતના પશ્ચિમ ભાગમાં પણ વલભી એવું જ્ઞાનકેન્દ્ર હતું, જેની ખ્યાતિ દૂરના પ્રદેશો સુધી પહોંચેલી હતી. ચીની બૌદ્ધ યાત્રી ઇત્સિંગે સાતમી સદીના ઉત્તરાર્ધમાં ભારતની મુલાકાત દરમિયાન વલભી જેવા કેન્દ્રોની વિદ્વત્તાનો ઉલ્લેખ કર્યો હતો. અહીં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા, આચાર્યો અધ્યાપન કરતા અને ધાર્મિક તથા દાર્શનિક વિષયો પર ચર્ચા થતી હતી. વલભીનું નામ નાલંદાની સાથે લેવામાં આવવાનું કારણ તેની આ શૈક્ષણિક પ્રતિષ્ઠા હતી.
નાલંદા અને વલભી વચ્ચેની તુલના માત્ર બે પ્રાચીન સંસ્થાઓ વચ્ચેની સરખામણી નહોતી. તે ભારતની જ્ઞાનપરંપરાના ભૌગોલિક વિસ્તરણનું પ્રતિબિંબ હતું. એક તરફ મગધની ધરતી પર નાલંદા બૌદ્ધ અધ્યયનનું મહાન કેન્દ્ર બન્યું તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વલભીએ પશ્ચિમ ભારતના બૌદ્ધિક જીવનને દિશા આપી. બંને સ્થળોએ વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ધાર્મિક પરંપરાઓના સંવાદ દ્વારા જ્ઞાનનું સંવર્ધન થયું. વલભીનું મહત્વ એમાં હતું કે ભારતની પ્રાચીન શિક્ષણવ્યવસ્થા કોઈ એક જ પ્રદેશમાં કેન્દ્રિત નહોતી. વિવિધ રાજ્યો અને નગરોએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે જ્ઞાનનાં કેન્દ્રો વિકસાવ્યાં હતાં.
વલભીનું નામ જૈન જ્ઞાનપરંપરા સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. મૈત્રક શાસનકાળ દરમિયાન જૈન સાધુઓ, આચાર્યો અને વિદ્વાનોની હાજરીએ આ નગરને વિશેષ સ્થાન આપ્યું હતું. જૈન પરંપરામાં ગ્રંથોના સંકલન, અધ્યયન અને સંરક્ષણનું મહત્વ હતું. વલભી સાથે જોડાયેલા જૈન ઇતિહાસમાં આચાર્યોની વિદ્વત્તા અને ધાર્મિક પરંપરાઓની સતતતા વિશેના ઉલ્લેખો મળે છે. બૌદ્ધ અને જૈન પરંપરાઓનું આ સહઅસ્તિત્વ વલભીના બૌદ્ધિક વાતાવરણની વ્યાપકતા દર્શાવે છે. અહીં જ્ઞાન માત્ર રાજસત્તાની જરૂરિયાત પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ધર્મ, દર્શન અને જીવનના ગહન પ્રશ્નો સાથે જોડાયેલું હતું.
રાજાશ્રયથી પોષાયેલી વિદ્યાપરંપરા
કોઈ જ્ઞાનકેન્દ્રનું વૈભવ માત્ર તેની ઇમારતોમાં હોતું નથી. તેનું સાચું વૈભવ ત્યાંના આચાર્યો, શિષ્યો, ગ્રંથો અને જ્ઞાનના સંક્રમણમાં હોય છે. વલભીમાં પણ જ્ઞાનની પરંપરા રાજકીય અને સામાજિક વ્યવસ્થાની સાથે વિકસી હતી. મૈત્રક શાસકોના દાનપત્રોમાં જમીનદાન અને ધાર્મિક સંસ્થાઓને મળતા આશ્રયના ઉલ્લેખો જોવા મળે છે. આવી વ્યવસ્થાઓથી ધાર્મિક કેન્દ્રો પોતાનું દૈનિક કાર્ય ચલાવી શકતાં, વિદ્વાનોને અધ્યયન માટે અનુકૂળ પરિસ્થિતિ મળતી અને ગ્રંથોની પરંપરા આગળ વધતી. પ્રાચીન ભારતમાં ગ્રંથોનું સંરક્ષણ આજના સમયની જેમ છાપખાનાં કે ડિજિટલ નકલોથી થતું નહોતું. પાંદડાં, ભોજપત્ર અથવા અન્ય લેખનસામગ્રી પર તૈયાર થતી હસ્તપ્રતોને સાચવવી, તેમની નકલો તૈયાર કરવી અને યોગ્ય શિષ્યો સુધી પહોંચાડવી એ લાંબી પ્રક્રિયા હતી. એક ગ્રંથને જીવંત રાખવા માટે માત્ર તેની એક નકલ હોવી પૂરતી નહોતી. તેના પાઠનું જ્ઞાન ધરાવતા આચાર્યો, તેને સમજાવનારા શિક્ષકો અને તેને આગળ લઈ જવા માટે શિષ્યો જરૂરી હતા. જ્ઞાનનું આ જીવંત માળખું જ વિદ્યાકેન્દ્રની સાચી શક્તિ હતું.
વલભી જેવી નગરીમાં આ પરંપરાને રાજકીય સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિનો ટેકો મળતો હતો. વેપાર અને શાસનથી વિકસેલી સંપત્તિ ધાર્મિક સંસ્થાઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને પણ પોષણ આપી શકતી હતી. આથી વલભીનું મહત્વ માત્ર તેની રાજધાની તરીકેની ઓળખમાં નહોતું. તે એક એવી નગરી હતી, જ્યાં રાજકીય સત્તા, આર્થિક પ્રવૃત્તિઓ અને બૌદ્ધિક જીવન પરસ્પર જોડાયેલા હતાં. આવો વારસો કોઈ એક પેઢીમાં ઊભો થતો નથી. તેને વિકસાવવા માટે પેઢીઓનો સમય લાગે છે. અનેક આચાર્યો પોતાનું જ્ઞાન શિષ્યોને આપે, શિષ્યો આગળ જઈને નવા વિદ્યાર્થીઓ તૈયાર કરે, ગ્રંથોની નકલો બનતી રહે અને વિવિધ પ્રદેશોમાં જ્ઞાનનો સંવાદ ચાલતો રહે ત્યારે જઈને કોઈ નગરની ખ્યાતિ સદીઓ સુધી ટકી શકે છે. વલભીનું નામ પણ આવી જ એક દીર્ઘ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
શરદ પૂર્ણિમાની રાત્રિ અને ઇસ્લામી આક્રમણકારીઓ
આચાર્ય જિનપ્રભસૂરિના ‘વિવિધ તીર્થકલ્પ’માં વલભીના પતનને શરદ પૂર્ણિમાની રાત્રિ સાથે જોડવામાં આવ્યું છે. આ વર્ણનને આધારે વલભીના ઇતિહાસમાં એક પ્રબળ વિરોધાભાસ ઊભો થાય છે. જે રાત્રિ ઉત્સવ અને ચાંદની માટે જાણીતી હતી, તે જ રાત્રિ એક મહાન નગરના વિનાશની સ્મૃતિ સાથે જોડાયેલી છે. વલભી જેવા સમૃદ્ધ નગર પર રાત્રિના સમયે થયેલો હુમલો તેની પ્રજાના જીવનને હચમચાવી નાખનાર ઘટના હતી. નગરની સત્તા, તેની સુરક્ષા અને તેના દૈનિક જીવન પર એકસાથે આઘાત પડ્યો હતો.
ગુજરાતના ઇતિહાસ પરના જૂના સંકલનોમાં અલ્બેરુનીના વર્ણનને ટાંકીને વલભી પર આરબ નૌકાદળ દ્વારા રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત નોંધાયેલી છે. અલ્બેરુની મુજબ, સિંધના માનસૂરા સ્થિત આરબ શાસકે વલભી સામે સૈન્ય મોકલ્યું હતું. હુમલામાં વલભીના રાજા માર્યા ગયા અને નગરનો વિનાશ થયો. આ ઘટનાને પશ્ચિમ ભારતમાં આરબ સત્તાના વિસ્તરણની વ્યાપક પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે છે. સિંધમાં આરબ શાસન સ્થાપિત થયા પછીના દાયકાઓમાં પશ્ચિમ ભારતના દરિયાકાંઠા તરફ થયેલા લશ્કરી અભિયાનો પ્રાદેશિક રાજ્યો માટે મોટો પડકાર બન્યા હતા.
વલભી પરનો હુમલો માત્ર રાજકીય સત્તા સામેનો પ્રહાર નહોતો. રાજધાની પર હુમલો થાય ત્યારે તેની અસર સમગ્ર રાજ્યવ્યવસ્થામાં ફેલાય છે. રાજસત્તાના કેન્દ્રમાં અસ્થિરતા સર્જાય, વહીવટી વ્યવસ્થા ખોરવાય, વેપાર અને નગરજીવન પર અસર પડે અને ધાર્મિક તથા શૈક્ષણિક સંસ્થાઓને પણ સંકટનો સામનો કરવો પડે. વલભી જેવા જ્ઞાનકેન્દ્ર માટે આ અસર વિશેષ ગંભીર બની, કારણ કે તેની પ્રતિષ્ઠા માત્ર રાજમહેલોમાં નહોતી, પરંતુ ત્યાં વિકસેલી સંસ્થાઓ અને વિદ્વાનોની પરંપરામાં પણ હતી.
રાત્રિના હુમલાની કલ્પના કરીએ ત્યારે એક સમૃદ્ધ નગરનું જીવન અચાનક અફરાતફરીમાં ફેરવાતું દેખાય છે. જ્યાં થોડા સમય પહેલાં ઉત્સવની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં હવે ભય અને અસુરક્ષાની સ્થિતિ સર્જાઈ. પરિવારો પોતાના સ્વજનોને શોધવા લાગ્યા, લોકો સુરક્ષિત આશ્રય મેળવવા દોડતા દેખાયા અને ધાર્મિક સંસ્થાઓમાં રહેલા લોકો પોતાના પ્રાણ તથા પવિત્ર વસ્તુઓને બચાવવાનો પ્રયત્ન કરતા દેખાયા. આરબ આક્રમણકારીઓના આ હુમલાની સ્મૃતિ વલભીના પતન સાથે જોડાઈ રહી છે, કારણ કે તેના પરિણામે આ નગરની રાજકીય સત્તા અને જૂની પ્રતિષ્ઠાને ગંભીર આઘાત પહોંચ્યો.
વલભીના વિનાશનો ઇતિહાસ આપણને એ પણ સમજાવે છે કે મજહબી યુદ્ધનો ભોગ માત્ર હિંદુ સૈનિકો બનતા નથી. તેની લાંબી અસર સામાન્ય હિંદુઓ અને જ્ઞાન પરંપરાના જીવન પર પડે છે. વેપારીઓ પોતાની સંપત્તિ ગુમાવે, પરિવારોને સ્થળાંતર કરવું પડે, ધાર્મિક સંસ્થાઓ પોતાના આશ્રયસ્થાન ગુમાવે અને વિદ્વાનોને અધ્યયન તથા અધ્યાપન માટે નવા કેન્દ્રો શોધવા પડે. નગરની ઇમારતો તૂટી જાય તે એક પ્રકારનો વિનાશ છે, પરંતુ તેની સાથે જોડાયેલું જીવન વિખેરાઈ જાય ત્યારે સાંસ્કૃતિક વારસાને પણ ઊંડો ઘા લાગે છે.
મૂર્તિઓનું સ્થળાંતર: પરંપરાને બચાવવાનો પ્રયાસ
વલભીના પતન સાથે જોડાયેલી જૈન પરંપરાઓમાં મૂર્તિઓને અન્ય સ્થળોએ લઈ જવાની વાત પણ મહત્વપૂર્ણ છે. વલભીના વિનાશના સમયે ત્યાંની જૈન મૂર્તિઓને શ્રીમાળ લઈ જવામાં આવી હોવાનો ઉલ્લેખ મળે છે. આ જ અભ્યાસમાં મેરુતુંગ સાથે જોડાયેલી વાતનો ઉલ્લેખ છે, જેમાં કેટલીક મૂર્તિઓ સોમનાથ અને શ્રીમાળપુરા પહોંચી હોવાની વાત આવે છે. આ વિગતો વલભીના પતનની એક એવી બાબત રજૂ કરે છે, જે રાજકીય ઇતિહાસની બહાર જઈને ધાર્મિક જીવન અને સાંસ્કૃતિક સ્મૃતિને સ્પર્શે છે.
ધાર્મિક મૂર્તિઓ કોઈ સમુદાય માટે માત્ર પથ્થર કે ધાતુની રચનાઓ નથી. તે ઉપાસનાની પરંપરા, પેઢીઓની ભક્તિ અને ધાર્મિક જીવનની સતતતાનું પ્રતીક હોય છે. જ્યારે કોઈ નગર પર આક્રમણ થાય અથવા ધાર્મિક સંસ્થાઓનું અસ્તિત્વ જોખમમાં આવે ત્યારે મૂર્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવી એ પરંપરાને બચાવવાનો પ્રયાસ હોય છે. વલભીમાંથી મૂર્તિઓના સ્થળાંતરની આ વાત એ દર્શાવે છે કે નગરની સત્તા ખંડિત થયા પછી પણ તેની ધાર્મિક સ્મૃતિઓ અન્ય સ્થળોએ જીવંત રહી હતી.
આવી ઘટનાઓમાં સ્થળાંતર કરનારાઓ માત્ર મૂર્તિઓ જ લઈ જતા નથી. તેઓ પોતાની સાથે પૂજાવિધિની પરંપરા, તીર્થની સ્મૃતિ, ધાર્મિક કથાઓ અને સમુદાયની ઓળખ પણ લઈ જાય છે. નવા સ્થળે પહોંચ્યા પછી આ પરંપરાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવે છે. કોઈ તીર્થનું મહત્વ ઘટે તો અન્ય સ્થળે તેની સ્મૃતિ જીવંત રહે છે. કોઈ નગર નષ્ટ થાય તો ત્યાંની ધાર્મિક પરંપરા અન્ય નગરમાં આશ્રય મેળવી લે છે. વલભીની ગાથામાં મૂર્તિઓના સ્થળાંતરનો ઉલ્લેખ આ સાંસ્કૃતિક સતતતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે.
આ સ્થળાંતર અંગેની પરંપરાઓ વલભીના વિનાશની અસરને વધુ સ્પષ્ટ અને વધુ દ્રઢ કરે છે. એક સમૃદ્ધ નગરના પતન પછી તેની ધાર્મિક સંસ્થાઓએ પણ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે નવા આશ્રયસ્થાનો શોધ્યાં હતાં. વલભીનું વૈભવ ભલે ખંડિત થયું હોય, પરંતુ તેની સાથે જોડાયેલી ધાર્મિક સ્મૃતિઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ નહોતી. અન્ય સ્થળોએ પહોંચેલી મૂર્તિઓ અને પરંપરાઓએ આ ઇતિહાસને આગળ લઈ જવામાં ભાગ ભજવ્યો.
તક્ષશિલા, નાલંદા અને વલભી: જ્ઞાનપરંપરાના ત્રણ મહાન કેન્દ્રો
ભારતના પ્રાચીન જ્ઞાનકેન્દ્રોની ગાથા તક્ષશિલા, નાલંદા અને વલભી વિના અધૂરી રહે છે. તક્ષશિલા ઉત્તર-પશ્ચિમ ભારતનું પ્રાચીન શિક્ષણકેન્દ્ર હતું, જ્યાં વિવિધ વિષયોમાં અધ્યયનની પરંપરા વિકસી હતી. નાલંદા હિંદુ-બૌદ્ધ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય વિદ્વત્તા માટે પ્રસિદ્ધ બન્યું. વલભીએ પશ્ચિમ ભારતમાં હિંદુ, બૌદ્ધ તથા જૈન જ્ઞાનપરંપરાઓ અને રાજકીય-સાંસ્કૃતિક જીવનને જોડતું વિશિષ્ટ સ્થાન મેળવ્યું. ત્રણેય કેન્દ્રો અલગ સમયગાળા અને પરિસ્થિતિઓમાં વિકસ્યાં હતાં, પરંતુ તેઓ એક વિશાળ ભારતીય બૌદ્ધિક પરંપરાના મહત્વપૂર્ણ સ્તંભ હતા.
જ્ઞાનકેન્દ્રોની શક્તિ તેમના ગ્રંથાલયોમાં રહેલા ગ્રંથોની સંખ્યાથી નક્કી થતી નથી. ત્યાંના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રંથોની નકલ તૈયાર કરનારા લેખકો અને જ્ઞાનને આગળ લઈ જતી પરંપરાઓ પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. કોઈ ગ્રંથ નષ્ટ થાય તો તેની નકલ અન્યત્ર બચી શકે, પરંતુ જો તેની સાથે જોડાયેલી વિદ્વત્તા અને અધ્યયનની પરંપરા પણ વિખેરાઈ જાય તો નુકસાન અનેકગણું વધી જાય છે. આ જ કારણ છે કે જ્ઞાનકેન્દ્રો પર થતા ઇસ્લામી આક્રમણોનો પ્રભાવ માત્ર તત્કાલીન સમાજ પર જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ પર પણ પડતો રહ્યો છે.
મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં ઇસ્લામી આક્રમણકારીઓ દ્વારા અનેક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નાલંદાના વિનાશનો ઇતિહાસ તેમાં સૌથી જાણીતો છે. બખ્તિયાર ખિલજીના આક્રમણ સાથે નાલંદા અને અન્ય બૌદ્ધ સંસ્થાઓના પતનને જોડતો ઇતિહાસ આજે સૌ કોઈ જાણે છે. નાલંદાના ગ્રંથાલયોમાં આગ લાગી અને ગ્રંથો લાંબા સમય સુધી સળગતા રહ્યા હોવાની વાત પણ તથ્ય છે.
વલભીનો ઇતિહાસ આ વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવો જરૂરી છે. નાલંદા અને તક્ષશિલાની જેમ વલભી પણ જ્ઞાનના સંવર્ધન અને પ્રસારનું કેન્દ્ર હતું. જ્યારે કોઈ નગર પર ઇસ્લામી આક્રમણ થાય અને તેની રાજકીય સત્તા ખંડિત થાય ત્યારે તેની શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ જોખમમાં આવે છે. વિદ્વાનો સ્થળાંતર કરે, શિષ્યપરંપરા વિખેરાય અને ગ્રંથોના સંરક્ષણમાં વિક્ષેપ પડે તો જ્ઞાનના સંક્રમણને ગંભીર અસર થાય છે. વલભીના પતનનો ઇતિહાસ આપણને આ જ્ઞાનકેન્દ્રોની ઐતિહાસિક ભૂમિકા અને તેમના વિનાશની વ્યાપક અસર વિશે વિચારવા પ્રેરે છે.
જ્ઞાનની પરંપરાને નષ્ટ કરવાનો અર્થ માત્ર પુસ્તકોનો નાશ કરવો નથી. જ્ઞાનનું જીવંત માળખું તૂટી જાય ત્યારે સમાજ પોતાની ઐતિહાસિક સ્મૃતિ અને બૌદ્ધિક સ્વતંત્રતાનો પણ એક ભાગ ગુમાવે છે. ગ્રંથો વાંચનારા લોકો, તેમને સમજાવનારા આચાર્યો અને નવી પેઢીને જ્ઞાન આપનારા શિક્ષકો વિખેરાઈ જાય તો એક સમગ્ર પરંપરા નબળી પડી શકે છે. ભારતના પ્રાચીન જ્ઞાનકેન્દ્રો સાથે એ જ થયું છે. જે દિવ્ય જ્ઞાન સદીઓથી ભારતે સંરક્ષિત રાખ્યું હતું એ ઇસ્લામી આક્રાંતાઓના કારણે બળીને રાખ થઈ ગયું અને પરિણામે હિંદુ સમાજ નબળો પડતો ગયો.
વિનાશ પછી પણ જીવંત રહેલી વલભીની સ્મૃતિ
વલભીનું રાજકીય વૈભવ સમયની સાથે ખંડિત થયું, પરંતુ તેનું નામ ઇતિહાસમાંથી અદૃશ્ય થયું નહીં. મૈત્રક રાજાઓના તામ્રપત્રો, વિદેશી યાત્રીઓના વર્ણનો અને જૈન સાહિત્યમાં સચવાયેલી પરંપરાઓ દ્વારા વલભીનું મહત્વ આજે પણ જાણી શકાય છે. આચાર્ય જિનપ્રભસૂરિનો ‘વિવિધ તીર્થકલ્પ’ વલભીના પતનની સ્મૃતિને જાળવી રાખે છે. તેમની રચનામાં સચવાયેલો પ્રાકૃત શ્લોક એક એવી ગાથા તરફ દોરી જાય છે, જેમાં શરદ પૂર્ણિમાની રાત્રિ, આરબ આક્રમણકારીઓ અને એક મહાન નગરના વિનાશની યાદ એકસાથે આવે છે.
ઇતિહાસમાં દરેક ઘટનાની સંપૂર્ણ વિગતો સચવાતી નથી. ઘણીવાર રાજાઓનાં નામ અને યુદ્ધોની તારીખો મળે છે, પરંતુ સામાન્ય નાગરિકોના જીવનની વિગતો સમયના પ્રવાહમાં ખોવાઈ જાય છે. વલભી સાથે પણ આવું જ બન્યું. આપણે મૈત્રક રાજાઓના શાસન વિશે જાણીએ છીએ, વલભીની શૈક્ષણિક પ્રતિષ્ઠાના ઉલ્લેખો વાંચીએ છીએ અને તેના પતન અંગેની પરંપરાઓ સુધી પહોંચી શકીએ છીએ. પરંતુ તે રાત્રે નગરમાં વસતા દરેક પરિવારનું શું થયું, કેટલા વિદ્વાનો અન્યત્ર ગયા અને કેટલા ગ્રંથો બચાવી શકાયા, તેની સંપૂર્ણ માહિતી આપણી પાસે નથી. તેમ છતાં, ઉપલબ્ધ સ્મૃતિઓ એટલી સ્પષ્ટ છે કે વલભીનું સ્થાન પ્રાચીન ભારતના ઇતિહાસમાં વિશેષ રહ્યું હતું.
વલભીનો ઇતિહાસ આપણને એ યાદ અપાવે છે કે કોઈ સભ્યતાનું વૈભવ માત્ર તેના રાજમહેલો, વેપાર કે સૈન્યશક્તિમાં હોતું નથી. તેનું સાચું બળ તેની જ્ઞાનપરંપરા, ધાર્મિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સ્મૃતિ અને પેઢીઓ સુધી ચાલતા સંવાદમાં હોય છે. રાજકીય સત્તા બદલાઈ શકે છે, નગરો ખંડેર બની શકે છે અને વેપારના માર્ગો નવી દિશામાં વળી શકે છે, પરંતુ જ્ઞાન અને પરંપરાને બચાવવાના પ્રયાસો ઇતિહાસને જીવંત રાખે છે.
શરદ પૂર્ણિમાની ચાંદની દર વર્ષે ફરીથી ધરતી પર ઊતરે છે. ઉત્સવો ઉજવાય છે, મંદિરોમાં દીવા પ્રગટે છે અને નવી પેઢીઓ પોતાની પરંપરાઓ સાથે જોડાય છે. પરંતુ વલભી જેવી નગરીનો જે વૈભવ એક સમયે સૌરાષ્ટ્રની ધરતી પર પાંગર્યો હતો, તે જ સ્વરૂપે પાછો આવી શકતો નથી. તેના વિદ્વાનો, તેની સંસ્થાઓ અને તેની રાજકીય સત્તાની સંપૂર્ણ પુનઃસ્થાપના શક્ય નથી. બચી રહે છે તેના ઇતિહાસની સ્મૃતિ, ગ્રંથોમાં સચવાયેલી ગાથાઓ અને તેના અવશેષોમાંથી ભૂતકાળને ફરી ઓળખવાનો પ્રયાસ.
વલભીનો વિનાશ માત્ર એક પ્રાચીન નગરના પતનની ઘટના નથી. તે ભારતની જ્ઞાનપરંપરાના એક મહાન કેન્દ્રને પડેલા આઘાતની ગાથા છે. આ સ્મૃતિ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન, સંસ્કૃતિ અને ધાર્મિક વારસો પેઢીઓની મહેનતથી ઊભો થાય છે, પરંતુ આક્રમણ અને વિનાશની એક ઘટના તેને ઊંડો ઘા પહોંચાડી શકે છે. નાલંદા, તક્ષશિલા અને વલભી જેવાં કેન્દ્રોનો ઇતિહાસ એ જ મહાન પરંપરાના વૈભવ અને તેના પર આવેલા સંકટોની સાક્ષી આપે છે.
વલભીનો વિનાશ માત્ર એક નગરના પતનની ઘટના નહોતો. તેની સાથે ભારતના એક સમૃદ્ધ વિદ્યાધામ અને સાંસ્કૃતિક કેન્દ્રના વૈભવનો પણ અંત આવ્યો. કાળના પ્રવાહમાં નગરો ખંડેર બની જાય છે, સત્તાઓનું અસ્તિત્વ મટી જાય છે, પરંતુ ઇતિહાસમાં અંકિત થયેલી આવી ઘટનાઓ ક્યારેય ભૂંસાતી નથી. વલભીનો ઇતિહાસ આજે પણ યાદ અપાવે છે કે આ ધરતીએ જ્ઞાન, દર્શન અને વિદ્યાની કેવી ભવ્ય પરંપરાઓ વિકસાવી હતી અને આ વારસાને યાદ રાખવો એ માત્ર ભૂતકાળને જાણવો નહીં, પરંતુ આપણી સભ્યતાના ઇતિહાસને ઓળખવો પણ છે.


