ગુજરાત સરકારની માહિતી નિયામક કચેરી દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા ‘દીપોત્સવી’ અંકની એક કવિતા મુદ્દે વિવાદ સર્જાયો છે. અઝીઝ ટંકારવીની અમુક પંક્તિઓ સામે વિશ્વ હિંદુ પરિષદે વાંધો ઉઠાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર મોકલ્યો છે અને તાત્કાલિક પંક્તિઓ હટાવવાની માંગ કરવામાં આવી છે.
વિવાદ અઝીઝ ટંકારવીની કવિતા ‘પ્રેમમાં ના હોય કૈં એવી શરત’ને લઈને સર્જાયો છે. જેની પહેલી પંક્તિઓ છે–
‘રામ ના આવે હવે જલ્દી પરત
એટલે મૂકે છે પાદુકા ભરત.’
આ જ કવિતાની અંતિમ પંક્તિ છે,
‘શેખ, મીરાંના મદરસે લૈ દરસ,
થઈ શકે તો તારી અંદર તું થા રત.’

વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર મોકલીને કહ્યું છે કે, ‘સરકારી પ્રકાશનોમાં આવી ધાર્મિક આસ્થાની મજાક ઉડાવતી અને પક્ષપાતી રચનાઓ સ્થાન પામે એ અત્યંત આઘાતજનક છે. આ ઘટનાથી સરકારી પ્રકાશનોમાં રચનાને સ્થાન આપતાં પહેલાં લેખકોની માનસિકતા તથા તેમનાં ભૂતકાળનાં કાર્યોની સમીક્ષા કરવાની જરૂરિયાત પણ જણાઈ આવે છે.’
પરિષદે માંગણી કરી છે કે આપત્તિજનક રચના તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને રચનાને મેગેઝિનમાં સ્થાન આપનાર અધિકારીઓ સામે પગલાં લેવાય. ઉપરાંત ભવિષ્યમાં સરકારી પ્રકાશનોમાં રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતા હોય તેવા જ લેખકોને સ્થાન આપવામાં આવે અને આવી ગંભીર બેદરકારીનું પુનરાવર્તન ન થાય.
ઉલ્લેખનીય છે કે આ ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું. 21 ઑક્ટોબરના રોજ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં અધિકારીઓની હાજરીમાં અંકનું વિમોચન કર્યું હતું. દર વર્ષે ગુજરાત સરકાર દિવાળી સમયે આવો દળદાર અંક બહાર પાડે છે.
પછીથી આ મામલે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે કવિતા અગાઉની મેગેઝિનની ડ્રાફ્ટ ઈ-કૉપીમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ અંતિમ સંસ્કરણમાં તેને દૂર કરવામાં આવી છે. ત્યારબાદ જે 10,000 નકલો છાપવામાં આવી તેમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી.
અઝીઝ ટંકારવી જેના તંત્રી છે એ ‘ગુજરાત ટુડે’ ઇસ્લામિસ્ટ પ્રોપગેન્ડા ફેલાવવામાં આગળ પડતું
અઝીઝ ટંકારવી કવિ, લેખક અને પત્રકાર છે. અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાતી દૈનિકના તંત્રી તરીકે તેમનું નામ અખબારના પહેલા પાને લખવામાં આવે છે. અખબારના મુદ્રક અને પ્રકાશક પણ તેઓ જ છે.

‘ગુજરાત ટુડે’ પોતાની ઓળખ આપતાં કહે છે કે તેની શરૂઆત ગુજરાતના મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી. સાથે લખવામાં આવ્યું છે કે વર્તમાનપત્રની નીતિ ઇસ્લામના સિદ્ધાંતો પર આધારિત છે.

આ અખબાર હિંદુવાદીઓ વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવતું રહ્યું છે.
તાજેતરમાં અખબારે નવરાત્રિ પૂર્ણ થઈ ગયા પછી એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેનું શીર્ષક છે– ‘નવરાત્રિના તહેવારો દરમ્યાન એક પછી એક વિવિધ વિસ્તારોમાં પાંચ વ્યક્તિઓની કરાઈ હત્યા.’

અહેવાલમાં જે ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે તેને અને નવરાત્રિને કોઈ સંબંધ નથી. કોઈ ઘટના જૂની અદાવતના કારણે તો કોઈ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેવાના કારણે બની હતી. એક ઘટનામાં આરોપીઓ અને પીડિત બંને મુસ્લિમ સમુદાયના છે. બાકીની ઘટનાઓને પણ નવરાત્રિ સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં હેડલાઇનમાં નવરાત્રિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
‘ગુજરાત ટુડે’એ હમણાં એક સમાચાર પ્રકાશિત કરતાં દાવો કર્યો કે દિલ્હીમાં રેસકોર્સ વિસ્તારમાં તોડફોડની કાર્યવાહીથી 700થી વધુ મુસ્લિમ પરિવારો બેઘર થયા છે અને એક મસ્જિદને પણ નોટિસ પાઠવવામાં આવી છે, જેને ઐતિહાસિક ગણાવવામાં આવી.

અહીં હકીકત એ છે કે સાથે અમુક મંદિરોને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને માત્ર વક્ફ સંપત્તિ હોય એટલે તેને સંપૂર્ણ અધિકાર મળી જતો નથી. નિયમો અનુસાર હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે અને તે પહેલાં નોટિસ અપાય છે. બીજી એક હકીકત એ પણ છે કે કાર્યવાહી હિંદુ અને મુસ્લિમ બંને વિસ્તારોમાં થઈ છે અને પ્રભાવિત થનારાઓને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યાં છે.
અન્ય એક અહેવાલમાં યુનિફોર્મ સિવિલ કોડ, વક્ફ એક્ટ અને અશાંતધારો વગેરે જેવા કાયદાઓ મુસ્લિમો માટે મુશ્કેલી વધારનારા છે એવું ‘ગુજરાત મુસ્લિમ હિતતક્ષક સમિતિ’ના નામે ચલાવવમાં આવ્યું. આ ઉપરાંત પણ આ પ્રકારના અહેવાલો છપાતા રહે છે.

જેમકે, સપ્ટેમ્બર 2017માં પ્રકાશિત એક અહેવાલનું શીર્ષક હતું– ‘વ્હાલા મુસ્લિમો, શું તમે પક્ષપાત અને અપમાનજનક જીવન જીવવાનું શીખી લીધું છે.’

અખબારમાં સતત દેશમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે, તેમની સાથે અન્યાય થાય છે, મોદી સરકારમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો પર જોખમ છે– આ બધા દાવાઓને આગળ વધારતા અહેવાલો છપાતા રહ્યા છે. બીજી તરફ હિંદુવાદી સંગઠનો, ભાજપ સરકાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દેશનું કોમી વાતાવરણ ડહોળવા માટે જવાબદાર ઠેરવવામાં આવતાં રહે છે.
નવેમ્બર 2024માં એક લેખ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક છે– ‘નરેન્દ્ર મોદી શાસનમાં લઘુમતીઓનું એક વર્ષ કેવું રહ્યું?’ આ લેખમાં મોદી સરકારનું વધુ એક વર્ષ લઘુમતીઓ માટે જોખમભર્યું રહ્યું અને મુસ્લિમ, ખ્રિસ્તી સૌને આ સરકારમાં જોખમ છે અને વડા પ્રધાન મોદી, સંઘ, હિંદુવાદી નેતાઓ વગેરેને કાબૂમાં રાખી શકતા નથી વગેરે જેવી વાતો લખવામાં આવી હતી.
અન્ય એક અહેવાલની હેડલાઇન છે– ‘લઘુમતીઓ વિરુદ્ધ દુનિયાના 7 સૌથી ખરાબ શાસકોમાં મોદી અને યોગીનો સમાવેશ.’ અન્ય એક લીટીમાં લખવામાં આવ્યું– ‘RSSની સરખામણી તાલિબાન અને બોકોહરામ સાથે કરી.’

આ અખબાર લેખો અને એડિટોરિયલમાં પણ સતત સરકાર વિરુદ્ધ પ્રોપગેન્ડાને હવા આપતું રહે છે. તાજેતરના જ એક તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું– ‘જનઆક્રોશની આહટ: શું 2026 મોદી યુગના વળતાપણીની શરૂઆત છે?’ લેખમાં કોકરોચોના આંદોલનની સરખામણી 2011-12માં થયેલા અન્ના આંદોલન સાથે કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અત્યારે પણ એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉપરાંત આ આંદોલનો વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને લોકોની અપેક્ષાઓ વચ્ચે વધતી ખાઈનો સંકેત પણ હોય શકે છે એવું પણ ચલાવવામાં આવ્યું.
સાથે હળવા શબ્દોમાં મતદારયાદી અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. સાથે યુવાનોના અસંતોષ, આર્થિક મુશ્કેલીઓ અને લોકશાહી સંસ્થાઓ અંગેના સવાલોનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો અસર આગામી ચૂંટણીઓમાં જોવા મળી શકે છે જેવી વાતો સાથે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું.
આ જ તંત્રીલેખની નીચે બીજો એક લેખ છાપવામાં આવ્યો છે– ‘શું મોદી સરકારે આ દેશના નાગરિકો સામે યુદ્ધ જાહેર કર્યું છે?’ લેખમાં દિલ્હી પોલીસે 10 ઑક્ટોબરના કોકરોચોના ગેરકાયદેસર પ્રદર્શન વિરુદ્ધ લીધેલાં પગલાંનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું કે 10 ઑક્ટોબર, 2026ના રોજ દિલ્હીના શેરીઓમાં નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો સામે યુદ્ધ જાહેર કર્યું હોય તેવું લાગે છે. સાથે લખ્યું કે નાગરિકોની અવરજવર પર કડક પ્રતિબંધ અને અન્ય પગલાં સરકારને સતાવી રહેલા ભયનો સંકેત આપે છે.

હકીકત એ હતી કે કોકરોચ જનતા પાર્ટી અને અન્ય વામપંથી સંગઠનોને તેમણે જુલાઈમાં મચાવેલા ઉત્પાતના કારણે વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં ભેગા થઈને ઉત્પાત મચાવવાની કોકરોચો અને વામપંથીઓની ગણતરી છે તેવાં ઇનપુટ મળતાં એજન્સીઓએ આ વખતે થોડી વધુ કડકાઈ રાખી હતી અને અમુક સાવચેતીનાં પગલાં લીધાં હતાં. પછીથી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને પણ જણાવ્યું કે આ પગલાં લીધાં ન હોત તો દિલ્હીના રસ્તાઓ ઉપર અરાજકતા સર્જાઈ હોત અને અવ્યવસ્થા સર્જાઈ ગઈ હોત. છતાં લેખમાં પોલીસને પણ ટાર્ગેટ કરવામાં આવી.
આ લેખ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ ક્વિન્ટ’ પરથી લેવામાં આવ્યો હતો, જેને અંતે ક્રેડિટ પણ આપવામાં આવી છે.
વાસ્તવમાં ‘ગુજરાત ટુડે’ અવારનવાર ‘ધ વાયર’, ‘ધ ક્વિન્ટ’ અને ‘ન્યૂઝલોન્ડ્રી’ જેવાં લેફ્ટ અને ઇસ્લામિસ્ટ પ્રોપગેન્ડા આગળ વધારતાં પોર્ટલો પરથી અહેવાલો ઉઠાવતું રહે છે અને પ્રકાશિત કરતું રહે છે.
આવા જ એક ‘ધ વાયર’ પરથી ઉઠાવવામાં આવેલા લેખમાં ‘રિજિમ ચેન્જ’ની માંગણીઓને વાજબી ઠેરવવામાં આવી અને લખ્યું કે સત્તા પરિવર્તનની માંગણી કરવી એ લોકશાહીનો ભાગ છે. લેખમાં દલીલો કરવામાં આવી કે ભાજપ ‘રિજિમ ચેન્જ’નું અવળું અર્થઘટન કરી રહી છે અને વિપક્ષ મોદીને સત્તામાં રાખવા માટે બંધાયેલો નથી. તેમને સત્તા પરથી દૂર કરવા માટે દરેક ભારતીયને કાયદેસર માર્ગ પૂરો પાડવાની તેમની ફરજ છે. સાથે ભાજપ પર નાગરિકો અને સમાજમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો.

અખબાર તેના ‘એન્ટી ઇઝરાયેલ’ સ્ટેન્ડ માટે પણ જાણીતું છે. સતત તે ઇઝરાયેલવિરોધી હોય તેવા અને ગાઝા-પેલેસ્ટાઇનના સમર્થનમાં સમાચારો પ્રકાશિત કરતું રહે છે. જ્યારે હકીકત એ છે કે ગાઝાનું સંચાલન જે હમાસ નામના ઇસ્લામી આતંકવાદી સંગઠનના હાથમાં હતું તેણે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર હુમલો કરીને સેંકડો નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલે ગાઝામાં ઑપરેશન શરૂ કર્યું. પછીથી હમાસ ગાઝાની તસવીરો દેખાડીને દુનિયામાં પ્રોપગેન્ડા ફેલાવવા માંડ્યું અને ઇઝરાયેલને દોષી ચીતરવા માંડ્યું. ગુજરાતી ભાષામાં આ કામ ‘ગુજરાત ટુડે’એ ઉપાડી લીધું હતું.
આ સિવાય હિંદુવાદીઓ વિરુદ્ધ પણ કાયમ ‘હિંદુવાદી ગુંડાઓ’ જેવા શબ્દો સાથે અહેવાલો પ્રકાશિત કરવામાં આવતા રહે છે. મુસ્લિમ ટોળાં છાશવારે ઉત્પાત મચાવતાં રહે, હિંદુ શોભાયાત્રાઓ પર હુમલા થાય, હિંદુઓ પર મજહબી કારણોસર હુમલા થાય ત્યારે આટલી ઉગ્રતા જોવા મળતી નથી. વળી ઉપરથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશો યાદ કરાવવામાં આવે છે અને માનવાધિકારોની વાત થાય છે.


