‘સોમનાથનું ધાર્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક મહત્ત્વ, કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોતાં નિર્ણય યોગ્ય’: રાજ્ય સરકારે નોનવેજ બૅનના નિર્ણયનો હાઇકોર્ટમાં કર્યો બચાવ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 500 મીટર ત્રિજ્યામાં નોનવેજના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ છ રેસ્ટોરન્ટ માલિકોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની ઉપર તાજેતરમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે સોમનાથ એ પવિત્ર સ્થળ છે, જ્યાં દર વર્ષે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રેસ્ટોરન્ટ માલિકોને વ્યવસાય કરવાનો પૂરેપૂરો અધિકાર છે પરંતુ એ અધિકાર સાચવવા માટે એક ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળને અપવિત્ર ન કરી શકાય.

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે સોમનાથને માત્ર એક કમર્શિયલ સેન્ટર ન ગણી શકાય. સોમનાથની વાત કરીએ ત્યારે તેનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ પણ ધ્યાને લેવું પડે. અહીં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. દર વર્ષે કરોડો હિંદુ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.

સરકારે કોર્ટમાં આંકડાઓ રજૂ કરતાં કહ્યું કે જાન્યુઆરી 2026થી સપ્ટેમ્બર 2026 સુધીમાં જ સોમનાથમાં 1.16 કરોડ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી ચૂક્યા છે. તેની સાથે આસપાસ અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે જેની પણ શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે.

રાજ્ય સરકારે કહ્યું, “જ્યારે ભક્તો આ માર્ગે આવે છે, પદયાત્રા કરે છે કે તીર્થયાત્રા કરે છે ત્યારે મુખ્ય માર્ગો પર તેમને અડચણ ન આવે તે માટે નોનવેજ વેચવા પર રોક લગાવવી જરૂરી છે. અમે એમ નથી કહી રહ્યા કે રેસ્ટોરન્ટ માલિકો વેજ ફૂડ પણ ન વેચી શકે. તેમને નિયમોને આધીન રહીને શાકાહારી ભોજન વેચવાની પરવાનગી છે જ. જો નોનવેજ વેચવું હોય તો તેઓ નિયત 500 મીટર વિસ્તારમાંથી બહાર જઈને વેચી શકે છે.”

સરકારે આ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ લાગુ કરવામાં આવેલા સમાન નિયમોનો સંદર્ભ પણ આપ્યો અને કહ્યું કે ઋષિકેશ, અમૃતસર, મથુરા-વૃંદાવન, અયોધ્યા, તિરુપતિ-તિરુમાલા, વૈષ્ણોદેવી અને સમ્મેદ શિખરજી વગેરે ધાર્મિક સ્થળોએ પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં જ આવી છે.

કેસની પૃષ્ઠભૂમિ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં વેરાવળ-પાટણ પાલિકાએ અમુક વેજ ઝોન બનાવ્યા હતા. જે નિર્ણય કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે વચગાળાની કોઈ રાહત ન આપી અને હજુ પેન્ડિંગ છે. 2019માં એક અન્ય નોટિફિકેશન આવ્યું જેમાં પ્રતિબંધ વધુ કડક કરવામાં આવ્યો અને અમુક માર્ગો ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ જુલાઈ 2026માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું અને ઑગસ્ટમાં તેનું અમલીકરણ થયું. આ નોટિફિકેશનમાં ભાલકા મંદિર, શંખ સર્કલ, સફારી સર્કલ, ગીતા મંદિર, હમીરજી સર્કલ વગેરે વિસ્તાર અને મંદિરથી 500 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું.

6 રેસ્ટોરન્ટ માલિકોએ દલીલો કરી છે કે સોમનાથનું ધાર્મિક મહત્ત્વ ભલે હોય પરંતુ સરકાર આ રીતે નિર્ણય ન લઈ શકે અને કાયદાથી ઉપર કશું જ નથી. સાથે નવા અમુક વિસ્તારોને જોડવા પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એ દલીલો આપવામાં આવી કે તેઓ બે દાયકાથી નોન વેજ ફૂડ વેચી રહ્યા છે અને પ્રતિબંધોથી અનેક લોકોના રોજગારને અસર થશે.

હવે આ મામલે હાઇકોર્ટ આગળ નિર્ણય કરશે.