અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: સુપ્રીમ કોર્ટે વધુ એક આતંકીની ફાંસીની સજા પર રોક લગાવી, સરકાર પાસે માગ્યા રિપોર્ટ

2008ના ભયાનક અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુનેગારોને સજા યથાવત રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટે વધુ એકની ફાંસીની સજાના અમલીકરણ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આતંકી ષડયંત્રમાં સામેલ અને 56 નિર્દોષ નાગરિકોની હત્યાના દોષિત મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણની ફાંસીની સજાના અમલ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. તનવીરે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

9 ઑક્ટોબર 2026ના રોજ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ અપારેશ કુમાર સિંઘની તનવીરની અરજી પર સુનાવણી કરીને સજાના અમલીકરણ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આઠ અઠવાડિયાંમાં આતંકી તનવીરના પ્રોબેશન અધિકારીઓના રિપોર્ટ, જેલમાં તેના કામ અને આચરણ અંગેનો અહેવાલ તથા સરકારી હોસ્પિટલનો માનસિક સ્થિતિના મૂલ્યાંકનનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી 12 સપ્તાહ બાદ રાખવામાં આવી છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 1 ઑક્ટોબર 2026ના રોજ અન્ય એક આતંકી અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની ફાંસી પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. અહમદ બાવાના વકીલોએ દલીલ કરી હતી કે તેને માત્ર કાવતરાના આધારે સજા થઈ છે અને કાગળો ગુજરાતીમાં હોવાથી અંગ્રેજી ભાષાંતરની માંગ કરી હતી. કોર્ટે તેને લગતા દસ્તાવેજો અને રિપોર્ટ પણ રજૂ કરવા માટે ગુજરાત સરકાર અને જેલ પ્રશાસનને નિર્દેશો આપ્યા હતા.

2008નો બૉમ્બ બ્લાસ્ટ, ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી, હાઇકોર્ટે યથાવત રાખી

26 જુલાઈ 2008ના રોજ આતંકવાદીઓએ માત્ર 70 મિનિટમાં 21 ભીડભાડ વાળા વિસ્તારોમાં સાયકલો અને વાહનોમાં મુકેલા બૉમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલામાં 56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઘવાયા હતા. આ હુમલાની સૌથી ક્રૂર બાબત એ હતી કે ઘવાયેલા લોકો અને તેમના સ્વજનો જ્યારે સારવાર માટે પહોંચી રહ્યા હતા ત્યારે સિવિલ અને એલ.જી. હોસ્પિટલને પણ લક્ષ્ય બનાવીને ધડાકા કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ વધુને વધુ નિર્દોષોને નિશાન બનાવીને ભય ફેલાવવાનો હતો.

તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો હતો કે આ કાયરતાપૂર્ણ હુમલો પ્રતિબંધિત સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) અને સિમીના (SIMI) જેહાદી નેટવર્કનું પરિણામ હતું. વર્ષો ચાલેલી સુનાવણી બાદ ફેબ્રુઆરી 2022માં ગુજરાતની વિશેષ અદાલતે 49 આતંકીઓને દોષિત ઠેરવી દેશના ન્યાયિક ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની ઐતિહાસિક સજા સંભળાવી હતી.

જુલાઈ 2026માં ગુજરાત હાઇકોર્ટે વિશેષ અદાલતના ચુકાદા પર મહોર મારતાં તમામ 38 આતંકીઓની ફાંસી અને 11 આતંકીઓની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. હાઇકોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે નિર્દોષ લોકોની સામૂહિક હત્યા, સમાજમાં ભય ફેલાવવાનું જેહાદી કાવતરું અને ગુનાની અત્યંત ગંભીરતાને ધ્યાનમાં લેતા આ આતંકીઓ કોઈ પણ દયાને પાત્ર નથી. ઉપરાંત કોર્ટે અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે બ્લાસ્ટ હિંદુઓને ટાર્ગેટ કરવા માટે હિંદુ બહુમતી વિસ્તારમાં જ કરવામાં આવ્યા હતા. તમામ મૃતકોનું હિંદુ હોવું એ સંયોગમાત્ર ન હતો.