
કર્ણાટકના મૈસુરુ જિલ્લામાંથી સનાતન ધર્મના શ્રદ્ધા કેન્દ્ર સાથે ચેડાં કરવાની ઘટના સામે આવી છે. મૈસુરુના કે.આર. નગર તાલુકાના એક ગામમાં આવેલા ઐતિહાસિક શ્રી અરકેશ્વર સ્વામી મંદિરની પવિત્ર દીવાલ પર લાલ રંગથી ક્રોસ અને લીલા રંગથી મસ્જિદનાં ચિત્રો દોરવામાં આવતાં આવતાં સ્થાનિક હિંદુઓએ વિરોધ નોંધાવ્યો હતો. શ્રદ્ધાળુઓનું સ્પષ્ટ કહેવું છે કે સદીઓ જૂના આ મંદિરની પવિત્રતા, મર્યાદા અને સનાતની પરંપરાઓને ધ્વસ્ત કરવાનું આ એક સુનિયોજિત ષડયંત્ર છે. ધાર્મિક સૌહાર્દના નામે હિંદુ ધાર્મિક સ્થળો પર અન્ય પંથ-મજહબોનાં પ્રતીકો ચીતરવાની આ ઘટના વિરુદ્ધ સ્થાનિક હિંદુઓએ અવાજ ઉઠાવ્યા બાદ વિવાદિત ચિહ્નો હટાવવામાં આવ્યાં હતાં.
તીવ્ર વિરોધ અને આક્રોશને જોતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને તાલુકા મામલતદાર સુરેન્દ્ર મૂર્તિ તેમજ મૈસુરુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. વહીવટી તંત્રએ મંદિરનું નિરીક્ષણ કર્યા બાદ તુરંત જ દીવાલ પર દોરવામાં આવેલાં વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને સ્થાનિક અહેવાલો અનુસાર વહીવટી જવાબદારી સાંભળતી એક મહિલા આરતી અને અન્ય એક વિનય નામના શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ અનુસાર વિનયે આરતીના કહેવાથી મંદિરની દીવાલ પર આ ચિત્રો બનાવ્યાં હતાં. મૈસુરુ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.
ભાજપ નેતાઓના કોંગ્રેસ પર પ્રહાર
આ ઘટના બાદ કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કોંગ્રેસ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઐતિહાસિક અરકેશ્વર મંદિર પરિસરમાં અન્ય પંથ-મજહબોનાં પ્રતીકો દોરવાણ એ સનાતન ધર્મ અને હિંદુ પરંપરાઓ પર સીધો પ્રહાર છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
બીજી તરફ, કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે રાજ્યની કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે મુખ્યમંત્રી ડી. કે શિવકુમાર અને કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી સામે સવાલો ઉઠાવતાં પૂછ્યું કે, “શું કોંગ્રેસ સરકાર કોઈ મસ્જિદ કે ચર્ચની દીવાલ પર ત્રિશૂળ અથવા ‘ઓમ’નું (ૐ) પ્રતીક દોરવાની મંજૂરી આપશે?” તેમણે ઉમેર્યું કે ધાર્મિક સૌહાર્દના નામે માત્ર હિંદુ શ્રદ્ધાકેન્દ્રોને જ કેમ લક્ષ્ય બનાવવામાં આવે છે.
આ ઘટનાના વિરોધમાં મૈસુરુના વિવિધ હિંદુ સંગઠનો એકજૂટ થયાં છે. અહેવાલ મુજબ, વિવિધ હિંદુ સંગઠનોએ જિલ્લા ડેપ્યુટી કમિશનરની કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજીને કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. સંગઠનોની સ્પષ્ટ માગ છે કે આ ઘટના પાછળ રહેલા અસલી માસ્ટરમાઇન્ડ અને આદેશ આપનારા અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

