સુરતમાં બાળકોની દવાના નામે પશુઓનું ટોનિક વેચતો હતો ‘શ્રી શાંતિનાથ મેડિકલ’નો માલિક સાજિદ મુલ્લા, એક વર્ષમાં 1,000 બોટલ વેચ્યાનો ઘટસ્ફોટ

સુરતમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ચિંતાજનક ઘટના સામે આવી છે. અહેવાલ મુજબ આરોપી મોહમ્મદ સાજિદ ઇબ્રાહિમ મુલ્લાની શહેરના ગોપીપુરા વિસ્તારમાં ‘શ્રી શાંતિનાથ મેડિકલ સ્ટોર’ નામક દવાની દુકાન ચલાવતો હતો. અને દુકાનમાં પશુઓ માટે વપરાતા લિક્વિડ સપ્લિમેન્ટને બાળકોના ડ્રોપ્સ ગણાવીને વેચતો હતો.

સુરત પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળેલી ચોક્કસ બાતમીના આધારે 13 ઑક્ટોબર, 2026ના રોજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની (FDCA) સંયુક્ત ટીમે આ મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી પશુના સપ્લિમેન્ટનાં મોટાં કેન, ‘Liv.52’ લખેલી નાની બોટલો અને નકલી લેબલિંગનો સામાન મળી આવ્યો હતો.

પશુઓનું સપ્લિમેન્ટ ખરીદી નકલી દવાઓ બનાવતો

અહેવાલ મુજબ, આરોપી મોહમ્મદ સાજિદ બજારમાંથી પશુઓ માટે વપરાતું ‘હિમાલયા લિવ.52 પ્રોટેક લિક્વિડ વેટરનરી ફીડ સપ્લિમેન્ટ’ ખરીદતો હતો. પશુઓના લિવર અને ઉત્પાદકતા સુધારવા માટે વપરાતા પશુ-ટોનિકને તે 60 મિલી અને 100 મિલીની નાની કાચની બોટલોમાં રી-પેક કરતો હતો. આ બોટલ પર જાણીતી બ્રાન્ડ ‘હિમાલયા’ના નકલી લેબલ લગાવી દેતો હતો.

આ ઉપરાંત તેણે સ્થાનિક ઝેરોક્ષની દુકાનમાંથી બાળકોને દવા આપવાના ડોઝ લખવા માટેના  નકલી સ્ટિકર પણ છપાવ્યા હતા. બોટલ પર ચોંટાડેલા આ સ્ટિકર પર ‘ડૉક્ટરની સલાહ મુજબ દિવસમાં ત્રણ વખત 10થી 20 ટીપાં આપવા’ તેવી સૂચનાઓ પણ લખી હતી, જેથી લોકો તેને અસલી એલોપેથિક કે આયુર્વેદિક બાળ-દવા સમજી બેસે.

છેલ્લા એક વર્ષમાં 1,000 નકલી બોટલો વેચી હોવાનો ખુલાસો

આરોપી પાંચ લિટરનું પશુ સપ્લિમેન્ટનું કેન માત્ર ₹1,050માં ખરીદતો હતો. તેમાંથી 60 મિલીની આશરે 83 બોટલો તૈયાર થતી હતી, જેને તે બોટલ દીઠ ₹140ના ઊંચા ભાવે વેચતો હતો. એટલે કે માત્ર ₹1,050ના રોકાણ સામે તે ગ્રાહકો પાસેથી આશરે ₹11,620 લૂંટી લેતો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, છેલ્લા એક વર્ષમાં આવી 1,000 જેટલી નકલી બોટલો વેચી દેવામાં આવી છે.

તપાસ દરમિયાન આરોપીએ દલીલ કરી હતી કે પશુઓ અને માનવ શરીરના લિવર સપ્લિમેન્ટના ઘટકો સરખા હોય છે. પરંતુ પશુઓ માટે બનેલી સામગ્રી કોઈ પણ તબીબી મંજૂરી કે સલામતીના પરીક્ષણ વગર નાનાં બાળકોને આપવી એ ઘાતક અને જીવલેણ છે. આ નકલી દવાથી અત્યાર સુધી કેટલાં બાળકોના આરોગ્યને નુકસાન પહોંચ્યું છે તે અંગે પોલીસ અને આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યા છે.

₹31,000નો મુદ્દામાલ જપ્ત

સુરત પોલીસે આરોપી મોહમ્મદ સાજિદ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 123 (ઝેર કે નુકસાનકારક પદાર્થ વડે ઇજા પહોંચાડવી), કલમ 125 (માનવજીવન જોખમાવવું), કલમ 336 (બનાવટી દસ્તાવેજ કે લેબલ) અને કલમ 278 (એક દવાને બીજી દવા તરીકે ભેળસેળ કરીને વેચવી) હેઠળ FIR નોંધી છે. પોલીસે દરોડા દરમિયાન ₹31,195ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઘટના બાદ પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે જો કોઈએ આ મેડિકલ સ્ટોરમાંથી આવી બોટલ ખરીદી હોય અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર દેખાઈ હોય તો તુરંત જ તબીબી સારવાર લેવી અને પોલીસનો સંપર્ક કરવો.