હોમપેજદેશ'હિંદુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિ બેકવર્ડ ક્લાસ ક્વોટા હેઠળ અનામતનો લાભ ન મેળવી...

‘હિંદુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિ બેકવર્ડ ક્લાસ ક્વોટા હેઠળ અનામતનો લાભ ન મેળવી શકે’: સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું અને કેસ શું હતો– વાંચો

તમિલનાડુ સરકારે આદેશ બહાર પાડ્યો હતો, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો. હાઇકોર્ટે રદ કર્યા પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાંથી પણ હાઇકોર્ટનો આદેશ યથાવત રાખવામાં આવ્યો.

- Advertisement -

ધર્મ પરિવર્તન અને અનામતના અધિકારો પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટે અગત્યનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમિલનાડુ સરકારની એક અરજી ફગાવીને મદ્રાસ હાઇકોર્ટનો એક ચુકાદો યથાવત રાખતાં કહ્યું કે હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ કબૂલનાર વ્યક્તિને ‘બેકવર્ડ ક્લાસ’ હેઠળ અનામતનો લાભ ન મળી શકે. અગાઉ તમિલનાડુ સરકારે એક આદેશ બહાર પાડીને બેકવર્ડ ક્લાસ, મોસ્ટ બેકવર્ડ ક્લાસ, ડિનોટિફાઇડ કમ્યુનિટી અને શિડ્યુલ કાસ્ટના જે લોકો ઇસ્લામમાં કન્વર્ટ થઈ ગયા હોય તેમને પણ જે-તે ક્વોટા હેઠળ માન્યતા આપી હતી, જે આદેશ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો. હાઇકોર્ટે આદેશ યથાવત રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો, હવે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન પહેલાં પછાત વર્ગમાં આવતી જાતિમાં સામેલ હતી એના આધારે તેને ફરીથી મુસ્લિમ પછાત વર્ગમાં સામેલ કરી શકાય નહીં. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયનો ધર્મ પાળતી વ્યક્તિ અનુસૂચિત જાતિની ન કહી શકાય અને એટલે એ ધર્માંતરણ અગાઉની સ્થિતિના બહાને લાભ ન મેળવી શકે.

સમગ્ર વિવાદ શું હતો એ સમજીએ.

- Advertisement -

આ સમગ્ર મામલો સમીર અહમદ નામક વ્યક્તિની અનામત મેળવવાની અરજીથી શરૂ થયો હતો. તેનું ઇસ્લામ અંગીકાર કર્યા પહેલાંનું નામ પરમશિવમ હતું. વર્ષ 2015માં તેણે હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અંગીકાર કર્યો અને ત્યારબાદ મુસ્લિમ રીત-રિવાજ મુજબ નિકાહ કર્યા હતા.

ધર્મ પરિવર્તન કર્યા પછી સમીર અહમદે તમિલનાડુ સરકારની પછાત વર્ગની યાદીમાં આવતા ‘લેબ્બાઈ મુસ્લિમ’ સમુદાયનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી, જેથી અનામતનો લાભ મેળવી શકે. સ્થાનિક અધિકારીએ આ અરજી ફગાવી દેતાં અહમદે અનામતનું પ્રમાણપત્ર મેળવવાની માગ સાથે મદ્રાસ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

તમિલનાડુ સરકારનો વિવાદિત આદેશ

આ જ દરમિયાન તમિલનાડુ સરકારે 9 માર્ચ, 2024ના રોજ એક સરકારી આદેશ બહાર પાડ્યો હતો, જેનો હેતુ પછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ, વિચરતી જાતિ અને અનુસૂચિત જાતિમાંથી ઇસ્લામ અપનાવનાર લોકોને પછાત મુસ્લિમ વર્ગનું પ્રમાણપત્ર આપવાનો હતો.

આ આદેશ પાછળ સરકારે એવો તર્ક આપ્યો હતો કે આશય એ છે કે લોકો ધર્મ પરિવર્તન કરે છે તેઓ અગાઉ મળતા અનામતના લાભોથી વંચિત ન રહી જાય. આ આદેશ બહાર પડ્યો તેની સાથે તેની બંધારણીય કાયદેસરતા અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. તેથી સરકારના આદેશને મદ્રાસ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રશ્ન એ હતો કે શું સરકાર અગાઉની જાતિના આધારે કોઈ વ્યક્તિને ધર્મ બદલ્યા પછી પણ પછાત મુસ્લિમ સમુદાય તરીકે અનામતનો લાભ આપી શકે ખરી? તમિલનાડુમાં પછાત મુસ્લિમ સમુદાયોના ચોક્કસ માપદંડો છે અને માત્ર ઇસ્લામ અપનાવી લેવાથી કોઈ વ્યક્તિ લેબ્બાઈ કે શેખ જેવા સૂચિબદ્ધ સમુદાયનો ભાગ બની જતી નથી. આથી ધર્મ પરિવર્તન કરનારાઓને અનામતના નામે તુષ્ટિકરણ આપતો સરકારનો આ નવો આદેશ જૂના ન્યાયિક ચુકાદાઓ અને બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે કે નહીં, તે મુદ્દો કોર્ટ સમક્ષ તપાસવામાં આવ્યો હતો.

મદ્રાસ હાઇકોર્ટે રદ કર્યો તમિલનાડુ હાઇકોર્ટનો આદેશ

સમીર અહમદની અરજી પર સુનાવણી કરતાં મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારના આ આદેશને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને 25 જૂન, 2026ના રોજ રદ કરી દીધો હતો. અદાલતે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ઇસ્લામ કબૂલ કરી લેવાથી કોઈ પણ વ્યક્તિને પછાત મુસ્લિમ વર્ગમાં સ્થાન નથી મળી જતું.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે વર્ષોથી ચાલતા ન્યાયિક સિદ્ધાંતો અને અગાઉના ચુકાદાઓને નેવે મૂકીને આવી કોઈ મનસ્વી વ્યવસ્થા માત્ર એક સામાન્ય સરકારી આદેશ જારી કરીને ઊભી કરી શકાય નહીં. અદાલતના આ સ્પષ્ટ અને કડક નિર્ણયના કારણે સમીર અહમદ માટે પછાત મુસ્લિમ સમુદાયનું અનામત પ્રમાણપત્ર મેળવવાનો કાયદાકીય માર્ગ બંધ થઈ ગયો હતો.

તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટના નિર્ણય બાદ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટમાં સરકારે દલીલ કરી કે ધર્મ પરિવર્તન કરનાર નાગરિકો જો અગાઉથી જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો માત્ર ધર્મ બદલવાના કારણે તેમને અનામતના અધિકારથી વંચિત ન રાખવા જોઈએ. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, તમિલનાડુ પછાત વર્ગ આયોગની ભલામણના આધારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી પછાત વર્ગમાંથી ઇસ્લામ સ્વીકારનારા લોકોના હિતોનું રક્ષણ થઈ શકે.

આયોગે 6 ફેબ્રુઆરી, 2024ના રોજ ભલામણ કરી હતી કે નિર્ધારિત વર્ગોમાંથી ઇસ્લામ અપનાવનાર વ્યક્તિઓને પણ માન્ય સાત મુસ્લિમ સમુદાયો પૈકીના એકના સભ્ય તરીકે પ્રમાણપત્ર આપી શકાય. રાજ્ય સરકારના મતે આ વ્યવસ્થાથી અગાઉથી અનામતનો લાભ લઈ રહેલ લોકોને કોઈ નુકસાન થતું નથી અને તેમના હિતો પણ સુરક્ષિત છે.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની આ દલીલો ફગાવી

જોકે સુપ્રીમ કોર્ટે સરકારની આવી કોઈ દલીલો સ્વીકારી નહોતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિ પછાત જાતિમાં જન્મી છે એટલા માટે થઈને ધર્મ પરિવર્તન કર્યા બાદ તે ધર્મની પછાત જાતિઓમાં સામેલ થઈ જતી નથી, એટલે તે અનામતનો દાવો કરી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય રીતે અનામતનો લાભ લેવા માટે જે-તે વર્ગમાં કાયદાકીય રીતે સામેલ થવું જરૂરી છે, અને આ બાબતો માત્ર જૂની જાતિના આધારે નક્કી થઈ શકે નહીં.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ ખાનગી ધાર્મિક સંસ્થા કે સંગઠને આપેલ પ્રમાણપત્રના આધારે કાયદાકીય રીતે અનામત મળી જતી નથી. આવા કિસ્સાઓમાં માત્ર સરકારી નિયમો અને બંધારણીય જોગવાઈઓનું જ પાલન થવું જોઈએ, અને આ જ સ્પષ્ટતાના આધારે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજીને ફગાવી દીધી હતી.

આ ચુકાદામાં અનુસૂચિત જાતિની (SC) માન્યતા અંગેના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ– 1950 મુજબ હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય ધર્મની વ્યક્તિને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે માન્યતા મળી શકે નહીં. એટલે કે જો કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિમાં જન્મી હોય અને પછી મુસ્લિમ કે ખ્રિસ્તી બની જાય, તો તે માત્ર જન્મના આધારે SCનો દરજ્જો માંગી શકે નહીં.

તામિલનાડુમાં કયા મુસ્લિમ સમુદાયોને છે પછાત વર્ગનો દરજ્જો?

તમિલનાડુ સરકારના આદેશ મુજબ રાજ્યમાં કુલ સાત મુસ્લિમ સમુદાયોને પછાત વર્ગ (BC) તરીકે માન્યતા આપવામાં આવી છે. આ યાદીમાં અંસાર, ડેક્કાની મુસ્લિમ, દુબેકુલા, લબ્બાઈ (જેમાં રાઉથર અને મરક્કાયરનો પણ સમાવેશ થાય છે), મપ્પિલા, શેખ અને સૈયદનો સમાવેશ થાય છે. આ સમુદાયો રાજ્યની અધિકૃત યાદીમાં સામેલ હોવાથી જે લોકો આ સમુદાયો સાથે વાસ્તવમાં સંબંધ ધરાવતા હોય તેમને જ અનામતનો લાભ મળી શકે છે.

પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે શું માત્ર ધર્મ પરિવર્તન કરી લેવાથી કોઈ વ્યક્તિ આ સાતમાંથી કોઈ એક પછાત મુસ્લિમ સમુદાયની સભ્ય બની જાય છે કે નહીં? આ કેસનો મુખ્ય મુદ્દો પણ આ જ છે. કાયદાકીય રીતે ધર્મ બદલવાથી વ્યક્તિની ધાર્મિક ઓળખ જરૂર બદલાય છે, પરંતુ તેનાથી તે નવા પંથ-સંપ્રદાયના કોઈ ચોક્કસ પછાત સમુદાયમાં આપમેળે સામેલ થઈ જતી નથી.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ હિંદુ ધર્મની કોઈ પછાત જાતિમાં જન્મી હોય અને પછી ઇસ્લામ અપનાવે તો તે માત્ર આ એક જ કારણથી તમિલનાડુના માન્ય પછાત મુસ્લિમ સમુદાયોમાં સામેલ થઈ શકતી નથી. આ માટે સંબંધિત સમુદાયની સભ્યતા મેળવવા માટેના કાયદાકીય અને સામાજિક માપદંડો પૂરાં કરવાં અનિવાર્ય છે.

અહીં એ સમજવું પણ જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો એવો અર્થ નથી કે કોઈ વ્યક્તિની સામાજિક કે આર્થિક મુશ્કેલીઓ ધર્મપરિવર્તન સાથે તરત જ દૂર થઈ જાય છે. પરંતુ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો કાયદાકીય અધિકાર મેળવવા માટે કઈ ચોક્કસ શ્રેણી અને નિયમો લાગુ પડે છે, તેનો નિર્ણય માત્ર બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયાના આધારે જ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી તમિલનાડુ સરકારના તુષ્ટિકરણથી પ્રેરિત આદેશને મોટો ફટકો પડ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ધર્મ પરિવર્તન કરનારાઓને પછાત મુસ્લિમ વર્ગનું અનામત પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા ગેરબંધારણીય છે. આ નિર્ણયના પરિણામે હવે રાજ્યમાં માત્ર અગાઉની જાતિ કે ધર્મ બદલવાના આધારે પછાત મુસ્લિમ વર્ગના પ્રમાણપત્રો આપવાનો માર્ગ કાયમ માટે બંધ થઈ ગયો છે.

અનામત જેવા સંવેદનશીલ મુદ્દે કાયદાકીય મર્યાદાઓ ઓળંગીને લેવાયેલા સરકારી નિર્ણયો સામે ન્યાયતંત્રે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દર્શાવે છે કે સરકાર ગમે તેવા નિર્ણયો લે, પરંતુ સરકારી નીતિઓ બનાવતી વખતે બંધારણીય જોગવાઈઓ અને અગાઉના ન્યાયિક ચુકાદાઓનું પાલન કરવું અનિવાર્ય છે. વોટબેન્કના રાજકારણ માટે બંધારણીય મર્યાદાઓને નેવે મૂકી શકાતી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં