સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ? જ્યારે ન આકાશ હતું, ન પૃથ્વી, ન સૂર્ય હતો કે ન તારાઓ, ત્યારે શું હતું? જે બ્રહ્માંડ આજે અબજો આકાશગંગાઓ, અસંખ્ય તારાઓ અને ગ્રહોથી વિસ્તરેલું છે, તેના પ્રાગટ્યનું મૂળ શું છે? શું આ વિશાળ સૃષ્ટિ પાછળ કોઈ એવી આદિશક્તિ છે, જેના સંકલ્પથી અસ્તિત્વનું પ્રાગટ્ય થયું? માનવજાતે આ પ્રશ્નો વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ તેના સૌથી મોટા બૌદ્ધિક અને આધ્યાત્મિક રહસ્યોમાંનું એક રહ્યું છે. આધુનિક વિજ્ઞાન આજે દૂરબીનો, અવકાશયાનો અને અતિસૂક્ષ્મ ગણતરીઓની મદદથી આ પ્રશ્નોના જવાબ શોધી રહ્યું છે. પરંતુ સનાતન પરંપરામાં સૃષ્ટિના આદિસ્વરૂપ, બ્રહ્મના અસ્તિત્વ અને સર્જનની પ્રક્રિયા વિશે હજારો વર્ષોથી ગહન ચિંતન થતું આવ્યું છે.
નવરાત્રિના ચોથા દિવસે જે આદ્યશક્તિની ઉપાસના થાય છે, તેમનું નામ જ આ સમગ્ર ચર્ચાને એક વિશિષ્ટ દિશા આપે છે. માતા કુષ્માંડા. નવદુર્ગાનું આ ચોથું સ્વરૂપ સૃષ્ટિના સર્જન સાથે જોડાયેલું છે. પ્રચલિત પૌરાણિક પરંપરા અનુસાર જ્યારે કઈ જ નહોતું, સમગ્ર બ્રહ્માંડ અંધકારમય હતું ત્યારે માતા કુષ્માંડાના મંદ સ્મિતથી સૃષ્ટિનું પ્રાગટ્ય થયું. ન કોઈ વિશાળ યજ્ઞની તૈયારી, ન કોઈ દૃશ્યમાન સાધન, ન કોઈ ભૌતિક રચના. આદ્યશક્તિના સ્મિતથી બ્રહ્માંડના સર્જનનું વર્ણન સનાતન પરંપરામાં સૃષ્ટિના પ્રાગટ્ય અને આદ્યશક્તિના મહિમાનું ગહન તત્વજ્ઞાન રજૂ કરે છે. અહીં દેવી માત્ર સર્જનના કોઈ એક તબક્કાનાં અધિષ્ઠાત્રી નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના પ્રાગટ્ય સાથે સંકળાયેલું આદ્યતત્વ છે.
માતા કુષ્માંડાની કથા નવરાત્રિની ઉપાસનાને બ્રહ્માંડના સૌથી મોટા પ્રશ્ન સાથે જોડી દે છે. તેમનું સ્વરૂપ આપણને સૃષ્ટિની ઉત્પત્તિ, બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જા, પ્રકાશના પ્રાગટ્ય અને અસ્તિત્વના મૂળ વિશે વિચારવા પ્રેરે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તથી લઈને તૈત્તિરીય ઉપનિષદના બ્રહ્મવિચાર સુધી અને પુરાણોમાં વર્ણવાયેલા આદ્યશક્તિના મહિમા સુધી, સનાતન ધર્મગ્રંથોમાં સૃષ્ટિના સર્જન અંગેનું ચિંતન એટલું વિશાળ છે કે તેને માત્ર એક કથા પૂરતું સીમિત કરી શકાય નહીં.
અંધકારમાં આદ્યશક્તિનું સ્મિત અને બ્રહ્માંડનું પ્રાગટ્ય
માતા કુષ્માંડાની કથા સમજવા માટે પહેલાં એ બ્રહ્માંડની કલ્પના કરવી પડે, જેમાં આજના અર્થમાં કોઈ દૃશ્યમાન સૃષ્ટિ અસ્તિત્વમાં ન હતી. સૂર્યનો પ્રકાશ નહોતો, તારાઓની ઝગમગાટ નહોતી, પૃથ્વી નહોતી અને આકાશગંગાઓથી ભરેલું વિશાળ આકાશ પણ નહોતું. સૃષ્ટિનું જે સ્વરૂપ આજે આપણી સામે છે, તેનું પ્રાગટ્ય થયું નહોતું. આવી સ્થિતિમાં આદ્યશક્તિએ પોતાના દિવ્ય સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હોવાની પરંપરા માતા કુષ્માંડાને સૃષ્ટિના સર્જન સાથે સીધી રીતે જોડે છે.
કુષ્માંડા નામનું નિર્વચન પણ આ સ્વરૂપને વિશિષ્ટ અર્થ આપે છે. પ્રચલિત ધાર્મિક વ્યાખ્યા પ્રમાણે ‘કુ’નો અર્થ અલ્પ, ‘ઉષ્મા’નો અર્થ ગરમી કે ઊર્જા અને ‘અંડ’નો અર્થ બ્રહ્માંડરૂપ અંડ સાથે જોડવામાં આવે છે. આ રીતે માતા કુષ્માંડાનું નામ જ સૃષ્ટિના પ્રાગટ્ય અને બ્રહ્માંડના આદિસ્વરૂપ સાથે ગહન રીતે જોડાયેલું છે. તેમને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના આઠ હાથોમાં વિવિધ આયુધો અને ઉપાસનાસામગ્રી શોભે છે, જ્યારે તેમનું વાહન સિંહ છે. આ સ્વરૂપમાં સર્જનશક્તિ, સામર્થ્ય અને સમગ્ર સૃષ્ટિ પર વ્યાપ્ત દિવ્ય શક્તિનો મહિમા એકસાથે પ્રગટ થાય છે.
માતા કુષ્માંડાને સૂર્યમંડળના મધ્યમાં નિવાસ કરનાર દેવી તરીકે પણ વર્ણવવામાં આવે છે. આ ધાર્મિક માન્યતા તેમના સ્વરૂપને પ્રકાશ અને ઊર્જા સાથે જોડે છે. સૂર્ય સમગ્ર સૌરમંડળના જીવન માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે તે આપણે જાણીએ છીએ. પૃથ્વી પરનું જીવન સૂર્યના પ્રકાશ અને ઉષ્મા વિના અશક્ય છે. વનસ્પતિના વિકાસથી લઈને જળચક્ર અને પૃથ્વીની આબોહવા સુધી સૂર્યની ઊર્જા અસંખ્ય પ્રક્રિયાઓને ગતિ આપે છે. માતા કુષ્માંડાના સ્વરૂપમાં સૂર્ય સાથેનું આ જોડાણ સૃષ્ટિના સર્જન અને તેના પાલન માટે શક્તિના મહત્વને ઉજાગર કરે છે.
પરંતુ અહીં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત માત્ર એટલી નથી કે માતા કુષ્માંડાને બ્રહ્માંડના સર્જન સાથે જોડવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે સનાતન પરંપરા સૃષ્ટિના પ્રાગટ્યને આદ્યશક્તિના દિવ્ય સ્વરૂપ સાથે જોડે છે. સર્જન પાછળનું મૂળ તત્વ શું છે, અસ્તિત્વની શરૂઆત ક્યાંથી થઈ અને સમગ્ર સૃષ્ટિનું કારણ શું છે? એવા પ્રશ્નો ભારતીય તત્વજ્ઞાનમાં અત્યંત પ્રાચીન સમયથી વિચારના કેન્દ્રમાં રહ્યા છે.
ઋગ્વેદનું નાસદીય સૂક્ત: જ્યારે સૃષ્ટિના મૂળ વિશે પ્રશ્નો પૂછાયા
સૃષ્ટિના સર્જન વિશે ભારતીય જ્ઞાનપરંપરાના સૌથી પ્રભાવશાળી મંત્રોમાંનો એક ઋગ્વેદના દસમા મંડળનું 129મું સૂક્ત છે, જેને નાસદીય સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે. આ સૂક્ત સૃષ્ટિના આદિસ્વરૂપ વિશે એવા પ્રશ્નો ઉઠાવે છે, જે આજે પણ માનવમનને વિચારવા પ્રેરે છે. આ સૂક્તની શરૂઆત જ અસ્તિત્વ અને અનસ્તિત્વના સ્વરૂપને સ્પર્શતા પ્રશ્નોથી થાય છે.
ઋગ્વેદનો મંત્ર છે-
‘નાસદાસીન્નો સદાસીત્તદાનીં નાસીદ્રજો નો વ્યોમા પરો યત્।’
અર્થાત્- તે સમયે ન અસત્ હતું, ન સત્ હતું. ન અંતરિક્ષ હતું કે ન તેની પેલે પારનું આકાશ હતું. પછી શું હતું? કયા આવરણમાં બધું હતું? કોના આશ્રયમાં હતું? એ સમયે અગાધ અને ગહન જળ હતું કે નહીં?
આ મંત્રમાં સૃષ્ટિના પ્રાગટ્ય પહેલાંની સ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીં વાત માત્ર પૃથ્વી પર જીવન કેવી રીતે આવ્યું તેની નથી. પ્રશ્ન તો એ છે કે અસ્તિત્વ પોતે કઈ સ્થિતિમાંથી પ્રગટ થયું. જે બ્રહ્માંડને આપણે જોઈ શકીએ છીએ, તેમાં રહેલા પદાર્થો અને ઊર્જા ક્યાંથી આવ્યાં? સર્જનના પ્રારંભ વિશે વિચારતા પહેલાં જ ઋગ્વેદ આપણને સત્ અને અસત્, અસ્તિત્વ અને તેના મૂળ વિશે વિચારવા પ્રેરે છે. નાસદીય સૂક્તનું મહત્ત્વ તેની પ્રશ્ન પૂછવાની પદ્ધતિમાં પણ છે. સૃષ્ટિની ઉત્પત્તિને કોઈ સામાન્ય ઘટનાની જેમ વર્ણવી દેવાને બદલે તે અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સૂક્તના અંતિમ મંત્રમાં તો સર્જનના પરમ અધ્યક્ષને પણ આ ઉત્પત્તિનું સંપૂર્ણ જ્ઞાન છે કે નહીં, એવો ગહન પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. આ ભારતીય ચિંતનની વિશાળતાનું દ્યોતક છે, જેમાં સૃષ્ટિના રહસ્ય વિશે વિચાર કરવા માટે બ્રહ્માંડના દેખાતા સ્વરૂપથી આગળ જવાની પ્રેરણા મળે છે.
માતા કુષ્માંડાની કથામાં પણ સૃષ્ટિના પ્રાગટ્ય પહેલાંની સ્થિતિ અને ત્યારબાદ બ્રહ્માંડના સર્જનનો વિચાર કેન્દ્રસ્થાને છે. એક તરફ પૌરાણિક પરંપરા આદ્યશક્તિના સ્મિતને સર્જન સાથે જોડે છે તો બીજી તરફ ઋગ્વેદનું નાસદીય સૂક્ત સૃષ્ટિના આદિસ્વરૂપ વિશે વિચારના અનેક દ્વાર ખોલે છે. બંને સંદર્ભોમાં સૃષ્ટિનો પ્રશ્ન માત્ર ભૌતિક પદાર્થોની રચના પૂરતો નથી રહેતો, પરંતુ અસ્તિત્વના મૂળ સુધી પહોંચે છે.
તૈત્તિરીય ઉપનિષદમાં બ્રહ્મમાંથી સૃષ્ટિના પ્રાગટ્યનું વર્ણન
વેદોમાં સૃષ્ટિ વિશેનું ચિંતન ઉપનિષદોમાં વધુ ઊંડા તત્વજ્ઞાનના સ્વરૂપે પ્રગટ થાય છે. તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદવલ્લીના પ્રથમ અનુકમાં બ્રહ્મના સ્વરૂપ અને સૃષ્ટિના પ્રાગટ્ય વચ્ચેનો સંબંધ સમજાવવામાં આવ્યો છે. અહીં બ્રહ્મને સત્ય, જ્ઞાન અને અનંત સ્વરૂપે ઓળખાવવામાં આવે છે. તેમાંનું જ એક સ્વરૂપ એટલે માતા આદ્યશક્તિ.
તૈત્તિરીય ઉપનિષદનો મંત્ર છે-
‘સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ।’
અર્થાત્- બ્રહ્મ સત્ય છે, જ્ઞાનસ્વરૂપ છે અને અનંત છે.
આ જ ઉપનિષદમાં આગળ સૃષ્ટિના પ્રાગટ્યનો ક્રમ વર્ણવવામાં આવે છે.
‘તસ્માદ્વા એતસ્માદાત્મન આકાશઃ સંભૂતઃ। આકાશાદ્વાયુઃ। વાયોરગ્નિઃ। અગ્નેરાપઃ। અદ્ભ્યઃ પૃથિવી।’
અર્થાત્- એ આત્મતત્વમાંથી આકાશ પ્રગટ થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી પ્રગટ થઈ. ત્યારબાદ પૃથ્વીમાંથી ઔષધિઓ, ઔષધિઓમાંથી અન્ન અને અન્નમાંથી જીવસૃષ્ટિના પ્રાગટ્યનું વર્ણન આવે છે.
આ વર્ણન સૃષ્ટિને એકબીજા સાથે સંબંધિત તત્વોની પ્રક્રિયા તરીકે રજૂ કરે છે. ઉપનિષદના આ વિચારમાં અસ્તિત્વના મૂળ તરીકે બ્રહ્મને સ્થાન આપવામાં આવ્યું છે અને સમગ્ર સૃષ્ટિનું પ્રાગટ્ય તેની સાથે જોડવામાં આવ્યું છે. આકાશથી લઈને પૃથ્વી અને જીવસૃષ્ટિ સુધીનો ક્રમ દર્શાવે છે કે ભારતીય ઋષિઓએ સૃષ્ટિના સ્વરૂપ વિશે માત્ર બહાર દેખાતા પદાર્થો સુધી મર્યાદિત રહીને વિચાર કર્યો નહોતો. તેમણે સમગ્ર અસ્તિત્વના મૂળ તત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
માતા કુષ્માંડાનું સ્વરૂપ આ જ વિશાળ સનાતન દૃષ્ટિમાં સમજવા જેવું છે. તેમના સ્મિતથી બ્રહ્માંડના પ્રાગટ્યની કથા સર્જનને આદ્યશક્તિ સાથે જોડે છે, જ્યારે ઉપનિષદ બ્રહ્મને સમગ્ર સૃષ્ટિના મૂળ તત્વ તરીકે ઓળખાવે છે. સનાતન પરંપરામાં શક્તિ અને બ્રહ્મના સ્વરૂપ અંગેના વિવિધ દર્શનો અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાની સમૃદ્ધ પરંપરા ધરાવે છે. અહીં માતા કુષ્માંડાની ઉપાસનાનું મહત્વ માત્ર નવરાત્રિના એક દિવસ પૂરતું રહેતું નથી. તેમની આરાધના સૃષ્ટિના સર્જન વિશેના સનાતન ચિંતનને સ્મરણ કરાવતી ઉપાસના બને છે.
છાંદોગ્ય ઉપનિષદનો એક વિચાર: એકમાંથી અનેકનું પ્રાગટ્ય
છાંદોગ્ય ઉપનિષદમાં પણ સૃષ્ટિના પ્રાગટ્ય વિશે મહત્વપૂર્ણ વિચાર મળે છે. છઠ્ઠા અધ્યાયમાં ઉદ્દાલક આરુણિ પોતાના પુત્ર શ્વેતકેતુને બ્રહ્મતત્વનું જ્ઞાન આપતા કહે છે-
‘સદેવ સોમ્યેદમગ્ર આસીત્, એકમેવાદ્વિતીયમ્।’
અર્થાત્- હે સૌમ્ય, આ સમગ્ર જગતના આરંભમાં સત્ (શિવ અથવા આદ્યશક્તિ) જ હતું, એકમાત્ર અને અદ્વિતીય.
આગળ આ સત્ વિશે કહેવામાં આવે છે કે તેણે સંકલ્પ કર્યો, ‘બહુ સ્યાં પ્રજાયેય’- હું અનેક થાઉં, હું પ્રગટ થાઉં. ત્યારબાદ તેજના સર્જનનું વર્ણન આવે છે.
આ ઉપનિષદીય વિચાર સૃષ્ટિના પ્રાગટ્યને એક મૂળભૂત તત્વમાંથી અનેક સ્વરૂપોના પ્રાગટ્ય તરીકે રજૂ કરે છે. જે એક હતું, તેમાંથી અનેકનું પ્રાગટ્ય થયું. જે અદ્વિતીય હતું, તેમાંથી વિવિધતા ધરાવતી સૃષ્ટિ પ્રગટ થઈ. આ વિચાર ભારતીય દર્શનની એક પૂર્ણ પરંપરા સાથે જોડાયેલો છે, જેમાં સમગ્ર અસ્તિત્વના મૂળમાં રહેલા એક તત્વને સમજવાનો પ્રયાસ થાય છે.
માતા કુષ્માંડાની કથામાં પણ આદ્યશક્તિના સ્મિતથી બ્રહ્માંડના પ્રાગટ્યની ઘટના આ જ વિશાળ પ્રશ્ન તરફ દોરી જાય છે. સૃષ્ટિની અસંખ્ય વિવિધતાઓનું મૂળ શું છે? એક મૂળભૂત તત્વમાંથી અનેક સ્વરૂપો કેવી રીતે પ્રગટ થાય છે? સનાતન ધર્મગ્રંથોમાં આ પ્રશ્નો માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ અનેક સ્તરે વિચારવામાં આવ્યા છે. આ જ કારણ છે કે માતા કુષ્માંડાનું સ્વરૂપ સૃષ્ટિના સર્જન વિશેના ભારતીય ચિંતન સાથે અત્યંત ગાઢ રીતે જોડાય છે. તેમની કથા આપણને બ્રહ્માંડના દૃશ્યમાન વૈવિધ્યની પાછળ રહેલા મૂળ તત્વ વિશે વિચારવાની દિશા આપે છે.
આધુનિક બ્રહ્માંડવિજ્ઞાન અને સૃષ્ટિની શરૂઆતની શોધ
આજે આધુનિક વિજ્ઞાન બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના વિકાસ વિશે સતત નવી શોધો કરી રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓ દૂર આવેલી આકાશગંગાઓનું અવલોકન કરે છે, બ્રહ્માંડમાંથી આવતા પ્રકાશનો અભ્યાસ કરે છે અને પ્રારંભિક બ્રહ્માંડના અવશેષો વિશે માહિતી એકત્રિત કરે છે. આ સંશોધનના કેન્દ્રમાં બિગ બેંગ સિદ્ધાંત છે, જે બ્રહ્માંડના પ્રારંભિક ગરમ અને ઘન અવસ્થામાંથી તેના વિસ્તરણ અને વિકાસને સમજાવે છે.
આધુનિક બ્રહ્માંડવિજ્ઞાન અનુસાર બ્રહ્માંડની ઉંમર આશરે 13.8 અબજ વર્ષ છે. પ્રારંભિક અવસ્થામાં બ્રહ્માંડ અત્યંત ગરમ હતું, ત્યાં માત્ર ઉષ્મા અને ઉર્જા હતી. તેના વિસ્તરણ સાથે તે ઠંડું પડતું ગયું, કણો અને પછી પરમાણુઓ રચાયા અને લાંબા સમયગાળામાં ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ પદાર્થના ઘન વિસ્તારોમાંથી પ્રથમ તારાઓ અને આકાશગંગાઓનો વિકાસ થયો.
અહીં એક બાબત વિશેષ ધ્યાન ખેંચે છે. સનાતન પરંપરામાં પણ બ્રહ્માંડને એક વિશાળ, જીવંત અને શક્તિથી વ્યાપ્ત અસ્તિત્વ તરીકે જોવામાં આવે છે. માતા કુષ્માંડાના સ્વરૂપમાં આદ્યશક્તિને બ્રહ્માંડના સર્જન સાથે જોડવામાં આવે છે. મહત્વની અને વિચારવા જેવી વાત એ છે કે ‘કુષ્માંડા’ શબ્દમાં જ ‘ઉષ્મા’ છે. ઉષ્મા એટલે ઉર્જા. ફરી આધુનિક વિજ્ઞાનની વાત યાદ કરીએ કે બ્રહ્માંડની પ્રારંભિક અવસ્થામાં માત્ર ઉષ્મા હતી, ઉર્જા હતી. આ જ ઉષ્મા અને ઉર્જા એટલે માતા કુષ્માંડા. જે તથ્ય સુધી પહોંચવા માટે આધુનિક વિજ્ઞાનને સદીઓ લાગી ગઈ, એ જ તથ્ય સનાતન ધર્મગ્રંથોમાં આદિકાળથી દર્શાવાયું હતું!

સૃષ્ટિના સર્જન વિશે માનવજાતની જિજ્ઞાસા આજે પણ એટલી જ જીવંત છે. આધુનિક અવકાશવિજ્ઞાન બ્રહ્માંડના ઇતિહાસને સમજવા માટે નવી પદ્ધતિઓ વિકસાવી રહ્યું છે જ્યારે સનાતન ધર્મગ્રંથોમાં સૃષ્ટિના મૂળ, બ્રહ્મતત્વ અને આદ્યશક્તિ વિશેનું ચિંતન હજારો વર્ષોથી સંરક્ષિત રહ્યું છે. આ વિશાળ જ્ઞાનપરંપરા જ ભારતીય સંસ્કૃતિની બૌદ્ધિક અને આધ્યાત્મિક સમૃદ્ધિનું મહત્વનું અંગ છે.
બ્રહ્માંડમાં પ્રકાશનું પ્રાગટ્ય અને માતા કુષ્માંડાનું સૂર્યસ્વરૂપ
માતા કુષ્માંડાને સૂર્યમંડળના મધ્યમાં નિવાસ કરનાર દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમના સ્વરૂપની આ વિશેષતા સૃષ્ટિમાં પ્રકાશ અને ઊર્જાના મહત્વ તરફ ધ્યાન દોરે છે. સૂર્ય માત્ર આકાશમાં દેખાતો તેજસ્વી ગોળો નથી. પૃથ્વી પર જીવનને શક્ય બનાવતી અસંખ્ય પ્રક્રિયાઓ તેની ઊર્જા પર આધારિત છે. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયા સમગ્ર ખાદ્યશૃંખલાના પાયામાં છે. પૃથ્વી પરનું જળચક્ર, વાતાવરણની ગતિશીલતા અને આબોહવાના અનેક પાસાં સૂર્યની ઊર્જાથી પ્રભાવિત થાય છે.
સૂર્યના કેન્દ્રમાં થતી ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયામાં હાઇડ્રોજનના ન્યુક્લિયસમાંથી હિલિયમ રચાય છે અને ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા પ્રકાશ અને ઉષ્માના સ્વરૂપે અવકાશમાં પ્રસરે છે. બ્રહ્માંડના ઇતિહાસમાં પ્રકાશનું પ્રાગટ્ય અને તારાઓની રચના મહત્વનો તબક્કાઓ છે. નાસા મુજબ, બિગ બેંગ પછીના પ્રારંભિક સમયગાળામાં બ્રહ્માંડમાં તારાઓ કે આકાશગંગાઓ નહોતાં. સમય જતાં પદાર્થના ઘન વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણના પ્રભાવથી તારાઓ રચાયા અને તેમની ઊર્જાએ બ્રહ્માંડના વિકાસમાં ભૂમિકા ભજવી.
માતા કુષ્માંડાનું સૂર્યસંબંધિત સ્વરૂપ આ સંદર્ભમાં વિશેષ અર્થ ધરાવે છે. આદ્યશક્તિને પ્રકાશ અને ઊર્જાના કેન્દ્ર સાથે જોડતી પરંપરા દેવીના સર્જનાત્મક સામર્થ્યને વિશાળ બ્રહ્માંડીય પરિમાણ આપે છે. તેમનું સ્વરૂપ સૃષ્ટિના પ્રાગટ્યથી લઈને જીવનને પોષણ આપતી ઊર્જા સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે વિચારવા પ્રેરે છે.
સર્જન, શક્તિ અને બ્રહ્મ: સનાતન દર્શનની વિશાળ દૃષ્ટિ
માતા કુષ્માંડાની કથાને માત્ર બ્રહ્માંડના પ્રારંભની એક ધાર્મિક ઘટના તરીકે જોવાથી તેના વિશાળ તત્વજ્ઞાનનો પૂરતો પરિચય મળતો નથી. તેમનું સ્વરૂપ સનાતન પરંપરામાં શક્તિના સ્થાનને સમજવાની તક આપે છે. શક્તિ વિના સર્જનનું પ્રાગટ્ય કેવી રીતે શક્ય બને? સમગ્ર સૃષ્ટિને અસ્તિત્વમાં લાવનાર મૂળ તત્વ શું છે? અને જે બ્રહ્માંડ સતત પરિવર્તનશીલ છે, તેની પાછળ રહેલું અવિનાશી તત્વ કયું છે?
આ પ્રશ્નો ભારતીય દર્શનની વિવિધ પરંપરાઓમાં જુદી-જુદી રીતે વિચારવામાં આવ્યા છે. ઉપનિષદો બ્રહ્મને સમગ્ર અસ્તિત્વના મૂળ તરીકે ઓળખાવે છે. શાક્ત પરંપરા આદ્યશક્તિને સર્જન, પાલન અને સંહાર સાથે જોડે છે. પુરાણોમાં દેવીનાં વિવિધ સ્વરૂપો દ્વારા આ શક્તિના મહિમાનું વર્ણન કરવામાં આવે છે. માતા કુષ્માંડા આ જ આદ્યશક્તિનું એવું સ્વરૂપ છે, જેની ઉપાસનામાં બ્રહ્માંડના સર્જનનું તત્વ કેન્દ્રસ્થાને આવે છે.
સનાતન પરંપરાની આ વિશાળતા એમાં છે કે તે માનવજીવનના પ્રશ્નોને સમગ્ર બ્રહ્માંડના પ્રશ્નોથી અલગ કરીને જોતી નથી. જીવન ક્યાંથી આવ્યું, સૃષ્ટિ કેવી રીતે પ્રગટ થઈ અને સમગ્ર અસ્તિત્વના મૂળમાં શું છે, એવા પ્રશ્નો આધ્યાત્મિક સાધના, તત્વજ્ઞાન અને ઉપાસનામાં વારંવાર પ્રગટ થાય છે. માતા કુષ્માંડાનું સ્વરૂપ આ તમામ પ્રશ્નોને નવરાત્રિની ઉપાસના સાથે જોડે છે.
તેમના મંદ સ્મિતથી બ્રહ્માંડના પ્રાગટ્યની કથા આપણને યાદ કરાવે છે કે સૃષ્ટિ વિશેનું ચિંતન સનાતન ધર્મની અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ પરંપરાનો ભાગ છે. ઋગ્વેદનું નાસદીય સૂક્ત સર્જનના આદિસ્વરૂપ વિશે પ્રશ્નો પૂછે છે. તૈત્તિરીય ઉપનિષદ બ્રહ્મમાંથી સૃષ્ટિના પ્રાગટ્યનો ક્રમ વર્ણવે છે. છાંદોગ્ય ઉપનિષદ એક અદ્વિતીય સત્માંથી અનેક સ્વરૂપોના પ્રાગટ્યનો વિચાર રજૂ કરે છે અને માતા કુષ્માંડાનું સ્વરૂપ આદ્યશક્તિને સમગ્ર બ્રહ્માંડના સર્જન સાથે જોડે છે. આ બધું મળીને સનાતન ધર્મની એવી જ્ઞાનપરંપરાનો પરિચય કરાવે છે, જેમાં બ્રહ્માંડ માત્ર અવલોકનનો વિષય નથી, પરંતુ અસ્તિત્વના મૂળને સમજવાની એક વિશાળ યાત્રા છે.
માતા કુષ્માંડાની ઉપાસનાનું મહત્વ
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાનાં સ્વરૂપોમાં તેમની વિશિષ્ટતા એ છે કે તેઓ સૃષ્ટિના સર્જન સાથે જોડાયેલ આદ્યશક્તિ તરીકે ઉપાસવામાં આવે છે. ભક્તિપરંપરામાં તેમની આરાધના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને તેજની પ્રાપ્તિ સાથે પણ જોડાયેલી છે. તેમનું અષ્ટભુજા સ્વરૂપ દેવીના સામર્થ્ય અને સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે.
પરંતુ માતા કુષ્માંડાની ઉપાસનાનું મહત્ત્વ માત્ર વ્યક્તિગત મનોકામનાઓની પૂર્તિ સુધી સીમિત નથી. તેમની કથા સમગ્ર સૃષ્ટિના પ્રાગટ્ય વિશે વિચારવાની તક આપે છે. જે બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ, તેના અસ્તિત્વનો પ્રશ્ન કેટલો વિશાળ છે અને સનાતન ધર્મગ્રંથોએ આ પ્રશ્નને કેટલા ઊંડાણથી વિચાર્યો છે, તે સમજવા માટે તેમનું સ્વરૂપ એક વિશિષ્ટ પ્રવેશદ્વાર બને છે. નવરાત્રિમાં ભક્ત માતા કુષ્માંડાની આરાધના કરે છે ત્યારે તે માત્ર નવદુર્ગાના ચોથા સ્વરૂપની પૂજા કરતો નથી. તે સનાતન પરંપરામાં સૃષ્ટિના સર્જન સાથે જોડાયેલ આદ્યશક્તિની મહિમાનું સ્મરણ પણ કરે છે. બ્રહ્માંડના પ્રાગટ્યથી લઈને પ્રકાશ અને જીવનના વિકાસ સુધી, સમગ્ર અસ્તિત્વ વિશેના પ્રશ્નો માનવમનને સતત વિચારવા પ્રેરે છે.
માતા કુષ્માંડાનું સ્મિત આ જ સર્જનાત્મક શક્તિનું સ્મરણ કરાવે છે. સનાતન ધર્મગ્રંથોમાં બ્રહ્માંડના મૂળ વિશે થયેલું ચિંતન ભારતીય જ્ઞાનપરંપરાની ઊંડાઈ અને વ્યાપકતાનો પરિચય આપે છે. ઋગ્વેદથી ઉપનિષદો અને પુરાણો સુધી ફેલાયેલી આ પરંપરામાં સૃષ્ટિનો પ્રશ્ન માત્ર ભૌતિક જગતની શરૂઆતનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર અસ્તિત્વના મૂળને સમજવાની શાશ્વત જિજ્ઞાસા છે. નવરાત્રિમાં માતા કુષ્માંડાની ઉપાસના આ જ વિશાળ ચિંતનને ભક્તિના માધ્યમથી જીવંત રાખે છે. જેમના દિવ્ય સ્મિતથી બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું છે, તે આદ્યશક્તિનું ચોથું સ્વરૂપ સનાતન પરંપરામાં સર્જન, શક્તિ અને સમગ્ર અસ્તિત્વના મૂળ વિશેના ગહન વિચારનું પ્રતીક બની રહે છે.


