મદ્રાસ હાઇકોર્ટના એક તાજેતરના ચુકાદાએ ભારતમાં ધર્મ, વિદેશી ફંડિંગ અને ધર્માંતરણને લઈને નવી વ્યાપક ચર્ચા જગાવી છે. તામિલનાડુના કોડાઈકેનાલમાં આવેલ ઝેન મેડિટેશન સેન્ટર ચલાવતા ‘કાન્ઝેઓન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ’ને (Kanzeon Public Charitable Trust) વિદેશી ફંડ મેળવવા માટે FCRA રજિસ્ટ્રેશન ન આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય મદ્રાસ હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રસ્ટે પોતાની અરજીમાં પોતાની સાંપ્રદાયિક પ્રકૃતિ યોગ્ય રીતે જાહેર કરી નહોતી.
આ કેસની વિગતવાર વાત કરીએ તો કાન્ઝેઓન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ નામના આ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2021માં થઈ હતી. આ ટ્રસ્ટ કોડાઈકેનાલમાં મોન્ટેસરી સ્કૂલ ઉપરાંત એક ઝેન મેડિટેશન સેન્ટર ચલાવે છે. વિદેશમાંથી મળતા નાણાં મેળવવા માટે ટ્રસ્ટે FCRA હેઠળ રજિસ્ટ્રેશન મેળવવા અરજી કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે અરજી ફગાવી દીધી હતી. જેના વિરુદ્ધ ટ્રસ્ટે મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
મદ્રાસ હાઇકોર્ટની સુનાવણી
મદ્રાસ હાઇકોર્ટના જજ જી.આર. સ્વામીનાથન અને એમ.ડી. સુમતિની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે ટ્રસ્ટને વિદેશથી પૈસા મેળવવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેની સામે ટ્રસ્ટે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેમના ‘ઝેન મેડિટેશન સેન્ટર’માં થતી પ્રવૃત્તિઓ કોઈ પંથ સાથે જોડાયેલી નથી, પરંતુ તે માત્ર મેડિટેશન કરાવવાનું કામ કરે છે.
ટ્રસ્ટનું કહેવું હતું કે ઝેન મેડિટેશન એ ભારતની જૂની ધ્યાન પરંપરાનો જ એક ભાગ છે. તેથી તેમની સંસ્થાને સાંપ્રદાયિક સંસ્થા ન ગણવી જોઈએ. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે વિદેશથી ફંડ મેળવવા માટેના સરકારી ફોર્મમાં તેમણે પોતાની જાતને સાંપ્રદાયિક સંસ્થા તરીકે દર્શાવવાની જરૂર ન હોવી જોઈએ.
બીજી તરફ કેન્દ્ર સરકારનો પક્ષ એવો હતો કે ટ્રસ્ટની વાસ્તવિક પ્રવૃત્તિઓ અને તેની સાથે જોડાયેલા લોકો દર્શાવે છે કે ત્યાં સાંપ્રદાયિક કામગીરી ચાલી રહી છે. સરકારનું માનવું હતું કે વિદેશથી આવતા પૈસાનો ઉપયોગ એવી રીતે ન થવો જોઈએ જેનાથી દેશની એકતા, શાંતિ અને ભાઈચારો જોખમાય.
સરકારે કોર્ટમાં સ્પષ્ટ દલીલ કરી હતી કે FCRA કાયદાનો મુખ્ય હેતુ જ વિદેશી ફંડિંગ પર નજર રાખવાનો છે. સરકાર ખાસ કરીને એ વાતને લઈને ચિંતિત હતી કે વિદેશથી આવતા આ નાણાંનો ઉપયોગ લોકોનું ધર્માંતરણ કરાવવા જેવી પ્રવૃત્તિઓ માટે ન થાય અને દેશનું સામાજિક સંતુલન જળવાઈ રહે.
સંસ્થાએ પોતાની વાસ્તવિક ઓળખ આપવી આવશ્યક
નોંધનીય છે કે FCRA એ વિદેશથી આવતા પૈસા પર નજર રાખતો કાયદો છે. જો ભારતમાં ચાલતી કોઈ NGO, ટ્રસ્ટ કે સંસ્થા વિદેશથી ફંડ મેળવવા માંગતી હોય તો તેણે આ કાયદા હેઠળ સરકાર પાસે નોંધણી કરાવવી પડે છે અને તેના તમામ નિયમોનું પાલન કરવું પડે છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અરજી કરતી વખતે સંસ્થાએ પોતાની સાચી ઓળખ જણાવવી પડે છે. સંસ્થા સામાજિક, શૈક્ષણિક કે સાંપ્રદાયિકમાંથી કયા પ્રકારનું કામ કરે છે તે સ્પષ્ટ લખવું પડે છે. જો સંસ્થા સાંપ્રદાયિક હોય તો તે હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે બૌદ્ધ કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે તેની પૂરી વિગતો પણ સરકારને આપવી અનિવાર્ય છે.
ટ્રસ્ટની દલીલ જ તેની વિરુદ્ધ ગઈ
અહીં ટ્રસ્ટની પોતાની જ દલીલ તેની વિરુદ્ધ ગઈ. ટ્રસ્ટે પોતે સ્વીકાર્યું હતું કે તેઓ ‘ઝેન બુદ્ધિસ્ટ ફિલોસોફી’ સાથે જોડાયેલા છે. કોર્ટે કહ્યું કે ઝેન બુદ્ધિઝમ એ મહાયાન બુદ્ધિસ્ટ સ્કૂલની એક શાખા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો સંસ્થા પોતાની પ્રવૃત્તિઓને બૌદ્ધ ધર્મના વિચારો સાથે જોડતી હોય તો FCRAની અરજી કરતી વખતે પોતે ધાર્મિક સંસ્થા છે તે જણાવવું કાયદાકીય રીતે જરૂરી હતું. બૌદ્ધ પંથની અંદર અલગ-અલગ ફાંટા કે શાખાઓ હોય શકે, પરંતુ તે બધું છેવટે તો બૌદ્ધ પંથ હેઠળ જ આવે છે.
કોર્ટે આ ચુકાદામાં એક મહત્વની વાત એ સ્પષ્ટ કરી કે કોઈ સંસ્થા સાંપ્રદાયિક હોય તો પણ તે વિદેશી ફંડિંગ (FCRA) મેળવવા માટે અરજી કરી જ શકે છે. એટલે કે માત્ર સાંપ્રદાયિક સંસ્થા હોવાના કારણે કોઈનું રજિસ્ટ્રેશન રદ થઈ જતું નથી કે તેના પર પ્રતિબંધ મુકાતો નથી.
પરંતુ કોર્ટે કડક શબ્દોમાં એ પણ કહ્યું કે અરજી કરતી વખતે સંસ્થાએ પોતાની સાચી ઓળખ અને પ્રવૃત્તિઓ છુપાવવી ન જોઈએ. કાયદા અને સરકાર સમક્ષ ‘સંતાકૂકડી’ રમીને પોતાની ઓળખ છુપાવવી અને બિન-ધાર્મિક સંસ્થા હોવાનો દાવો કરવો તે બિલકુલ યોગ્ય નથી, બધી માહિતી એકદમ સાચી અને પારદર્શક રીતે આપવી જરૂરી છે.
હિંદુ ધર્મ ‘સર્વસમાવેશી’
આ ચુકાદામાં મદ્રાસ હાઇકોર્ટે હિંદુ ધર્મની અને અન્ય સંપ્રદાયો સાથે મહત્વપૂર્ણ સરખામણી કરી હતી. કોર્ટે કહ્યું કે હિંદુ ધર્મ ‘સમાવેશી’ છે, એટલે કે તે બધા વિચારો અને પરંપરાઓને સ્વીકારે છે અને સાથે લઈને ચાલે છે. જ્યારે અબ્રાહમિક પંથો જેવા કે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ મૂળભૂત રીતે પોતાના સંપ્રદાયને એક વિશિષ્ટ ઓળખ આપે છે અથવા તો પોતાના પંથને જ સનાતન સત્ય માને છે. ટૂંકમાં તે પંથો અસમાવેશી છે.
કોર્ટના જણાવ્યા મુજબ, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામમાં માનતા લોકો પોતાના પવિત્ર ગ્રંથોના આધારે એવું માને છે કે તેમનો જ પંથ અંતિમ અને સંપૂર્ણ સત્ય છે. હાઇકોર્ટે આ ટિપ્પણી વિદેશી ફંડિંગ (FCRA) અને સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ દેશના સંતુલન પર કેવી અસર કરે છે તે સમજાવવા માટે કરી હતી.
કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિ ફાધર અમા સામી એક ખ્રિસ્તી પાદરી છે અને તેમના મેડિટેશન સેન્ટરમાં ખ્રિસ્તી પંથનું પ્રતીક ‘ક્રોસ’ તેમજ ‘બુદ્ધ પ્રતિમા’ બંને મુકેલા છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ટ્રસ્ટ પર કોઈનું ધર્માંતરણ કરાવવાનો કે એજન્ડા ચલાવવાનો આરોપ નથી લગાવી રહ્યા.
ધર્માંતરણ માટે ન કરી શકાય વિદેશી ફંડિંગનો ઉપયોગ
ધર્માંતરણના મુદ્દા પર કાયદાકીય સ્પષ્ટતા કરતા કોર્ટે FCRAની સેક્શન 12(4)(a)(ii)નો ઉલ્લેખ કર્યો હતો. આ જોગવાઈ અનુસાર કોઈપણ સંસ્થા વિદેશથી મળતા પૈસાનો ઉપયોગ લોકોના ધર્માંતરણ માટે કરી શકતી નથી અને તેના પર કાયદાકીય રોક છે.
કોર્ટે ખાસ ભાર મૂકીને કહ્યું કે આ નિયમ માત્ર કોઈ એક જ સંપ્રદાય માટે નથી, પરંતુ બધાને સરખી રીતે લાગુ પડે છે. જો કોઈ ખ્રિસ્તી સંસ્થા વિદેશી ફંડથી ધર્મ પરિવર્તન કરાવતી હોય તો પણ તેના પર કાર્યવાહી થશે અને જો કોઈ હિંદુ સંસ્થા ‘ઘરવાપસી’ના નામે ધર્માંતરણ કરાવતી હોય તો તેના પર પણ આ જ કાયદો લાગુ પડશે.
વિદેશી ફંડિંગ અને ધર્મ પરિવર્તન વચ્ચેના સંબંધ પર ચિંતા વ્યક્ત કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે જો વિદેશથી આવતા પૈસાનો મુક્તપણે ધર્માંતરણ માટે ઉપયોગ કરવા દેવામાં આવે તો તેનાથી દેશની શાંતિ અને રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચી શકે છે.
કોર્ટે ઉમેર્યું કે ભારત વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતો દેશ છે. તેથી જો કોઈ એક સાંપ્રદાયિક જૂથને વિદેશી નાણાંના જોરે અન્ય પંથ કે ધર્મ પર પોતાનો પ્રભાવ વધારવાની તક મળે તો દેશનું સામાજિક સંતુલન, એકતા અને ભાઈચારો જોખમાઈ શકે છે. આ સાથે જ કોર્ટે એક મહત્વપૂર્ણ આશ્વાસન અને સ્પષ્ટતા પણ કરી હતી. ચુકાદાથી એવો અર્થ ન નીકળવો જોઈએ કે દરેક સાંપ્રદાયિક સંસ્થાને FCRA રજિસ્ટ્રેશન નહીં મળે.
બેન્ચે સ્પષ્ટ કર્યું કે એવી તમામ સાંપ્રદાયિક સંસ્થાઓ જેની પ્રવૃત્તિઓ દેશના ધર્મનિરપેક્ષ માળખા અને સામાજિક સમરસતાને નથી નુકસાન પહોંચાડતી, તે FCRA રજિસ્ટ્રેશન મેળવવા માટે લાયક છે. સમસ્યા માત્ર ત્યારે જ ઊભી થાય છે જ્યારે કોઈ સંસ્થા પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવે છે અથવા કાયદાથી વિપરીત કે ગેરકાયદેસર કામગીરી કરે છે.
ચુકાદામાં મદ્રાસ હાઇકોર્ટે ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિ વિશે એક ખૂબ સરસ અને સ્પષ્ટ તફાવત દર્શાવ્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ સંસ્થા વેદાંત, ભગવદ ગીતા, ઉપનિષદ કે યોગ જેવા ભારતીય જ્ઞાનના વિષયો ભણાવતી હોય, તેના પર સંશોધન કરતી હોય કે પુસ્તકો છાપતી હોય તો તેને માત્ર આ વિષયોના કારણે ‘ધાર્મિક સંસ્થા’ ન ગણી શકાય.
આવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાને ‘શૈક્ષણિક’ કે ‘સાંસ્કૃતિક’ સંસ્થા ગણવી જોઈએ. પરંતુ, જો કોઈ સંસ્થાનું મુખ્ય કામ માત્ર પૂજા-પાઠ, કર્મકાંડ અને ધાર્મિક વિધિઓ કરાવવાનું જ હોય તો જ તેને ‘ધાર્મિક સંસ્થા’ની શ્રેણીમાં ગણવામાં આવશે.
વિદેશી ફન્ડિંગ એ ખાસ છૂટ, જન્મસિદ્ધ અધિકાર નહીં
વિદેશથી પૈસા કે ફંડ મેળવવા અંગે કોર્ટે ખૂબ જ મહત્વની વાત કરી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદેશથી ફંડ મેળવવું એ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો મૂળભૂત કે જન્મસિદ્ધ અધિકાર નથી. FCRA હેઠળ વિદેશથી નાણાં મેળવવાની મંજૂરી મળવી એ સરકાર દ્વારા આપવામાં આવતી એક ખાસ છૂટ કે સવલત છે. તેથી આ બાબતે નિર્ણય લેવાની મુખ્ય સત્તા સરકાર પાસે રહેલી છે.
કાયદા અનુસાર વિદેશી ફંડિંગની અરજી સ્વીકારવી કે ના મંજૂર કરવી તે નક્કી કરવાનો પૂર્ણ અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. સરકાર દેશના હિત અને કાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. જોકે, કોર્ટે એ પણ ઉમેર્યું કે જો સરકાર પોતાની આ સત્તાનો મનસ્વી રીતે, વગર કોઈ કારણે કે ગેરવાજબી ઉપયોગ કરીને અરજી ફગાવી દે તો જ હાઇકોર્ટ તેની સમીક્ષા કરીને તેમાં હસ્તક્ષેપ કરી શકે છે.
આ આખા કેસનું મૂલ્યાંકન કરીને મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટની બેન્ચે નોંધ્યું કે આ ટ્રસ્ટ પોતે જ સ્વીકારે છે કે તે ‘ઝેન બૌદ્ધ વિચારધારા’ સાથે જોડાયેલું છે. આમ છતાં તેમણે વિદેશી ફંડ મેળવવા માટેની અરજીમાં પોતાની સંપ્રદાયિક ઓળખ જાહેર કરી નહોતી. આથી, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તેમની અરજી રદ કરવાનો જે નિર્ણય લેવાયો હતો, તેને હાઇકોર્ટે યોગ્ય ગણાવ્યો અને ટ્રસ્ટની અપીલ ફગાવી દીધી.


