
તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં મુસ્લિમ કો-પાયલટે ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો હતો. હવે સામે આવ્યું છે કે વિમાનના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ કટ્ટરપંથી ઝેર અને યહૂદીઓ પ્રત્યેની નફરતમાં સમગ્ર વિમાનને ક્રેશ કરી હજારો લોકોના જીવ લેવાનો પ્લાન ઘડ્યો હતો. ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્મિત મચ્છર પરનો હુમલો કોકપિટમાં થયેલી કોઈ ક્ષણિક ઘટના નહોતી, પરંતુ ઇઝરાયેલ પર મોટો આત્મઘાતી આતંકી હુમલો કરવાનું ષડયંત્ર હતું.
નોંધનીય છે કે જ્યારે ફ્લાઇટ જોર્ડન પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ પ્રથમ નમાજ પઢી હતી અને ત્યારબાદ કોકપિટમાં રાખવામાં આવેલી ઇમરજન્સી એક્સ વડે ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર પાછળથી જીવલેણ હુમલો કરી દીધો. કેપ્ટન સ્મિતને પહેલાં એવું લાગ્યું કે વિમાનનો કોઈ ભાગ તૂટીને વાગ્યો છે, પરંતુ પછી તેમનું ધ્યાન ગયું કે કો-પાયલટ તેમને મારી નાખવાના ઇરાદાથી હુમલો કરી રહ્યો છે.
ઇઝરાયેલમાં 9/11 સ્ટાઈલમાં પ્લેન ક્રેશ કરવા માંગતો હતો
કો-પાયલટ અલ-હમ્મામીનો મુખ્ય હેતુ કેપ્ટન સ્મિત મચ્છરની હત્યા કરીને વિમાનનો પૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો હતો. તે ઇઝરાયેલના તેલ અવીવ સ્થિત બેન ગુરિયન એરપોર્ટ અને ત્યાંની ઇમારતો કે અન્ય વિમાનો સાથે આ પેસેન્જર જેટને અથડાવીને 9/11 સ્ટાઈલમાં મોટો આતંકી હુમલો કરવા માંગતો હતો. તે છેલ્લી ઘડી સુધી કોઈને શંકા ન જાય તે રીતે ફ્લાઇટને ઇઝરાયેલના એરસ્પેસમાં લઈ જઈને આ તબાહી મચાવવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
જોકે માથામાં ગંભીર ઇજાઓ, હાથમાં ઊંડા ઘા અને સતત વહી રહેલા લોહી વચ્ચે પણ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત સાહસ અને ધૈર્ય દર્શાવ્યું હતું. અત્યંત ખરાબ સ્થિતિમાં પણ તેમણે હિંમત ન હારી અને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા. કોકપિટનો દરવાજો ખુલતા જ વિમાનમાં સવાર મુસાફરો અને બે ઑફ-ડ્યુટી પાયલટોને ખબર પડી કે અંદર શું ચાલી રહ્યું છે અને તેઓ તુરંત જ કેપ્ટનની મદદે દોડી આવ્યા હતા.
વિમાનના એન્જિન બંધ કર્યા હોવાની પણ શંકા
કેપ્ટન દરવાજો ખોલવામાં સફળ જતાં જ કો-પાયલટે વિમાનનું ઓટો-પાયલટ મોડ બંધ કરી દીધું અને કંટ્રોલ સ્ટિકને નીચે તરફ ધકેલી દીધી. જેના કારણે વિમાન માત્ર 30 સેકન્ડમાં 16,000 ફૂટ નીચે જવા લાગ્યું હતું અને તેની સ્પીડ 970 કિમી/કલાકથી વધુ થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે વિમાનના એન્જિન પણ બંધ કરી દીધા હોવાની શંકા છે, જેના કારણે કેબિનની ઇમરજન્સી લાઇટ્સ ચાલુ થઈ ગઈ હતી. તે વિમાનને હવામાં જ નાશ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યો હતો.
જોકે વિમાનનો કંટ્રોલ લીધા બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જ્યાં આતંકી કો-પાયલટને સુરક્ષાદળોને સોંપી દેવાયો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ઓમાની કો-પાયલટ સોશિયલ મીડિયા પર યહૂદીઓની હત્યા કરવા જેવી કટ્ટરપંથી વાતો કરતો હતો.
ઇઝરાયેલે આ ઘટનાને સ્પષ્ટપણે ‘આતંકી હુમલો’ ગણાવી છે. એક ગુજરાતી મૂળના ભારતીય કેપ્ટનની અસાધારણ બહાદુરી અને પેસેન્જરોની સમયસૂચકતાના કારણે સેંકડો નિર્દોષ લોકોના જીવ બચી ગયા અને ઇસ્લામિક આતંકવાદનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે.

