હોમપેજરાજકારણજિજ્ઞેશ મેવાણીના વડગામમાં 'વોટચોરી'? વાયરલ વિડીયો પછી મૌન કેમ છે કોંગ્રેસ?

જિજ્ઞેશ મેવાણીના વડગામમાં ‘વોટચોરી’? વાયરલ વિડીયો પછી મૌન કેમ છે કોંગ્રેસ?

એક ગામમાં જો આ રીતે બોગસ વોટિંગ થયું હોય તો બીજે ન થયું હોવાની શું ખાતરી છે? અને જો એમ હોય તો તપાસ કરાવવા સૌથી પહેલું કોંગ્રેસે કહેવું જોઈએ કારણ કે વોટચોરી માટે સૌથી ચિંતિત તો પાર્ટી પોતે હોવાનો દાવો કરે છે.

- Advertisement -

છાશવારે જાહેર માધ્યમો પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ માટે બેફામ બોલનારા વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બોલતી બંધ થઈ ગઈ જ્યારે તેમના જ મતવિસ્તારના ટોકરિયા ગામમાં એક રાત્રિ સભા દરમ્યાન ગામલોકોએ (જેમાં બહુમતી મુસ્લિમ સમુદાયના હતા) સવાલો પૂછવાના ચાલુ કર્યા. વાતેવાતે ઉશ્કેરાઈ જતા મેવાણીના બોલ તદ્દન શાંત પડી ગયા. જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં આ સ્પષ્ટ દેખાશે.

વાયરલ થયેલા વિડીયોમાં એક મુસ્લિમ વ્યક્તિ જાહેરમાં દાવો કરે છે કે જિજ્ઞેશ મેવાણીએ તેમની પાસેથી સર્કિટ હાઉસમાં ₹4 લાખ લીધા હતા. સાથે તેઓ કહે છે કે પોતે કુરાનની સોગંદ ખાવા માટે પણ તૈયાર છે. કોઈક ટિકિટ માટે પૈસા લીધા હોવાનું કહ્યું હતું.

આ જ સભામાં, આ જ વ્યક્તિ આગળ કહે છે કે તેમણે ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણી માટે 250 જેટલા બોગસ વોટ પણ નખાવ્યા હતા.

- Advertisement -

તેઓ કહે છે, ‘આ જિજ્ઞેશભાઈએ છેલ્લા દિવસે (ચૂંટણીના આગલા દિવસે) મને કહ્યું કે કેટલા વોટ મળશે? મેં કહ્યું કે 400 વોટ થશે. તો તેમણે કહ્યું કે એ ન ચાલે. મેં કહ્યું કે અમે રસ્તો કાઢીશું. જિજ્ઞેશભાઈ માટે 250 વોટ ખોટા અમે કરાવ્યા હતા.’ ત્યારપછી કહે છે કે કોઈએ વિડીયો રેકોર્ડ કરવો હોય તો કરી લે તેમાં પણ તેમને કોઈ વાંધો નથી.

સભામાં બીજી ઘણી વાતો થઈ હતી. મેવાણીને ગામના રોડ-રસ્તા અને બીજાં કામો વિશે પણ પ્રશ્નો થયા. પછીથી જ્યારે મેવાણીએ માઇક હાથમાં લીધું ત્યારે નબળો બચાવ કર્યો. અમુક આરોપોનો તો બચાવ પણ ન કર્યો અને અમુક આડકતરી રીતે સ્વીકારી લીધા.

મેવાણીનો તર્ક હતો કે ધારાસભ્ય તરીકે તેમનું કામ માત્ર કામો માટે ભલામણ કરવાનું છે અને તેના માટે પોતે બહુ-બહુ તો પત્રો લખી શકે. કામો મંજૂર કરવાનું કામ તો સરકારનું અને તેના મંત્રીઓનું છે. એટલે પોતે બધાં જ કામોની ભલામણ કરતા પત્રો લખી આપે તોપણ બધાં મંજૂર થવાનાં નથી.

ટૂંકમાં મેવાણી કહે છે કે તેમની પાસે સીમિત સત્તા છે. તો મજાની વાત એ છે કે આ બધું મેવાણીને જાહેરમાં ફાંકા મારતી વખતે કે પોલીસના પટ્ટા ઉતારી લેવાની ધમકીઓ આપતી વખતે યાદ આવતું નથી. ત્યારે તેઓ જાહેર સેવકોને ખુલ્લેઆમ ધમકી આપતા ફરે છે. તેની ક્યાં તેમની પાસે સત્તા છે? પરંતુ હવે જવાબદારીની વાત આવી એટલે આવાં કારણો ધરીને છટકબારી શોધી લીધી.

₹4 લાખના આરોપો મુદ્દે જિજ્ઞેશ મેવાણી કહે છે કે પૈસા લીધા હોય તો એ કોંગ્રેસના માણસો પાસેથી લીધા હશે. એ પૈસા ગ્રામજનોના ન હતા. એટલે આ તેમનો અને કોંગ્રેસના માણસોનો વિષય છે, ગ્રામજનોને નિસ્બત ન હોવી જોઈએ. આ તર્ક પણ ગળે ઉતરે તેમ નથી પણ મેવાણીએ ગમે તેમ કરીને વાતનો વીંટો વાળવો હતો એટલું સ્પષ્ટ જણાય છે.

સૌથી અગત્યની વાત એ છે કે મેવાણીનો જે વિડીયો છે તેમાં તેઓ ક્યાંય બોગસ વોટિંગ મુદ્દે ખુલાસો આપતા જોવા મળતા નથી.

…તો કોંગ્રેસના વોટચોરીના ડ્રામાનો શું અર્થ?

મેવાણીએ તો ખુલાસો ન કર્યો પણ જે કોંગ્રેસે ‘વોટ ચોરી’નું આખું તૂત ઊભું કર્યું એ પણ સદંતર ચૂપ છે અને ઉપરથી મેવાણીનો બચાવ કરી રહી છે. તેમને ક્રાંતિવીર અને પ્રજાનાં કામો કરતા ગણાવી રહી છે. માની લઈએ કે મેવાણીએ બહુ કામો કર્યાં હશે (જે નથી કર્યા એ પોતે આડકતરી રીતે સભામાં સ્વીકારે છે) તોપણ બોગસ વોટિંગનું શું? જાહેરમાં સ્વીકારવામાં આવ્યું છે કે મેવાણી માટે બોગસ વોટિંગ થયું હતું.

રાહુલ ગાંધી પ્રેસ કૉન્ફરન્સ કરીને આ દેશમાં વોટચોરી થાય છે, ચૂંટણી પ્રક્રિયા ખાડે ગઈ છે, ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, મુખ્ય ચૂંટણી કમિશનર નિષ્પક્ષ નથી, ભાજપ અને સરકારના મેળાપીપણાંમાં બધું થાય છે એવો રાગડો તાણતા રહે છે, તેના તેઓ ક્યારેય પુરાવા આપી શક્યા નથી. પણ આ તો જાહેરમાં દાવો થયો છે, જેમણે બોગસ વોટિંગ કરાવ્યું હતું તેમણે સ્વીકાર્યું છે.

કોંગ્રેસ શું આ આરોપોની તપાસ માટે ન કહી શકે? અને ન કહી શકે તો તથાકથિત ‘વોટચોરી’ મુદ્દે હોબાળો મચાવવાનો શું અર્થ છે? રાહુલ ગાંધીના આરોપોનો શું અર્થ છે?

એ પણ તપાસનો વિષય છે કે એક ગામમાં જો આ રીતે બોગસ વોટિંગ થયું હોય તો બીજે ન થયું હોવાની શું ખાતરી છે? અને જો એમ હોય તો તપાસ કરાવવા સૌથી પહેલું કોંગ્રેસે કહેવું જોઈએ કારણ કે વોટચોરી માટે સૌથી ચિંતિત તો પાર્ટી પોતે હોવાનો દાવો કરે છે.

એ પણ જોવા જેવી વાત છે કે જો ભાજપના કોઈ નેતાની રાત્રિ સભાનો આવો વિડીયો વાયરલ થયો હોત કે તેમાં આ રીતે બોગસ વોટિંગ અને ₹4 લાખ લેવાના આરોપો લાગ્યા હોત તો ગુજરાતી મીડિયા અને યુટ્યુબ પત્રકારોની આખી એક જમાતે ગામ માથે લઈ લીધું હોત અને એક પછી એક વિડીયો ચલાવ્યા હોત. ભૂપેન્દ્રભાઈથી માંડીને મોદી સુધીનાને સવાલો થયા હોત.

આમાં રાહુલ ગાંધી તો ઠીક પણ મેવાણીને પણ પ્રશ્નો થઈ શકતા નથી. અનેક ઠેકાણે તો સમાચાર જ પ્રકાશિત થયા નથી. અમુક યુટ્યુબ ચેનલોએ આ સમાચાર છાપ્યા પણ પછી તરત મેવાણીનો ખુલાસો પણ છાપી દીધો. તેઓ ભાજપ કે સરકાર પરના સમાચારોમાં ક્યારેય ખુલાસો માગવા જતા નથી કે તે પ્રકાશિત કરવામાં આટલી તત્પરતા દેખાડતા નથી. છતાં ‘તટસ્થ’ બનીને ફરે છે એ જ વક્રતા છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં