ક્યારેક કોઈ માણસનું નામ પહેલી વાર સાંભળો અને નામ કરતાં તેની અટક કાનમાં અટકી જાય. ‘મચ્છર’ એવી જ અટક છે. સામાન્ય વાતચીતમાં મચ્છર કહીએ એટલે ઉનાળાની રાતે કાન પાસે ગણગણતો જીવ યાદ આવે, પરંતુ એ જ શબ્દ કોઈ માણસના નામની પાછળ સન્માનપૂર્વક લખાયેલો હોય ત્યારે અચાનક મનમાં સવાલ ઊભો થાય કે આ અટક આવી ક્યાંથી હશે?
હમણાં ‘મચ્છર’ અટક ફરી ચર્ચામાં છે. કેપ્ટન સ્મિત મચ્છરનું નામ દુનિયાભરમાં ચર્ચાયું, જ્યારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટની અંદર ગંભીર ઘટના બની. મુસ્લિમ સહ-પાયલટના હુમલામાં સ્મિત મચ્છર ઘાયલ થયા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં અને વિમાનને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ બન્યા, વિમાન બાદમાં સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આ ઘટનામાં 174 મુસાફરો સવાર હતા અને સ્મિત મચ્છરની હિંમતની વ્યાપક પ્રશંસા થઈ.
સ્મિત મચ્છરે જે કર્યું તે ખરેખર અસાધારણ હિંમતનું કામ હતું. પરંતુ તેમની બહાદુરીની વાતથી થોડું આગળ વધીએ તો એક જુદો જ સવાલ ઊભો થાય છે. માણસના નામની પાછળ ‘મચ્છર’ કેવી રીતે આવી શકે? અને માત્ર મચ્છર જ કેમ? ગુજરાતમાં ‘માંકડ’, ‘ઘોડા’, ‘ચકલી’, ‘તિતોડી’, ‘પોપટ’, ‘બકરી’, ‘વાઘ’, ‘હાથી’ જેવી અટકો પણ મળે છે. કોઈનું નામ સાંભળીને આપણને નવાઈ લાગે, પણ એ નામ પાછળ ઘણી વખત સદીઓ જૂની કોઈ કથા નહીં, એકદમ સામાન્ય માણસનું જીવન, તેનો દેખાવ, તેનો સ્વભાવ, તેનું ગામ, તેનું ઘર કે પછી કોઈ મજાક પણ છુપાયેલી હોય શકે છે.
ગુજરાતી અટકોના ઇતિહાસને લગતા એક જૂના પુસ્તક ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’માં જનાવર, પક્ષી અથવા જીવજંતુ પરથી પડેલી અટકોને અલગથી જોવામાં આવી છે. આ પ્રકારની અટકો સંખ્યામાં ઘણી ઓછી છે અને તળ ગુજરાત કરતાં કાઠિયાવાડમાં વધારે જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે આવી અટકોની ઉત્પત્તિ અંગે કોઈ એક અંતિમ નિર્ણય આપી શકાય તેમ નથી. અનેક શક્યતાઓ છે અને ઘણી જગ્યાએ પુરાવા કરતાં અનુમાનનો ભાગ મોટો છે. એટલે ‘આ અટક ચોક્કસ આ રીતે જ પડી’ એવું કહેવાને બદલે, આ અટકો પાછળના સંભવિત રસ્તાઓ સમજવા પડે.
અટક એટલે હંમેશાં કોઈ એક જ અર્થ નહીં
આપણે ઘણી વખત અટકને એક જ અર્થ સાથે બાંધી દઈએ છીએ. ‘ગાંધી’ એટલે ચોક્કસ ગાંધી પરિવાર, ‘પટેલ’ એટલે ચોક્કસ એક જ મૂળ, ‘દેસાઈ’ એટલે ચોક્કસ એક જ વારસો. પણ અટકોનો ઇતિહાસ એટલો સીધો નથી. એક જ શબ્દ અલગ અલગ પરિવાર માટે અલગ કારણસર અટક બની શકે છે. કોઈ સ્થળના નામ પરથી અટક પડી હોય, કોઈ ધંધાના કારણે પડી હોય, કોઈ પૂર્વજના નામ પરથી બની હોય, કોઈ ઉપનામમાંથી નીકળી હોય તો કોઈ વખત મશ્કરીમાં પાડેલું નામ પેઢીઓ પછી કાયમી અટક બની ગયું હોય.
જનાવર કે જીવજંતુ પરથી પડેલી અટકોમાં પણ આ જ વાત સૌથી પહેલાં સમજવી જરૂરી છે. ‘વાઘ’ અને ‘હાથી’ બંને પ્રાણીનાં નામ છે એટલે બંને અટકનો ઉદ્ભવ એક જ પ્રકારનો હશે એવું માનવાનું કોઈ કારણ નથી. એ જ રીતે ‘માંકડ’ અને ‘મચ્છર’ સાંભળવામાં એક જ પ્રકારની વિચિત્ર અટકો લાગે, પરંતુ બંને અલગ સંજોગોમાં, એકબીજા સાથે કોઈ સંબંધ વિના પડી હોય શકે છે. મૂળ અભ્યાસ પણ આ જ વાત પર ભાર મૂકે છે કે આવી દરેક અટકની ઉત્પત્તિ પોતાની રીતે તપાસવી જોઈએ. અહીંથી જ વાત થોડી રસપ્રદ બને છે. કારણ કે પછી સવાલ માત્ર એટલો નથી રહેતો કે ‘મચ્છર’ નામ કેમ પડ્યું? સવાલ એ બને છે કે જૂના ગુજરાતના લોકો પોતાના સમાજમાં કોઈ માણસને ઓળખાવવા માટે આવા ઉપનામો કેવી રીતે આપતા હશે?
ક્યારેક માણસ જ માણસ માટે નામ શોધી કાઢે છે
જૂના સમયમાં માણસનું સત્તાવાર નામ એક વાત હતી અને ગામ-મહોલ્લામાં તેને લોકો કયા નામે ઓળખે છે તે બીજી વાત. એક માણસનું મૂળ નામ કંઈક બીજું હોય, પણ તે બહુ નાનો હોય તો લોકો તેને ‘કીડી’ કહેવા માંડે. ચહેરો કોઈ પક્ષી જેવો લાગતો હોય તો કોઈ પક્ષીનું નામ ચોંટી જાય, સ્વભાવ કોઈ પ્રાણી જેવો હોય તો એ પ્રાણીનું નામ ઉપનામ બની જાય. સમય પસાર થાય, ઉપનામ ઓળખ બની જાય અને ઓળખ આખા પરિવાર સાથે જોડાઈ જાય. અટકનો જન્મ આટલો સાદો પણ હોય શકે.
‘કીડી’ તેનું એક રસપ્રદ ઉદાહરણ છે. કીડી નાનું જીવજંતુ. તેથી કદાચ કોઈ માણસ કદમાં બહુ નાનો અથવા ઝીણો હોય અને આસપાસના લોકોએ તેને ‘કીડી’ કહીને બોલાવવાનું શરૂ કર્યું હોય. પરંતુ અભ્યાસ સાથે જોડાયેલી ચર્ચા અહીં તરત જ એક બીજી શક્યતા સામે મૂકે છે કે જો કોઈ માન્યતા પ્રમાણે આ નામ કોઈ પ્રાચીન ટોટેમમાંથી આવ્યું હોય તો પણ કીડી જેવા અત્યંત નાના જીવને કોઈ ટોળકી પોતાના પ્રતીક તરીકે પસંદ કરે તે વાત સહેલાઈથી ગળે ઊતરતી નથી. આ નાનકડા ઉદાહરણમાં જ આખા વિષયની ચાવી છે. અટક દેખાવમાં જેટલી સીધી લાગે છે, તેની પાછળનો રસ્તો એટલો સીધો હોય જ એવું નથી.
‘ઘોડા’ અટક પાછળ ત્રણ વાતો
‘ઘોડા’ અટક સાંભળતાં જ માણસના મનમાં એક જ અર્થ આવે. ઘોડો. પરંતુ આ અટકના મૂળ વિશે પુસ્તકમાં એક કરતાં વધારે સંભાવનાઓ મૂકવામાં આવી છે. આ અટક કાઠિયાવાડની નાગર જ્ઞાતિમાં જોવા મળે છે. એક શક્યતા કાઠિયાવાડના ‘વડાદ્રા’ નામના ગામ સાથે જોડાય છે. કદાચ ત્યાંથી આવેલા લોકોની અટક ‘ઘોડા’ પડી હોય. બીજી સંભાવના ‘ઘોડાસર’ નામનાં તળાવો અને ગામ સાથે જોડાય છે. કાઠિયાવાડમાં એકથી વધુ જગ્યાએ ઘોડાસર નામનાં તળાવો હોવાનું અને એક સ્થળે ઘોડાસર નામનું ગામ હોવાની સંભાવના છે. શક્ય છે કે એ તળાવ કે ગામની આસપાસથી સ્થળાંતર કરીને આવેલા લોકો ‘ઘોડા’ તરીકે ઓળખાવા લાગ્યા હોય.
પણ ત્રીજી વાત તો કાઠિયાવાડી રંગથી ભરેલી છે. એક માન્યતા એવી રજૂ કરવામાં આવી છે કે કોઈ સમયના કાઠિયાવાડી નાગરો દેહાકૃતિમાં એટલા ભવ્ય હતા કે ઘોડાસર તળાવના ઊંડા પાણીમાં પણ ઘોડાની જેમ એક કાંઠેથી બીજે કાંઠે તરી જતા! આ કારણે તેમને ‘ઘોડા’ કહેવાયા હોય એવી વાત પણ કરવામાં આવી છે અને કદાચ એ જ જૂના ગુજરાતની વાત કરવાની મજા છે. એક જ અટક પાછળ ગામ પણ હોય શકે, તળાવ પણ હોય શકે અને કોઈ માણસની કાઠી-દેહાકૃતિ વિશેની લોકવાત પણ હોય શકે.
‘ચકલી’થી ‘તિતોડી’ સુધી: દેખાવ અને બોલચાલ
‘ચકલી’ નામની અટક માટે એક શક્યતા એ છે કે કોઈ માણસનું મોઢું નાનું હોય અને તેને ચકલી સાથે સરખાવવામાં આવ્યો હોય. કોઈનો અવાજ બહુ નાનો હોય તો પણ આવી સરખામણી થઈ શકે. બીજી એક રસપ્રદ શક્યતા સ્થળ સાથે જોડાયેલી છે. ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય તેને ‘ચકલો’ કહેવામાં આવે, ત્યાં રહેતા માણસને ‘ચકલાવાળા’ કહેવામાં આવ્યો હોય અને પછી શબ્દ સંકોચાઈને ‘ચકલી’ બન્યો હોય, આવી શક્યતા પણ પુસ્તકમાં મૂકવામાં આવી છે.
‘તિતોડી’ અથવા ‘ટિટોડી’ પણ પક્ષીનું નામ છે. કોઈ માણસના દેખાવને કારણે તેને આ ઉપનામ મળ્યું હોય અને પછી એ જ નામ કુટુંબની ઓળખ બની ગયું હોય એવું બની શકે. એટલે પક્ષીનું નામ અટકમાં આવ્યું એટલે જરૂર કોઈ ધાર્મિક પ્રતીક, કુળચિહ્ન કે પ્રાચીન પરંપરા જ હશે એવું માનવું જરૂરી નથી. ક્યારેક ગામની ગલીમાં પડેલું હળવું ઉપનામ પણ પેઢીઓ સુધી ટકી જાય છે.
‘પોપટ’ની વાત પણ એવી જ છે. આ અટક પારસી સમાજમાં પણ છે અને હિંદુઓમાં પણ જોવા મળે છે. પુસ્તકમાં એક સંભાવના એવી દર્શાવવામાં આવી છે કે કોઈ માણસનું નાક પોપટ જેવું દેખાતું હોવાથી તેને ‘પોપટ’ કહેવામાં આવ્યો હોય. બીજી શક્યતા એવી કે કોઈ માણસ બહુ ગોખણપટ્ટીવાળો હોય, એટલે બધું યાદ રાખીને બોલતો હોય તો તેને પોપટ સાથે સરખાવવામાં આવ્યો હોય. નાનું બાળક માંદું-માંદું બોલે ત્યારે તેને ‘પોપટ’ કહેવાય તે સામાન્ય ઉપમા હોય શકે, પરંતુ એ જ ઉપનામ પુખ્ત માણસની અટક બની ગયું હોય તે વધુ વિચારવા જેવી બાબત છે.
‘બકરી’ એટલે માત્ર બકરી નહીં
‘બકરી’ અટક પણ બહારથી જોશો તો અચાનક હસવું આવે એવી લાગે. પરંતુ તેની પાછળ પણ માણસના સ્વભાવ અને વ્યવહારની શક્યતા ઊભી થાય છે. કદાચ બકરાં પાળનાર વ્યક્તિ પરથી આ નામ પડ્યું હોય. જોકે પુસ્તકમાં વધુ સંભાવના એવી માનવામાં આવી છે કે કોઈ માણસનો સ્વભાવ બકરી જેવો રાંક અને નિર્દોષ હોય, એટલે લોકો તેને બકરી કહેતા થયા હોય. બકરી જેવો અવાજ હોય તો પણ ઉપનામ પડી શકે.
ગુજરાતી બોલચાલમાં માણસના બહારના દેખાવ અને અંદરના સ્વભાવ વચ્ચેનો વિરોધાભાસ બતાવવા માટે પ્રાણીઓની ઉપમા આપવાની જૂની ટેવ છે. ‘દેખાય તો વાઘ જેવો, પણ છે બકરી જેવો’- આવી વાત કોઈ માણસ વિશે ગામમાં ચાલતી થઈ જાય અને વર્ષો પછી એમાંથી જ કોઈ પરિવારની ઓળખ ઊભી થઈ જાય તો નવાઈ શું? પુસ્તકમાં ‘બકરી’ અટક માટે આવી જ સંભાવના રજૂ કરવામાં આવી છે.
હવે આવે છે ‘મચ્છર’ અને વાત સ્મિત મચ્છરથી પાછી મૂળ સવાલ પર
‘મચ્છર’ અટક કાઠિયાવાડ તરફની અટક તરીકે પુસ્તકમાં નોંધાય છે. તેની ઉત્પત્તિ માટે બે મુખ્ય સંભાવનાઓ આપવામાં આવી છે.‘મચ્છર’ શબ્દ સાંભળતાં આપણને સૌથી પહેલાં જીવજંતુ યાદ આવે, પરંતુ ગુજરાતી ભાષાના જૂના શબ્દકોશોમાં આ શબ્દનો બીજો અર્થ પણ નોંધાયો છે. ‘ભગવદ્ગોમંડળ’માં ‘મચ્છર’નો અર્થ ‘ઝનૂન’ અને ‘જુસ્સો’ પણ આપવામાં આવ્યો છે. એટલે એક જ શબ્દ એક તરફ ગણગણતા જીવજંતુને ઓળખાવે છે તો બીજી તરફ માણસની અંદર ધગધગતી તીવ્રતા અને આવેશને પણ વ્યક્ત કરે છે.
પરંતુ અટક તરીકેના ‘મચ્છર’ની વાત આવે ત્યારે કથા બીજી દિશામાં જાય છે. કાઠિયાવાડ તરફની આ અટકની ઉત્પત્તિ માટે એક માન્યતા એવી છે કે કોઈ કુટુંબમાં એકાદ માણસ બહુ ‘મત્સરવાળો’ એટલે રીસ, અદાવત કે ઈર્ષ્યાથી ભરેલો સ્વભાવ ધરાવતો હતો. લોકો તેને ‘મત્સર’ કહેતા થયા અને સમય જતાં શબ્દનું રૂપ બદલાઈને ‘મચ્છર’ બન્યું હોય. બીજી સંભાવના વધુ સીધી છે કે કુટુંબ જ્યાં રહેતું હતું તે વિસ્તારમાં મચ્છરો ખૂબ હોય, તેથી ‘મચ્છરવાળા’ કહેવાયા હોય અને પછી એમાંથી માત્ર ‘મચ્છર’ અટક બની ગઈ હોય.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. આ બંને વાતો પુરવાર થયેલો ઇતિહાસ નથી. પુસ્તક તેમને માન્યતા અને શક્યતા તરીકે મૂકે છે. એટલે ‘મચ્છર’ અટકનો ચોક્કસ જન્મ આમાંથી જ થયો એવું કહી શકાય નહીં. પરંતુ બંને સંભાવનાઓ બતાવે છે કે અટક માટે કોઈ વિશાળ રાજકીય કે ધાર્મિક ઘટના જરૂરી નથી. કોઈ માણસનો સ્વભાવ કે કોઈ કુટુંબનું રહેઠાણ પણ પૂરતું હોય શકે.
પુસ્તકમાં તો એક વધુ રસપ્રદ સામાજિક નોંધ છે કે આ અટક ધરાવતા કેટલાક પરિવારોનાં બાળકોને ‘મચ્છર’ અટક ગમતી ન હોવાથી તેમણે નવી અટક વાપરવાનું શરૂ કર્યું હોવાની માહિતી હતી. વધુમાં અટકો બદલાતી રહેવી કોઈ અસાધારણ બાબત નથી, સમય જતાં ગુજરાતી અટકોમાં ફેરફાર થતો રહ્યો છે.
એટલે સ્મિત મચ્છરનું નામ આજે દુનિયાભરમાં એક બહાદુર પાયલટ તરીકે ચર્ચાઈ રહ્યું હોય ત્યારે ‘મચ્છર’ શબ્દને માત્ર જીવજંતુના અર્થમાં જોવો એ અટકના ઇતિહાસને બહુ નાનો કરી નાખવા જેવું થશે. એક જ શબ્દ કોઈ એક પરિવાર માટે મજાકમાંથી આવ્યો હોય શકે, બીજા માટે રહેઠાણમાંથી અને ત્રીજા માટે કોઈ પૂર્વજના સ્વભાવમાંથી.
‘મંકોડી’ પણ આવી જ કોઈ જૂની ઓળખ
આ જ વિષયમાં ‘મંકોડી’ નામની અટકની પણ નોંધ મળે છે. મંકોડીનો ખાસ ગુણ ચટકો ભરવાનો માનવામાં આવે છે. તેથી કદાચ કોઈ માણસ બીજા લોકોને ચટકો ભરતો, હેરાન કરતો કે કોઈને અચાનક ચોટ પહોંચાડતો હોય અને તેને મંકોડીનું ઉપનામ મળ્યું હોય. બીજી સંભાવના સંબંધની છે. ‘કીડી-મકોડી’ શબ્દો બોલચાલમાં સાથે વપરાય છે. તેથી કોઈ ‘કીડી’ અટક ધરાવતા માણસની સાથે હંમેશાં ફરતા નજીકના સગા કે મિત્રને ‘મકોડી’ કહેવાયા હોય અને પછી એ નામ કુટુંબની અટક બની ગયું હોય એવી પણ શક્યતા છે. અહીં ફરી એ જ વાત સામે આવે છે કે અટક કોઈ શબ્દકોશમાંથી પસંદ કરેલી વસ્તુ નથી. તે જીવતી ભાષામાં, લોકોની વચ્ચે, હાસ્યમાં, ચીડવવામાં, ઓળખાણમાં અને સંબંધોમાં ઘડાતી હોય છે.
‘માંકડ’માં જુદી કથા પણ હોય શકે
‘માંકડ’ સાંભળતાં મચ્છર સાથે તરત જ સંબંધ બેસાડવો સહેલો છે. બંને જીવજંતુનાં નામ છે, બંને વિચિત્ર લાગે છે. પરંતુ આ બંને અટકો એક જ મૂળની છે એવું માનવાનું કારણ નથી. પુસ્તક સ્પષ્ટ રીતે કહે છે કે ‘માંકડ’ અને ‘મચ્છર’ એકબીજા સાથે કોઈ સંબંધ વિના સ્વતંત્ર રીતે પડી હોય શકે છે. ‘માંકડ’ અટક કાઠિયાવાડના નાગર કુટુંબોમાં અસ્તિત્વ ધરાવે છે. અહીં એક રસપ્રદ શક્યતા કુટુંબની પોતાની પરંપરામાંથી આવે છે. કુટુંબ પોતાનું મૂળ માર્કંડેય ઋષિ સાથે જોડે છે. માર્કંડેયના વંશજ, માર્કંડેય નામથી ઓળખાતું કુટુંબ અને પછી શબ્દના રૂપાંતરથી ‘માંકડ’ અટક બની હોય એવી સંભાવના રજૂ કરવામાં આવી છે.
પરંતુ આ એકમાત્ર શક્યતા નથી. જેમ મચ્છરવાળા ઘરમાં રહેતા લોકોને ‘મચ્છર’ કહેવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે, તેમ ઘણા માંકડવાળા ઘરમાં રહેતા પરિવારને ‘માંકડ’ કહેવાયા હોય એ પણ બની શકે. અથવા કુટુંબમાં કોઈ માણસનો સ્વભાવ એવો હેરાન કરનારો હોય કે માંકડની જેમ પાછળ પડી જાય, જંપીને બેસવા ન દે તો તેને ‘માંકડ’નું ઉપનામ મળ્યું હોય અને એ ઉપનામ આખા કુટુંબની ઓળખ બની ગયું હોય. પુસ્તક આ બધાને અનુમાન ગણાવે છે, જોકે કુટુંબ પોતે માર્કંડેય ઋષિ સાથેનો સંબંધ દર્શાવે છે એટલે એ સંભાવનાને સ્વીકારવા તરફ છે. એટલે ‘માંકડ’ માત્ર માંકડ નથી. એક જ શબ્દની પાછળ ઋષિપરંપરા પણ હોય શકે અને લોકજીવનનું ઉપનામ પણ.
‘વાઘ’- કોઈ પ્રાણી નહીં, કદાચ કોઈ પૂર્વજનું નામ
‘વાઘ’ અટક સાંભળીને કોઈ શક્તિશાળી માણસ, શિકારી કે વાઘ જેવા સ્વભાવવાળા પૂર્વજની કલ્પના થવી સ્વાભાવિક છે. પરંતુ પુસ્તકમાં આપવામાં આવેલી કથા તેનાથી અલગ છે. તેમાં વાધેશ્વર મહેતાનું નામ આવે છે. તેઓ એક કુટુંબના વડવા હતા અને પોતાના સમયના નાતજાતમાં અગ્રગણ્ય તથા પ્રતાપી માનવામાં આવતા. જ્યાં જતા ત્યાં તેમનો પ્રભાવ પડતો. આ કારણે તેઓ ‘વાઘ’ કહેવાવા લાગ્યા અને પછી એ જ નામ આખા કુટુંબની અટક બની ગયું. અહીં એક જ નજરે દેખાતો ફેરફાર આખી વાત બદલી નાખે છે. ‘વાઘ’ સાંભળીને આપણને જંગલનું પ્રાણી યાદ આવે છે, પરંતુ અટકના મૂળમાં ‘વાઘ’ નહીં, કોઈ વ્યક્તિનું નામ અને તેની સામાજિક પ્રતિષ્ઠા હોય શકે.
‘હાથી’ માટે પણ એકથી વધારે રસ્તા
‘હાથી’ માટે પુસ્તક ત્રણ શક્યતાઓ આપે છે. કોઈ માણસનું શરીર હાથી જેવું હોય એટલે તેને હાથી કહેવામાં આવ્યો હોય. કોઈની ચાલ હાથી જેવી હોય તો પણ ઉપનામ પડી શકે અને એક ત્રીજી શક્યતા એવી છે કે ‘ઘોડા’ અટકવાળા કુટુંબના કોઈ નજીકના સગા કે મિત્રને ‘હાથી’નું ઉપનામ મળ્યું હોય. રાજદરબારી ભાષામાં ‘હાથીવાળા’ જેવા શબ્દપ્રયોગો સાથે ‘હાથી’ અને ‘ઘોડા’ બંનેનો સંબંધ દેખાય છે, તેથી આ પ્રકારની સામાજિક ઓળખમાંથી પણ અટક ઊભી થઈ શકે એવી સંભાવના મૂકવામાં આવી છે. અહીં પણ કોઈ એક જવાબ નથી. હાથી જેવી કાયા, હાથી જેવી ચાલ કે સંબંધમાંથી મળેલું ઉપનામ, ત્રણેય રસ્તા ખુલ્લા છે.
તો શું આ બધી અટકો ટોટેમમાંથી આવી?
હવે અહીં એક જૂનો અને રસપ્રદ વિચાર આવે છે ‘ટોટેમ’નો. પ્રાચીન સમયમાં કેટલીક માનવ ટોળીઓ પોતાની ઓળખ માટે કોઈ પ્રાણી, પક્ષી, છોડ કે પ્રાકૃતિક વસ્તુને ચિહ્ન તરીકે સ્વીકારતી હતી. આવી ટોળીઓમાં તે પ્રાણી કે વસ્તુનું નામ જૂથની ઓળખ સાથે જોડાઈ જતું. વિશ્વના કેટલાક પ્રાચીન સમાજોમાં આવી પરંપરાના ઉલ્લેખ મળે છે. પુસ્તકમાં ‘એન્સાઈક્લોપીડિયા ઑફ સોશિયલ સાયન્સિસ’ના સંદર્ભથી આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. તો પછી શું ગુજરાતી અટકો પણ એ જ રીતે પ્રાચીન ટોળીઓનાં ટોટેમમાંથી આવી?
આવું માનવું સહેલું છે, પરંતુ પૂરતો આધાર નથી. ‘ઘોડા’, ‘વાઘ’ કે ‘હાથી’ જેવી અટકો માટે ટોટેમની સંભાવના કલ્પી શકાય. પરંતુ ‘કીડી’, ‘મચ્છર’, ‘માંકડ’ કે ‘મંકોડી’ જેવા અત્યંત નાના જીવજંતુઓને કોઈ પ્રાચીન ટોળકી પોતાનાં ચિહ્ન તરીકે પસંદ કરે તે વાત ઓછી સંભવિત લાગે છે. કારણ કે આવા ટોટેમની માટી, પથ્થર કે લાકડામાં પ્રતિકૃતિ બનાવી ટોળકીના રહેઠાણ પાસે પ્રદર્શિત કરવાની પરંપરા હતી, એટલે ખૂબ નાના જીવજંતુઓના પ્રતીકને એ રીતે રજૂ કરવાનું મુશ્કેલ બનતું.

વળી ગુજરાતી અટકોનો ઇતિહાસ તપાસીએ તો બીજી મુશ્કેલી પણ ઊભી થાય છે. પુસ્તકના મત પ્રમાણે ઘણી ગુજરાતી અટકો બહુ જૂની હોવા છતાં સતત અચળ રહી નથી. નવા ધંધા, સ્થળાંતર, જૂની અટક પ્રત્યેની અણગમો કે નવી અટક રાખવાની ઇચ્છા, આવાં અનેક કારણોથી અટકો બદલાતી રહી છે. તો કોઈ ટોટેમમાંથી હજારો વર્ષ પહેલાં પડેલી અટક એ જ સ્વરૂપમાં પેઢી દર પેઢી બદલાયા વિના ચાલી આવી હોય એવું માનવા માટે વધારે પુરાવા જોઈએ. એટલે ટોટેમની વાત સંપૂર્ણપણે નકારી નાખવામાં આવતી નથી, પરંતુ દરેક પ્રાણી-પક્ષી-જીવજંતુવાળી અટકને ટોટેમ સાથે જોડી દેવાની ઉતાવળ પણ યોગ્ય નથી.
ક્યારેક મશ્કરી જ ઇતિહાસ બની જાય છે
આ આખા વિષયમાં કદાચ સૌથી માનવીય સંભાવના ‘મશ્કરી’ની છે. કોઈ માણસનો ચહેરો કોઈ પ્રાણી જેવો દેખાય. કોઈ બહુ નાનો હોય. કોઈનો અવાજ અજબ હોય. કોઈનો સ્વભાવ બહુ રાંક હોય. કોઈ સતત બીજાને ચટકો ભરતો હોય. કોઈને ચીડવવા માટે ગામના લોકો તેને કોઈ જીવજંતુના નામે બોલાવવા માંડે. શરૂઆતમાં એ માત્ર હાંસી-મજાક હોય. માણસ જાય, તેનું ઉપનામ રહી જાય. પછી તેના દીકરાને લોકો એ જ અટકથી ઓળખે. પૌત્ર માટે એ પરિવારનું નામ બની જાય. અને બે-ત્રણ પેઢી પછી કોઈ બાળકને કદાચ ખબર પણ ન રહે કે તેના દાદાના દાદાને લોકો આ નામથી કેમ બોલાવતા હતા.
કેટલીક અટકો કદાચ નાતીલાઓ, વેવાઈઓ કે નજીકના લોકોએ મશ્કરીમાં પાડેલી હોય શકે.આજે કોઈ અટક સાંભળીને આપણે તરત તેનો અર્થ શોધવા દોડીએ છીએ. પરંતુ અટકનો અર્થ અને અટકનો ઉદ્ભવ, બંને એક જ વસ્તુ નથી. ‘મચ્છર’નો આજનો શબ્દાર્થ મચ્છર છે, પરંતુ ‘મચ્છર’ અટકનો મૂળ અર્થ કદાચ ‘મચ્છરવાળા વિસ્તારમાં રહેતો પરિવાર’ હોય શકે, કદાચ ‘મત્સર’ શબ્દનું બદલાયેલું રૂપ હોય શકે અને કદાચ કંઈક ત્રીજું પણ હોય શકે.
એક જ શબ્દ, અનેક કુટુંબકથાઓ
જનાવર અને જીવજંતુ પરથી પડેલી ગુજરાતી અટકોની યાદી નાની છે, પરંતુ તેમાં આખું ગુજરાત દેખાઈ જાય છે. કીડી, ઘોડા, ચકલી, તિતોડી, પોપટ, બકરી, મચ્છર, મંકોડી, માંકડ, વાઘ અને હાથી. આ અગિયાર અટકોને એક સાથે નોંધવામાં આવે છે. પણ આ યાદીનું સૌથી મોટું રહસ્ય એ નથી કે આટલા પ્રાણીઓનાં નામ અટક કેમ બન્યાં. ખરી મજા તો એ સમજવામાં છે કે દરેક નામ માણસોના જુદા જુદા જીવનમાંથી નીકળ્યું હશે. ક્યાંક કદાચ માણસનો દેખાવ કારણ બન્યો હશે, ક્યાંક સ્વભાવ, ક્યાંક અવાજ, ક્યાંક ઘરનું સ્થાન, ક્યાંક ગામ કે તળાવ, ક્યાંક કોઈ પૂર્વજનું નામ, ક્યાંક સગાંસંબંધ અને ક્યાંક માત્ર મશ્કરી.
એટલે ‘માંકડ’ અને ‘મચ્છર’ને સાથે મૂકવાથી આપણને ભલે બંને એક જ જાતની અટકો લાગે, પણ તેમની કથા જુદી હોય શકે. ‘ઘોડા’ અને ‘વાઘ’ બંને શક્તિશાળી પ્રાણીઓનાં નામ છે, પણ એકની પાછળ સ્થળ, દેહાકૃતિ અને લોકવાતની સંભાવનાઓ છે તો બીજાની પાછળ એક પ્રભાવશાળી પૂર્વજની ઓળખની વાત આવે છે. ‘હાથી’માં શરીર કે ચાલનું સામ્ય હોય શકે છે. ‘ચકલી’માં મોઢું કે વસવાટનું સ્થાન હોય શકે છે. ‘પોપટ’માં નાક કે બોલવાની ટેવ હોય શકે છે. ‘બકરી’માં સ્વભાવ. ‘કીડી’માં કદ અને ‘માંકડ’માં તો ઋષિપરંપરાથી લઈને ઘરનાં જીવજંતુ સુધી અનેક સંભાવનાઓ એકસાથે ઊભી થાય છે.
આથી આ અટકોને જોવાની સાચી રીત કદાચ એ છે કે તેને માત્ર ‘વિચિત્ર અટકો’ ન ગણવી. એ આપણા સમાજની બોલચાલની સ્મૃતિ છે. સત્તાવાર દસ્તાવેજોમાં જે વાતો ઘણી વખત લખાતી નથી, તે લોકોની ભાષામાં જીવતી રહે છે. કોઈને કયા નામે બોલાવાયો, શા માટે બોલાવાયો, કોણે પહેલી વાર બોલાવ્યો અને ક્યારે એ નામ આખા કુટુંબનું બની ગયું, આ બધું ક્યારેક એક જ અટકના બે-ત્રણ અક્ષરમાં સચવાઈ જાય છે.
અને કદાચ એટલે જ ‘મચ્છર’ જેવી અટક સાંભળીને હસવું સરળ છે, પરંતુ તેની પાછળની સંભાવનાઓ સમજ્યા પછી એ જ અટક થોડી રસપ્રદ બની જાય છે. સ્મિત મચ્છરની આજની ઘટના તો આપણને આ શબ્દ તરફ પાછા લાવી છે, પરંતુ ‘મચ્છર’ની વાર્તા માત્ર આજની નથી. એ તો ગુજરાતના જૂના લોકજીવનમાં માણસોને ઓળખાવવાની એક એવી રીતની વાત છે, જેમાં માણસનું ઘર, તેનો સ્વભાવ, તેની ઓળખ, તેની આસપાસનું વાતાવરણ અને ક્યારેક તેની મજાક બધું ભેગું થઈને એક શબ્દને પરિવારનું નામ બનાવી દે છે.
અટક ઘણી વખત માત્ર અટક નથી હોતી. એ કોઈ અજાણ્યા પૂર્વજ વિશે બચી રહેલી એક અધૂરી વાત હોય છે અને ‘માંકડ, મચ્છર, ઘોડા’ જેવી અટકોમાં તો એ અધૂરી વાતો થોડી વધારે રસપ્રદ છે. કારણ કે નામ બોલતાં જ આપણી આંખ સામે માણસ નહીં, પહેલાં એક જીવજંતુ કે પ્રાણી આવી જાય છે, જ્યારે ખરેખર તેની પાછળ કદાચ કોઈ માણસ જ છુપાયેલો હોય છે.


