કેપ્ટન સ્મિતને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરશે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘોષણા

ઇઝરાયેલ જતી ફ્લાઇટને ક્રેશ કરાવવાના ઓમાનના મુસ્લિમ કો-પાયલટના મનસૂબા પાર ન પડવા દઈને 180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી લાવનાર મૂળ ગુજરાતના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘોષણા કરી છે.

સીએમ પટેલે X પર લખ્યું, ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.

તેમણે આગળ કહ્યું, ‘તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ‘ થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.’

આ પહેલાં વડા પ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાને કહ્યું કે એક ભારતીયએ 9/11 જેવી બીજી એક ઘટના બનતી અટકાવી અને સેંકડો લોકોના જીવ બચાવ્યા. તેમની ઉપર આજે આખો દેશ ગર્વ કરી રહ્યો છે.

વડા પ્રધાને સૌ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ સૌ કેપ્ટન સ્મિતના ઝડપી સ્વાસ્થ્યલાભ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે. પીએમ મોદીએ સ્મિતના પરિજનો સાથે પણ વાતચીત કરી હતી અને ભારત સરકાર તરફથી તમામ શક્ય મદદ માટે ખાતરી આપી હતી.