હોમપેજગુજરાતગીરથી બરડા સુધી: એશિયાટિક સિંહો ગુજરાતમાં કેવી રીતે બનાવી રહ્યા છે પોતાનું...

ગીરથી બરડા સુધી: એશિયાટિક સિંહો ગુજરાતમાં કેવી રીતે બનાવી રહ્યા છે પોતાનું બીજું ઘર? કુદરતી વાપસીથી સરકારના સંરક્ષણ પ્રયાસો સુધી

માણસે માત્ર એટલું કર્યું છે કે જ્યારે તે આવ્યો ત્યારે જંગલ ખાલી ન હતું, શિકાર હતો, પાણી હતું, ઘાસ હતું, રક્ષણ હતું અને હવે તેની સાથે ચાલતું એક મજબૂત વહીવટીતંત્ર પણ છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર 143 વર્ષ પછી પાછી સંભળાયેલી સિંહની ડણક માત્ર વાપસીની ઘટના નથી. બરડામાં સિંહો ફરી ટકી શકે એવું કુદરતી પર્યાવરણ તૈયાર થઈ રહ્યું છે અને હવે આ પ્રક્રિયાને વધુ મજબૂતી મળી રહી છે.

- Advertisement -

ગુજરાતમાં એશિયાટિક સિંહોની વાત આવે ત્યારે ગીરનું નામ સ્વાભાવિક રીતે સામે આવે છે. પરંતુ હવે આ ગાથામાં એક બીજું નામ એટલી જ ઝડપથી મહત્વનું બની રહ્યું છે. બરડા. ગીરના જંગલોમાંથી નીકળીને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની હદ વધારતા સિંહો હવે બરડામાં માત્ર પસાર થતા મહેમાન નથી રહ્યા. અહીં તેમની એક નવી વસ્તી આકાર લઈ રહી છે. 2025ની સિંહ વસ્તી ગણતરીમાં બરડામાં 17 સિંહ નોંધાયા અને તેને એશિયાટિક સિંહોની નવી ‘સેટેલાઇટ’ વસ્તી તરીકે સત્તાવાર રીતે સ્થાન મળ્યું. સરકારે તેને ગુજરાતમાં સિંહોના ‘બીજા ઘર’ તરીકે ઊભરી રહેલી વસ્તી ગણાવી છે. હવે આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કર્યું છે, રેન્જ અને બીટની જવાબદારીઓ નવેસરથી ગોઠવી છે અને બરડા સહિતના વિસ્તારો માટે વન્યજીવ વ્યવસ્થાપનનું વહીવટી માળખું વધુ મજબૂત બનાવ્યું છે.

આજના આ વહીવટી નિર્ણય પાછળની વાત માત્ર સરકારી કચેરીમાં બનેલા નકશા અને બદલાયેલી રેન્જની નથી. તેની શરૂઆત આજથી નહીં, પરંતુ વર્ષો પહેલાંથી થાય છે અને કદાચ તેની સૌથી રસપ્રદ વાત એ છે કે બરડામાં સિંહોને કોઈએ પકડીને લાવીને છોડ્યા નથી. 143 વર્ષ સુધી સિંહવિહોણા રહેલા આ વિસ્તારમાં જાન્યુઆરી 2023માં એક નર સિંહ કુદરતી રીતે પહોંચ્યો હતો. ગીરના જંગલોમાંથી પોતાની રીતે વિસ્તાર શોધતો આ સિંહ બરડામાં આવ્યો અને તેની સાથે એક એવી જૂની કડી ફરી જોડાઈ, જે 1879 પછી તૂટી ગઈ હતી. અહીંથી શરૂ થાય છે ગુજરાતના સિંહોની એક રસપ્રદ નવી ગાથા, એક એવી ગાથા જેમાં ગીર છે, બરડા છે, સિંહોની વધતી વસ્તી છે, કુદરતની પોતાની ગતિ છે અને તેની સાથે વર્ષોથી ચાલતું માનવીય સંરક્ષણ પણ છે.

143 વર્ષ પછી ફરી બરડામાં સિંહ

બરડા વન્યજીવ અભયારણ્ય સૌરાષ્ટ્રના પોરબંદર વન વિભાગમાં આવેલું લગભગ 192.31 ચોરસ કિલોમીટરનું જંગલ છે. ભૌગોલિક રીતે તે ગીરથી અલગ છે, પરંતુ તેની વનસ્પતિ અને આબોહવાની કેટલીક વિશેષતાઓ ગીરના જંગલ સાથે સામ્ય ધરાવે છે. ડુંગરાળ ભૂપ્રદેશ, કોતરો, જંગલના પટ્ટા, ઘાસિયાં વિસ્તારો અને પાણીના સ્રોતો મળીને બરડાને વન્યજીવો માટે અનુકૂળ પરિસ્થિતિ આપે છે. બરડા વ્યવસ્થાપન યોજનામાં પણ સિંહો અહીં ફરી સ્થાયી થઈ શકે તે માટેના કુદરતી પર્યાવરણ અને જરૂરી સંરક્ષણ વ્યવસ્થાઓને મહત્વ આપવામાં આવ્યું છે.

- Advertisement -

પરંતુ બરડાનો સિંહ સાથેનો સંબંધ આજનો નથી. 1879 સુધી બરડામાં એશિયાટિક સિંહોની હાજરી હતી. ત્યાર પછી આ વિસ્તારમાંથી સિંહો ગાયબ થઈ ગયા. એક જમાનામાં જે ભૂમિ પર સિંહ ફરતો હતો, ત્યાં લાંબા સમય સુધી તેની માત્ર યાદ રહી. બીજી તરફ ગુજરાતમાં સિંહનું અસ્તિત્વ બચ્યું રહ્યું તો તે ગીરના જંગલોમાં. એશિયાટિક સિંહ માટે ગીર માત્ર એક જંગલ નથી. તે ભારતની જંગલી સિંહ વસ્તીનું અંતિમ આશ્રયસ્થાન રહ્યું છે. 

એક સમયે આ સિંહનો વિસ્તાર પશ્ચિમ એશિયા અને ભારતીય ઉપખંડના મોટા ભૂભાગ સુધી ફેલાયેલો હતો. પરંતુ ઓગણીસમી સદીના અંત સુધીમાં શિકાર અને અન્ય માનવીય દબાણોના કારણે તે લગભગ સમગ્ર વિસ્તારમાંથી અદૃશ્ય થઈ ગયો અને ગીર તેની છેલ્લી જંગલી વસ્તીનું ઘર બન્યું. બાદમાં સિંહોના શિકાર પર નિયંત્રણ શરૂ થયું અને બાદમાં વન વિભાગના સંરક્ષણ પ્રયાસોથી ગીરનું પર્યાવરણ સિંહ માટે વધુ સુરક્ષિત બનતું ગયું. 1968માં સિંહોની સંખ્યા 177 નોંધાઈ હતી, ત્યાર પછીના દાયકાઓમાં સંખ્યા સતત વધી અને 2025માં ગુજરાતના સિંહ-લેન્ડસ્કેપમાં 891 સિંહ નોંધાયા.

આ વૃદ્ધિનો અર્થ માત્ર એટલો નથી કે ગીરમાં સિંહોની સંખ્યા વધી. સિંહોની વસ્તી મજબૂત થાય ત્યારે તેમની અવરજવરનો વિસ્તાર પણ વધે છે. નવો સિંહ પોતાના માટે વિસ્તાર શોધે છે, માદા અને બચ્ચાં સાથે નવી ટોળકી બને છે અને યોગ્ય પરિસ્થિતિ મળે ત્યાં વસ્તીનું નવું કેન્દ્ર ઊભું થવા લાગે છે. ગુજરાતમાં વર્ષોથી આવું જોવા મળ્યું છે. ગીરની મૂળ વસ્તીમાંથી અલગ થઈને મિતિયાળા, ગીરનાર, અમરેલી, ભાવનગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની અલગ-અલગ ઉપવસ્તીઓ ઊભી થઈ છે. 2025ની ગણતરીએ બરડાને આવી જ નવી સેટેલાઇટ વસ્તી તરીકે સત્તાવાર રીતે નોંધ્યું અને બરડાની વિશેષતા એ છે કે અહીં સિંહ માત્ર નવા વિસ્તારમાં ગયો નથી, તે પોતાની જૂની ધરતી પર પાછો આવ્યો છે.

સિંહને કોઈએ બરડામાં મૂક્યો નહોતો

જાન્યુઆરી 2023માં બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર સિંહ કુદરતી રીતે સ્થાયી થયો ત્યારે આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણના દૃષ્ટિકોણથી ખાસ ધ્યાન ખેંચ્યું. કારણ સરળ હતું કે આ સિંહને કોઈ સ્થળાંતર યોજના હેઠળ બરડામાં છોડવામાં આવ્યો નહોતો. તે પોતાની ગતિએ અહીં પહોંચ્યો હતો. સત્તાવાર દસ્તાવેજો પણ સ્પષ્ટ રીતે નોંધે છે કે 1879 પછી લગભગ 143 વર્ષ બાદ બરડામાં સિંહનું કુદરતી પુનઃસ્થાપન થયું.સિંહ માટે ‘પુનઃસ્થાપન’ શબ્દ અહીં થોડો જુદો અર્થ ધરાવે છે. માણસે સિંહને બરડામાં પહોંચાડ્યો નહીં, પરંતુ કુદરતે સિંહને ફરી બરડા સુધી પહોંચાડ્યો. 

માણસે જે કર્યું તે હતું- જ્યારે સિંહ આવી શકે એવી સંભાવના દેખાઈ ત્યારે આ વિસ્તારને તેના માટે લાંબાગાળે યોગ્ય બનાવવાનું કામ. આ બંને બાબતો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જંગલમાં કોઈ સિંહ દેખાઈ જાય તે અને એ જંગલમાં સિંહોની સ્થાયી વસ્તી ઊભી થાય તે બે જુદી બાબતો છે. એક સિંહને શિકાર મળી જાય તો તે થોડા દિવસ કે અઠવાડિયા રહી શકે, પરંતુ માદા, બચ્ચાં અને આગળની પેઢીઓ સાથે વસ્તી ઊભી કરવા માટે આખું પર્યાવરણીય તંત્ર મજબૂત હોવું જોઈએ. બરડાની બાબતમાં આ જ કામ પર ધ્યાન ગયું.

સિંહ આવે એ પહેલાં જંગલ તૈયાર થતું હતું

સિંહનું ઘર માત્ર જંગલ નથી. સિંહનું ઘર એટલે એવો આખો વિસ્તાર જ્યાં તેને શિકાર મળે, પાણી મળે, બચ્ચાં ઉછેરવા યોગ્ય જગ્યા મળે અને તેની પોતાની હદ બનાવવાની પૂરતી જગ્યા હોય. આમાં સૌથી અગત્યની બાબત છે શિકારનો આધાર. બરડામાં સિંહોની કુદરતી વાપસી બાદ આ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. ગુજરાત વન વિભાગે 2022માં બરડાના વન્ય શિકાર આધારનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાં ચિતલ અને સાંબર જેવી સિંહોના આહાર માટે મહત્વપૂર્ણ પ્રજાતિઓની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું. બરડામાં અન્ય શાકાહારી અને વન્ય પ્રાણીઓ હાજર હતા, પરંતુ લાંબાગાળે સિંહોની વસ્તી ટકી રહે તે માટે મોટા શાકાહારી પ્રાણીઓનો મજબૂત આધાર જરૂરી હતો.

પછી ગીરના સંરક્ષિત વિસ્તારમાંથી ચિતલ અને સાંબરને બરડા વન્યજીવ અભયારણ્યમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. અહીં વાત માત્ર ‘સિંહને ખોરાક આપવા’ની નહોતી. હેતુ એવો કુદરતી શિકાર આધાર ઊભો કરવાનો હતો કે જે બરડાના પર્યાવરણમાં પોતાની રીતે પ્રજનન કરીને લાંબાગાળે ટકી શકે. વન્યજીવ સંરક્ષણમાં આ મૂળભૂત બાબત છે કે મોટા માંસાહારીને બચાવવો હોય તો તેની નીચેનું આખું ખોરાકનું જાળું બચાવવું પડે.

આ કારણે બરડામાં ચિતલ કે સાંબરનું આવવું પણ સિંહોની ગાથાનો જ ભાગ છે. જંગલમાં સિંહની ડણક આપણને દેખાય છે, પરંતુ તેની પાછળ ચિતલનું ટોળું, પાણીનો સ્રોત, ઘાસનો વિસ્તાર અને સલામત રહેઠાણ જેવી ઘણી નાની-મોટી બાબતો સતત કામ કરતી હોય છે. બરડા માટે તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાપન યોજનામાં ઘાસિયાં વિસ્તારોનું પુનઃસ્થાપન, પાણીના સંસાધનોનું સંચાલન, આગથી રક્ષણ, ચરાણનું વ્યવસ્થાપન, આક્રમક વનસ્પતિનું નિયંત્રણ, શિકાર પ્રાણીઓની વસ્તી વધારવાં જેવાં પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

યોજનામાં સિંહો ઉપરાંત માલધારીઓ, ગેરકાયદે શિકાર, અતિક્રમણ અને માનવ-વન્યજીવ સંબંધ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. એટલે બરડામાં સિંહોની વાપસી કોઈ એક દિવસની ઘટના નથી. સિંહ જાન્યુઆરી 2023માં આવ્યો, પરંતુ તેના માટે યોગ્ય ઘર બનાવવાની પ્રક્રિયા તેનાથી પહેલાં શરૂ થઈ ગઈ હતી અને હજુ પણ ચાલુ છે.

ગીરની સફળતા બરડા સુધી કેવી રીતે પહોંચી?

ગુજરાતના સિંહની આજની સ્થિતિને જોવી હોય તો એક આંકડો ઘણું કહી જાય છે. 1968માં 177 સિંહમાંથી 2025માં 891 સુધી પહોંચેલી વસ્તી માત્ર ગણતરીમાં થયેલો વધારો નથી. તેની સાથે સિંહોના ભૂગોળનો પણ વિસ્તાર થયો છે. સત્તાવાર 2025ના અહેવાલમાં ગીરને ‘સોર્સ’ અથવા કોર વસ્તી તરીકે દર્શાવવામાં આવી છે અને ત્યાંથી સિંહો અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઈને સેટેલાઇટ વસ્તીઓ ઊભી કરતા હોવાનું નોંધાયું છે. આમાં એક રસપ્રદ બાબત છે. સિંહ કોઈ સરકારી નકશામાં દોરેલી રેખા જોઈને ચાલતો નથી. તેને ખબર નથી કે આ ગીરની સીમા છે, આ રેવન્યુ વિસ્તાર છે કે હવે બીજો વન વિભાગ શરૂ થાય છે. તેની ગતિ પાણી, શિકાર, રહેઠાણ અને પોતાના વિસ્તારની જરૂરિયાત પ્રમાણે ચાલે છે. એટલે જ ગીરની આસપાસ સિંહોની હાજરી વર્ષોથી વધતી ગઈ અને સિંહોએ પોતાના માટે નવા વિસ્તારો શોધ્યા.

આ કુદરતી વિખેરાણને વૈજ્ઞાનિક ભાષામાં ‘ડિસ્પર્સલ’ કહેવામાં આવે છે. બરડા એ ડિસ્પર્સલનું ખાસ ઉદાહરણ છે. ગીરના મૂળ સિંહ-લેન્ડસ્કેપમાંથી નીકળેલી વસ્તી હવે એવા વિસ્તારમાં પહોંચી છે જ્યાં 143 વર્ષ પહેલાં સિંહો હતા. 2025ની ગણતરીમાં બરડા માટે નોંધાયેલી 17 સિંહોની વસ્તી એ બતાવે છે કે હવે આ માત્ર એક ભટકતા સિંહની વાત રહી નથી. અહીં એક નવી વસ્તી ઊભી થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે જ બરડાને ગુજરાતના સિંહોનું ‘બીજું ઘર’ કહેવામાં આવે છે.

હવે માત્ર જંગલ નહીં, આખું વહીવટીતંત્ર પણ તૈયાર

સિંહોની વસ્તી ઊભી થાય પછી વન વિભાગની જવાબદારી પણ બદલાય છે. બરડામાં હવે સિંહો છે એટલે માત્ર અભયારણ્યની અંદર પેટ્રોલિંગ પૂરતું નથી. સિંહો ક્યાં જાય છે, આસપાસના કયા ગામો સાથે તેમનો સંપર્ક થાય છે, પશુધન પર શું અસર પડે છે, કયા માર્ગો તેમની અવરજવર સાથે જોડાય છે, પાણી અને શિકારનો આધાર ક્યાં છે, આ બધું સતત જોવું પડે છે. આ જ સંદર્ભમાં 29 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગના પુનર્ગઠનનો નિર્ણય જાહેર કર્યો. બરડામાં સિંહોના લાંબાગાળાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગનું વહીવટી માળખું વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે. નવી રેન્જ-બીટ રચના સાથે વિસ્તારવાર જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે.

પોરબંદર રેન્જ હેઠળ 6,840.84 હેક્ટર વિસ્તાર અને 80 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રાણાવાવ રેન્જ હેઠળ 13,051.25 હેક્ટર અને 27 ગામોનો વિસ્તાર રાખવામાં આવ્યો છે. પોરબંદર, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા જેવા વિસ્તારોને અલગ-અલગ બીટમાં ગોઠવવામાં આવ્યા છે. રાણાવાવ તરફ ગોડાણા, બિલેશ્વર, સાવડીવદર અને રાણાવાવ સહિતના વિસ્તારોને પણ બીટ પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે.

ભાણવડ રેન્જમાં 305.94 હેક્ટર વિસ્તારનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુતિયાણા રેન્જ તથા પોરબંદર અને રાણાવાવની સામાજિક વનીકરણ રેન્જોને પોરબંદર વન વિભાગ હેઠળ લાવવામાં આવી છે. બે મદદનીશ વન સંરક્ષકો હેઠળ અલગ-અલગ રેન્જની જવાબદારી ગોઠવાઈ છે. સ્ટાફ ઉપરાંત વાહનો, હથિયારો, વૉકી-ટૉકી, વાયરલેસ અને અન્ય સાધનસામગ્રીની વહીવટી જવાબદારી પણ નવી રચના પ્રમાણે ગોઠવવામાં આવી છે.

આ આખી રચનાનો અર્થ કાગળ પર વિભાગની હદો બદલાઈ એટલો જ નથી. જંગલમાં કોઈ ઘટના બને ત્યારે કોણ પહોંચશે, કયા અધિકારી પાસે જવાબદારી રહેશે, કયા વિસ્તારમાં પેટ્રોલિંગ કેવી રીતે થશે અને વન્યજીવ સંબંધિત નિર્ણય કેટલા ઝડપથી લઈ શકાશે, આ બધું સ્પષ્ટ હોવું જરૂરી છે. સિંહોની નવી વસ્તી ઊભી થઈ રહી હોય ત્યારે આ પ્રકારનું વહીવટી માળખું તેનું સંરક્ષણ લાંબાગાળે ચલાવવા માટે મહત્વનું બને છે.

બરડામાં સિંહો માટે ફક્ત જંગલ નહીં, આખું પર્યાવરણ

બરડાની વાત કરતા ઘણી વાર ધ્યાન સિંહ પર જ અટકી જાય છે. પરંતુ સિંહની હાજરી પાછળ બરડાનું આખું પર્યાવરણ છે. એક સિંહને જોઈને આપણે જે પ્રાણીની વાત કરીએ છીએ, તેની પાછળ ચિતલના ટોળાં છે, સાંબર છે, નીલગાય છે, જંગલી ભૂંડ છે, ઘાસ છે, ઝાડ છે, પાણી છે અને ડુંગરોની વચ્ચેના એવા રસ્તા છે જ્યાંથી વન્યજીવ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જઈ શકે. બરડા વ્યવસ્થાપન યોજનામાં પણ આ આખા તંત્રને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ક્યાંક આક્રમક વનસ્પતિ દૂર કરવાની જરૂર છે, ક્યાંક ઘાસિયાં વિસ્તાર સુધારવાના છે, ક્યાંક પાણીની વ્યવસ્થા મજબૂત કરવાની છે. ક્યાંક ગેરકાયદે શિકાર રોકવાનો છે તો ક્યાંક અતિક્રમણ સામે નજર રાખવાની છે. માલધારીઓ અને સ્થાનિક લોકો સાથેનો સંબંધ પણ આ જ વ્યવસ્થાનો ભાગ છે. આ જ કારણ છે કે બરડાની સિંહકથા માત્ર વન્યજીવ વિભાગની કથા નથી. આ આખા ભૂભાગની કથા છે.

સૌરાષ્ટ્રમાં જંગલ અને ગામ વચ્ચેની રેખા ઘણી જગ્યાએ એવી નથી જેવી નકશામાં દેખાય છે. વગડો ક્યાં પૂરો થાય અને ખેતર ક્યાં શરૂ થાય, ડુંગરની આ બાજુ વન છે અને પેલી બાજુ માણસનું ઘર, આ બધું અહીં વર્ષોથી એકબીજાની નજીક રહ્યું છે. માલધારીની ગાયો-ભેંસો જ્યાં ચરે છે તે વિસ્તાર અને સિંહ જે રસ્તે પસાર થાય છે તે ક્યારેક એક જ ભૂગોળના ભાગ હોય છે. એટલે સિંહોનું બીજું ઘર મજબૂત બનાવવાનું કામ વન વિભાગની કચેરીથી આગળ જઈને સ્થાનિક જીવન સાથે પણ જોડાય છે. ગુજરાતે ગીરના જંગલમાં આ સહઅસ્તિત્વનો લાંબો અનુભવ મેળવ્યો છે. હવે એ અનુભવ બરડામાં પણ કામ લાગશે.

ગીરથી બરડા સુધીની કથા હજુ પૂરી થઈ નથી

બરડામાં નોંધાયેલા 17 સિંહોને અંતિમ આંકડો સમજવાની જરૂર નથી. આ તો નવી વસ્તીનો હાલનો ફોટોગ્રાફ છે. સત્તાવાર ગણતરીએ પણ બરડાને નવી સ્થાપિત સેટેલાઇટ વસ્તી તરીકે નોંધ્યું છે અને તેને ગુજરાતમાં સિંહોના બીજા ઘર તરીકે લાંબાગાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. આગળ આ વસ્તી કેટલી વધે છે, બરડામાં માદાઓ અને બચ્ચાં કેટલા સ્થાયી થાય છે, શિકાર પ્રાણીઓની વસ્તી કેવી રીતે વિકસે છે, સિંહોનો વિસ્તાર કેટલો ફેલાય છે અને સ્થાનિક માનવ વસાહતો સાથે તેમનું સહઅસ્તિત્વ કેવી રીતે આગળ વધે છે, આ બધું આગામી વર્ષોની વાત છે.

પરંતુ એક વાત અત્યારથી સ્પષ્ટ છે. બરડામાં જે બન્યું છે તે ગુજરાતના સિંહ સંરક્ષણની જૂની ગાથાનું જ આગળનું પ્રકરણ છે. એક સમય હતો જ્યારે એશિયાટિક સિંહને બચાવવાનો સવાલ હતો. ગીરે તેને બચાવ્યા, સંરક્ષણ વ્યવસ્થાએ તેની વસ્તી વધારી અને હવે એ જ સિંહ પોતાની જૂની હદોની બહાર ફરી રહ્યો છે. બરડામાં તેની વાપસી એ વાતનો પુરાવો છે કે સંરક્ષણ સફળ થાય ત્યારે પ્રાણી માત્ર બચતું નથી, તે ફરી પોતાના માટે જગ્યા શોધવા લાગે છે.

બરડામાં 143 વર્ષ પછી સિંહ પાછો આવ્યો ત્યારે કદાચ કોઈને ખબર નહોતી કે આ એક નાની ઘટના છે કે મોટી શરૂઆત. આજે પાછળ ફરીને જોઈએ તો જવાબ થોડો સ્પષ્ટ દેખાય છે. 2023માં કુદરતી રીતે આવેલો સિંહ, ત્યારબાદ ઊભી થતી વસ્તી, 2025માં નોંધાયેલા 17 સિંહ અને હવે બરડાને ધ્યાનમાં રાખીને મજબૂત બનતું પોરબંદરનું વહીવટી માળખું, આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. ગીર સિંહોનું ઘર છે. બરડા હવે તેમનું બીજું ઘર બની રહ્યું છે.

અને આ બીજા ઘરની સૌથી સુંદર વાત એ છે કે તેના દરવાજે સિંહને માણસે પહોંચાડ્યો નથી. સિંહ પોતે આવ્યો છે. માણસે માત્ર એટલું કર્યું છે કે જ્યારે તે આવ્યો ત્યારે જંગલ ખાલી ન હતું, શિકાર હતો, પાણી હતું, ઘાસ હતું, રક્ષણ હતું અને હવે તેની સાથે ચાલતું એક મજબૂત વહીવટીતંત્ર પણ છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર 143 વર્ષ પછી પાછી સંભળાયેલી સિંહની ડણક માત્ર વાપસીની ઘટના નથી. બરડામાં સિંહો ફરી ટકી શકે એવું કુદરતી પર્યાવરણ તૈયાર થઈ રહ્યું છે અને હવે આ પ્રક્રિયાને વધુ મજબૂતી મળી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં