બીજાં રાજ્યોમાં ચૂંટણી પંચ ઘોષણા કરે ત્યારે ચૂંટણી આવશે તેવી ખબર પડે છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસવાપસીના સમાચાર આવે છે.
2027ની વિધાનસભા ચૂંટણીને વરસેક બાકી છે એ પહેલાં ફરી ઉડતી-ઉડતી વાત આવી છે. આ વખતે જોકે ચર્ચા વધારે છે એનું કારણ એ છે કે કોંગ્રેસ અને શંકરસિંહ બંને પક્ષેથી પુષ્ટિ થઈ છે.
આ જોકે પહેલી વખત પણ નથી. 2017માં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી છોડી પછી ઘણી વખત આવા સમાચાર ફરતા થયા પણ બાપુ ક્યારેય ફરી કોંગ્રેસના ન થયા. વચ્ચે ઘણી વખત જાહેરમાં કોંગ્રેસનું સમર્થન કરતા રહ્યા એ જુદી વાત છે. હમણાં થોડા સમય પહેલાં પણ શંકરસિંહે જાહેરમાં કહ્યું કે કોંગ્રેસને ગુજરાતમાં ભાજપને હરાવવામાં રસ હોય તો તેમનો સંપર્ક કરે.
સંપર્ક કરવાનું કામ જેમના માથે હતું એ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી મુકુલ વાસનિકે ‘માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં’ જેવું રાખ્યું હતું. તેમણે ગુજરાત કોંગ્રેસમાં કામ કરવામાં ઝાઝો રસ દાખવ્યો નહીં અને જેમ ચાલે છે એમ ચાલવા દીધું. એ પણ હકીકત છે કે હવે ગુજરાત કોંગ્રેસમાં કામ કરવા જેવું કશું રહ્યું પણ નથી. પણ હમણાં પ્રભારી તરીકે નવા આવેલા રણદીપ સુરજેવાલાને આમાં નવાજૂની કરવામાં રસ જાગ્યો હોય એમ જણાય છે.
સમાચાર અહેવાલો, ચર્ચાઓ, અમુક ચેનલો સાથે શંકરસિંહની ચર્ચાઓ– આ બધા પરથી સમજાય છે કે ઘણા સમયથી ઓફર આપતા રહેતા બાપુનો સંપર્ક કોંગ્રેસે આખરે કર્યો છે અને પ્રભારી અને પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે વાતચીત પણ થઈ છે. પણ કોંગ્રેસમાં નિર્ણયો તો હાઈકમાન્ડ સ્તરેથી થાય છે અને ત્યાં હાઇકમાન્ડનો એટલે માત્ર ગાંધી પરિવાર. હાલ આ બધું રાહુલ ગાંધીના હાથમાં છે.
શંકરસિંહ વાઘેલા કહે છે કે તેમણે કોઈ શરત મૂકી નથી. પણ એક રીતે એ પણ એક શરત જ છે. મે 2026માં જ્યારે શંકરસિંહે કહ્યું હતું કે પોતે કોંગ્રેસ સાથે કામ કરવા ઇચ્છે છે ત્યારે એ પણ કહ્યું હતું કે તેમને ટિકિટ મેળવવામાં કે કોઈ પદ મેળવવામાં કોઈ રસ નથી કે ન મુખ્યમંત્રી પદના દાવેદાર બનવું છે, પરંતુ કામ તેઓ કહે એ પ્રમાણે થવું જોઈએ અને કેમ્પેઈન પોતે ડિઝાઇન કરશે, અથવા તેમાં પોતાનો સિંહફાળો હશે.
આ વખતે જોકે તેમણે નવેસરથી કોઈ શરતની વાત કરી નથી પરંતુ સ્વાભાવિક રીતે તેઓ જો પાર્ટીમાં આવે તો રાજકીય કદ અને ઉંમરને જોતાં ટોચનું સ્થાન જ આપવું પડે. આ કામ બે કારણોસર કઠિન છે.
એક: ગુજરાત કોંગ્રેસમાં હમણાં પણ આંતરિક વિખવાદ જબરો ચાલે છે. હમણાં જ બનાસકાંઠામાં જિલ્લા સ્તરે સંગઠન બનાવ્યું એને પ્રદેશ કક્ષાએથી બરખાસ્ત કરી દેવામાં આવ્યું. પાર્ટી ચૂંટણીમાં પણ કશું ઉકાળી શકતી નથી એટલે એનો અસંતોષ તો ઘણા સમયથી છે. નેતાઓ પણ અંદરોઅંદર બાખડતા રહે છે. આ બધામાં શંકરસિંહ સીધા આવીને પાવર હાથમાં લઈ લે એ શક્ય નથી. જો તેવું થાય તો પાર્ટીમાં આંતરિક વિખવાદ હજુ વધશે.
બે: રાહુલ ગાંધી ગુજરાતમાં બીજું પાવર સેન્ટર ઊભું થવા દે એમ નથી. તેઓ પોતે ભૂતકાળમાં ગુજરાતમાં મોદી-શાહને હરાવવાના બણગા ફૂંકી ચૂક્યા છે. ગુજરાતની ચૂંટણી આવે ત્યારે તેઓ બધી સત્તા શંકરસિંહને સોંપી દે એ પણ શક્ય નથી. એક શક્યતા એ છે કે શંકરસિંહ અને રાહુલ ગાંધી સાથે મળીને કામ કરે, પણ તેમાં પણ ભાજપને જ ઝાઝો ફાયદો છે એ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. જો તેમ થાય તોપણ પ્રદેશ કક્ષાના નેતાઓમાં નારાજગી વધશે એ સ્વાભાવિક છે.
રાહુલ ગાંધી જે રીતે રાજકારણ કરે છે અને સિનિયર નેતાઓ સાથે જે પ્રકારે તેમના ‘સંબંધો’ રહ્યા છે તેને જોતાં શંકરસિંહની ઘરવાપસી પર તેઓ વધારે રસ લેશે એ માનવું પણ કઠિન છે. એટલે પ્રબળ શક્યતાઓ છે કે આ બધું રાહુલ ગાંધીની મંજૂરીના સ્તરે જ અટકી પડે અને ફરી એક વખત બાપુ કોંગ્રેસમાં આવશે એ વાત હેડલાઇનોમાં જ રહી જાય.
તેમ છતાં જો કશુંક નવાજૂની થઈ અને શંકરસિંહ કોંગ્રેસમાં આવી પણ ગયા તોપણ તેઓ પરિસ્થિતિમાં ધરમૂળથી ફેરફારો લાવી શકવાના નથી.
2017ની વિધાનસભા ચૂંટણી પછી સતત તૂટતી જતી કોંગ્રેસ 2022 પછી સાવ નબળી પડી ગઈ છે. હવે પરિસ્થિતિ એ છે કે મોટેભાગના ઠેકાણે સંગઠન બચ્યું નથી. એટલે જ સતત ચૂંટણીઓમાં પરાજય થતો જાય છે. સરકાર અને સત્તાપક્ષ એટલાં મજબૂત થઈ ગયાં છે કે કોંગ્રેસ હવે તેમની સામે પડકાર ઊભા કરી શકતી નથી. વચ્ચે ખેડૂતોના આંદોલન જેવા અમુક મુદ્દાઓમાં પ્રયાસ કરી જોયા પણ હવે સ્થિતિ 2015-16 જેવી રહી નથી. કોંગ્રેસને સંગઠનનો અભાવ ડગલે ને પગલે નડે છે.
આ સંજોગોમાં સંગઠન ફરીથી બેઠું કરવું એ બહુ અઘરું કામ છે. શક્તિસિંહ ગોહિલ એક આખી ટર્મ પૂરી કરી ગયા પણ ન કરી શક્યા અને આખરે રાજીનામું આપી દેવું પડ્યું. ફરી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા. જેઓ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ પાર્ટી અધ્યક્ષ હતા અને પાર્ટીને માત્ર 17 બેઠકો મળી હતી. આજે આંકડો 13 જ રહી ગયો છે.
શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી, વરિષ્ઠ રાજકારણી તરીકે માન-સન્માન પામે, સામાજિક કદ જોતાં તેમનું સન્માન થાય એ અલગ વાત છે, પણ એ મતમાં ફેરવાવાનું નથી. આટલાં વર્ષો પછી હવે તેઓ પ્રાસંગિકતા ગુમાવી બેઠા છે. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા પછી તેઓ અનેક પાર્ટીઓ બનાવી ચૂક્યા છે અને એક પણ પાર્ટી એક પણ ચૂંટણીમાં સામાન્ય કહી શકાય એવું પણ પ્રદર્શન કરી શકી નથી. તેનું પણ સંગઠન જેવું કશું નથી. બાપુ માત્ર સમયાંતરે કશુંક બોલી દે છે, મીડિયા એને ચલાવે છે, લોકો બહુ ગંભીરતાથી લીધા વગર ચર્ચા કરે છે અને મુદ્દો પૂરો થઈ જાય છે.
પ્રામાણિકતાથી કહીએ તો શંકરસિંહ માટે હવે પોતે મોદીને અને ભાજપને આ ભવે નહીં હરાવી શકે એવું સ્વીકારી લઈને નિવૃત્તિ લઈ લેવાનો શ્રેષ્ઠ સમય છે. પરંતુ તેમને મૃતપ્રાય થઈ ગયેલી કોંગ્રેસને બેઠી કરવાનો અભરખો જાગ્યો છે. પણ એ પણ હકીકત છે કે બીજી તરફ શંકરસિંહની પણ રાજકીય પરિસ્થિતિ બહુ સારી નથી.
શંકરસિંહ અને કોંગ્રેસ બંને INDI ગઠબંધનની પાર્ટીઓ જેવા છે. બંને વચ્ચે અનેક વાતે મતભેદ છે પણ મોદીદ્વેષ સામાન્ય છે. તેઓ એ પણ જાણે છે કે એકલે હાથે હવે ભાજપને હરાવી શકે એમ નથી એટલે એકબીજાનો સહકાર શોધે છે. પણ સંભવતઃ સાથે આવી જાય તોપણ વધારે ફેર પાડી શકે તેમ નથી.
એટલે આમાં પહેલાં તો શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં સામેલ થવાની પ્રક્રિયા પણ સરળ નથી, જો જોડાય પણ ગયા તો તેઓ ઝાઝું કશું કરી શકવાના નથી. 2027ની ચૂંટણી હવે કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ છે.


