હોમપેજસ્પેશ્યલચિતકારામાં ‘ભૂત’ની અફવા, LPUમાં બળાત્કાર-આત્મહત્યાના આરોપ: બે દિવસમાં પંજાબની બે યુનિવર્સિટીમાં કેમ...

ચિતકારામાં ‘ભૂત’ની અફવા, LPUમાં બળાત્કાર-આત્મહત્યાના આરોપ: બે દિવસમાં પંજાબની બે યુનિવર્સિટીમાં કેમ ફાટી નીકળ્યો હોબાળો?

પંજાબની LPU અને ચિતકારા યુનિવર્સિટીમાં થયેલી હિંસા, તોડફોડ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એક સ્પષ્ટ સત્ય છે, પરંતુ તેની પાછળ સોશિયલ મીડિયા પર ફેલાયેલી બળાત્કાર અને આત્મહત્યાની અફવાઓ જવાબદાર હતી કે કોઈ સંગઠિત ષડયંત્ર, તે હજુ સાબિત થયું નથી.

- Advertisement -

પંજાબની બે મોટી ખાનગી યુનિવર્સિટીઓ- ચિતકારા યુનિવર્સિટી અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) છેલ્લા બે દિવસથી ભારે ચર્ચામાં છે. રાજપુરા સ્થિત ચિતકારા યુનિવર્સિટી અને ફગવાડા સ્થિત LPUમાં ફેલાયેલી સોશિયલ મીડિયા અફવાઓએ માત્ર વિદ્યાર્થીઓની સુરક્ષા જ નહીં, પરંતુ કાયદો-વ્યવસ્થા અને વહીવટીતંત્રની ક્ષમતા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ચિતકારામાં ‘ભૂત’ અને વિદ્યાર્થીનીઓ ગુમ થવાની વાતથી શરૂ થયેલો વિરોધ LPU સુધી પહોંચતા હિંસા, તોડફોડ અને નેશનલ હાઇવે બ્લોક થવા સુધી વધી ગયો હતો.

આ સમગ્ર મામલાની શરૂઆત ચિતકારા યુનિવર્સિટીથી થઈ હતી. યુનિવર્સિટીમાં 23 સપ્ટેમ્બરે એવી અફવા ફેલાઈ કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભૂત છે. કેટલીક વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો કે તેમણે હોસ્ટેલમાં ડરામણા અવાજો સાંભળ્યા છે. બાદમાં પોલીસે તપાસ કરી તો ખબર પડી કે કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્પીકર પર હોરર સાઉન્ડ વગાડીને માત્ર પ્રેન્ક કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર એવો દાવો કરાયો કે વર્ષો પહેલાં અહીં કોઈ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી અને તેનો આત્મા ફરી રહ્યો છે.

આ ભયને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે 24 સપ્ટેમ્બરની વહેલી સવારે ગર્લ્સ હોસ્ટેલમાં બે એમ્બ્યુલન્સ જોવા મળી. વિદ્યાર્થીઓમાં સવાલો ઉઠવા લાગ્યા કે જો કંઈ થયું નથી તો એમ્બ્યુલન્સ કેમ આવી? ત્યારબાદ સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવ્યા કે બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ ગઈ છે અથવા તેમણે આત્મહત્યા કરી છે. કેટલાક મેસેજમાં તો આ ઘટનાને હોસ્ટેલમાં ‘ભૂત’ દેખાવા સાથે પણ જોડવામાં આવી. પરંતુ યુનિવર્સિટી તંત્રએ સ્પષ્ટતા કરી કે એમ્બ્યુલન્સ માત્ર એક બીમાર વિદ્યાર્થિનીને હોસ્પિટલેથી પરત લાવવા માટે આવી હતી. આ ઘટનાને આત્મહત્યા કે મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નહોતા.

- Advertisement -

શુક્રવાર, 25 સપ્ટેમ્બરની રાત્રે આશરે 10:30 વાગ્યે ચિતકારા યુનિવર્સિટીમાં સ્થિતિ ગંભીર બની. સોશિયલ મીડિયાના મેસેજથી ઉશ્કેરાઈને સેંકડો વિદ્યાર્થીઓ હોસ્ટેલ બહાર આવ્યા. તેઓ CCTV કેમેરાના ફૂટેજ બતાવવાની માંગ કરવા લાગ્યા. પોલીસ પહોંચી ત્યારે પણ જે વિદ્યાર્થીઓ ‘બે છોકરીઓ ગુમ છે’ અથવા ‘બે વિદ્યાર્થીનીઓનું મૃત્યુ થયું છે’ એવો દાવો કરી રહ્યા હતા, તેઓ કથિત વિદ્યાર્થિનીઓનાં નામ કે અન્ય ઓળખ આપી શક્યા નહોતા. પોલીસે તપાસ કર્યા બાદ કહ્યું કે કોઈ વિદ્યાર્થી ગુમ હોવા કે આત્મહત્યા કર્યાના પુરાવા મળ્યા નથી

એવું સામે આવ્યું છે કે ચિતકારા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ બે પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. એક પોલીસ અધિકારી સાથે મારપીટ પણ કરી હતી. બીજી તરફ યુનિવર્સિટીએ અધિકૃત નિવેદન આપીને સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પરના તમામ દાવાઓ તદ્દન ખોટા અને આધારવિહોણા છે.

LPUમાં બળાત્કાર અને આત્મહત્યાનો દાવો

હજુ ચિતકારાનો મામલો શાંત થયો નહોતો ત્યાં જ 140 કિલોમીટર દૂર ફગવાડા સ્થિત LPUમાં પણ આવી જ પેટર્ન જોવા મળી. આરોપ લાગ્યો કે 23 સપ્ટેમ્બરે ગર્લ્સ હોસ્ટેલ-3માં એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર થયો છે. વધુમાં એવી પણ અફવા ફેલાવાઈ કે તેણે આત્મહત્યા કરી લીધી છે અને તંત્રે મામલો દબાવી દીધો છે. એવો આરોપ હતો યુનિવર્સિટીમાં બહારથી આવેલા કોઈ શ્રમિકે આ કૃત્ય કર્યું છે.

27 સપ્ટેમ્બરની વહેલી સવારે LPU ગર્લ્સ હોસ્ટેલ-3 નજીકથી વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી, બારીઓના કાચ તોડ્યા અને કેટલીક જગ્યાએ આગચંપી પણ કરી. આ વિરોધ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રદર્શન માટે મુકાયેલા નિવૃત્ત MiG-23 વિમાન અને સૈન્ય ટેન્ક પર પણ ચડી ગયા હતા. જોતજોતામાં આ સ્થાનિક કેમ્પસ વિવાદ સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રીય સ્તરના સમાચાર બની ગયો.

વિરોધનું સ્વરૂપ એટલું વકર્યું કે વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર આવી ગયા અને જાલંધર-ફગવાડા નેશનલ હાઇવે (NH-44) સંપૂર્ણપણે બ્લોક કરી દીધો. આ હાઇવે પંજાબના મુખ્ય વાહનવ્યવહાર માર્ગોમાંથી એક હોવાથી હજારો વાહનો અટવાઈ ગયાં હતાં. 15 કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે પોલીસનો દાવો છે કે સમજાવટ દરમિયાન વિદ્યાર્થીઓ તરફથી પથ્થરમારો અને બોટલો ફેંકવામાં આવી, જેના કારણે પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવી પડી. આ ઘટનામાં ત્રણ પોલીસ વાહનોને સળગાવી દેવામાં આવ્યાં અને કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા.

LPU રજિસ્ટ્રારનું નિવેદન

હાલમાં પ્રશ્ન એ છે કે શું વાસ્તવમાં યુનિવર્સિટીમાં બળાત્કારની કોઈ ઘટના બની હતી કે કેમ? જોકે હજી સુધી આવી ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી અને પોલીસ તપાસ ચાલી રહી છે. બીજી તરફ LPU મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલ તમામ દાવાઓને પાયાવિહોણા અને બનાવટી ગણાવ્યા છે. રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુપ્તાએ જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી ફેલાવીને કેમ્પસનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

આ ઉપરાંત LPU પ્રશાસને રૂમ નંબર 504માં રહેતી ત્રણ વિદ્યાર્થિનીઓનો એક વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના રૂમમાં બળાત્કાર જેવી કોઈ ઘટના બની નથી. જોકે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરીઓને આવું બોલવા માટે સૂચના અપાઈ હતી. તેથી પોલીસ આ સમગ્ર વિડીયો ક્લિપ અને તેની પાછળના સત્યની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પંજાબ પોલીસે SIT રચી શરૂ કરી તપાસ

આ મામલે કપૂરથલા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બળાત્કારની FIR નોંધી છે અને SITની રચના કરી છે. આ SITમાં ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. હાલ એક તરફ યુનિવર્સિટી સંચાલકો આખી ઘટનાને માત્ર અફવા ગણાવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ કાયદાકીય તપાસ આગળ ધપાવી રહી છે. જોકે, પ્રાથમિક પોલીસ તપાસમાં અત્યાર સુધી બળાત્કાર થયો હોવાનો કોઈ નક્કર પુરાવો મળ્યો હોવાની પુષ્ટિ થઈ નથી.

જાલંધર રેન્જના ડીઆઈજી નવીન સિંગલાના જણાવ્યા અનુસાર, હોસ્ટેલના રૂમ નંબર 504માં રહેતી ત્રણેય વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ છેલ્લા બે મહિનાથી ત્યાં રહે છે અને ત્યાં કોઈ અપ્રિય બનાવ બન્યો નથી. છતાં, પુરાવા ન મળવાનો અર્થ એવો નથી કે FIR ખોટી છે. પોલીસ હજુ CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને અન્ય ટેકનિકલ માહિતી તપાસી રહી છે, જે પૂર્ણ થયા બાદ જ સત્ય સામે આવશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં એક જ રાજ્યમાં માત્ર એક દિવસના અંતરે બે મોટા કેમ્પસમાં ઝડપથી આક્રોશ કેવી રીતે ફેલાયો, તે સૌથી ગંભીર પ્રશ્ન છે. પંજાબ પોલીસના સ્પેશિયલ DGP પરવીન કુમાર સિન્હાના જણાવ્યા અનુસાર પોલીસ બંને કેમ્પસની ઘટનાઓ વચ્ચે કોઈ સંભવિત કડી છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જોકે, અત્યાર સુધી બંને જગ્યાએથી કોઈ ચોક્કસ વ્યક્તિ કે વિદ્યાર્થીને ભીડ ઉશ્કેરનાર મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખી શકાયો નથી, તેથી હાલમાં જ આને કોઈ એક આયોજિત ષડયંત્ર ગણવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી.

બહારના લોકોની સંડોવણીની પણ શક્યતાઓ

તપાસનો બીજો એક મહત્વનો એંગલ કેમ્પસમાં ‘બહારના તત્વો’ની સંભવિત ભૂમિકાનો છે. પંજાબના DGP ગૌરવ યાદવે LPU કેમ્પસમાં બહારના લોકોની સંડોવણી હોવાની શક્યતા દર્શાવી છે. અહેવાલો મુજબ, કેમ્પસમાંથી વોકી-ટોકી મળી આવી હોવાની માહિતી સામે આવી છે અને સુરક્ષા જાળવવા માટે 2,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. આ બધી બાબતોની સાથે ભગવંત માન સરકાર સામે કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતા અંગે સવાલો પણ ઊભા થયા છે.

આ ઘટના બાદ વિપક્ષી પક્ષોએ શાસક આમ આદમી પાર્ટી (AAP) સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવનીત સિંઘ બિટ્ટુએ આરોપ લગાવતા કહ્યું કે LPUમાં સર્જાયેલી અશાંતિ પાછળ AAPનું ષડયંત્ર હોય શકે છે, જેનો મુખ્ય હેતુ 40 સપ્ટેમ્બરે જાલંધરમાં યોજાનારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી પર નકારાત્મક અસર પાડવાનો છે.

તેમણે સરકાર પર હિંસા રોકવાના બદલે તેને વધવા દેવાનો આરોપ પણ મૂક્યો હતો. આ સાથે પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંઘ રાજા વડિંગે પણ રાજ્યની કાયદો-વ્યવસ્થા અંગે ટીકા કરી હતી અને વિદ્યાર્થીઓને પારદર્શક તથા ઝડપી જવાબો આપવાની માંગ કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LPU પ્રશાસને 28 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે નિયમિત વર્ગો સ્થગિત કરી દીધા છે અને યોજાનારી મિડ-ટર્મ પરીક્ષાઓ પણ આગામી આદેશ સુધી મુલતવી રાખી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની સંમતિથી ઘરે જવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે કેમ્પસમાં રોકાયેલા વિદ્યાર્થીઓને સલામતી ખાતર હોસ્ટેલમાં જ રહેવાની સૂચના અપાઈ છે. બીજી તરફ, ચિતકારા યુનિવર્સિટીએ પણ 28 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખી છે. આ રીતે, અપ્રમાણિત અફવાઓથી શરૂ થયેલ વિદ્રોહે આખરે બંને મોટા શિક્ષણ ધામોની શૈક્ષણિક વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી મૂકી છે.

અંતે પંજાબની LPU અને ચિતકારા યુનિવર્સિટીમાં થયેલી હિંસા, તોડફોડ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એક સ્પષ્ટ સત્ય છે, પરંતુ તેની પાછળ સોશિયલ મીડિયા પર ફેલાયેલી બળાત્કાર અને આત્મહત્યાની અફવાઓ જવાબદાર હતી કે કોઈ સંગઠિત ષડયંત્ર, તે હજુ સાબિત થયું નથી. તેથી આ હિંસા પાછળ અફવાઓ ફેલાવનારા અને સ્થિતિ બગાડનારા મુખ્ય ગુનેગારો કોણ હતા તે પંજાબ પોલીસની SITની તપાસ બાદ જ સામે આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં