માણસ પોતાના જીવનને સામાન્ય રીતે પોતાના જન્મથી ગણવાનું શરૂ કરે છે. પરંતુ પરંપરા તેને ત્યાંથી શરૂ થવા દેતી નથી. તેની પહેલાં પણ અનેક જીવન હતાં, અનેક પેઢીઓ હતી, અનેક હાથોએ ઘર, વંશ અને સંસ્કારને આગળ ધપાવ્યો હતો. પિતૃપક્ષ એ પાછળ ફરીને જોવાનો સમય છે. પોતાના અસ્તિત્વની પાછળ ઊભેલી એ લાંબી પરંપરાને અને તેના પ્રત્યેના પિતૃઋણને સ્મરણ કરવાનો સમય છે. મૃત્યુ પછી કોઈ વ્યક્તિ આપણી આંખો સામે રહેતી નથી. વર્ષો પસાર થાય છે અને ચહેરા સ્મૃતિમાં ધીમે-ધીમે ઝાંખા પડવા લાગે છે. એક પેઢી બીજી પેઢીને પોતાના વડીલો વિશે કહે છે, પછી ક્યારેક એ વાતો પણ ઓછી થતી જાય છે. કોઈ જૂના ફોટામાંથી નામ શોધવું પડે, કોઈ ભૂલી ગયેલી વાત માટે ઘરના સૌથી વડીલ માણસને પૂછવું પડે. છતાં માણસ અને તેની પહેલાંની પેઢીઓ વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે તૂટતો નથી. શરીરનો સંબંધ એક દિવસ પૂરો થાય છે, વંશનો પ્રવાહ અટકતો નથી અને સ્મૃતિનો પણ પોતાનો એક જીવનકાળ હોય છે.
ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃસ્મરણનો આ વિશેષ સમય દ્વાર ખોલે છે. આજે થતું પૂર્ણિમા શ્રાદ્ધ મુખ્ય પિતૃપક્ષની પંદર તિથિઓનો ભાગ નથી, પરંતુ તેના એક દિવસ પહેલાં આવતી આ પૂર્ણિમા શ્રાદ્ધની વિશિષ્ટ પરંપરા ધરાવે છે. તેના પછી કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી પિતૃપક્ષની મુખ્ય યાત્રા આગળ વધે છે અને સર્વપિતૃ અમાવસ્યા સુધી પહોંચે છે. પણ આ દિવસોને સમજવા માટે આજના રિવાજોથી શરૂઆત કરવી પૂરતી નથી. પિતૃઓનો વિચાર ભારતીય ધાર્મિક પરંપરામાં એટલો પ્રાચીન છે કે તેની છાપ આપણને વેદોના મંત્રોમાં મળે છે. ત્યાંથી શરૂ થાય છે એક એવી પરંપરા, જેમાં મૃત્યુ પામેલા સ્વજનોનું સ્મરણ ધીમે-ધીમે ‘શ્રાદ્ધ’, ‘તર્પણ’, ‘પિંડ’ અને ‘પિતૃઋણ’ જેવા વિશાળ ધાર્મિક વિચારો સાથે જોડાતું જાય છે.
વેદોમાં જ્યારે પિતૃઓને બોલાવવામાં આવ્યા
ઋગ્વેદના દસમા મંડળનું પંદરમું સૂક્ત પિતૃઓને સમર્પિત છે. અહીં પિતૃઓને આહ્વાન કરવામાં આવે છે. મંત્રમાં ‘નીચલા, ઉપરના અને મધ્યના’ પિતૃઓને આવવા માટે કહેવામાં આવે છે અને તેમને ‘ઋતજ્ઞ’, ઋતને જાણનારા તરીકે સંબોધવામાં આવે છે. આગળના મંત્રોમાં પોતાના પહેલાં ગયેલા પિતૃઓ સાથે યમનો પણ ઉલ્લેખ આવે છે. આ સૂક્તની એક ઋચા ખાસ ધ્યાન ખેંચે છે. તેમાં કહેવામાં આવે છે કે જે પિતૃઓ અહીં છે અને જે અહીં નથી, જેમને આપણે જાણીએ છીએ અને જેમને આપણે જાણતા નથી, તેમની સંખ્યા અગ્નિ જાણે છે. આ ભાવ પિતૃસ્મરણના વિસ્તારને સમજવા માટે મહત્વનો છે. સ્મરણ માત્ર યાદ રહેલા નામો સુધી બંધાયેલું નથી, વંશની સ્મૃતિમાં જે જાણીતા છે તેની સાથે અજાણ્યા રહી ગયેલા પૂર્વજો માટે પણ સ્થાન છે.
બીજી એક ઋચામાં અગ્નિદગ્ધ અને અનગ્નિદગ્ધ પિતૃઓનો ઉલ્લેખ આવે છે. એટલે અંતિમ સંસ્કારની રીત અલગ રહી હોય તો પણ પિતૃસ્મરણનો વિસ્તાર ત્યાં અટકતો નથી. ઋગ્વેદના આ મંત્રોમાં પિતૃઓ કોઈ દૂરની, નિર્જીવ સ્મૃતિ તરીકે નથી આવતા. તેમની સાથે સંવાદ છે, તેમને અર્પણ છે, તેમને આમંત્રણ છે અને તેમની પાસેથી કૃપાની પ્રાર્થના પણ છે. આ દૃષ્ટિ પછીની શ્રાદ્ધ પરંપરાની પૃષ્ઠભૂમિ સમજવામાં મદદ કરે છે. આજના પિતૃપક્ષમાં જે વિધિઓ આપણને પરિચિત છે, તેમની વિસ્તૃત રચના પછીના ગૃહ્યસૂત્રો, ધર્મસૂત્રો, સ્મૃતિગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે, પરંતુ પિતૃઓને અર્પણ અને સ્મરણ કરવાનું વૈદિક મૂળ ઘણું જૂનું છે. અહીંથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે માણસ પોતાના પહેલાં ગયેલા લોકો પ્રત્યે ‘ઋણ’માં કેવી રીતે હોય શકે?
પિતૃઋણ: જે જન્મ સાથે જ આવે છે
ભારતીય વિચારમાં ઋણનો અર્થ માત્ર કોઈ પાસેથી લીધેલી વસ્તુ પાછી આપવાની ફરજ નથી. તે જીવનમાં આપણને જે મળ્યું છે તેની સામેની જવાબદારીનો પણ અર્થ ધરાવે છે. તૈત્તિરીય સંહિતા અને શતપથ બ્રાહ્મણમાં ‘ત્રણ ઋણ’નો વિચાર સ્પષ્ટ સ્વરૂપે મળે છે. ઋષિઓનું ઋણ, દેવોનું ઋણ અને પિતૃઓનું ઋણ. તૈત્તિરીય સંહિતામાં મનુષ્યના જન્મ સાથે આ ત્રણ ઋણનો ઉલ્લેખ આવે છે, પિતૃઋણનો સંબંધ પ્રજા સાથે જોડવામાં આવ્યો છે.
આ વિચારની ઊંડાઈ એ છે કે મનુષ્યને પોતાનું જીવન સંપૂર્ણપણે પોતાની કમાણી માનવામાં આવતું નથી. જન્મ પહેલાં જ તેને ઘણું પ્રાપ્ત થઈ ચૂક્યું છે. શરીર માતા-પિતાથી મળે છે. વંશ મળે છે. ભાષા મળે છે. ઘર અને પરિવાર મળે છે. જ્ઞાનની પરંપરા મળે છે. સંસ્કાર મળે છે. જીવન જીવવાની રીત મળે છે. આ બધું કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી. પેઢીઓના જીવનમાંથી પસાર થઈને તે આગળ આવ્યું છે. પિતૃઋણ આ વારસાની સ્વીકૃતિ છે.
ધર્મશાસ્ત્રીય પરંપરામાં આ ઋણમાંથી મુક્ત થવા માટે સંતાન, ગૃહસ્થધર્મ અને પિતૃકર્મ સાથે જોડાયેલી વિવિધ જવાબદારીઓનું વર્ણન મળે છે. પછીના ગ્રંથોમાં શ્રાદ્ધ અને પિતૃકર્મ આ પરંપરાના મહત્વના અંગ બને છે. અહીં ‘ઋણ’ શબ્દને ભાર તરીકે જોવાની જરૂર નથી. તેમાં કૃતજ્ઞતાનો એક પ્રાચીન ભાવ છુપાયેલો છે. જેને કારણે આપણે અહીં છીએ, તેને સ્વીકારવું. જે વારસો આપણને મળ્યો છે તેની કદર કરવી અને પોતાની પછીની પેઢી સુધી કંઈક યોગ્ય રીતે પહોંચાડવાની જવાબદારી સમજવી. પિતૃપક્ષ આ વિચારને વર્ષમાં એક નિશ્ચિત સમય આપે છે.
શ્રાદ્ધમાં ‘શ્રદ્ધા’ કેમ કેન્દ્રમાં આવે છે?
‘શ્રાદ્ધ’ શબ્દ સાંભળતાં સૌથી પહેલાં વિધિ યાદ આવે છે. પિંડ, તર્પણ, અન્ન, દાન, બ્રાહ્મણભોજન. પરંતુ આ સમગ્ર પરંપરાના કેન્દ્રમાં ‘શ્રદ્ધા’ છે. મૃત સ્વજન સામે હાજર નથી. તેમને બોલાવીને જવાબ મેળવી શકાતો નથી. આંખે જોઈ શકાય તેવી ઉપસ્થિતિ નથી. છતાં તેમના માટે અર્પણ કરવામાં આવે છે. અહીંથી શ્રાદ્ધનું આંતરિક સ્વરૂપ સમજાય છે. વિધિ બહારથી કરવામાં આવે છે, પરંતુ તેનો આધાર અંદરના સ્વીકારમાં છે. માણસ સ્વીકારી રહ્યો છે કે પોતાના પહેલાંના જીવન સાથે તેનો સંબંધ હતો, છે અને તેની સ્મૃતિને ધાર્મિક જીવનમાં સ્થાન આપવું યોગ્ય છે. પછીની પરંપરામાં શ્રાદ્ધ એક સુવ્યવસ્થિત કર્મકાંડ તરીકે વિકસ્યું. ગૃહ્યસૂત્રોમાં શ્રાદ્ધવિધિના પ્રારંભિક સ્વરૂપો જોવા મળે છે, જેમાં પિંડદાન અને બ્રાહ્મણભોજન જેવા અંગોનો સમાવેશ થાય છે. પરંતુ ઘરમાં તૈયાર થયેલી થાળીથી લઈને વૈદિક મંત્ર સુધી એક જ સૂત્ર ચાલે છે. અર્પણ.
માણસ પોતે ખાઈ લે તે પહેલાં કોઈને અર્પણ કરે છે. પોતાના માટે રાખી શકે તેવી વસ્તુમાંથી થોડો ભાગ અલગ કરે છે. પિતૃપક્ષમાં આ ભાવ ખાસ કરીને પિતૃઓ તરફ વળે છે. અન્ન હોય કે જળ, દાન હોય કે પિંડ, તેમાં ‘મારું’ થોડા સમય માટે ‘અમારું’ બની જાય છે અને વર્તમાન પોતાના પહેલાંની પેઢીઓ સાથે ફરી એક વાર સંબંધ બાંધે છે.
પૂર્ણિમાથી અમાવસ્યા સુધીની આ યાત્રા
આજે ભાદરવા પૂર્ણિમાના દિવસે થતું શ્રાદ્ધ પોતાની આગવી પરંપરા ધરાવે છે. વિવિધ ધર્મશાસ્ત્રીય પરંપરાઓમાં આ પૂર્ણિમા સાથે વિશિષ્ટ પિતૃકર્મના સંદર્ભો મળે છે. હેમાદ્રિ અને માર્કંડેય પુરાણના ઉલ્લેખોના આધારે કેટલીક પરંપરાઓમાં આ દિવસે ચોક્કસ પૂર્વજોના શ્રાદ્ધની વાત કરવામાં આવે છે. તેને પ્રોષ્ઠપદી પૂર્ણિમા અથવા શ્રાદ્ધિ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મુખ્ય પિતૃપક્ષ અહીંથી બીજા જ દિવસે પોતાના પરંપરાગત માર્ગે આગળ વધે છે. કૃષ્ણ પક્ષની તિથિઓ પોતાના ક્રમે આવે છે અને દરેક તિથિ સાથે પિતૃકર્મની અલગ પરંપરાઓ જોડાયેલી છે. ઉત્તર ભારતીય પૂર્ણિમાંત અને દક્ષિણ ભારતીય અમાન્ત પંચાંગોમાં મહિનાના નામમાં તફાવત જોવા મળે છે, પરંતુ પિતૃપક્ષની આ જ તિથિઓનું ધાર્મિક પાલન વ્યાપક રીતે જોવા મળે છે.

આ યાત્રાનો અંત સર્વપિતૃ અમાવસ્યાએ થાય છે. જે પૂર્વજની મૃત્યુતિથિ જાણીતી ન હોય અથવા નિર્ધારિત તિથિએ શ્રાદ્ધ ન થઈ શક્યું હોય, તેમના માટે અમાવસ્યાનું વિશેષ સ્થાન છે. પિતૃપક્ષના અંતે આવતી આ તિથિ જાણીતા અને અજાણ્યા, બધા પિતૃઓના સામૂહિક સ્મરણ માટે વિશેષ માનવામાં આવે છે. એટલે પિતૃપક્ષની શરૂઆત અને અંત વચ્ચેનો આ સમય માત્ર પંચાંગની તિથિઓનો ક્રમ નથી. તે સ્મરણના વિસ્તરતા વર્તુળ જેવો છે, પોતાના જાણીતા સ્વજનોમાંથી શરૂ થઈને ધીમે-ધીમે એવા પૂર્વજો સુધી પહોંચતો, જેમનાં નામ પણ હવે કદાચ કોઈને યાદ નથી.
પિતૃયજ્ઞથી પિતૃપક્ષ સુધી
ગૃહસ્થના દૈનિક ધર્મમાં પિતૃયજ્ઞનું પણ સ્થાન છે. પંચમહાયજ્ઞની પરંપરામાં દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને બ્રહ્મયજ્ઞનો ઉલ્લેખ મળે છે. નારદ પુરાણમાં પણ આ પાંચ યજ્ઞોની ગણના કરવામાં આવી છે અને પિતૃયજ્ઞને ગૃહસ્થના ધાર્મિક કર્તવ્યના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો છે. આ બાબત પિતૃસ્મરણને માત્ર વર્ષમાં એક વખત આવતી પરંપરા તરીકે જોવાની બહાર લઈ જાય છે. પિતૃઓ પ્રત્યેની જવાબદારી ગૃહસ્થજીવનની વ્યાપક ધાર્મિક વ્યવસ્થાનો એક ભાગ હતી. પિતૃપક્ષે તેને એક વિશેષ કાળમાં કેન્દ્રિત કરી છે.
એટલે આજે કોઈ વ્યક્તિ પિતૃઓ માટે જળ અર્પણ કરે ત્યારે તેની પાછળ એક લાંબી પરંપરા ઊભી હોય છે. એ પરંપરા કોઈ એક પુરાણકથાથી શરૂ થતી નથી. તેનું મૂળ વૈદિક મંત્રોમાં છે, તેનું ધાર્મિક સ્વરૂપ ગૃહ્યસૂત્રો અને ધર્મશાસ્ત્રોમાં વિકસે છે અને પછી પુરાણો તથા લોકપરંપરાઓમાં તેના અનેક રંગો દેખાય છે. આ સમગ્ર પરંપરામાં એક વાત સતત રહે છે- સ્મરણને કર્મમાં ફેરવવું.
આપણા જીવનની પાછળ ઊભેલા લોકો
આપણે ઘણી વખત વંશને નામોની યાદી તરીકે જોઈએ છીએ. દાદા, પરદાદા, તેમના પિતા… અને ત્યાંથી આગળ વાત અટકી જાય છે. પરંતુ વંશ માત્ર નામોથી બનેલો નથી. દરેક પેઢી પોતાની પહેલાંની પેઢી પાસેથી કંઈક લઈને આગળ વધે છે અને પોતાની પાછળ કંઈક મૂકી જાય છે. કોઈએ જમીન બચાવી હશે. કોઈએ ઘર ઊભું કર્યું હશે. કોઈએ મુશ્કેલીમાં પરિવારને સંભાળ્યો હશે. કોઈએ કોઈ મંત્ર, કોઈ સંસ્કાર, કોઈ વાર્તા કે કોઈ વ્યવહાર આગળ પહોંચાડ્યો હશે. ઘણી બાબતોનો કોઈ લેખિત દસ્તાવેજ નથી. છતાં એ બધું આપણા જીવનમાં કોઈને કોઈ રીતે હાજર હોય છે. પિતૃપક્ષમાં આ અજાણ્યો વારસો એક ક્ષણ માટે ધ્યાનમાં આવે છે.
ઋગ્વેદના પિતૃસૂક્તમાં એક જગ્યાએ જાણીતા અને અજાણ્યા બંને પિતૃઓનો ઉલ્લેખ આવે છે. કદાચ પિતૃસ્મરણની આ સૌથી સુંદર વિશેષતાઓમાંની એક છે કે સ્મૃતિ જ્યાં પૂરી થાય છે ત્યાં પરંપરા અટકતી નથી. જેને આપણે નામથી જાણતા નથી, તે પણ આપણી પહેલાંની પેઢીઓનો ભાગ છે અને એટલે પિતૃપક્ષમાં અર્પણ કરવામાં આવતું જળ માત્ર હાથમાંથી વહેતું જળ નથી. તે એક સ્મૃતિને ધાર્મિક સ્વરૂપ આપતી ક્રિયા છે. પિંડ માત્ર અન્નનો ગોળો નથી, તે અર્પણની એ પ્રાચીન પરંપરાનો ભાગ છે જેમાં જીવતો માણસ પોતાના પહેલાં ગયેલા લોકો માટે કંઈક પોતાના હાથેથી આપે છે. શ્રાદ્ધમાં ઉચ્ચારાતું નામ માત્ર કોઈ વ્યક્તિની ઓળખ નથી, તે એક વંશકડીને ફરી સ્મરણમાં લાવવાનું માધ્યમ છે.
પિતૃપક્ષની આ શરૂઆતમાં માણસ થોડો સમય પોતાના જીવનથી પાછળ જાય છે. પોતાની પહેલાં કોણ હતું, કોની પાસેથી શું મળ્યું, કયા લોકોના જીવનમાંથી પસાર થઈને આ જીવન અહીં સુધી આવ્યું? આ સવાલો સાથે તેનો સામનો થાય છે અને ત્યાંથી ‘પિતૃઋણ’નો અર્થ પણ વધુ સ્પષ્ટ થવા લાગે છે. ઋણ ચૂકવવું એટલે ભૂતકાળને પાછો લાવી શકવો નહીં. કોઈ વિદેહ વ્યક્તિને ફરી જીવન આપી શકાતું નથી. પિતૃઋણની ભાષા માણસને એટલું જ યાદ અપાવે છે કે જીવન આપણાથી પહેલાં પણ હતું અને આપણાથી આગળ પણ જશે. આપણો હિસ્સો આ અવિરત પ્રવાહમાં થોડા સમયનો છે.
આજે પૂર્ણિમા શ્રાદ્ધ સાથે જે દ્વાર ખૂલે છે, ત્યાંથી આગામી દિવસોમાં આ પરંપરાના અલગ અલગ સ્વરૂપો સામે આવશે. પ્રતિપદાની શરૂઆતથી તર્પણ સુધી, પિતૃઋણથી પિંડદાન સુધી, માતૃસ્મરણથી સર્વપિતૃ અમાવસ્યા સુધી.
પિતૃપક્ષની આ સોળ દિવસની યાત્રામાં દરેક તિથિ એક અલગ બારી ખોલશે. કોઈ બારીમાંથી વેદો દેખાશે, કોઈમાંથી પુરાણકથા, કોઈમાંથી ઘરની પરંપરા અને કોઈમાંથી મનુષ્યના જીવન વિશેનો એક પ્રાચીન વિચાર. પરંતુ દરેક બારીની બહાર એક જ લાંબો માર્ગ છે- આપણા પહેલાં ચાલેલી પેઢીઓનો અને પોતાના મૂળ સુધી પહોંચવા માટે ક્યારેક આગળ વધવા કરતાં થોડું પાછળ ફરવું પડે છે.


