
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા 9મા ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક’ (IIWW) 2026 દરમિયાન જળ ક્ષેત્રે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારી થઈ છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલ અને નેધરલેન્ડ્સના વાઇસ મિનિસ્ટર જાપ સ્લૂટમેકરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની તકનીકી સહાય પૂરી પાડવા અંગે સર્વસંમતિ થઈ છે.
આ દ્વિપક્ષીય સમજૂતી હેઠળ કલ્પસર પ્રોજેક્ટ માટે બે MoU સાઇન કરવામાં આવ્યા છે. આ કરાર કેન્દ્રીય જળ આયોગ (CWC), ગુજરાત સરકારના કલ્પસર વિભાગ અને નેધરલેન્ડ્સની વિશ્વવિખ્યાત સંસ્થાઓ ડેલ્ટેરેસ તથા ટીયુ ડેલ્ફ્ટ (TU Delft) વચ્ચે થયા છે. આ કરારના પરિણામે કલ્પસર યોજનાના પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને કેપેસિટી બિલ્ડિંગમાં ડચ નિષ્ણાતોનું સીધું માર્ગદર્શન મળશે.
ઉલ્લેખનીય છે કે જળ વ્યવસ્થાપનમાં નેધરલેન્ડ્સનો સદીઓ જૂનો અનુભવ ભારત માટે ખૂબ ઉપયોગી નીવડશે. નેધરલેન્ડ્સના વાઇસ મિનિસ્ટર જાપ સ્લૂટમેકરે પોતાના દેશના 100 વર્ષ જૂના પ્રખ્યાત અફસ્લુઈટડિજ્ક (Afsluitdijk) ડેમનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરિયાઈ બંધ, પૂર નિયંત્રણ અને કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમણે મેળવેલું જ્ઞાન તેઓ ભારતીય એજન્સીઓ સાથે વહેંચશે.
IIWW 2026: India and Netherlands strengthen strategic partnership in water sector
— PIB India (@PIB_India) September 24, 2026
Two MoUs signed for technical cooperation and Capacity Building on Kalpasar Project
The MoUs will facilitate technical collaboration through sharing of Dutch expertise and advanced engineering… pic.twitter.com/ham0vY81yH
આ કરાર હેઠળ ડચ સંસ્થાઓ દ્વારા દરિયાઈ ડેમ સ્ટ્રક્ચર, હાઇડ્રોલિક મોડેલિંગ, સ્લુઈસ અને પમ્પિંગ સિસ્ટમ તેમજ કોસ્ટલ પ્રોટેક્શન જેવાં જટિલ ટેકનિકલ પાસાં પર ભારતીય એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, દરિયાઈ ઇકોસિસ્ટમ અને માછલીઓના સંવર્ધન (Fish Migration) જેવી પર્યાવરણીય બાબતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જલ શક્તિ રાજ્ય મંત્રી રાજભૂષણ ચૌધરી, ગુજરાતના જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જળસંપત્તિ સચિવ અર્ચના વર્મા, પીવાના પાણી વિભાગના સચિવ અશોક કે.કે. મીણા અને ભારત સ્થિત નેધરલેન્ડ્સના રાજદૂત મરિસા ગેરાર્ડ્સ સહિત દેશ-વિદેશના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કલ્પસર પ્રોજેક્ટ શું છે?
કલ્પસર પ્રોજેક્ટ (કલ્પસર પ્રોજેક્ટ/ગલ્ફ ઓફ ખંભાત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ) ગુજરાતનો એક લાંબા સમયથી ચર્ચામાં રહેલો મહત્વાકાંક્ષી બહુહેતુક જળસંપત્તિ પ્રોજેક્ટ છે. જેનો મુખ્ય હેતુ ખંભાતના અખાતમાં લગભગ 30-34 કિમી લાંબો ડેમ બાંધીને સાબરમતી, મહી, ઢાઢર અને નર્મદા નદીઓના વહી જતા મીઠા પાણીને રોકી વિશ્વનું સૌથી મોટું દરિયાઈ મીઠા પાણીનું સરોવર બનાવવાનો છે.
ગુજરાત સરકારે 1980ના દાયકાના અંતથી આ પ્રોજેક્ટની સંભાવનાઓ અંગે વિવિધ અભ્યાસો હાથ ધર્યા હતા. 1989માં પ્રથમ કલ્પસર પ્રોજેક્ટ પ્લાન તૈયાર થયો. ત્યારબાદ 1996માં પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ અને 1999માં વધુ સ્પેશિયલ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા, જ્યારે ફાઇનલ ફિઝિબિલિટી માટેના અભ્યાસો બાદના વર્ષોમાં પણ ચાલુ રહ્યા. પાણી સંગ્રહ ઉપરાંત સિંચાઈ, પીવાના પાણી, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી, રોડ-રેલ લિંક, જમીન પુનઃપ્રાપ્તિ તથા ટાઇડલ એનર્જી જેવી બહુવિધ સંભાવનાઓ સાથે આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી છે.

