હોમપેજએક્સપ્લેઇનરઓડિશા નજીક ONGCને મળ્યો ગેસનો ભંડાર: સમુદ્રમાં ગેસ શોધવાની પ્રક્રિયા શું છે...

ઓડિશા નજીક ONGCને મળ્યો ગેસનો ભંડાર: સમુદ્રમાં ગેસ શોધવાની પ્રક્રિયા શું છે અને હવે આગળ શું

આ શોધ એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સરકારે દેશમાં દરિયાઈ તેલ-ગેસ સંશોધનને વેગ આપવા 'સમુદ્ર મંથન' નામની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજના કાર્યરત કરી છે.

- Advertisement -

ભારતના પૂર્વ કિનારે આવેલા ઓડિશાના દરિયાકાંઠેથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી ઓફશોર બેસિનમાં ગેસ મળ્યો છે. સરકારી તેલ અને ગેસ કંપની ‘ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન’ એટલે કે ONGCને આ વિસ્તારમાં કુદરતી ગેસનો એક નવો સ્ત્રોત મળી આવ્યો છે. આ શોધ દેશની ભવિષ્યની ઊર્જા સુરક્ષા માટે એક મોટો આશાસ્પદ સંકેત છે.

18 સપ્ટેમ્બરના રોજ ONGCએ મહાનદી ઓફશોર બેસિનમાં ‘MDW-28’ નામના કૂવામાંથી આ ગેસનો ભંડાર શોધી કાઢ્યો. ONGC હાલમાં ઊંડા સમુદ્રમાં તેલ અને ગેસની શોધ માટે ઝુંબેશ ચલાવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે મહાનદી બેસિનના આ ચોક્કસ વિસ્તારમાં આ કૂવો ખોદવામાં આવ્યો હતો. ભૂગર્ભશાસ્ત્રીઓ અને એન્જિનિયરોને પ્રથમ પ્રયાસમાં જ આ કૂવો મળી આવ્યો છે.

અહેવાલો મુજબ ગેસ મળ્યા બાદના પ્રારંભિક પરીક્ષણ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી કૂવામાંથી એકધારો પ્રવાહ અને એકધારી સ્થિરતા ધરાવતું ગેસનું દબાણ જોવા મળ્યું છે. જ્યારે કોઈ નવો કૂવો ખોદાય અને તેમાં સતત દબાણ સાથે ગેસ બહાર આવે ત્યારે તે એ વાતની સાબિતી આપે છે કે જમીનની નીચે ચોક્કસપણે હાઇડ્રોકાર્બનની હાજરી છે અને તે માત્ર એક નાનું પોકેટ નથી.

- Advertisement -

પરંતુ અહીં સૌથી મહત્વની અને સમજવા જેવી બાબત એ છે કે ONGCએ હજુ સુધી આ શોધમાંથી કુલ કેટલા અબજ ઘન મીટર ગેસ મળી શકે તેમ છે તેનો કોઈ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. તેથી આ શોધ હાલ પ્રાથમિક તબક્કે છે અને તેની વાસ્તવિક ક્ષમતા માપવા માટે હજુ વધુ વૈજ્ઞાનિક તપાસની જરૂર છે.

ક્યાં આવેલું છે મહાનદી બેસિન?

મહાનદી ઓફશોર બેસિન એ ભારતના પૂર્વ કિનારે આવેલું એક અત્યંત વિશાળ અને જટિલ ભૂગર્ભીય માળખું છે, જેનો વિસ્તાર જમીન પરથી શરૂ થઈને સમુદ્રના અતિ ઊંડા ભાગો સુધી ફેલાયેલો છે. ભારત સરકારની હાઇડ્રોકાર્બન ક્ષેત્રની ટેકનિકલ સંસ્થા DGHના (ડિરેક્ટરોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ) જણાવ્યા મુજબ, દરિયાના આ ઊંડા ભાગમાં હજુ સુધી બહુ ખોદકામ કે સંશોધન થયું નથી. તેથી જમીનની નીચે દરિયાના પેટાળમાં તેલ અને ગેસનો બહુ મોટો જથ્થો મળવાની પૂરેપૂરી સંભાવના છે.

આ ગેસની શોધ દરિયામાં પ્રસિદ્ધ કોણાર્ક કિનારાથી લગભગ 43 કિલોમીટર દૂર થઈ છે. ત્યાં સમુદ્ર ખુબ જ ઊંડો છે– પાણીની ઊંડાઈ જ આશરે 770 મીટર (લગભગ 2,500 ફૂટ) જેટલી છે. ONGCના ખાસ જહાજે ડ્રિલિંગ કરતી વખતે પહેલાં તો આ 770 મીટર ઊંડા પાણીને પાર કરીને સમુદ્રના તળિયા સુધી પહોંચવું પડ્યું હતું. ત્યારપછી સમુદ્રના તળિયાની જમીનમાં નીચે વધુ ડ્રિલિંગ કરીને કુલ 1,623 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન જમીનની અંદર આશરે 1,441થી 1,452 મીટરની ઊંડાઈએ પહોંચતાં જ ગેસ ધરાવતો ભંડાર મળી આવ્યો હતો.

હવે આપણને પ્રશ્ન થાય કે ગેસ મળ્યો, પણ શું ઉપયોગ તુરંત શક્ય છે? આ પ્રશ્નનો જવાબ છે– ના, હજુ થોડી વાર લાગશે.

કૂવામાંથી ગેસનો પ્રવાહ મળવો એ શોધ પ્રક્રિયાનું પ્રથમ અને અત્યંત મહત્વનું પગલું છે, પરંતુ સમગ્ર ભૂગર્ભીય વિસ્તારમાં કેટલો જથ્થો છે તે તરત જાણી શકાતું નથી. કોઈપણ શોધ પછી નિષ્ણાતોની ટીમ ભંડારનું કદ, તે કેટલા ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તેમાંથી કેટલા ટકા ગેસ બહાર કાઢી શકાય તેમ છે તેનું ઝીણવટભર્યું આકલન કરે છે.

‘શોધ’ અને ‘વ્યાવસાયિક ઉત્પાદન’ વચ્ચેનો તફાવત

આપણે એ સમજવું જરૂરી છે કે ‘ગેસની શોધ થવી’ અને ‘ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવું’ એ બે સાવ અલગ બાબતો છે. ONGCએ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલના પરિણામો ખૂબ પ્રોત્સાહક છે, પરંતુ ગેસને પાઇપલાઇન દ્વારા જમીન સુધી લાવીને બજારમાં વેચવા અંગેનો આખરી નિર્ણય લેતાં પહેલાં હજુ વધુ મૂલ્યાંકન અને વ્યાવસાયિક ચકાસણી કરવામાં આવશે.

હવે પછીના સમયમાં ONGC માટે સૌથી મહત્વનો તબક્કો શરૂ થશે, જેને પેટ્રોલિયમ ક્ષેત્રમાં ‘એપ્રેઝલ’ અથવા મૂલ્યાંકન કહેવામાં આવે છે. આ તબક્કામાં ગેસ ધરાવતા ખડકોના સ્તરનું વધુ ગહન પરીક્ષણ કરાશે. તેમાં ગેસનું દબાણ, તેનો સતત પ્રવાહ, ગેસની શુદ્ધતા અને ગુણવત્તા તેમજ આસપાસના ખડકોની રચના જેવી ટેકનિકલ બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે.

માત્ર દરિયામાં ગેસ મળી જવો પૂરતો નથી, પણ તેને બહાર કાઢવો ફાયદાકારક છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. દરિયાના ઊંડા પાણીમાંથી ગેસ બહાર કાઢવાનું કામ જમીન પરથી ગેસ કાઢવા કરતાં ખૂબ જ અઘરું અને અતિશય ખર્ચાળ હોય છે. તેથી ગેસ બહાર કાઢવામાં જેટલો ખર્ચ થાય તેના કરતાં તે ગેસ વેચીને મળનારી આવક વધારે હોવી જોઈએ. જો ખર્ચ જ વધી જાય તો ત્યાંથી ગેસ કાઢવાનો કોઈ અર્થ રહેતો નથી.

દરિયાઈ શોધખોળનું આયોજન: સિસ્મિક સરવે

દરિયાની નીચે ક્યાં તેલ કે ગેસ છે તે જાણ્યા વગર સીધું ખોદકામ કરવું ખૂબ ખર્ચાળ અને જોખમી હોય છે. તેથી વૈજ્ઞાનિકો સૌથી પહેલાં જમીન કે દરિયાની નીચેનો એક કાલ્પનિક નકશો બનાવે છે. આ માટે દરિયાની અંદર ખાસ પ્રકારના અવાજ કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્ઝ મોકલવામાં આવે છે.

આ તરંગો દરિયાના તળિયે અલગ-અલગ ખડકો અને પથ્થરો સાથે અથડાઈને પાછા આવે છે. જેમ ડૉક્ટર શરીરનો એક્સ-રે જોઈને અંદરની પરિસ્થિતિ સમજે છે તેમ વૈજ્ઞાનિકો આ પાછા આવેલા તરંગોની મદદથી દરિયાના તળિયાની નીચેનું ચિત્ર અને નકશો તૈયાર કરે છે કે કઈ જગ્યાએ તેલ અથવા ગેસ છુપાયેલો હોઈ શકે છે. આ આખી પદ્ધતિને સિસ્મિક સરવે કહેવામાં આવે છે.

સિસ્મિક નકશા પરથી જ્યારે વૈજ્ઞાનિકોને ખાતરી થાય કે કોઈ ચોક્કસ જગ્યાએ તેલ કે ગેસ ફસાયેલો હોઈ શકે છે ત્યારે જ ત્યાં મોંઘી ડ્રિલશિપ (જહાજ) મોકલીને દરિયામાં ખોદકામ કરવાનો નિર્ણય લેવાય છે. આ સિવાય ડ્રિલિંગ ચાલુ હોય ત્યારે અંદરથી બહાર આવતી માટી અને પથ્થરોના નમૂનાઓની લેબોરેટરીમાં સતત તપાસ થતી હોય છે. જો ચોક્કસ ઊંડાઈએ પહોંચ્યા પછી ગેસ મળી આવે તો તેને સુરક્ષિત રીતે સીલ કરવામાં આવે છે અને ખાસ સાધનો વડે તેનું દબાણ, જથ્થો અને ક્ષમતા માપવામાં આવે છે.

મહાનદી બેસિનમાં ભૂતકાળની સફળતાઓ

ઉલ્લેખનીય છે કે ONGC માટે મહાનદી બેસિન કોઈ સાવ અજાણ્યો પ્રદેશ નથી. આ પહેલાં વર્ષ 2024માં કંપનીને આ જ મહાનદી બેસિનમાં ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ નામના વિસ્તારોમાંથી પણ ગેસ મળી ચૂક્યો છે. હવે આ નવી ‘MDW-28’ શોધ ઉમેરાતાં આ આખા બેસિનની કિંમત અને મહત્વ અનેકગણું વધી ગયું છે.

એવું શક્ય છે કે તાજેતરની શોધ અને અગાઉની ‘ઉત્કલ’ તથા ‘કોણાર્ક’ શોધને પણ ક્લસ્ટર પદ્ધતિથી જોડી દેવામાં આવે. નોંધનીય છે કે જ્યારે દરિયામાં થોડા-થોડા અંતરે ગેસના આવા સ્ત્રોત મળે તો આ બધી જ નાની-મોટી શોધોને એક જ સેન્ટ્રલ પ્રોસેસિંગ પ્લેટફોર્મ અને પાઇપલાઇન સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને ક્લસ્ટર પદ્ધતિ કહે છે જેનાથી અબજો રૂપિયાનો મોટો ખર્ચ બચી જાય છે અને પ્રોજેક્ટ ઝડપથી પૂરો કરી શકાય છે.

રાષ્ટ્રીય યોજના ‘સમુદ્ર મંથન’નું યોગદાન

આ શોધ એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સરકારે દેશમાં દરિયાઈ તેલ-ગેસ સંશોધનને વેગ આપવા ‘સમુદ્ર મંથન’ નામની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજના કાર્યરત કરી છે. જુલાઈ 2026માં કેન્દ્ર સરકારે આ યોજના માટે 2030-31 સુધીના સમયગાળા માટે ₹84,084 કરોડનું અધધ બજેટ મંજૂર કર્યું હતું. આ યોજનાનો મુખ્ય હેતુ ઊંડા સમુદ્રમાં શોધો કરવા માટે ઓઇલ કંપનીઓને નાણાકીય અને ટેકનિકલ મદદ કરવાનો છે.

આટલું મોટું બજેટ એટલે ફાળવવામાં આવ્યું કારણ કે દરિયાના અતિશય ઊંડા પાણીમાં એક કૂવો ખોદવાનો ખર્ચ કરોડો ડોલરમાં થાય છે અને જો કૂવામાં કઈં જ ન નીકળે તો બધો ખર્ચ પાણીમાં જાય છે. આવા અત્યંત ઊંચા જોખમ અને ખર્ચ સામે કંપનીઓને રક્ષણ આપવા સરકાર ‘સમુદ્ર મંથન’ યોજના હેઠળ સબસિડી અને ડેટા સપોર્ટ પૂરો પાડે છે, જેના પરિણામે જ આજે ONGC જેવી કંપનીઓ આવી સાહસિક શોધો કરી રહી છે.

દેશ માટે આ શોધનું મહત્વ

ઉલ્લેખનીય છે કે ભારત હાલમાં પોતાની જરૂરિયાતનો મોટો ભાગનો કુદરતી ગેસ અને તેલ વિદેશથી આયાત કરે છે. આવા સમયે દેશના પોતાના સમુદ્રી સીમાડામાંથી ગેસનો નવો ભંડાર મળવો એ આયાત નિર્ભરતા ઘટાડવા તરફનું એક આશાસ્પદ પગલું છે. જો આ શોધ વ્યાવસાયિક રીતે સફળ થશે તો તેનાથી પૂર્વ ભારત અને સમગ્ર દેશના ગેસ આધારિત ઉદ્યોગોને નવું બળ મળશે.

અંતમાં ONGCના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ મહાનદીના ઊંડા સમુદ્રના પેટાળમાં છુપાયેલો ગેસનો સ્ત્રોત શોધીને કાગળ પર અને કેમેરામાં સાબિત કરી દીધો છે. હવે પછીનું કામ ગેસ શોધવાનું નથી, પરંતુ આ ભંડાર કેટલો વિશાળ છે તેને ચોક્કસ માપીને દરિયાના તળિયેથી લોકોના ઘર અને કારખાનાઓ સુધી સફળતાપૂર્વક પહોંચાડવાનું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં