હિલ્સા માછલીનું નામ આવે એટલે એટલે સહજ રીતે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનો જ વિચાર આવે. ખાસ કરીને બાંગ્લાદેશની પદ્મા અને મેઘના નદીની હિલ્સાને સ્વાદમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં પણ હિલ્સા માછલી માત્ર ખોરાક નથી, પરંતુ બંગાળી સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
સામાન્ય રીતે દર વર્ષે દુર્ગાપૂજા નજીક આવે ત્યારે બાંગ્લાદેશથી ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં હિલ્સાની આયાત થાય છે. પરંતુ વર્ષ 2026માં આ આંતરરાષ્ટ્રીય વેપારની દિશા સાવ ઊલટી થઈ ગઈ છે. આ વખતે ભારતમાંથી મોટી માત્રામાં હિલ્સા માછલી બાંગ્લાદેશ તરફ નિકાસ કરવામાં આવી રહી છે.
આ ટ્રેડ રિવર્સલની બીજી એક મહત્ત્વની વાત એ છે કે બાંગ્લાદેશ જઈ રહેલી હિલ્સાનો મોટો જથ્થો ગુજરાતમાંથી જઈ રહ્યો છે. મુખ્યત્વે શાકાહારી વસ્તી ધરાવતા ગુજરાતમાંથી માછલી નિકાસ થઈ રહી છે તે વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ તેની પાછળ ગુજરાતનું ભૂગોળ અને કુદરતી સંસાધનો રહેલાં છે. બીજું એ પણ દર્શાવે છે કે વ્યાપારમાં ગુજરાત બીજાં બાહ્ય પરિબળોને અડચણરૂપ બનવા દેતું નથી.
આંકડાઓ અનુસાર છેલ્લા બે મહિનામાં ભારતમાંથી આશરે 500 મેટ્રિક ટન હિલ્સા બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. વેપારીઓ અને નિકાસકારોનું કહેવું છે કે આવનારાં સપ્તાહોમાં વધુ 150થી 200 ટન હિલ્સા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે, જે માછલીના વેપારનો એક નવો રેકોર્ડ બનશે.
બાંગ્લાદેશને ગુજરાત પર નિર્ભર રહેવાની જરૂર કેમ પડી
અહીં પ્રશ્ન એ થાય કે બાંગ્લાદેશ પોતે વિશ્વમાં હિલ્સાના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંથી એક છે, છતાં તે બહારથી હિલ્સા કેમ ખરીદી રહ્યું છે? તેનો મુખ્ય જવાબ છે સ્થાનિક અછત. અહેવાલો મુજબ, બાંગ્લાદેશમાં હિલ્સાનું વાર્ષિક ઉત્પાદન 2022માં 5.71 લાખ ટન હતું, જે 2025 સુધીમાં ઘટીને આશરે 5 લાખ ટન જેટલું થઈ ગયું છે.
જ્યારે ઉત્પાદનમાં ઘટાડો થાય અને માંગ યથાવત્ રહે ત્યારે કુદરતી રીતે જ ભાવ વધે છે. બાંગ્લાદેશમાં સારી ગુણવત્તાની સ્થાનિક હિલ્સાના ભાવ વધીને 2,200થી 2,800 ટકા (Tk, બાંગ્લાદેશનું ચલણ) પ્રતિ કિલો સુધી પહોંચી ગયા, જેના કારણે સામાન્ય ગ્રાહકો અને વેપારીઓ માટે તે ખરીદવી મોંઘી બની ગઈ.
ગુજરાત પાસે 1,600 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકિનારો છે અને નર્મદા તથા તાપી જેવી મોટી નદીઓ છે. હિલ્સા માછલી દરિયામાંથી ઈંડા મૂકવા માટે દરિયામાંથી નદીઓ તરફ જાય છે. ગુજરાતના ભરૂચ અને નર્મદા નદી વિસ્તારમાં હિલ્સા પૂરતા પ્રમાણમાં પકડાય છે.
જ્યાં એક તરફ બાંગ્લાદેશમાં ઉત્પાદન ઘટ્યું ત્યાં બીજી તરફ ગુજરાતમાં હિલ્સાનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં હિલ્સાનું ઉત્પાદન 14,587 મેટ્રિક ટન સુધી પહોંચી ગયું, જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાંથી નદી અને દરિયાઈ વિસ્તાર મળીને કુલ ઉત્પાદનના 51% જેટલી માછલી પકડાઈ હતી.
બાંગ્લાદેશ માટે ગુજરાતની હિલ્સા ખરીદવાનું મુખ્ય આર્થિક કારણ ભાવનો મોટો તફાવત છે. ગુજરાતથી આવતી હિલ્સા બાંગ્લાદેશના લેન્ડ પોર્ટ પર આશરે Tk 500થી 700 પ્રતિ કિલોના લેન્ડિંગ ખર્ચે પહોંચે છે અને રિટેલમાં Tk 1,500થી 1,800 સુધી વેચાય છે. સ્થાનિકોને મોંઘી પદ્મા હિલ્સાની સરખામણીમાં ગુજરાતથી નિકાસ થતી માછલીઓ વધુ પોસાય એમ છે.
ગુજરાતમાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલી માછલીઓની એક ખાસિયત એ છે કે તે મોટાભાગે ‘Roe-filled’ એટલે કે પેટમાં ઈંડા ધરાવતી હિલ્સા છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઉપયોગિતા અને મૂલ્યમાં વધારો કરે છે.
અહીં એક રસપ્રદ બાબત એ છે કે પશ્ચિમ બંગાળના પરંપરાગત ગ્રાહકો ઈંડા ધરાવતી હિલ્સા કરતાં નદીની તાજી હિલ્સાના ટેક્સચર અને સ્વાદને વધુ પસંદ કરે છે. પરિણામે ગુજરાતની હિલ્સાને ભારતીય પ્રીમિયમ બજારમાં મર્યાદિત પ્રતિસાદ મળે છે, પરંતુ બાંગ્લાદેશમાં તેની માંગ ખૂબ વધી ગઈ છે.
તેનું કારણ છે કે બાંગ્લાદેશના વેપારીઓ આ હિલ્સાનો ઉપયોગ માત્ર ખાવા માટે નથી કરતા. વેપારીઓ માછલીના પેટમાંથી ઈંડા (Roe) કાઢીને તેને પ્રોસેસ કરે છે અને વિદેશી બજારોમાં ઊંચા ભાવે નિકાસ કરીને મોટો આર્થિક નફો કમાય છે.
ઈંડા કાઢ્યા પછી બાંગ્લાદેશના ચિત્તાગોંગ, કોક્સ બજાર અને સિલહટ જેવા વિસ્તારોમાં માછલીને મીઠું નાખીને સાચવવામાં આવે છે અને સૂકવીને (Dry Fish / શૂટકી) તૈયાર કરવામાં આવે છે. મોંઘી પદ્મા હિલ્સામાંથી ડ્રાય ફિશ બનાવવી પોસાય તેમ નથી, તેથી ગુજરાતની સસ્તી હિલ્સા ડ્રાય ફિશ માટે વધુ યોગ્ય છે.
હિલ્સા ગુજરાતથી બાંગ્લાદેશ કઈ રીતે પહોંચે છે
ગુજરાતમાં પકડાયેલી માછલી બાંગ્લાદેશ સુધી કેવી રીતે પહોંચે છે તે રૂટ પણ જાણવા જેવો છે. ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી પકડાયેલી હિલ્સા પહેલા પશ્ચિમ બંગાળના હાવડા હોલસેલ ફિશ માર્કેટ પહોંચાડવામાં આવે છે. ત્યાંથી તેને પેટ્રાપોલ-બેનાપોલ સરહદ મારફતે બાંગ્લાદેશમાં મોકલવામાં આવે છે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું પેટ્રાપોલ લેન્ડ પોર્ટ આ ટ્રેડ ફ્લોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. દિવસ-રાત આ સરહદ પરથી કોલ્ડ સ્ટોરેજ વાહનોથી હિલ્સાનો જથ્થો બાંગ્લાદેશ તરફ રવાના થઈ રહ્યો છે.
સામાન્ય રીતે દુર્ગાપૂજાના સમયે બાંગ્લાદેશ સરકાર ભારત માટે હિલ્સા નિકાસની વિશેષ મંજૂરી આપતી હોય છે. પરંતુ 2026માં બાંગ્લાદેશ સરકારે સ્થાનિક અછતને કારણે આયાત-નિકાસના સમીકરણો બદલવાની જરૂર પડી. સ્થાનિક સ્તરે ઓછો વપરાશ હોવા છતાં બાંગ્લાદેશ જેવા બજારમાંથી માંગ ઊભી થતાં ગુજરાતના માછીમારો અને માછલીના વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારનો સીધો લાભ મળી રહ્યો છે. તેનાથી રાજ્યના દરિયાઈ વેપાર અને માછીમારી ઉદ્યોગને આર્થિક બળ મળ્યું છે.
નિષ્ણાતોના મતે, આ ટ્રેડ ફ્લો કાયમી રહેશે કે કેમ તેનો આધાર ભવિષ્યના ઉત્પાદન પર છે. જો આગામી વર્ષોમાં બાંગ્લાદેશમાં સ્થાનિક હિલ્સાનું ઉત્પાદન ફરી વધી જશે તો આયાત ઘટી શકે છે. પરંતુ જો ત્યાં અછત રહેશે તો ગુજરાતની હિલ્સા માટે આ એક સ્થિર બજાર બની શકે છે.
આ આખી ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજાર કેવી રીતે કામ કરે છે. એક દેશમાં જે માછલીનો વપરાશ ઓછો છે અને ઉત્પાદન વધુ છે, તે માછલી બીજા દેશની અછત પૂરવામાં અને તેમના પ્રોસેસિંગ ઉદ્યોગને ચલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે.
ટૂંકમાં, બાંગ્લાદેશ પોતાની જરૂરિયાત, ઘટેલું સ્થાનિક ઉત્પાદન, ઊંચા ભાવ અને પ્રોસેસિંગ ઉદ્યોગ માટે કાચો માલ મેળવવા ગુજરાત પાસેથી હિલ્સા ખરીદી રહ્યું છે. 2026માં હિલ્સાના વેપારની આ બદલાયેલી દિશા એ સાબિત કરે છે કે બજાર અને જરૂરિયાત બદલાતાં વેપારના જૂના નિયમો પણ બદલાઈ જાય છે.


