દિલ્હીમાં 16 વર્ષીય સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ત્રણ સગીર સહિત ચારની ધરપકડ

ખેડા સામૂહિક દુષ્કર્મ ગેંગરેપ હિંદુ સગીરા

દિલ્હીમાં એક 16 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો બનાવ બન્યો છે. ગુનામાં ત્રણ સગીર અને એક 19 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

1 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં એક લાશ મળી હોવાની જાણ દિલ્હી પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં રસ્તાની બાજુમાં ખુલ્લા ખેતરમાં લાશ મળી આવી હતી. 16 વર્ષીય સગીરાના શરીર પર ચાકુના ઘા પણ જોવા મળ્યા.

સ્થાનિકોનું કહેવું છે કે મૃતદેહ મળી આવ્યો ત્યારે એક હાથ શરીરથી છૂટો પડી ગયો હતો અને શ્વાનો ખાવા માંડ્યા હતા. મૃતદેહની હાલત એ હતી કે પોલીસને શરૂઆતમાં ઓળખ કરવામાં પણ સમસ્યા નડી હતી, ત્યારબાદ મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા), 238A (પુરાવાનો નાશ કરવો) 65(1) (રેપ) અને 3(5) (સમાન ઇરાદે ગુનો આચરવો) હેઠળ FIR દાખલ કરી છે. સાથે પોક્સો એક્ટની કલમ પણ લગાડવામાં આવી છે.

આ મામલે પોલીસે ચારની ધરપકડ કરી છે, જેમાંથી ત્રણે ગેંગરેપ કર્યો હોવાનું કહેવાય છે. ચોથો આરોપી હત્યા કરવામાં સામેલ હતો.

શરૂઆતમાં ગુનો બન્યો એ સ્થળે કોઈ સાક્ષી પણ ન હતું કે સંદિગ્ધોની પણ ઓળખ થઈ શકી ન હતી. દરમ્યાન પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસતાં એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. જોકે અંધારામાં ફૂટેજ આવ્યા હોવાથી નંબર સ્પષ્ટ દેખાતો ન હતો પણ પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ ચકાસીને વાહનનું પગેરું મેળવ્યું હતું.

15 અને 16 સપ્ટેમ્બરના રોજ પોલીસે આ વાહન માટે શોધખોળ હાથ ધરી. દરમ્યાન સ્વરૂપ નગરમાં જ એક ઠેકાણે આ ટેમ્પો મળી આવ્યો હતો. પોલીસ તેના ચાલકની પૂછપરછ બાદ આખરે આરોપીઓ સુધી પહોંચી હતી.  

પોલીસે પ્રાથમિક તપાસના આધારે આપેલી જાણકારી અનુસાર 12 સપ્ટેમ્બરના રોજ સગીરા તેના મિત્રને મળવા માટે ગઈ હતી. અહીં મિત્રએ તેના અન્ય મિત્રોને પણ બોલાવ્યા હતા. ત્યારબાદ તેઓ એક ગુડ્સ કેરિંગ ટેમ્પોમાં ફરવા નીકળ્યાં હતાં. ટેમ્પો આરોપીઓમાંથી એક સગીરના ભાઈનો હોવાનું કહેવાય છે.

સગીરાના પરિવારે ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અને તેમનું કહેવું હતું કે સગીરા અગાઉ પણ અનેક વખત આ રીતે ગાયબ થઈ ગઈ હતી અને થોડા દિવસોમાં ઘરે પરત ફરતી હતી.

પૂછપરછ દરમ્યાન આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે દારૂ પીધો હતો અને આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે ફરિયાદ કરી દેશે એ ડરે હત્યા કરી નાખી હતી. મૃતકને શરીર પર ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ લાશ ફેંકી દેવામાં આવી.

પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.