
ઓડિશા સરકારે વહેલી મુક્તિની અરજી નકારી દીધા બાદ સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા કાપતા દારા સિંઘ ઉર્ફે રબિન્દ્ર સિંઘ પાલને સરકારના નિર્ણયને પડકારવા માટે મંજૂરી આપી છે. કોર્ટે દારા સિંઘને અરજીમાં સુધારો કરીને ફરીથી દાખલ કરવા જણાવીને સુનાવણી ત્રણ સપ્તાહ પછી મુકરર કરી છે.
આ પહેલાં 31 ઑગસ્ટના રોજ ઓડિશા રાજ્ય સરકારે દારા સિંઘની અરજી નકારી દીધી હતી. ત્યારબાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે થયેલી સુનાવણીમાં સરકારે પોતાના નિર્ણયની જાણકારી કોર્ટને આપી હતી, જેની નોંધ પછીથી કોર્ટે રેકર્ડ પર કરી.
દારા સિંઘે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઓડિશા રાજ્ય સરકારની રિમિશન પોલિસીનો ઉલ્લેખ કરીને વહેલી મુક્તિની માંગ કરી હતી. ગત જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ દારા સિંઘની અરજી પર નિર્ણય લે. પરંતુ 15 ઑગસ્ટની સમયમર્યાદા ચૂકી જવાયા બાદ પણ સરકારે કોઈ નિર્ણય ન લેતાં કોર્ટે ફટકાર લગાવીને કહ્યું હતું કે જો સરકાર નિર્ણય ન લઈ શકતી હોય તો કોર્ટ પોતાની રીતે આગળ વધશે. જોકે પછીથી રાજ્ય સરકારના સેન્ટન્સ રિવ્યૂ બોર્ડે દારા સિંઘની અરજી ફગાવી દીધી હતી.
હવે સુપ્રીમ કોર્ટે દારા સિંઘને રાજ્ય સરકારના નિર્ણયને પડકારવા માટે મંજૂરી આપી છે. જેના માટે તેઓ પોતાની મૂળ અરજીમાં જ સુધારા કરશે. કોર્ટ આ મામલે ત્રણ અઠવાડિયાં પછી ફરીથી સુનાવણી હાથ ધરશે.
આદેશમાં કોર્ટે કહ્યું કે, ‘રાજ્ય સરકારે 31 ઑગસ્ટ, 2026ના આદેશથી રિમિશન માટેની અરજી ફગાવી દીધી છે. આદેશની નકલ અરજદારના વકીલને સુપરત કરવામાં આવી છે. અરજદારના વકીલે અરજીમાં સુધારો કરવા માટે બે સપ્તાહનો સમય માગ્યો છે.’
દારા સિંઘને 1999ના એક હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ આજીવન કેદની સજા થઈ હતી. જાન્યુઆરી 1999માં ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોને ટોળાએ વાહનમાં જીવતા સળગાવી દીધા હતા, જેની આગેવાની કરવા બદલ દારા સિંઘને સજા થઈ હતી.
2003માં ટ્રાયલ કોર્ટે દારા સિંઘને ફાંસીની સજા ફટકારી હતી પરંતુ 2005માં ઓડિશા હાઇકોર્ટે આજીવન કેદમાં સજા તબદીલ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે.
કોર્ટમાં દારા સિંઘ તરફથી એડવોકેટ વિષ્ણુશંકર જૈને દલીલો રજૂ કરતાં કહ્યું કે દારા સિંઘ હવે 60 વર્ષના થઈ ગયા છે અને પેરોલ વગર 24 વર્ષ જેલમાં વીતાવ્યાં છે. હવે તેમને મુક્તિ મળવી જોઈએ અને રાજ્ય સરકારની પોલિસી પણ છે.
જોકે રાજ્ય સરકારે એમ કહીને અરજી ફગાવી દીધી છે કે દારા સિંઘની મુક્તિથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે. હવે આ મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

